મહિલાઓના સંચાલન હેઠળ દૂધ મંડળીઓએ વિક્રમસર્જક ₹9,000 કરોડની વાર્ષિક આવક કરી
- Team Vibrant Udyog
- 1 day ago
- 2 min read
વાર્ષિક આવકમાં 43 ટકા વૃદ્ધિ, નારીશક્તિની સિદ્ધિઃ નારી સશક્તિકરણનું એક મોટું દ્રષ્ટાંત
દૂધ ઉત્પાદન ક્ષેત્રે મહિલાઓના યોગદાનમાં સતત થઈ રહેલો વધારો

ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યામાં સહકારી ક્ષેત્રે નારીશક્તિને પણ ખુબ પ્રોત્સાહન મળ્યું હોય તેવું જણાઈ આવે છે. કારણ મહિલા સંચાલિત દૂધ મંડળીઓની વાર્ષિક આવક 43% વધીને રુ. 9,000 કરોડને પાર પહોંચી છે. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે ગુજરાત સરકારે આ જાહેરાત કરી છે. આ સાથે જ મહિલાઓના સશક્તિકરણની દિશામાં કરેલી એક મહત્વની કામગીરી તરીકે આ દ્રષ્ટાંત મૂકવામાં આવ્યું છે.
સહકારીક્ષેત્રે નારીનું યોગદાન ઘણું જ મોટું છે. 5 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે રાજ્યમાં સહકારી ક્ષેત્રની સ્થિતિ જણાવતા મહત્વપૂર્ણ આંકડાઓ ગુજરાત સહકારી વિભાગે જાહેર કર્યા છે. આ આંકડાઓ અનુસાર, ગુજરાતે સહકારી ક્ષેત્રના માધ્યમથી મહિલા સશક્તિકરણ ખરા અર્થમાં પ્રોત્સાહન મળ્યું હોય તેવું જણાઈ આવે છે. ખાસ કરીને છેલ્લાં 5 વર્ષમાં (2020થી 2025) મહિલાઓની આગેવાની હેઠળની દૂધ સહકારી મંડળીઓની સંખ્યા 3,764થી 21% વધીને 4,562 સુધી પહોંચી ગઈ છે. આ આંકડાઓ પરથી અંદાજ લગાવી શકાય કે, સહકારી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને રાજ્યમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળી રહ્યું છે.
મિલ્ક યુનિયનમાં 25% મહિલાઓ
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, રાજ્યના મિલ્ક યુનિયનમાં પણ મહિલાઓની આગેવાનીમાં વધારો નોંધાયો છે. વર્ષ 2025માં મિલ્ક યુનિયનના બોર્ડમાં 82 ડિરેક્ટર્સ તરીકે 25% મહિલા સભ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં લગભગ 36 લાખ દૂધ ઉત્પાદક સભ્યો માંથી લગભગ 12 લાખ એટલે કે 32% દૂધ ઉત્પાદક સભ્યો મહિલાઓ છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, દૂધ સહકારી મંડળીઓમાં પણ મહિલા સભ્યોની સંખ્યા સતત વધી રહી છે.
એટલું જ નહીં, છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમિયાન ગ્રામીણ સ્તરની સહકારી મંડળીઓની મૅનેજમેન્ટ સમિતિઓમાં પણ મહિલાઓની ભાગીદારી 14% વધી છે. જેના કારણે આ મૅનેજમેન્ટ સમિતિઓમાં મહિલાઓની સંખ્યા 70,200થી વધીને 80,000 થઈ ગઈ છે. આ મહિલાઓ હવે ગ્રામીણ સ્તરની સહકારી મંડળીઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહી છે.
મહિલા સંચાલિત દૂધ મંડળીઓની સ્થિતિ
આ ઉપરાંત ગુજરાત કોઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF)એ પણ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે જાહેર કરેલા આંકડાં મુજબ ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ સહકારી મંડળીઓ દ્વારા મિલ્ક પ્રોક્યોરમેન્ટ (ખરીદી) 2020માં 41 લાખ લિટર પ્રતિ દિવસ (LPD)થી 39% વધીને 2025માં 57 લાખ લિટર પ્રતિ દિવસ થઈ છે, જે હાલમાં રાજ્યના કુલ મિલ્ક પ્રોક્યોરમેન્ટના લગભગ 26% છે.
વાર્ષિક આવકમાં 43%નો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ મંડળીઓ આજે સામાજિક પરિવર્તનનું પ્રતીક બની છે, સાથે આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. વર્ષ 2020માં આ મંડળીઓની અંદાજિત દૈનિક આવક રૂ. 17 કરોડ અને એ મુજબ વાર્ષિક આવક રૂ. 6,310 કરોડ હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ આંકડો વધીને 2025માં રૂ. 25 કરોડ પ્રતિ દિવસ થયો છે, જેના કારણે વાર્ષિક અંદાજિત આવક રૂ. 9,000 કરોડને પાર થઈ ગઈ છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન મહિલા સંચાલિત મંડળીઓની આવકમાં રૂ. 2,700 કરોડનો વધારો થયો છે, જે 43%ની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આ સફળતા મહિલા સશક્તિકરણના સહકારી મોડલની મજબૂતીનો પુરાવો છે.
コメント