યુવા પેઢીની બદલાતી માનસિકતા, હવે સારો પગાર આપશો તો જ નોકરી સ્વીકારીશ
જીવન નિભાવ ખર્ચ વધતા શહેરના વ્યાવસાયિકો વધુ પગાર પેકેજની નવી તકો શોધી રહ્યા છે
એસોસિયેશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ એકાઉન્ટન્ટ્સ(ACCA)ની વૈશ્વિક સ્તરની સંસ્થાએ તાજેતરની “India Talent Trends 2024” રિપોર્ટ મુજબ, 65 ટકા કર્મચારીઓ પોતાના વર્તમાન પગારથી ખુશ નથી. તેમાંના પચાસ ટકા લોકો માને છે કે વધુ પગાર મેળવવા પ્રયાસ કરવો તે જ હવે એકમાત્ર રસ્તો છે. તેને માટે વર્તમાન નોકરી છોડીને નવી તગડા પગારની નોકરીની શોધ તેમણે આરંભી દીધી છે.

બેન્ગલોરમાં નોકરી કરતા યુવાનનું કહેવું છે કે શહેરોમાં જીવનની કિંમત ઝડપથી વધી રહી છે. ઘરનું ભાડું, બાળકોની સંભાળ અને જીવનશૈલીના ખર્ચમાં સતત વધારો થવાથી કર્મચારીઓ આર્થિક દબાણ અનુભવી રહ્યા છે. તેથી ઘણા વ્યાવસાયિકોના મનમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું હવે પણ આ નોકરીથી ગુજરાન થશે કે નવી તકો શોધવી પડશે? આ પરિસ્થિતિ મોટાભાગના ઉદ્યોગોમાં જોવા મળે છે. ભલે આર્થિક સેવા અને એકાઉન્ટિંગ જેવા ઊંચા પગાર વાળા ક્ષેત્રોમાં પણ હવે વ્યાવસાયિકો વધારે વેતન માટે અન્ય તક શોધી રહ્યા છે. ACCAના રિપોર્ટ અનુસાર, 65 ટકા પગારદારો તેમના વર્તમાન પગારથી ખુશ નથી. લગભગ અડધા લોકોને લાગે છે કે નોકરી બદલવી જ ઉપાય છે.
બેંગલુરુ, મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં ખાસ કરીને આ વલણ તીવ્ર છે. આજના ઉમેદવારો ઓફરનું મૂલ્યાંકન માત્ર માર્કેટ રેટ પ્રમાણે કરતાં નથી. પરંતુ ભાડાં ખર્ચ, બાળકની સ્કૂલ ફી અને જીવનશૈલીના ખર્ચને ધ્યાનમાં રાખીને કરવા માંડ્યા છે. પરિણામે પગાર વધારે મેળવવા ઇચ્છા જોર મારી રહી છે.
આમેય સારો પગાર હંમેશાથી નોકરી બદલવા માટે મુખ્ય કારણ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ કારણ વધુ બળવાન બનતું જઈ રહ્યું છે. ટેક્નોલોજી ક્ષેત્રમાં 2021-22 hiring boom પછી હવે પગાર સ્થિર થયો છે. ફાઇનાન્સ અને બેન્કિંગ ક્ષેત્રમાં પણ લોકો વધુ પગાર માટે ફિનટેક કંપનીઓ કે વૈશ્વિક સર્વિસ સેન્ટરો તરફ વળી રહ્યા છે.
સારો પગાર મેળવવા 35-40 ટકા નોકરી છોડી રહેલા કર્મચારીઓ “જીવન ખર્ચ વધવો અને ઓછાપગારને તેમના નિર્ણય માટેનું પ્રેરક બળ ગણે છે. ખાસ કરીને મેટ્રો શહેરોમાં ગ્રે-કોલર અને બ્લૂ-કોલર વર્ગમાં આ અસરો વધુ સ્પષ્ટ છે. લોકો શહેર બદલતા પણ હવે ખચકાઈ રહ્યા છે. લગભગ 69 ટકા કર્મચારીઓનું કહેવું છે કે શહેર બદલવું એ આર્થિક અને માનસિક રીતે બંને રીતે મુશ્કેલ છે.
કંપનીઓએ આ પરિવર્તનને સમજવા માંડ્યું છે. તેથી જ નવા કર્મચારીઓની ભરતી માટેની તેમની જાહેરાતોમાં બદલાવ આવ્યો છે. ઇન્ડિડના પે મેપના માધ્યમથી કરવામાં આવેલા સરવેમાં નીકળેલા તારણ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં નોકરીની જાહેરાતમાં પગારની જાણકારી આપવાનું પ્રમાણ 26 ટકાથી વધીને 50 ટકા થઈ ગયું છે. લિન્ક્ડીને પણ આ અંગે કરેલા સરવેમાં જણાવ્યું મુજબ ભારતના 53 ટકા વ્યાવસાયિકો માટે પગાર સૌથી વધુ મહત્વનો બની ગયો છે. તેને આધારે જ તેઓ આ બાબતમાં નિર્ણય લેવા માંડ્યા છે. દર 3માંથી 1 વ્યક્તિ વધારે સારા પગાર માટે નોકરી બદલવા તૈયાર છે. આજના વ્યાવસાયિકો પોતાનું મૂલ્ય સારી રીતે સમજે છે અને પોતાનું સુખદ ભવિષ્ય માટે નિર્ણય લેવા તૈયાર છે. આજના કર્મચારીઓ એવા શહેર પસંદગી કરવા માંડ્યા છે કે તેમના પગાર તેમના જીવન ખર્ચ અને કરિયર વૃદ્ધિ બંને સાથે મેળ ખાય તેવા હોય છે.
જોબ માર્કેટમાં હજી પણ અસ્થિરતા છે – વૈશ્વિક અનિશ્ચિતતા, ભૌગોલિક તાણ અને રોકાણમાં ઘટાડાની સ્થિતિ અત્યારે બજારમા જોવા મળી રહી છે. આ સ્થિતિને કારણે નોકરી બદલવાનું વલણ પ્રમાણમાં થોડું ધીમું છે, છતાં પગારની બાબતમાં અસંતોષ યથાવત છે. કન્સલ્ટિંગ જેવા ક્ષેત્રોમાં ખાસ કરીને મધ્ય સ્તરના કર્મચારીઓમાં નોકરી બદલવાનું પ્રમાણ ખાસ્સુ વધારે છે.
તેથી કંપનીઓને તેમની પગારની નીતિમાં ફેરફાર લાવવાની ફરજ પડી રહી છે. પહેલા માર અનુભવ જોઈને પગારની ઓફર આપતી કંપનીઓ હવે માત્રને માત્ર કાર્યકુશળતા પર જ મદાર બાંધીને પગારની ઓફર આપતી થઈ ગઈ છે. અગાઉ ઘણી IT કંપનીઓ જીવન ખર્ચ પ્રમાણે પગારમાં ફેરફાર કરતી નહોતી, હવે કેટલીક કંપનીઓ જીવન ધોરણ પ્રમાણેના ખર્ચને ધ્યાનમાં લઈને તે પ્રમાણે પગારના પેકેજમાં સુધારાઓ કરવાનું શરૂ કરી દીધું છે. કોઈ કંપની Cost-of-Living Adjustment (COLA)ને પણ પગાર નક્કી કરવા માટેના પરિબળ તરીકે ધ્યાનમાં લે છે. આ બાબત મોંઘવારીના દબાણને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
ટોચની પાંચ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપનીઓમાંની એક ડિલોઇટનું માનવું છે કે 2025ના વર્ષ દરમિયાન સરેરાશ પગાર વધારો 8.8 ટકાની આસપાસનો રહેવાની રહેવાની શક્યતા છે. જેમા સૌથી વધુ પગાર વધારો ઊર્જા-એનર્જી, રિયલ એસ્ટેટ અને ઓટોમોબાઈલ ઉત્પાદન ક્ષેત્રમાં પગાર વધારો દસ ટકા રહેવાની શક્યતા છે, જ્યારે ટેક કન્સલ્ટિંગ અને ટેલિકોમ ક્ષેત્રમાં ઓછો વધારો રહેશે.
આ બદલાતા સમયમાં પગાર સંબંધિત પારદર્શકતા કંપનીઓ માટે મેનપાવર મેળવવાની સ્પર્ધામાં એડવાન્ટેજ આપનાનરી સાબિત થઈ રહી છે. જ્યાં પગાર ખુલ્લેઆમ જણાવવામાં આવે છે ત્યાં યોગ્ય પ્રતિભાવ મેળવવો વધુ સરળ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સારા પગારની ઓફર હોય તો જ યુવાનો નોકરી લેવા આગળ આવી રહ્યા છે.