આણંદ કૃષિ યુનિવર્સિટીએ ચેરી જેટલા કદના ટામેટાંની જાત વિકસાવી
- Team Vibrant Udyog
- 3 days ago
- 7 min read

- હજીય સંશોધનના તબક્કામાં ચેરી ટામેટાઃ સલાડ તરીકે ચેરી ટામેટાનો વપરાશ વિશેષ થાય તેવી ગણતરી
- વિશ્વના દેશોની વાત કરીએ તો બહુ જ ઓછી જગ્યાએ ખુલ્લા ખેતરમાં ચેરી ટોમેટોની ખેતી થાય છે.
- ગુજરાતમાં ખુલ્લા ખેતરમાં ચેરી ટોમેટોની વ્યાપક ખેતી શક્ય બને તો તેની નિકાસની અફાટ શક્યતાઓ રહેલી છે
- ચેરી ટોમેટોની નિકાસ કરવામાં આવે તો સ્થાનિક બજાર કરતાં બેથી ત્રણ ગણા ભાવ ઉપજી શકશે
- ચેરી ટોમેટોની ખેતી વેલાના શાક તરીકે લેવામાં આવે તો ખેડૂતો તે જ ખેતરમાં આંતરપાક તરીકે અન્ય શાકભાજી કે કઠોળની ખેતી કરીને આવકમાં વૃદ્ધિ પણ કરી શકશે
આણંદ કૃષિ યુનિવર્સિટીએ ચેરી ટોમેટો તરીકે ઓળખાતી જાત વિકસાવી છે. જોકે હજી તેની સત્તાવાર જાહેરાત કરીને ખેડૂતોને તેના વાવેતર તરફ વળવાની સૂચના આપવામાં આવી નથી. હા, આગામી ત્રણથી છ માસમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના બાગાયતી વિભાગે આ સંશોધન કર્યું છે. ગુજરાત સરકારના કૃષિ સચિવ સુધી તેની માહિતી મોકલવામાં આવી છે. કૃષિ વિભાગ તરફથી તેને લીલી ઝંડી મળે તે પછી તેની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે. ખેડૂતો માટે આવક વધારવા માટે ચેરી ટોમેટોની ખેતી એક આકર્ષક વિકલ્પ બની રહેવાની સંભાવના છે.
ચેરી ટોમેટોની ગરમ વાતાવરણમાં ટકી રહે તેવી જાત વિકસાવવામાં આવી છે. ગુજરાત જેવા અર્ધ સૂકા પ્રદેશના વાતાવરણમાં ચેરી ટોમેટો સારી રીતે ઊગી શકે તેવા છે. તેની એકરદીઠ ઉપજ પણ સારી મળે છે.
ચેરી ટોમેટોની ખાસિયતની વાત કરવામાં આવે તો તેમાં વિટામિનનું પ્રમાણ ખાસ્સું વધારે હોય છે. તેમ જ તે માનવ શરીરમાંના વિષારી તત્વોને બહાર ધકેલવાની ક્ષમતા ધરાવે છે. વાંકડિયા વાળની માફક ટામેટાના છોડના પાન વળી જાય તેવી બીમારીનો પ્રતિકાર કરવાની ક્ષમતા ચેરી ટોમેટોની વરાયટી ધરાવે છે. ટોમેટાનો છોડના પાન પર કથ્થઈ ડાઘા પડી જવાની અને તેમાં છિદ્ર પડી જવાવી સમસ્યા થાય છે. તેને અર્લિ બ્લાઈટ તરીકે ઓળખાવવામાં આવે છે. આ રોગનો પણ પ્રતિકાર કરવાની ક્ષમતા ચેરી ટોમેટો ધરાવે છે. છોડ પરથી ઉતારી લીધા પછી કુદરતી રીતે જ ચેરી ટોમેટો લાંબા સમય સુધી ટકી શકે છે. ચેરી ટોમેટો દેખાવમાં આકર્ષક છે. તેનું સીધું વેચાણ પણ કરી શકાય છે. ચેરી ટોમેટોના નિકાસની સંભાવના રહેલી છે.
ચેરી ટોમેટોની ખેતી કરવાથી ગુજરાતના ખેડૂતોને ખાસ્સો ફાયદો થાય તેમ છે. નાના અને સીમાંત ખેડૂતો તેની ખેતી કરીને સારી કમાણી કરી શકે છે. શહેરના બજારમાં અને નિકાસના બજારમાં તેની ડિમાન્ડ ખાસ્સી વધારે રહેવાની સંભાવના છે. ચેરી ટોમેટોની ખેતી ટૂંકા ગાળામાં શક્ય છે. તેની વચ્ચે બીજા પાક પણ લઈ શકાય છે. સામાન્ય ટામેટાની ખેતી કરવાથી એક એકરદીઠ થતી આવક કરતાં ચેરી ટોમેટોની ખેતી કરવાથી વધુ સારી આવક થઈ શકે છે. ચેરી ટોમેટોની ખેતી કરવા માટે પાણી પણ ઓછું જરૂર પડે છે. મોટા ટામેટાની ખેતી કરવા માટે વધુ પાણીની જરૂર પડે છે.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તથા મધ્ય ગુજરાત આણંદ, વડોદરા અને ખેડામાં ચેરી ટોમેટોની ખેતી શક્ય છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ અને ભાવનગરમાં ચેરી ટોમેટોની ખેતી શક્ય છે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં કે અન્ય સ્થળે ગ્રીન હાઉસમાં ચેરી ટોમેટોની ખેતી થઈ શકે છે. ચેરી ટોમેટોની ખેતી કરવા માટે જમીનનું પી.એચ. લેવલ 6થી 7ની રેન્જમાં હોવું જરૂરી છે. જમીનમાં પાણી વધુ ભરાઈ ન રહે તેવી નિતારવાળી હોવી જરૂરી છે. ચેરી ટોમેટોની ખેતી કરવા માટે જમીન તૈયાર કરવા આરંભમાં બે ઊંડી ખેડ કરવી જરૂરી છે. ત્યારબાદ એકવાર ઢેફાંને તોડીને સમતળ કરીને ચાસ પાડી દેવા જોઈએ. તેમાંય ડ્રીપ ઇરિગેશન-ટપક સિંચાઈથી ચેરી ટોમેટોની ખેતી કરવા માગતા ખેડૂતોએ ચાસ પાડીને પાળા પર જ છોડ લગાડવા જોઈએ.
એક એકર જમીનને ખેડીને તૈયાર કર્યા બાદ તેમાં ચેરી ટોમેટોના છોડની રોપણી કરવાના પંદર દિવસ પહેલા પહેલા 8થી 10 ટન છાણિયું ખાતર નાખવું જરૂરી છે. ત્યારબાદ રોપા લગાડવાની પહેલા પહેલા જ તેમાં દોઢ ટન જેટલું વર્મિકોમ્પોસ્ટ નાખવું જરૂરી છે. જમીનમાં જીવાત ન થાય અને પાકને રોગ ન લાગે તે માટે કડવા લીમડાંની લીંબોડીનું તેલ કાઢ્યા પછી બચતો 100થી 150 કિલો ખોળ જમીનમાં પાથરી દેવો જોઈએ. ખેતરમાં સિંચાઈના પાણી પાતી વખતે અથવા તો ટપક સિંચાઈની પાઈપ લાઈનના માધ્યમથી ચેરી ટોમેટોના પ્લાન્ટની રોપણીથી માંડીને લણણી સુધીના ગાળામાં ચારેક વાર અથવા તો દર પંદર દિવસે 200 લિટર જીવામૃતનો ડોઝ આપી દેવો જરૂરી છે. 200 લિટર જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું દસ કિલો ગોબર એક ડ્રમમાં નાખીને તેમાં દસ લિટર ગૌમૂત્ર ઉમેરવાનુ રહે છે. તેમાં એક કિલો ગોળ અને એક કિલો ચણાનો લોટ નાખવાનો રહેશે. તેમ જ જમીન માટે ઉપયોગી હ્રીજોસ્પિયર એક કિલો નાખવાનું રહે છે. આ મિશ્રણમાં 175 લિટર જેટલું પાણી ઉમેરીને પાંચથી દસ દિવસ માટે તેમાં આથો આવવા દેવો જરૂરી છે. આ ગાળા દરમિયાન સવારે અને સાંજે આ મિશ્રણને પાંચથી દસ મિનિટ માટે હલાવતા રહેવું જોઈએ.
એક એકરમાં ચેરી ટોમેટોની ખેતી કરવા માટે 50થી 60 ગ્રામ જેટલા બિયારણની જરૂર પડે છે. કોઈપણ સંજોગમાં એક કિલોથી વધુ બિયારણની જરૂર પડતી નથી. નાળિયેરના છોતરાંને સૂકાઈ જવા દઈને તેનો ભૂકો કરીને તેને નાની નાની થેલીઓમાં ભરી દઈને બીજને રોપવા માટે બેડ તૈયાર કરવા જરૂરી છે. નર્સરીમાં જે રીતે બીજમાંથી રોપા તૈયાર કરવામાં આવે છે તે જ રીતે બીજમાંથી રોપા તૈયાર કરવા માટે 20થી 25 દિવસનો સમય આપવો પડે છે. રોપા તૈયાર થઈ ગયા પછી દોઢ ફૂટ બાય બે ફૂટ અથવા બે ફૂટ બાય બે ફૂટનું બે રોપા વચ્ચે અંતર રાખીને તેને ખેતરમાં રોપી દેવાના રહેશે. આણંદ કૃષિ યુનિવર્સિટી આરંભમાં તેના બિયારણ આપવાની વ્યવસ્થા કરી શકે છે. ગુજરાત સ્ટેટ સીડ કોર્પોરેશનના માધ્યમથી પણ બિયારણ આપવાની વ્યવસ્થા કરી શકાય છે. 50 ગ્રામ બિયારણ માટે રૂ. 1000થી માંડીને રૂ. 2500નો ખર્ચ કરવો પડી શકે છે.
બિયારણની વાવણી કર્યા પછી પહેલા સાત દિવસ સુધી તેને થોડું થોડું પાણી આપવું જરૂરી છે. બીજ અંકુરિત થઈ ગયા બાત નાના નાના છોડ પર પાંદડાં બેસવાના શરૂ થાય ત્યારે દર ત્રણથી ચાર દિવસે તેને મધ્યમ પાણી આપવું જોઈએ. તેના પર ફૂલ બેસવા માંડે અને ચેરો ટોમેટો લાગવા માંડે તે ગાળામાં દર બેથી ત્રણ દિવસે તેને પાણી આપવું જરૂરી છે. ટપક સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે તો તે ચેરી ટોમેટના છોડના વિકાસ માટે વધુ લાભદાયક સાબિત થઈ શકે છે. ચેરી ટોમેટોના છોડને જરૂર કરતાં વધુ પાણી ન અપાઈ જાય તેની કાળજી રાખવી બહુ જ જરૂરી છે.
ચેરી ટોમેટોના પાકનો સમયગાળો 90 દિવસથી 110 દિવસનો છે. રોપણી કર્યા પછી ચેરી ટોમેટોના છોડ પર 60થી 70 દિવસે ટોમેટો બેસવા માંડે ત્યારે છોડ પરથી ચેરી ટોમેટો ઉતારવાનું શરૂ કરી દેવું જોઈએ. એકવાર ચેરી ટોમેટો ઉતાર્યા પછી દર ત્રણથી ચાર દિવસે એકવાર વીણાટ કરવું પડે છે. આ પ્રક્રિયા પાંચથી છ અઠવાડિયા ચાલે છે. એક સીઝનમાં 10થી 12 વાર વીણી શકાય છે. એક એકર જમીનમાં અંદાજે 8000થી 12000 કિલો ચેરી ટોમેટોના ઉતારા મળે છે.
ચેરી ટોમેટોઝના છૂટક બજારમાં કિલોદીઠ રૂ. 25થી માંડીને રૂ. 100 સુધી મળી શકે છે. તેમ જ હોલસેલ માર્કેટમાં રૂ. 25થી માંડીને રૂ. 50 સુધી મળી શકે છે. સ્થાનિક બજારમાં કે પછી કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં ચેરી ટોમેટોનું વેચાણ કરી શકાય છે. હોટેલ્સ અને રેસ્ટોરાંમાં સીધો સપ્લાય આપી શકાય છે. તેમાં હોલસેલ માર્કેટ કરતાં થોડા વધુ ભાવ મળી શકે છે. રિટેઈલ માર્કેટનું નેટવર્ક ઊભું કરવામાં આવે તો વધુ સારો નફો રળી શકાય છે. તેને માટે દુકાનના ભાડાંનો કે પછી લારી લઈને માર્કેટમાં જુદાં જુદાં વિસ્તારમાં મોકલવાનો ખર્ચ કરવો પડી શકે છે. આ પ્રક્રાયથી નફો વધી જતાં આ ખર્ચ પરવડી શકે છે. સ્ટાર બજાર અને રિલાયન્સ મોલમાં તેનો સપ્લાય આપી શકાય છે. પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ અને ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન આ કામગીરી કરી શકે છે.
ચેરી ટોમેટોઝની ખેતી કરવા માટે બિયારણનો અંદાજે રૂ.2000નો ખર્ચ આવી શકે છે. ત્યારબાદ નર્સરીમાં તેમાંથી પ્લાન્ટ ઉછેરવા માટે રૂ. 5000 સુધીનો ખર્ચ આવી શકે છે. છાણિયું ખાતર નાખવાના રૂ. 8000થી રૂ.10,000નો ખર્ચ આવી શકે છે. જીવામૃત તૈયાર કરવાનો અને બાયોપેસ્ટિસાઈડ બનાવીને છાંટવાનો રૂ. 4000 સુધીનો ખર્ચ થઈ શકે છે. સિંચાઈના પાણી આપવાનો અને પાકની દેખરેખ રાખવાનો અંદાજે રૂ. 6000 સુધીનો ખર્ચ આવી શકે છે. ચેરી ટોમેટોની લણણી કરીને પેકિંગ કરીને બજારમાં મોકલવાનો ખર્ચ તથા પરચૂરણ ખર્ચ મળીને રૂ. 8000 સુધીનો ખર્ચ આવી શકે છે. આમ કુલ ખર્ચ રૂ. 35000ની આસપાસનો આવી શકે છે.
આઠથી બાર ટનના ઉત્પાદનના અંદાજ સામે આપણે દસ ટન ઉત્પાદન આવ્યું હોવાનો અંદાજ મૂકીને બજારમાં તેના રૂ. 30થી 35 મળશે તેવી ગણતરીને આધારે ત્રિરાશી માંડીએ તો 10 ટન ચેરી ટોમેટોઝના વેચાણ થકી રૂ. 3 લાખથી માંડીને રૂ. 3,50,000ની આવક થઈ શકે છે. તેમાંથી રૂ. 35000નો ખર્ચ બાદ કરતાં રૂ. 2,65,000થી માંડીને રૂ. 3,15,000ની આવક થઈ શકે તેવો અંદાજ બાંધી શકીએ છીએ. તેનાથી પણ વધુ કરકસરયુક્ત ગણતરી કરીએ કે એક એકરમાં માત્ર 8 ટન એટલે કે 8000 કિલો ચેરી ટામેટાનું ઉત્પાદન થાય છે. બજારમાં તેનો કિલોદીઠ ભાવ રૂ. 25થી 30નો મળે છે. રૂ. 25ના કિલોદીઠ ભાવે રૂ. 2 લાખની આવક થઈ શકે છે. તેમ જ રૂ.30ના કિલોદીઠ ભાવે રૂ. 2.40 લાખની આવક થઈ શકે છે. તેમાંથી ખર્ચના નાણાં થોડા વધારીને રૂ. 40,000નો ખર્ચ ગણીને આવકમાંથી બાદબાકી કરતાં રૂ.1,60,000થી માંડીને રૂ. 2,00,000ની આવક એક સીઝનને અંતે થવાની સંભાવના છે.
ચેરી ટોમેટોની સફળ ખેતી કરવા માટે શું કરી શકાય
- ચેરી ટોમેટોના છોડને પાણીની અછત ન વર્તાય તે માટે પાણીનું બાષ્પીભવન રોકવા પ્લાન્ટના મૂળ આગળ ઝાડના ખરી પડેલા પાનનો ઢગલો કરીને ગોઠવી દઈને મલ્ચિંગ કરો.
- કડવા લીમડાંની લીંબોડીનું તેલ એક લિટરમાં 5 મિલીલિટર મિક્સ કરીને તેનો ચેરી ટોમેટોના પ્લાન્ટ પર દર અઠવાડિયે છંટકાવ કરો. તદુપરાંત ટ્રાયકોડરમા નાખીને ફૂગના રોગ લાગવા સામે રક્ષણ આપી શકાય છે.
- ચેરી ટોમેટોના પાકની વચ્ચે આંતરપાક તરીકે તુલસી, મેરિગોલ્ડ ફૂલ અને પાલક, મેથી, કોથમીર જેવાં પાક લો. તેનાથી જીવાત ઓછી લાગશે.
- ચેરી ટોમેટોની વિશ્વના દેશોમાં થતી ખેતી
- ચેરી ટોમેટોની ખેતી કેલિફોર્નિયા, ફ્લોરિડા, એરિઝોનામાં થાય છે. બહુધા તેની ખેતી ગ્રીન હાઉસમાં પ્રોટેક્ટેડ વાતાવરણમાં થાય છે. બહુ જ ઓછી જગ્યાએ ઓપન ફિલ્ડમાં એટલે કે ખુલ્લા ખેતરમાં ચેરી ટોમેટોની ખેતી થાય છે. પરિણામે ચેરી ટોમેટોની સફળ ખેતી ગુજરાતના ખેડૂતો માટે શાકભાજીના નિકાસનો નવો દરવાજો ખોલી નાખશે
- ચેરી ટોમેટોની ગ્રીનહાઉસમાં ખેતી કરીને એક એકર વિસ્તારમાં અંદાજે 20થી 25 ટનનું ઉત્પાદન મેળવી શકાતું હોવાનો અંદાજ
- ચેરી ટોમેટોના ઉપયોગ સલાડ તરીકે થઈ શકે છે. તેમ જ મેક્રોની અને ચીઝની બનાવટો ઉપર સજાવટ તરીકે ચેરી ટોમોટોનો ઉપયોગ થઈ શકે છે.
- વેલાના પાક તરીકે ચેરી ટોમેટોની ખેતી કરવામાં આવે તો આંતરપાક તરીકે કઠોળ કે અન્ય શાકભાજીની તે જ ખેતરમાં ખેતી કરીને ખેડૂતો તેમની આવકમાં વધારો પણ કરી શકે છે.
- હાઈડ્રોપોનિક્સ એટલે કે માત્ર જળનો ઉપયોગ કરીને માટી વિના પણ ચેરી ટોમેટોની ખેતી શક્ય બની શકે છે. ગુજરાત સરકારની જાહેરાત પછી આ મુદ્દે સ્પષ્ટતા થવાની સંભાવના રહેલી છે.
- નેધરલેન્ડ ચેરી ટોમેટોની ગ્રીનહાઉસમાં ખેતી કરતો વિશ્વનો મોટામાં મોટો દેશ છે. સો ટકા અંકુશિત વાતાવરણમાં તેની ખેતી કરવામાં આવે છે. તેમની એકરદીઠ ઉપજ 30થી 40 ટનની છે. જર્મની, બ્રિટન અને સ્કેન્ડેનેવિયામાં ચેરી ટોમેટોની નિકાસ કરે છે. તેનો સ્વાદ અદભૂત છે. તેમ જ જંતુંનાશક દવાઓનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા નથી.
- ઇઝરાયલમાં પણ ચેરી ટોમેટોની ખેતી થાય છે. એક એકરે 20થી 25 ટનનું ઉત્પાદન લે છે. ક્ષારયુક્ત પાણીથી સિંચાઈ કરે છે. વર્ટિકલ ફાર્મિંગ કરે છે. રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરતાં નથી.
- સ્પેન, ઇટાલી, મેક્સિકો અને ભારતમાં ચેરી ટોમેટોની ખેતી થાય છે. ચેરી ટોમેટોમાંથી સૉસ પણ બનાવી શકાય છે. વિશ્વના બજારમાં ચેરી ટોમેટોની બહુ જ મોટી માગ છે. ગુજરાતના ખેડૂતો માટે ચેરી ટોમેટોની ખેતી કરીને તેની નિકાસ કરવાની મજબૂત તક છે.
Comments