ખાદ્યાન્નમાંથી ઇથેનોલઃ ખેડૂતોને લાભ કે પછી દેશને ગેરલાભ?
ખેડૂતો વધુ રૂપિયા કમાવવા ખાદ્યાન્નમાંથી બાયોફ્યુઅલ બનાવવા તરફ વળી જશે તો દેશની ફૂડ સિક્યોરિટી સામે પ્રશ્નાર્થ મંડાઈ જશે
બાયોફ્યુઅલ બનાવવાના ખેડૂતોને સારા રૂપિયા મળતા થશે તો વધુ લોકો કૃષિ તરફ આકર્ષાશે

પેટ્રોલના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. અમદાવાદમાં અને ગુજરાતમાં પેટ્રોલના લિટરદીઠ ભાવ રૂ.100ના મથાળાને આંબી જવામાં છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઊંચા ને ઊંચા જઈ રહ્યા છે. હાલને તબક્કે સરકાર તેની વેટની આવક જતી કરે કે તેમાં ઘટાડો કરે તો જ પેટ્રોલના ભાવ ઘટી શકે છે. પરંતુ સરકાર વિકાસના કામ માટે ટેક્સની આવક ઘટાડવા તૈયાર નથી. વિકાસના કામોમાં પૈસા ચવાઈ જાય છે તે એક સાવ જુદો જ ઇશ્યૂ છે. પેટ્રોલના ભાવ વધારાને પરિણામે શ્રીમંત અને મધ્યમ વર્ગ, આમ આદમી સહિત સંપૂર્ણ જનતા ભાવ વધારાના બોજ તળે કચડાઈ રહી છે. ઉદ્યોગોના મેન્યુફેક્ચરિંગ ખર્ચ ઊંચા જઈ રહ્યા છે. તેથી સરકાર પેટ્રોલમાં ઇથનોલનું મિશ્રણ કરવાની ટકાવારી 10 ટકાથી વધારીને 20 ટકા કરવાનું આયોજન અમલમાં મૂકવામાં છે. અગાઉ 2023થી આ આયોજનને અમલમાં મૂકવાનું નક્કી કર્યું હતું. 2030 સુધીમાં આ ટકાવારી 30 પર લઈ જવાનું આયોજન કરાયું હતું. પરંતુ પરિસ્થિતિ વિકટ બની રહી છે. તેથી આ આયોજનને પાંચ વર્ષ વહેલું પૂરું કરવાનું સરકાર વિચારી રહી છે.
ભારતમાં સુગર-ખાંડનું ઉત્પાદન સારું છે. સરકાર ઇચ્છે છે કે શેરડીમાંથી ખાંડ બનાવવા ઉપરાંત ઇથેનોલ બનાવવા પર પણ સુગર મિલો ફોકસ કરે. આ જ રીતે ભારત સરકારે બામ્બુ મિશન પણ ચાલુ કરેલું છે. સરકાર ભારતના 5000થી વધુ વિસ્તારોમાં 350 એકર જમીનમાં વાંસનું વાવેતર કરીને તેમાંથી બાયોફ્યુઅલ બનાવવા માગે છે. આ ફ્યુઅલને કોમ્પ્રેસ્ડ કરીને બાયો-સીએનજી બનાવવા માગે છે. આ પ્રોજેક્ટનો વ્યવસ્થિત અમલ થાય તો રોજના એક વિસ્તારમાંથી 6000 કિલો બાયો-સીએનજી જનરેટ કરી શકાય તેમ છે. 5000 વિસ્તારોમાં રોજના 5000 કિલો પ્રમાણે બાયો સીએનજી જનરેટ થાય તો રોજના અઢી કરોડ કિલો બાયો સીએનજી જનરેટ થઈ શકે છે. આ સીએનજી દરેક ઘરના રસોડામાં પીએનજી તરીકે સપ્લાય કરી શકાશે. તેમ જ વાહનો માટે સીએનજી તરીકે સપ્લાય કરી શકાશે.
સુગરના ભાવ ઓછા છે એટલે કે કિલોદીઠ બજાર ભાવ રૂ. 32થી 38ના છે. સુગર બન્યા પછી શેરડીના કૂચામાંથી બનાવી શકાતા ઇથેનોલના ભાવ લિટરદીઠ અંદાજે 43ની આસપાસના છે. જે સૂગરના ભાવ કરતાં ઘણાં જ ઊંચા ગણાય. પરિણામે સુગર મિલોના આર્થિક ગણિતોમાં પણ સુધારો આવશે. વિસનગરના કૃષિ નિષ્ણાત કનુભાઈ પટેલ કહે છે, “સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે લાભદાયક બની શકે છે. કારણ કે શેરડીના તેમને મળતા ભાવમાં સીધો 25 ટકાનો વધારો થઈ શકે છે. અત્યારે ક્વિન્ટલદીઠ શેરડીના ટેકાના ભાવ રૂા. 295ના છે. ટનદીઠ ભાવ રૂ. 2950ના થાય છે. તેને બદલે ખેડૂતોને રૂા. 3500થી 3650 સુધીના શેરડીના ભાવ મળતા થઈ શકે છે.” જોકે આ સેક્ટરના જાણકાર પોતાનું નામ ન આપવાની શરતે જણાવે છે, “શેરડીમાંથી સુગર બનાવે તો તેમાંથી મોલાસીસ ઓછો થઈ જાય. મોલાસીસ ઓછો થઈ જાય તો ઇથેનોલ ઓછો બને છે. મોલાસીસ વધારે તેમ ઇથેનોલ વધુ નીકળવાની સંભાવના રહેલી છે. તેથી લોકો તેનો લાભ લેવા માટે સુગર બનાવવાને બદલે ઇથેનોલના વધુ ભાવ મેળવવા સુગરને બદલે ઇથેનોલ બનાવવા તરફ વળી જાય તો તેને કારણે બજારમાં ખાંડની ખેંચ ઊભી થઈ શકે છે. આજની તારીખે ભારતની ખાંડની જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન આપણે કરીએ છીએ. તેની નિકાસ કરી શકાતી નથી. તેથી તેના ભાવ બહુ ઊંચા નથી. પરંતુ ઇથેનોલ તરફ ઢળી જાય તો તેના ભાવ ઊંચકાઈ જવાની સંભાવનાને નકારી શકાતી નથી. નિકાસના બજારમાં ભારતના ઉત્પાદકોના ભાવ સ્પર્ધાત્મક નથી. તેથી તેમાંથી ઇથેનોલ બનાવવા તરફ વળી જવાની સંભાવના વધારે છે. આ સ્થિતિ બાયોફ્યુઅલને પાત્ર દરેક ખાદ્યાન્નમાં સર્જાઈ શકે છે તેથી લાંબે ગાળે ખાદ્યાન્નની અછત ઊભી થઈ શકે છે. આમ ઈથેનોલ બનાવવા ખાદ્યાન્નનો ઉપયોગ કરવામાં આવેલો લાંબે ગાળે ફુડ સિક્યોરિટી સામે ખતરો ઊભો થઈ શકે તેવી દહેશત પણ પાયા વિનાની નથી જ નથી.”

ભારત હરિયાળી ક્રાન્તિના માધ્યમથી ખાદ્યાન્નની બાબતમાં આત્મ નિર્ભર બન્યું છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનો અંદાજ છે કે ભારતની 15 ટકા વસતિને આજેય પોષણયુક્ત આહાર મળતો નથી. કોરોનાના કહેર પછી વધુ લોકો ગરીબી રેખા નીચે ધકેલાયા છે. તેથી ખાદ્યાન્નનો ઇંધણ બનાવવા માટેનો વધુ પડતો ઉપયોગ જોખમી બની શકે છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવા માટેનું અનાજ પણ ઇથેનોલ બનાવવા તરફ ઢસડાઈ જવાની શક્યતા રહેલી છે. ડાંગર જેવા વૉટર ઇન્ટેન્સિવ-વધુ પાણી વાપરતા પાકનો આ માટે ઉપયોગ થાય તો તેને પરિણામે પાણીનો વધુ વપરાશ થઈ શકે છે. આ કારણે પાણીની તીવ્ર અછત સર્જાઈ શકે છે.
તેમ છતાંય તેનાથી અલગ મંતવ્ય વ્યક્ત કરનારાઓ છે જ છે. કૃષિ નિષ્ણાત કનુભાઈ પટેલ કહે છે, “કઠોળને બાદ કરતાં ભારત મકાઈ, ડાંગરના ઉત્પાદનમાં આત્મનિર્ભર છે. ભારત લોકોની જરૂરિયાત કરતાં ડાંગર અને મકાઈનું ઉત્પાદન વધારે કરે છે. ભારત આજે ઘઉં-ચોખાની નિકાસ કરતો દેશ થઈ ગયો છે. તેથી તેનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે કરવામાં આવે તો તેમાં કશું જ ખોટું નથી.”
તેનાથી ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ પણ મળી શકશે. બીજી તરફ સુગર મિલો ખેડૂતોને 12થી 18 મહિના પૂર્વે તેમણે આપેલી શેરડીના નાણાં ચૂકવી શકતી નથી. ઇથેનોલ બનાવવાનું વધે તો તેમને વહેલા નાણાં મળતાં થઈ શકે છે. સુગરમિલોએ અત્યારે ખેડૂતોને ચૂકવવાના નાણાંનો મોટો બોજ વેંઢારીને ચાલવું પડે છે. આ બોજમાંથી સુગર મલોને પણ મુક્તિ મળી શકે છે. બીજી તરફ ખાંડ-સાકરના ભાવમાં આવતી વધઘટ મિલોની આવકમાં વધઘટ લાવી તેમના ટેન્શન વધારે શકે છે. ઇથનોલ પર વધુ ફોકસ કરવામાં આવે તો તેનાથી સુગરમિલોનો આ બોજ હળવો થઈ શકે છે. તેને પરિણામે દેશની પેટ્રોલ-ડીઝલની આયાત પણ ઘટશે. સરકારનો અંદાજ છે કે ઇથેનોલ અને બાયોફ્યુઅલનો ઉપયોગ કરીને સરકાર 300 અબજ રૂપિયાના એટલે કે 4 અબજ ડૉલરના વિદેશી હૂંડિયામણની બચત કરી શકશે. મઢી સુગરના સૂત્રો કહે છે કે એક ટન શેરડીમાંથી અંદાજે 110 કિલો ખાંડ અને ત્યારબાદ બચતા સી-મોલાસીસ (છેલ્લો મોલાસીસ)માંથી 70થી 80 લિટર ઇથેનોલ બને છે. ખાંડ બનાવ્યા વિના જ શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવાની સરકારે હવે છૂટ આપી દીધી છે. નર્મદા સુગરના ડિસ્ટીલરી મેનેજર જ્યોતિ શર્મા કહે છે, “સો ટન શેરડીમાંથી અમને 7000 લિટર ઇથનોલ મળી જાય છે. આ ઇથેનોલ ઓઈલ કંપનીઓ ખરીદી લે છે. ઓઈલ કંપનીઓ સુગર મિલને લિટરદીઠ રૂ. 62.50ના ભાવ આપે છે. તેની સામે સો ટન શેરડીમાં 10 ટન સુગર મળે છે. આમ 100 ટન શેરડીના પીલાણમાંથી સુગર અને ઇથેનોલ બનાવવામાં સુગર મિલની આવકમાં 25થી 30 ટકાનો તફાવત આવે છે. શેરડીમાંથી સુગર બનાવી લીધા પછી બચતા સી મોલાસીસનું પ્રમાણ 100 ટને 4.7 ટન હોય છે. તેમાંથી 250 લિટર ઇથેનોલ બને છે. તેના લિટરે રૂ. 45.75ની આસપાસના ભાવ આપે છે. આ જ રીતે બી મોલાસીસ તરીક ઓળખાતા સારી ક્વોલિટીના અને ઓછું સુગર પ્રોડક્શન લીધા પછીના બી હેવ્વી મોલાસીસમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે. બી-હેવ્વી મોલાસીસમાંથી પણ ઇથેનોલ બને છે. તેમાં 54 ટકા સુગર રહેવા દેવી જરૂરી છે. તેમાંથી બનતા ઇથેનોલના લિટરદીઠ રૂ. 57નો ભાવ આપે છે.” આજ રીતે એક ટન મકાઈમાંથી 350 લિટર ઇથેનોલ બને છે. એક ટન ડાંગરમાંથી 450 લિટર ઇથેનોલ બને છે. ઇથેનોલના લિટરદીઠ ભાવ રૂ. 50થી 55 સુધી મળી શકે છે. આમ કૃષિ ઉપજમાંથી મળતું વળતર વધી શકે છે. તેથી ખેડૂતો તે પાક લેવા લલચાઈ અને વધુ ઉત્પાદન કરે તેવી સંભાવના રહેલી છે. આમ ઇથેનોલ બનાવવાથી સુગર મિલ જ નહિ, ખેતીના ગણિતો પણ બદલાઈ શકે છે. તેથી વધુ લોકો ખેતી તરફ આકર્ષાશે.
દેશમાં અંદાજે 8.20 લાખ કરોડના મૂલ્યથી વધુ રકમના ક્રૂડની આયાત કરવામાં આવે છે. ભારતની નિકાસની કુલ રકમનો ખાસ્સો મોટો હિસ્સો ક્રૂડની આયાતમાં જ ખર્ચાઈ જાય છે. આ સ્થિતિને પણ ભારત સરકાર બદલવા માગે છે. ભારત સરકાર ચોખા, મકાઈ અને સુગરમાંથી પેદા કરવામાં આવતા ઇથેનોલનો પેટ્રોલમાં મિક્સ કરવા માટે ઉપયોગ કરવા માગે છે. આ જ રીતે બાયોફ્યુઅલ બનાવવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ખાસ પ્રકારની જુવારમાંથી પણ ઇથેનોલ બની શકે છે. તેમાંથી બાયોફ્યુઅલ પણ બની શકે છે. આમ ઘણાં બધાં કૃષિ ઉત્પાદનોનો ઉપયોગ બાયોફ્યુઅલ બનાવવા માટે થઈ શકે છે. કેન્દ્ર સરકારને માથે હવામાં વધી રહેલા પ્રદુષણને ઓછુ અને દૂર કરવાનું દબાણ છે તેથી સરકાર આ દિશામાં પગલાં લઈ રહી છે. બાયોફ્યુઅલ બનાવવા ઇચ્છનારાઓને નાણાંકીય મદદ કરવાની પણ સરકારે તૈયારી દર્શાવી છે. બાયોફ્યુઅલ બનાવવા માટે સરકાર ખાદ્યાન્ન મોટી કંપનીઓને ખાદ્યાન્નનો સબસિડાઈઝ રેટથી સપ્લાય પણ આપી રહી છે.

જોકે કેટલાક કૃષિ નિષ્ણાતો સરકારના આ વલણની ટીકા કરી રહ્યા છે. ખાદ્યપદાર્થનો ઉપયોગ ઇથેનોલ જેવી વસ્તુ બનાવવા માટે કરવામાં આવશે તો સમય જતાં ખાદ્ય પદાર્થની અછત સર્જાય અને લોકોને ખાદ્યાન્ન મેળવવામાં તકલીફ પડી શકે છે અથવા તો તેના ભાવ સાતમે આસમાને પહોંચી શકે છે. ભારતની વસતિ આજે 138 કરોડની આસપાસની છે. તેમાં નજીકના ભવિષ્યમાં ઘટાડો આવે તેવા કોઈ જ નિર્દેશો મળતા નથી. તેથી જ વિશ્વના વિકસિત દેશો ખાદ્યાન્ન આધારિત બાયો ફ્યુઅલ બનાવવાની તરફેણ કરતાં નથી. તેમ છતાંય પર્યાવરણ મિત્રના મહેશ પંડ્યા કહે છે કે, “પર્યાવરણ ખરાબ છે. કોલસાથી જ નહિ, કેમિકલ ફેક્ટરીઓના પ્રદૂષણ હવામાં ભળે જ છે. નર્મદા યોજના ફૂલ ફ્લેજ ચાલુ કરે તો 18 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થઈ શકે તેમ છે. સરકાર રાજકીય હિતોને માટે અને ભ્રષ્ટાચાર કરીને તેનો ગેરલાભ લેવા માટે તેમણે જુદી જુદી યોજનાઓ તૈયાર કરી છે. આજે નર્મદા યોજના થયાના વરસો વીતી ગયા છતાંય 3થી 4 લાખ હેક્ટર જમીનને જ સિંચાઈના પાણી આપી શકીએ છે. મૂળભૂત આયોજન પ્રમાણે વીજળીનો ઉપયોગ કર્યા વિના જ ગ્રેવિટી ફોર્સથી પાણી પહોંચાડવાનું આયોજન હતું. સૌની અને અન્ય યોજના હેઠળ પાઈપલાનનો નાખવાનો વિચાર ત્યારબાદનો ફણગો છે.”
ખાદ્યાન્નના ભાવ પણ તેનાથી વધી જવાનો ખતરો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં ખાદ્યસામગ્રીના ભાવ 100 ટકા જેટલા વધી ગયા છે. કિલોદીઠ રૂ. 35થી 45ના ભાવે મળતા મગના ભાવ હાલ 70થી 80ના થઈ ગયા છે. દસથી બાર વર્ષ પહેલા જે શાકભાજી શિયાળાની સીઝનમાં કિલાદીઠ રૂા. 3થી 6ના ભાવે વેચાતા હતા તે જ શાકભાજી આજે પા કિલોના રૂા. 20થી 30માં વેચાઈ રહ્યા છે. તેનો ફાયદો ખરેખર ખેડૂતોને કેટલો મળ્યો છે તે જુદા જ સવાલ છે. વચેટિયા વેપારીઓ અને એપીએમસીના અધિકારીઓ તેમાં ભૂંડી ભૂમિકા ભજવતા હોવાની શક્યતા છે. આ સિવાયની મોંઘવારીએ અપર મિડલક્લાસને મિડલ ક્લાસ તરફ અને મિડલ ક્લાસને બિલો પોવર્ટી લાઈન તરફ ધકેલવા માંડ્યા છે. ભારત આજે ઘંઉ અને ડાંગરની બાબતમાં આત્મનિર્ભર બન્યું છે, પરંતુ ગ્લોબલ હન્ગર ઇન્ડેક્સમાં તેનું સ્થાન હજીય 94માં ક્રમે છે. તેથી ઇથેનોલ અને બાયોફ્યૂઅલ તરફ આંધળી દોટ મૂકતા પહેલા તેણે બે વાર વિચાર કરવો પણ જરૂરી છે. જોકે વિસાવદર તાલુકાના કાલસરી ગામના ખેડૂત નેતા નાગજી ભાયાણી તેનાથી ભિન્નમત ધરાવે છે.
નાગજી ભાયાણી કહે છે, “ખેતી ખોટનો ધંધો છે. નીતિન ગડકરી તેને લાભદાયી બનાવવા સક્રિય છે. કૃષિ ઉપજોમાંથી ઇથેનોલ અને સીએનજી બનાવવાની નેમ છે. સીએનજી માટે બાંબુ મિશન છે જેમાં ખેડૂતો સાડા ત્રણસો એકરમાં બાંબુની ખેતી કરશે. તેમાંથી સીએનજીનો પ્રોજેક્ટ બનાવવાનો છે. તેવા 5000 પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂરી કરવાનો ટાર્ગેટ છે. તેમાં રોજના પાંચ ટન સીએનજી પેદા થઈ શકે છે. સરકાર તેનો અંદાજે કિલોદીઠ રૂ. 46થી 48ની આસપાસની કિંમત આપે છે. હવે તેમાં વધારો થયો હોવાની શક્યતા છે. ગુજરાતમાં વિદ્યાનગરમાં આ પ્રકારના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. સરકાર બાયુફ્યુઅલ સીએનજીને બાયબેક પણ કરે છે. કોઈ કંપનીના સહયોગમાં પણ ખેડૂતો બાયોફ્યુઅલ-સીએનજી બનાવી શકે છે. તેમાં ખેડૂતોને સારો ફાયદો થાય તેમ છે. મહારાષ્ટ્રમાં ઢોરને ખાવા માટેના ગજરાજ ઘાસમાંથી પણ બાયોફ્યુઅલ બનાવાય થઈ છે. આ માટે ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન સ્થાપી રહી છે.” હા, તેની સાથે સાથે ફૂડના ભાવ ઊંચા જવાની શક્યતા પણ રહેલી છે. તે ખેડૂતોને ખાદ્યાન્નના ઉત્પાદન તરફ વળવા માટે વધુ પ્રોત્સાહન આપશે. ફૂડ ક્રાઈસિસ થવાની સંભાવના હાલને તબક્કે ઓછી જણાય છે. કેન્દ્રના અન્ન વિભાગના આંકડામાં જણાવ્યા મુજબ ડાંગરનો અનામત જથ્થો 2.18 કરોડ ટનનો છે. તેની સામે દેશની ડાંગરની વાર્ષિક જરૂરિયાત 1.35 કરોડ ટન છે.
ખેડૂતોને આર્થિક રીતે સમૃધ્ધ કરવાનું લક્ષ્ય હાંસલ કરવામાં દેશની પ્રજાને ભૂખે મરવાનો વારો ન આવે તેનો સરકારે વિશેષ ખ્યાલ રાખવો પડશે.

વાંસમાંથી રોજ અઢી કરોડ લિટર બાયો સીએનજીનું ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક
બામ્બુ (વાંસ)માંથી બાયોફ્યુઅલ બને છે. તેને બાયો સીએનજીમાં કન્વર્ટ કરી શકાય છે. ગુજરાતમાં ગુજરાત ગેસ અને અમૂલ દ્વારા બામ્બુમાંથી બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યો છે. પૂણેની એગ્રોગેસ નામની કંપની આ પ્લાન્ટ્સ બનાવી રહી છે. તેમાં વાંસને નજીક નજીક ઉગાડીને ટપક સિંચાઈથી તેને પાણી પાવાનુ હોય છે. આ બાંબુ અઢી વર્ષમાં તૈયાર થઈ જાય છે. તે એકદમ તૈયાર થઈ જાય તે પૂર્વે એટલે એકાદ વર્ષ થાય ત્યારે તે થોડા કુમળા હોય ત્યારે જ તેનો ફાલ લઈ લેવામાં આવે છે. આ બાંબુમાં સેલ્યુલોઝનું પ્રમાણ ખાસ્સું વધારે હોય છે. તેમાં માઇક્રોઓર્ગેઝમ નાખીને ટાંકીમાં 24થી 36 કલાક પડ્યા રહેવા દેવામાં આવે છે. તેમ કરવાથી તેમાંથી બાયો ગેસ પેદા થાય છે. આઠ કિલો બાંબુમાંથી એક કિલો સીએનજી પેદા થાય છે. આ ગેસમાંથી કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ અને સલ્ફર અલગ તારવીને તેને શુદ્ધ બનાવી દેવામાં આવે છે. આ બાયોગેસનું બાયો-સીએનજીમાં રૂપાંતર કરવામાં આવે છે. બાકીના કદડામાંથી 4 કિલો પેલેટ્સ બને છે. આમ 300 એકર જમીનમાં બાંબુ ઉગાડીને વરસે 1500 ટન ગેસ અને 6000 ટન પેલેટ્સનું ઉત્પાદન કરી શકાય છે. આ બધું જ મેનેજ કરવા માટે વરસે અંદાજે રૂ. 3.6 કરોડનો ખર્ચ કરવો પડે છે. તેની સામે બાયો સીએનજી થકી વરસે રૂ. 7.5 કરોડ અને પેલેટ્સ થકી વરસે રા. 4. કરોડ મળીને વરસે કુલ રૂ.11.5 કરોડની આવક મેળવી શકાય છે. આમ 300 એકરમાં વાંસની ખેતી કરીને 5 એકર જમીનમાં સીએનજી પ્લાન્ટ નાખીને રૂ. 6.9 કરોડનો નફો રળી શકાય છે. પ્લાન્ટેશન ચાલુ કર્યાના સાડા પાંચ વર્ષમાં તેના થકી આવક થવા માંડે છે. આઠથી સાડ આઠ વર્ષને અંતે તમામ ખર્ચ નીકળી જાય છે. ત્યારબાદ થતાં ખર્ચને બાદ કરતાં તમામ નફો જ રહે છે. મૂડી ખર્ચ પણ સાડા આઠ વર્ષમાં નીકળી જાય છે. આ પ્રકારના 5000 પ્લાન્ટ 2024 સુધીમાં રોડ સાઈડમાં જ બનાવવાનું કેન્દ્ર સરકારનું આયોજન છે.
બાયો સીએનજીમાં 92થી 98 ટકા મિથેન ગેસ હોય છે. તેમાં માત્ર 2.8 ટકા કાર્બન ડાયોક્સાઈડ હોય છે. બાયોગેસમાં 55થી 65 ટકા મિથેન હોય છે અને 35થી 45 ટકા કાર્બન ડાયોક્સાઈડ હોય છે. બાયોગેસ રસોડાના કચરાથી માંડીને તમામ પ્રકારના કૃષિ ઉપજના કચરામાંથી બની શકે છે. પેટ્રોલ અને ડીઝલ બંનેનો તે વિકલ્પ બની શકે છે. એલપીજી (રાંધણગેસ)ના વિકલ્પે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. હોટેલ, કેન્ટિન, બેકરી અને રિઝોર્ટ્સમાં તેનો ઉપયોગ થઈ શકે છે. ગ્લાસ (કાચ) સિરામિક અને મેટર પ્રોસેસ ઉદ્યોગમાં, સિમેન્ટ ઉદ્યોગ અને ટેક્સટાઈલ ઉદ્યોગમા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઈવેટ વાહનોમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. દૂધ પ્રોસેસ કરતાં એકમો અને પેપરનો પલ્પ બનાવતા એકમો પણ તેનો ઉપયોગ કરી શકે છે.
બાયો ગેસમાંથી જ બાયો સીએનજી બનાવી શકાય છે. તેને માટે ડિસલ્ફરાઈઝેશનની સામાન્ય પ્રક્રિયા કરીને ગેસને કોમ્પ્રેસ્ડ કરી દેવાનો હોય છે. તેમાં હાઈડ્રોજન સલ્ફેટના ઘટડો 1500 પીપીએમથી વધારો હોય તે બાયોગેસનું પહેલા ડિસલ્ફરાઈઝેશન કરવામાં આવે છે. તેથી અત્યાર બજારમાં મળતા સીએનજી જેવો જ તે બની જાય છે. તેને કોમ્પ્રેસ કરીને બોટલમાં ભરીને આપી શકાય છે. તેમાં ભેજ ઓછો અને હાઈડ્રોજન સલ્ફેટ ઓછો હોવાથી વાહનો ચલાવવા માટે ઇંધણ તરીકે અને પાવર જનરેશન પ્લાન્ટમાં ઇંધણ તરીકે વાપરી શકાય તેવું એક સારામાં સારું ઇંધણ ગણાય છે. તેની કેલરિફિક વેલ્યુ (બળતણ ક્ષમતા) અન્ય ગેસ કરતાં 167 ટકા વધારે છે. અમૂલ ડેરીના પ્રમોટર્સ વડોદરામાં રોજના 6000 કિલો બાયો-સીએનજી બનાવી શકે તેવો પ્લાન્ટ ધરાવે છે. અત્યારે ભારતમાં રોજનો અંદાજે 1 લાખ કિલોથી વધુ બાયો સીએનજી પેદા થતું હોવાનો અંદાજ છે.