ન્યુટ્રાસ્યુટિકલ સેક્ટરમાં 2025 સુધીમાં ગ્લોબલ લીડર બની શકે છે ભારત
- Team Vibrant Udyog
- Nov 30, 2021
- 5 min read
- કોવિડ-19 પછી બાયોફાર્મા સેક્ટરને મળ્યો જબરદસ્ત બૂસ્ટ, 22% CAGR સાથે વિકસી રહી છે ઈન્ડસ્ટ્રી
- એનિમલ હેલ્થકેરમાં પણ ફાર્માસ્યુટિકલ્સ અને એન્ટિબાયોટિક્સને બદલે ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ વાપરવાનું ચલણ વધ્યું

કોવિડ-19એ ઘણી ઈન્ડસ્ટ્રીઝના ગણિતો બદલી નાંખ્યા છે. ઘણા ઉદ્યોગો કડડભૂસ થઈને ધરાશાયી થયા તો ઘણાને કોવિડને કારણે વેગ પણ મળ્યો છે. બાયોફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી આવી જ એક ઈન્ડસ્ટ્રી છે જેણે 2020 પછી ઝડપી વિકાસ સાધ્યો છે. સ્વાસ્થ્ય અંગે લોકો જાગૃત થતા હવે પ્રોબાયોટિક, પ્રોટીન, વિટામિન્સ સપ્લિમેન્ટ લેવાનો ટ્રેન્ડ વધ્યો છે. વળી, આડઅસરની બીકે ઘણા લોકો એલોપથી દવાઓ લેવાનું પણ ટાળતા થયા છે. આ તમામનો ફાયદો બાયોફાર્મા સેક્ટરને થયો છે. આ સેક્ટરનું ભવિષ્ય કેવું છે, વિકાસની કેવી તકો છે, સરકાર શું કરી શકે તે અંગે વાઈબ્રન્ટ ઉદ્યોગે અમદાવાદની અને ભારતની અગ્રણી બાયોફાર્મા કંપની મિટિયોરિક બાયોફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર ગૌરવ કૌશિક સાથે વાત કરી હતી. બાયોફાર્મા ક્ષેત્રે 14 વર્ષથી સક્રિય આ કંપની એન્ઝાઈમ્સ, પ્રોબાયોટિક્સ, ન્યુટ્રાસ્યુટિકલ્સ, એનિમલ હેલ્થકેર પ્રોડક્ટ્સ બનાવવામાં નિપુણતા ધરાવે છે. કંપનીની ઉચ્ચ ગુણવત્તાસભર 100 કરતા પણ વધુ પ્રોડક્ટ્સની નિકાસ યુએસએ, જાપાન, બ્રાઝિલ, યુ.કે, જર્મની, સાઉથ કોરિયા, કેનેડા સહિત 70 જેટલા દેશોમાં થાય છે.
1. ભારતમાં ન્યુટ્રાસ્યુટિકલ્સનું માર્કેટ હજુ હમણાં જ વિકસિત થયું છે અને મોટા ભાગના લોકો તેનાથી અજાણ છે. આયુર્વેદ અને ન્યુટ્રાસ્યુટિકલ્સ વચ્ચેનો ભેદ પણ ઘણાને ખબર નથી. આ અંગે તમારું શું કહેવું છે? આ ક્ષેત્રના વિકાસની તકો કેવી છે અને સરકાર તેને પ્રોત્સાહન આપવા શું કરી શકે?
ન્યુટ્રાસ્યુટિકલ શબ્દ બે શબ્દોને ભેગા કરીને બનાવાયો છે- ન્યુટ્રિશન અને ફાર્માસ્યુટિકલ્સ. વિદેશમાં ન્યુટ્રાસ્યુટિકલને ડાયેટરી સપ્લિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં પ્રોબાયોટિક્સ, એન્ઝાઈમ્સ, વિટામિન્સ, મિનરલ્સ વગેરેનો સમાવેશ થાય છે. હવે લોકોની લાઈફસ્ટાઈલ ઘણી બદલાઈ ગઈ છે. ઊંચી મહત્વકાંક્ષાઓને આંબવાની દોડમાં લાઈફમાં સ્ટ્રેસ વધી ગયો છે. આ પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય જાળવી રાખવા લોકો ન્યુટ્રાસ્યુટિકલ્સનો સહારો લેતા થયા છે. ન્યુટ્રાસ્યુટિકલ્સ હાર્ડકોર ફાર્માસ્યુટિકલ્સનો સૌથી સુરક્ષિત વિકલ્પ છે. ભારતમાં હજુ પણ લોકોમાં ન્યુટ્રાસ્યુટિકલ અંગે વધારે જાગૃતિ નથી પરંતુ લોકોની ખરીદશક્તિ વધતા ધીરે ધીરે ન્યુટ્રાસ્યુટિકલનું ચલણ વધી રહ્યું છે. ગૂગલની મદદથી પણ લોકો પોતાને કઈ પ્રોડક્ટ સૂટ થશે તે અંગે સર્ચ કરી રહ્યા છે. દેશમાં અનેક MSME દ્વારા ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ બનાવીને તેની યુ.એસ, બ્રાઝિલ, યુરોપ, જાપાન જેવા દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. ભારતમાં આ માર્કેટ ભલે નવું હશે પણ તે ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. હાલ સમગ્ર વિશ્વના ન્યુટ્રાસ્યુટિકલ માર્કેટમાં 60 ટકા શેર સાથે યુ.એસ ટોચ પર છે. 2025 સુધીમાં ભારત આ સ્થાને પહોંચી જશે તેવો અંદાજ માંડવામાં આવી રહ્યો છે. FSSAI ન્યુઝ રિપોર્ટ અનુસાર ભારત $4-5 બિલિયનના માર્કેટ સાથે ગ્લોબલ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. 2025 સુધીમાં આ માર્કેટનું કદ વધીને $18 બિલિયન થાય તેવી શક્યતા છે. 2026 સુધી માર્કેટ 22%ના CAGR સાથે વિકસે તેવી શક્યતા છે.
ડિપાર્ટમેન્ટ ઑફ આયુષ, મિશન પોષણ 2.0, આત્મ નિર્ભર ભારત જેવી યોજનાઓની મદદથી ભારત સરકાર પણ લાયસન્સથી માંડીને સબસિડી અને પ્રમોશન સુધી ન્યુટ્રાસ્યુટિકલ્સ બનાવતી કંપનીઓને મદદ કરી રહી છે. ટ્રેન્ડ જોતા ભારતમાં આગામી દિવસોમાં ન્યુટ્રાસ્યુટિકલની ડિમાન્ડ વધશે તે વાતમાં શંકાને સ્થાન નથી.
2. ઈલેક્ટ્રિક વ્હીકલ્સથી માંડીને રિન્યુએબલ એનર્જી સુધી દરેક મોરચે સરકાર પર્યાવરણની જાળવણીને મહત્વ આપી રહી છે. તેમાં બાયોફાર્માસ્યુટિકલ્સ શું ભાગ ભજવી શકે છે?
અન્ય ઈન્ડસ્ટ્રીઝની સરખામણીએ બાયો ફાર્મા સેક્ટર નહિવત્ પ્રદૂષણ ફેલાવે છે. ન્યુટ્રાસ્યુટિકલ બનાવવાની સમગ્ર પ્રક્રિયા નોન સિન્થેટિક અને માઈક્રોબાયોલોજિકલ છે. વળી, આ પ્રક્રિયામાં વીજળી, પાણી, રો મટિરિયલ બધું જ ઓછા પ્રમાણમાં વપરાય છે. આમ પર્યાવરણની દૃષ્ટિએ વિચારીએ તો પણ બાયોફાર્મા સેક્ટર કન્ઝ્યુમર્સ અને સરકાર માટે ફાયદાકારક છે.
3. કોરોના પછી લોકો સ્વાસ્થ્ય અંગે ખાસ્સા જાગૃત થઈ ગયા છે. બાયોફાર્મા સેક્ટરમાં તમને વિકાસની કેવી તકો દેખાય છે?
અગાઉ જણાવ્યું તેમ બાયોફાર્માસ્યુટિકલ્સમાં વિટામિન્સ, મિનરલ્સ, પ્રોબાયોટિક્સ, એન્ઝાઈમ્સ વગેરે સ્વાસ્થ્યવર્ધક તત્વોનો સમાવેશ થાય છે. લોકો હવે રોગ થાય તો તેની દવા કરવાના બદલે રોગ જ ન થાય તેની તકેદારી લેતા થયા છે. આથી રોગ કે થેરાપીના વિકલ્પ તરીકે બાયોફાર્માની ડિમાન્ડમાં વધારો થયો છે. અગાઉ લોકો પેટ ખરાબ હોય ત્યારે જ પ્રોબાયોટિક લેતા હતા. એક સંશોધન સૂચવે છે કે પ્રોબાયોટિકને કારણે વર્ષો જૂના રોગમાં પણ રાહત મળે છે. આ પ્રકારના સંશોધનને કારણે લોકો રોગ મટાડવા જ નહિ, સ્વાસ્થ્ય જાળવવા માટે પણ પ્રોબાયોટિક લેતા થયા છે.

4. એલોપથીની સરખામણીએ બાયોફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ વધુ મોંઘી હોય છે. ભારત જેવા પ્રાઈસ-કોન્શિયસ માર્કેટમાં ટકી રહેવા બાયોફાર્મા સેક્ટર શું કરી શકે?
બાયોફાર્મા પ્રોડક્ટ્સ એલોપથી કરતા મોંઘી છે એ ફક્ત એક ગેરમાન્યતા છે. તમે ફાઈનલ રિઝલ્ટ જોશો તો બાયોફાર્મા પ્રોડક્ટ એલોપથી કરતા સસ્તી જ પડે છે. તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી, તેનાથી લાંબા ગાળાના સારા રિઝલ્ટ મળે છે. લોકોને ફક્ત બાયોફાર્મા તરફ ડાઈવર્ટ કરવાની જરૂર છે. મતલબ કે જે જે રોગ કે દુઃખાવાનો ઈલાજ બાયોફાર્મા દ્વારા થઈ શકતો હોય તેમાં એલોપથીનો ઉપયોગ ટાળવાની દિશામાં વિચારવું પડશે. એલોપથીની સાઈડ ઈફેક્ટ્સ ઘણી ગંભીર હોય છે. આ દૃષ્ટિએ વિચારીએ તો બાયોફાર્મા પ્રોડક્ટ્સ સસ્તી પડે છે. બાયોફાર્મામાં પ્રોસેસ ઓપ્ટિમાઈઝ કરવી પડે છે, જ્યારે એલોપથીમાં પ્રોડક્ટ ઓપ્ટિમાઈઝેશન પર ભાર અપાય છે. બાયોફાર્મામાં દવા બનાવવાની પ્રોસેસમાં આવડત જરૂરી છે. વળી તેમાં બધા જ જૈવિક તત્વો વપરાતા હોવાથી તેમની સ્ટેબિલિટી જાળવવી પણ મુશ્કેલ છે. તેમાં કોઈ સિન્થેટિક કેમિકલ્સ વપરાતા નથી. આ કારણે પ્રથમ દૃષ્ટિએ બાયોફાર્મા મેડિસિનના ભાવ વધુ જણાઈ શકે છે પરંતુ તેની ઈમ્પેક્ટ જોતા તો તે સરવાળે સસ્તી જ પડે છે.
5. આપણા વડાપ્રધાને આખા વિશ્વમાંથી ફાર્મા કંપનીઝને ભારતમાં વેક્સિન બનાવવા આવવાનું આમંત્રણ આપ્યું છે. કોન્ટ્રેક્ટ મેનુફેક્ચરિંગમાં સંકળાયેલી ભારતીય કંપનીઓના બિઝનેસ પર તેની કેવી અસર પડશે?
ભારત આમ પણ આખા વિશ્વનું વેક્સિન બનાવવાનું કેન્દ્ર છે. દેશની અનેક નાની-મોટી બાયોફાર્મા કંપનીઓ વેક્સિન બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. વિશ્વના બીજા દેશોની કંપનીઓને પણ ખબર છે કે સારી અને સસ્તી વેક્સિન બનાવવી હશે તો તે ઈન્ડિયામાં જ બનાવી શકાશે. વિશ્વની ફાર્મા કંપનીઓને સમજાઈ ગયું છે કે જો તેમને પ્રોડક્શન સ્કેલ અપ કરવું હશે તો તેના માટે ભારત શ્રેષ્ઠ વિકલ્પ છે. સરકાર પણ ભારતને આ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવાની દિશામાં સંન્નિષ્ઠ પ્રયત્ન કરી જ રહી છે. વેક્સિન બનાવવા ક્ષેત્રે હાલ સ્ક્રીનિંગમાં નાની કંપનીઓને મુશ્કેલી પડી રહી છે. જો સરકાર આ માટે નાની-મોટી દરેક કંપનીઓને એક સમાન તક પૂરી પાડે તો તેનાથી બાયોફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સક્રિય નાની-મધ્યમ કંપનીઓના બિઝનેસને જબરદસ્ત બૂસ્ટ મળશે.

6. કોવિડ-19 પછી દેશમાંથી થતી બાયોફાર્માસ્યૂટિકલ પ્રોડક્ટ્સની નિકાસ ફરી પાટે ચડી ગઈ છે? નિકાસ ક્ષેત્રે આ સેક્ટરનું ફ્યુચર કેવું છે?
બાયોફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની નિકાસના ક્ષેત્રે રિકવરી આવી ગઈ છે. ભારતીય હેલ્થકેર ઈન્ડસ્ટ્રી ફિનિશ્ડ ફોર્મ્યુલેશન બનાવવામાં નિપુણતા ધરાવે છે. આમ છતાં ફર્મેન્ટેડ એન્ટિબાયોટિક્સ, વિટામિન્સ, CoQ10, ગ્લુટાથાઈઓન વગેરે જેવા મહત્વના ઈન્ગ્રેડિયન્ટ્સ માટે તે ચીન પર નિર્ભર છે. CIIના એક રિપોર્ટ મુજબ નાણાંકીય વર્ષ 2019માં ભારતે રૂ. 249 બિલિયનના ઈન્ગ્રેડિયન્ટની આયાત કરી હતી.
સરકારે દૂરંદેશી રાખીને કઈ પ્રોડક્ટ્સની આયાત કરવી સરળ પડશે, કઈ પ્રોડક્ટ્સનું ઘરમેળે ઉત્પાદન વધું સારુ પડશે, ઈમ્પોર્ટ ડ્યુટીથી ભારતીય કંપનીઓને કોમ્પિટિટિવ બેનિફિટ મળશે કે નહિ તે તમામ મુદ્દે વિચાર કરીને પોલિસી ઘડવી જોઈએ. આમ કરવાથી ભારતીય કંપનીઓ વૈશ્વિક સ્તરે અન્ય કંપનીઓને ટક્કર આપી શકશે.
7. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં બાયોફાર્મા સેક્ટરને કયા કયા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે?
ભારત મહદંશે ઓફ પેટન્ટ પ્રોડક્શનમાં આગળ છે. અર્થાત્ અહીં નવા મોલેક્યુલ શોધવાને બદલે શોધાયેલા મોલેક્યુલ પર મોટે પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા વધારે છે. હવે આ વલણ ધીરે ધીરે બદલાઈ રહ્યું છે. ભારત અને ચીન ખૂબ જ ફાયદાકારક ભૌગોલિક સ્થિતિ ધરાવે છે. અર્થાત્ અહીં ઔષધીય ગુણ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વનસ્પતિનું જે પાયે ઉત્પાદન થાય છે તે બીજી ભૌગોલિક સ્થિતિમાં શક્ય નથી. બાયોફાર્મા ક્ષેત્રે રિસર્ચને આથી ઘણો મોટો સ્કોપ છે. હાલ લાંબા ગાળાની ડિમાન્ડને લઈને આ ક્ષેત્રે અનિશ્ચિતતા છે. બાયોફાર્મા ક્ષેત્રે ડિમાન્ડમાં ઘણી વધ-ઘટ થયા કરે છે અને રિસર્ચ માટેનો સમય મર્યાદિત છે. બાયોફાર્મા ક્ષેત્રે મોટા ભાગની પ્રોડક્ટ્સ તાપમાન-સંવેદનશીલ છે. આથી તેમનું ઉત્પાદન મોંઘું છે. ઔદ્યોગિક સ્તરે તેની ગુણવત્તા જાળવવી, બાયોપ્રોસેસને મોનિટર કરવી મુશ્કેલ છે. જો તેને કંટ્રોલ કરવામાં ન આવે તો પ્રોડક્ટ સાથે ટોક્સિન્સ પણ શરીરમાં પ્રવેશી શકે છે. સેક્ટર પર સારા રિઝલ્ટ મેળવવા માટે નવી ટેક્નોલોજીને અપનાવવાનું પણ ઘણું પ્રેશર છે. જો કે ઈન્ડસ્ટ્રી હવે આ બદલાવને અપનાવી રહી છે.
ધીરે ધીરે હવે આ ક્ષેત્રે સંશોધનને પ્રાથમિકતા મળી રહી છે. તેના એપ્રુવલ માટે સરકારે સરળ ફ્રેમવર્ક બનાવવું જોઈએ અને પ્રોત્સાહન આપવું જોઈએ. આમ કરવાથી બાયોફાર્મા ક્ષેત્રે રિસર્ચને વધુ વેગ મળશે.

8. દેશનું ડેરી સેક્ટર ઘણા વેગથી વિકસી રહ્યું છે. એનિમલ હેલ્થકેર પ્રોડક્ટ્સનો વિકાસ કેવો રહેશે?
તમને જાણીને નવાઈ લાગશે કે દૂધના ઉત્પાદનમાં ભારત આખા વિશ્વમાં અવ્વલ છે પરંતુ આપણા દેશમાં પશુ દીઠ દૂધનું ઉત્પાદન એટલે કે મિલ્ક યીલ્ડ આખા વિશ્વમાં સૌથી ઓછું છે. દેશના દૂધાળા પશુઓમાંથી 30 ટકા એવા છે જે ઇન્ફર્ટાઈલ એટલે કે દૂધ આપવા સક્ષમ નથી. તેમને એલોપથી કે એન્ટિબાયોટિક દવા આપવામાં આવે તો તેના અંશ દૂધમાં પણ આવે છે જે દૂધ પીનારાઓ માટે નુકસાનકારક છે. ઘણા દેશોમાં તો તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. દૂધનું કલેક્શન વધારવું હોય તો દૂધાળા પશુઓને વધુ સારુ પોષણ આપવું પડે. આ માટે ન્યુટ્રાસ્યુટિકલ અને બાયોફાર્મા મેડિસિન્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. હવે પશુપાલકોની ખરીદશક્તિ પણ વધી છે જેને કારણે તેઓ આ પ્રોડક્ટ્સ ખરીદતા થયા છે. મેસ્ટાઈટિસ જેવા રોગોમાં ન્યુટ્રાસ્યુટિકલ દવાઓ ખૂબ જ અસરકારક નીવડી રહી છે. કોવિડની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતા પણ 2021-2026ની વચ્ચે એનિમલ હેલ્થ પ્રોડક્ટ્સનું માર્કેટ 8.7% CAGRથી વિકસે તેવી શક્યતા છે.
Comentarios