ઑફિસ પૂરી થાય પછી બૉસના ફોન-મેસેજ કે મેઈલના જવાબ ન આપીએ તો તે યોગ્ય ગણાય?
- Team Vibrant Udyog
- Jul 19, 2022
- 5 min read

સ્માર્ટફોન્સ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયા છે એ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. મોટાભાગના લોકોની સવાર પણ ફોન ચેક કરવાથી પડે છે, અને રાત્રે મોડે સુધી ફોન જોવાની ટેવ પણ હવે તો ઘેર ઘેર જોવા મળે છે. આપણું સમાજ સાથે જોડાઈ રહેવા માટેનું, કામ કરવાનું અને એન્ટરટેનમેન્ટ મેળવવાનું સાધન હવે એક જ છે- આપણું લેપટોપ કે કોમ્પ્યુટર.
જેમ દરેક બાબતના સારા અને નરસા પાસા હોય તેમ સ્માર્ટફોન્સ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીના પણ બંને પાસા છે. તેને કારણે તમે દુનિયાના કોઈપણ ખૂણે બેઠા બેઠા પોતાનું કામ કરી શકો છો, પરંતુ એ કડવી હકીકત પણ ગળે ઉતારવી પડે કે સ્માર્ટફોન કે લેપટોપને કારણે ઘરે આવ્યા પછી પણ ઑફિસ કે કામ આપણો પીછો છોડતો નથી.
એક સમય હતો જ્યારે 9થી 5 નિષ્ઠાપૂર્વક નોકરી કર્યા બાદ કર્મચારી કામના બોજામાંથી મુક્ત થઈ જતા. હવે તો ફોન્સ અને ઈન્ટરનેટને કારણે કામના કલાકો દરમિયાન ડિસ્ટ્રેક્શન એટલું વધી ગયું છે ઘણી વાર ઑફિસના કલાકો દરમિયાન કામ પૂરું થતું નથી. આ ઉપરાંત ઘરે આવ્યા પછી પણ ફડકા સાથે વારંવાર ઓફિસના મેઈલ બોક્સ ચેક કરવાની કર્મચારીને ફરજ પડે છે.
આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી કફોડી હાલત વર્ક ફ્રોમ હોમ કરનારા કર્મચારીની છે. મોટા ભાગની કંપનીઓ આવા કર્મચારીઓને કામના કલાકો પછી પણ કામ સોંપવામાં ખચકાતી નથી. પરિણામે વર્ક લાઈફ બેલેન્સ ફક્ત કંપની પોલિસીમાં લખાતો એક શબ્દ બનીને રહી ગયો છે. વાસ્તવિક જીવનમાં કર્મચારી રજા પર હોય, ઑફિસના કલાકો પૂરા થઈ ગયા હોય કે કોઈ અંગત કારણસર બહાર ગયો હોય, તો પણ કામ કર્મચારીનો પીછો છોડતું નથી.

આટલું જ નહિ, પર્સનલ લાઈફમાં પણ હંમેશા ઉપલબ્ધ રહેવાનું પ્રેશર લોકોને સીધી કે આડકતરી રીતે સતાવી રહ્યું છે. જેમ કે, કોઈ સંબંધીનો રાત્રે સાડા આઠ વાગે ફોન આવે અને તમે ત્યારે વાત ન કરી શકો તેમ હોવ, અથવા તો વાત ન કરવા માંગતા હોવ તો પણ તમારે તેને ખોટું લાગી જશે તેવું વિચારીને ફોન ઉપાડવો જ પડે છે. મિસ્ડ કૉલ જોઈને વળતો ફોન ન કરો, કે વ્હોટ્સએપ પર જવાબ ન આપો તો સામેવાળાને માઠું લાગી જવાનું જોખમ ઘણું મોટું હોય છે. આ બાબત અનેક સંબંધોમાં તિરાડ પણ પાડી રહી છે.
આ બાબતની ગંભીરતાને જોતા લોકસભાના સભ્ય સુપ્રિયા સુલેએ લોકસભામાં 'રાઈટ ટુ ડિસકનેક્ટ' બિલ રજૂ કર્યું છે. તેમનું માનવું છે કે જીવનમાં મહત્વના નિર્ણય લેવા માટે, આત્મચિંતન કરવા માટે કે પછી થોડી રાહત માટે પણ ડિસકનેક્ટ થવું જરૂરી છે. કોઈપણ વ્યક્તિને ફોન સાથે લીધા વિના પુસ્તક વાંચવાનો કે પછી ટહેલવા જવાનો અધિકાર હોવો જ જોઈએ.
આ બિલમાં સૂચન છે કે રજાના દિવસે કે કામના કલાકો પછી કર્મચારીને તેમના બૉસને કોલ કે ઈમેઈલ કરવાની ફરજ ન પડવી જોઈએ. ઈન્ટરનેટ કનેક્ટિવિટીને કારણે અનપેઈડ ઓવરટાઈમ વર્કમાં ઘણો વધારો થઈ ગયો છે. બિલમાં સૂચન છે કે સરકાર ડિજિટલ ડિટોક્સ સેન્ટર ઊભા કરે, કાઉન્સેલિંગ પૂરુ પાડે અને આ નિયમનું પાલન ન કરનારા કર્મચારીઓને તેમના પગારના 1 ટકા જેટલી રકમ પેનલ્ટી તરીકે ફટકારે.
આ બિલ લોકસભામાં પહેલી વાર નથી રજૂ થયું સુપ્રિયા સુલે 2018થી આ કેમ્પેઈન પર કામ કરી રહ્યા છે. મેકેન્સી એન્ડ કંપનીએ પણ નોંધ્યું છે કે કોરોના પછી કર્મચારીઓ વર્ક-લાઈફ બેલેન્સને લઈને વધુ ચિંતાતુર બન્યા છે કારણ કે હવે કામ અને પર્સનલ લાઈફ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ રહી છે.

હ્યુમન રિસોર્સ કન્સલ્ટન્સી સર્વિસિસ પૂરી પાડતી આઈકન્સલ્ટ ઈન્ડિયા કંપનીના ફાઉન્ડર મીનલ ગોસ્વામી જણાવે છે, "રાઈટ ટુ ડિસકનેક્ટ જો ખરેખર કાયદો બને તો તે કર્મચારીઓના શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક પુરવાર થશે. બાકી હાલના સંજોગોમાં તો વર્ક-લાઈફ બેલેન્સ એક મિથ છે. કોઈપણ કંપનીના કર્મચારીઓ જુદી જુદી હાયરાર્કી પર કામ કરતા હોય છે. જો ઉપરથી નીચે સુધી બધા એક સરખી વિચારધારા ધરાવતા હોય તો વાંધો નથી આવતો. પરંતુ જો ઉચ્ચ અધિકારી એવું માનતા હોય કે ઑફિસના કલાકો બાદ પણ કર્મચારીએ તેમને જવાબ આપવો પડે, તો તેવા સંજોગોમાં રાઈટ ટુ ડિસકનેક્ટ લાગુ કરવું મુશ્કેલ બની જાય છે."
વર્તમાન સંજોગોમાં સ્ત્રીઓની સ્થિતિ વધુ કફોડી થાય છે. પુરુષ કર્મચારીઓ એક તબક્કે ઘરે જઈને લેપટોપ લઈને બેસે તો ખાસ વાંધો નથી આવતો પરંતુ સ્ત્રીઓ ઘરમાં પગ મૂકે એટલે તેમની પાસે અપેક્ષાઓ બદલાઈ જાય છે. આવામાં ટીમમાં જો 4 પુરુષ સભ્યો અને 2 મહિલા સભ્ય હોય અને મહિલા સભ્યો ઘરે પહોંચ્યા પછી ફોન-મેસેજ કે ઈ-મેઈલના તરત જવાબ ન આપી શકે તો તેમના પરફોર્મન્સને નબળું આંકવામાં આવે છે. તેની અસર તેમની સમગ્ર કારકિર્દી પર પડે છે. રાઈટ ટુ ડિસકનેક્ટ જો કાયદો બને તો તેનાથી મહિલા કર્મચારીઓને વિશેષ લાભ થશે તે નિશ્ચિત છે.

તમે વિકસિત દેશમાં રહો છો કે વિકાસશીલ દેશમાં તેની અસર પણ કર્મચારીની માનસિકતા પર પડે છે. એશિયાના દેશોમાં કામને પરિવાર કરતા વધારે મહત્વ આપવામાં આવે છે. લોકોના મગજમાં એવું બેસાડી દેવાયું છે કે તમે કામમાં વધુ મહેનત કરો તો તમે પરિવાર પ્રત્યે વધુ નિષ્ઠાવાન છો કે તેમને વધુ પ્રેમ કરો છો તેવું ગણાય. પાશ્ચાત્ય દેશોમાં આઈ.ટી સોલ્યુશન્સ પૂરી પાડતી આઈટી કંપની કોન્સેપ્ટસર્વના ઓનર કેયુર શાહ જણાવે છે, "પરિવારની ખુશી માટે વર્ક લાઈફ બેલેન્સ સેક્રિફાઈસ કરવા જેવી વાત છે. અમારું કામ જ એવું છે કે અમારે ક્લાયન્ટ સાથે હંમેશા જોડાયેલા રહેવું પડે છે, તેમને જવાબ આપવો પડે છે. વળી, બીજી કંપનીઓ જ્યારે 24*7 સર્વિસિસ આપતી હોય ત્યારે તમારે પણ પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે એ ધારાધોરણો અપનાવવા જરૂરી બની જાય છે."
પાશ્ચાત્ય દેશોની સરખામણીએ એશિયાઈ દેશો, ખાસ કરીને ભારતમાં પ્રતિસ્પર્ધા ગળાકાપ છે. આવામાં જે કંપનીઓ કે જે કર્મચારી પોતાની પર્સનલ લાઈફને પાછલા પાટલે ધકેલીને કામને પ્રાધાન્ય આપે તેને વધુ કામ મળે છે. પરિણામે મને-કમને બીજા કર્મચારીઓએ પણ આ સિસ્ટમનો ભાગ બનવું જ પડે છે. જો કે કેયુર એક સોલ્યુશન આપતા જણાવે છે, "ઘણી કંપનીઝમાં ટિકિટિંગ સિસ્ટમ હોય છે જેમાં તમારે તમારી સમસ્યાનું કારણ અને એ સમસ્યાથી શું ડિસ્ટર્બ થાય છે, કેટલા લોકોને તકલીફ પડે છે વગેરે વિગતો લખવી પડે છે. શું ખામીને કારણે તેમને એકલાને તકલીફ પડે છે, કંપનીને નુકસાન થાય છે વગેરેનો પણ ઉલ્લેખ કરવો પડે છે. આ વિગતોને આધારે એક્શન લેનાર ક્વેરી કેટલી ગંભીર છે તેનો ક્યાસ કાઢી શકે છે. જો બહુ ગંભીર ન હોય તો વર્કિંગ અવર્સ પછી તેના પર કામ કરવાની જરૂર નથી. પણ હા, જો તેનાથી ઘણા લોકોને અસર પડતી હોય કે તેમના કામ ખોરવાતા હોય તો એ સંજોગોમાં કામને પ્રાધાન્ય આપીને ક્વેરી સોલ્વ કરવી જોઈએ."
જો કે મીનલ ગોસ્વામીનું માનવું છે કે ભારતીય કર્મચારીઓ અને એમ્પલોયર્સ બંનેની માનસિકતામાં પરિવર્તન આવે તે ખૂબ જરૂરી છે. તેઓ જણાવે છે, "જર્મની જેવા દેશો હવે ફોર ડેઝ અ વીકનો કોન્સેપ્ટ અપનાવી રહ્યા છે ત્યારે રાઈટ ટુ ડિસકનેક્ટનો અમલ ભારતમાં એટલો મુશ્કેલ પણ ન જ હોવો જોઈએ. કંપનીઓ હવે ધીરે ધીરે ઝીરો અવર પોલિસી લાવી રહી છે જેમાં લંચના એક કલાક દરમિયાન કર્મચારીને કોઈ પણ પ્રકારના ફોન, મેઈલ કે મેસેજ કરવાની કડક મનાઈ હોય છે. આ એક ધીમી પણ પોઝિટિવ શરૂઆત છે."
ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્રાઈવેટ મેમ્બર બિલ જવલ્લે જ પસાર થાય છે. જેમ કે 36 વર્ષના લાંબા ગાળા બાદ 2015માં રાઈટ્સ ઑફ ટ્રાન્સજેન્ડર પર્સન્સ બિલ પસાર થયું હતું. આઝાદી પછી આવા ફક્ત 14 પ્રાઈવેટ મેમ્બર બિલ પાસ થયા છે. આ કારણે રાઈટ ટુ ડિસકનેક્ટ બિલ કાયદામાં પરિવર્તિત થાય તેવી શક્યતા પાંખી છે. પરંતુ જો આવું થશે તો તેનાથી કરોડો લોકોના જીવનમાં સુધારો આવશે તે નિશ્ચિત છે.

યુરોપમાં રાઈટ ટુ ડિસકનેક્ટને સમર્થન મળ્યું છેઃ
રાઈટ ટુ ડિસકનેક્ટની બાબતમાં પાશ્ચાત્ય દેશો ભારત કરતા અનેક ગણા આગળ છે. 21 જાન્યુઆરી 2021ના રોજ યુરોપિયન પાર્લામેન્ટે ખરડો પસાર કર્યો હતો જેમાં તેમણે 'ડિસકનેક્ટિંગ'ની પરિભાષા જણાવતા લખ્યું છે કે "કામના કલાકો બાદ ડિજિટલ ટૂલ્સના માધ્યમથી, સીધી કે આડકતરી કોઈપણ રીતે કામને લગતી પ્રવૃત્તિમાં જોડાવું નહિ." આ દિશામાં ફ્રાન્સે પહેલ કરી છે અને તેમાં બેલ્જિયમ, ઈટલી, આયર્લેન્ડ, સ્પેન જેવા દેશો પણ પોતપોતાના કાયદા બનાવી જોડાયા છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો સિંગાપોરની એક કર્મચારીએ તેના ફ્રાન્સના કલીગને રાત્રે 8 વાગે કામને લગતો મેઈલ કર્યો તો તેને એચ.આર તરફથી ઠપકો સાંભળવો પડ્યો હતો. આટલું જ નહિ, તેણે ફરી આવું કર્યું તો તેના બૉસે તેને મૂવી ટિકિટ્સ પકડાવી દીધી અને એચ.આરે તેને બેસાડીને ખાસ પૂછપરછ કરી કે શું તે જીવનમાં એટલી એકલી પડી ગઈ છે કે ઑફિસ અવર્સ પછી પણ કામ કરે છે?
Comments