એક મહિનામાં પ્રોવિડન્ટ ફંડ કચેરીમાં નવા 9.42 લાખ સભ્યની નોંધણી થઈ
યુવાનો અને મહિલાઓ માટે રોજગારીની તકમાં વધારો થયો
ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના સભ્યોને ગત અઠવાડિયે યોજાયેલા એક્ઝિબિશનમાં રૂ. 3500 કરોડના નવા ઓર્ડર મળ્યો હોવાથી ગુજરાતમાં રોજગારીની નવી તકમાં વધારો થશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનમાં મે 2025ના એક જ મહિનામાં નવા 20.06 લાખ સભ્યની નોંધણી થઈ છે. પ્રોવિડન્ટ નોંધણીમાંથી રદ થયેલા અને નવા નોંધાયેલા કર્મચારીના સરવાળા અને બાદબાકી કર્યા પછી કર્મચારીઓની નોંધણીમાં 20.06 લાખ કર્મચારીઓનો ચોખ્ખો વધારો જોવા મળે છે. એપ્રિલ 2025માં થયેલી નોંધણીની તુલનાએ આ વધારો અંદાજે 4.80 ટકાનો છે.
નવા રજિસ્ટર થયેલા કર્મચારીની સંખ્યા 9.42 લાખની છે. તેમાં 18થી 25 વર્ષની વયજૂથના 5.60 લાખ કર્મચારીઓનો સમાવેશ થાય છે. એપ્રિલની તુલનાએ યુવાનોના રજિસ્ટ્રેશનમાં જૂથમાં 14.53 ટકાનો વધારો થયો છે. આ હકીકત દર્શાવે છે કે નવ યુવાનોએ ઓર્ગેનાઈઝ સેક્ટરમાં એટલે કે સંગઠિત નોકરીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. બીજીતરફ 16.11 લાખ લોકો ફરીથી EPFO સાથે જોડાયા છે. એપ્રિલ 2025ની તુલનાએ 2.12 ટકા અને મે 2024ની તુલનાએ 14.27 ટકાનો વધારો દર્શાવે છે. આમ લાંબા ગાળાની સામાજિક સુરક્ષા વધી રહી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.
પ્રોવિડન્ટ ફંડના નવા સબસ્ક્રાઈબર્સમાં મે 2025માં 2.62 લાખ નવી મહિલા સબસ્ક્રાઇબરનો સમાવેશ થાય છે. મહિલા સબસ્ક્રાઈબર્સની વાત કરવામાં આવે તો એપ્રિલ 2025ની તુલનાએ તેમાં 7.08 ટકાનો વધારો જોવા મળ્યો છે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન-EPFOમાં મહિલાઓના રજિસ્ટ્રેશનમાં ચોખ્ખો 4.25નો ઉમેરો થયો છે. મહિલાઓના રજિસ્ટ્રેશનમાં પણ ગયા નાણાંકીય વર્ષની તુલનાએ 15.04%નો વધારો થયો છે.
ઈપીએફઓ કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવનારાઓ મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાના છે. આ રાજ્યોનો નવા રજિસ્ટ્રેશનમાં કુલ ફાળો 60 ટકાથી વધારેનો છે. તેમાં મહારાષ્ટ્રનું યોગદાન 20.33 ટકા જેટલું છે.
ટેક્સટાઈલ સેક્ટર, એક્સપર્ટ સર્વિસીસ, મેનપાવર સપ્લાયર્સ, ક્લિનિંગ એન્ડ સ્વિપિંગ સર્વિસ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને જનરલ એન્જિનિયરિંગ સેક્ટરના નોકરિયાતોના રજિસ્ટ્રેશનમાં વધારો જોવા મળ્યો છે. ફાઇનાન્સ, ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી પણ ખાસ્સા રજિસ્ટ્રેશન આવ્યા છે. ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને તાજેતરમાં જ યોજેલા એક્ઝિબિશનમાં રૂ. 3500 કરોડના નવા ઓર્ડર મળ્યા હોવાથી તેમાં રોજગારીની નવી તક નિર્માણ થવાની સંભાવના વધી છે, એમ જીજીએમએના પ્રમુખ વિજય પુરોહિતનું કહેવું છે.
કેન્દ્રીય શ્રમ, રોજગાર અને યુવા બાબતોના પ્રધાન મનસુખ મંડવિયાએ જણાવ્યું કે આ સિદ્ધિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા યુવા અને શ્રમિક માટેના અનુકૂળ સુધારાઓના પરિણામરૂપ છે. આ ભારતના સંગઠિત શ્રમિક વર્ગના મજબૂત થવાનો અને વિકસિત ભારત માટે મજબૂત શ્રમ પરિપ્રેક્ષ્ય બનાવવા સરકારના સંકલ્પનો પુરાવો છે,” આમ યુવાનો અને મહિલાઓ માટે નવી નોકરીઓની તક નિર્માણ થઈ રહી છે. તેમની લાંબાગાળાની આર્થિક સુરક્ષા વધુ સંગીન બની રહી છે.