• 9 October, 2025 - 8:58 AM

શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને લૂંટાતા અટકાવવા ગુજરાત સરકાર આટલું કરે

  • –    શાકભાજીની ગ્રેડિંગ સિસ્ટમનો ગેરલાભ ઊઠાવી રહેલા એપીએમસીના વેપારીઓ

     
  • –    એફપીઓ અને પેક્સ છૂટક બજારમાં એન્ટ્રી લઈને ખેડૂતોના હિતનું રક્ષણ કરે

image from free pik

image from free pik
 
 

કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના વેપારીઓ ખેતઉપજના ગ્રેડને આધારે તેના પૈસા ખેડૂતોને ચૂકવે છે. ખેત ઉપજને ચાર ગ્રેડમાં વિભાજિત કરવામાં આવે છે. શાકભાજીના કદ અને દેખાવને આધારે તેને સારા ભાવ આપવા કે ન આપવા તે નક્કી કરવામાં આવે છે. કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ ઓછામાં ઓછા અને વધુમાં વધુ ભાવની રેન્જ આપીને સરેરાશ ભાવ નક્કી કરે છે. ટોપના ગ્રેડને સૌથી વધુ ભાવ આપવામાં આવે છે. પરંતુ ટોપના ગ્રેડના માલનો સપ્લાય કેટલો આવ્યો તેના આંકડાં જાહેર કરવા જરૂરી છે. કારણે કે બહુધા દિવસોએ ટોપ ગ્રેડનો માલ માત્ર કુલ સપ્લાયના 5 ટકાથી પણ ઓછો હોવાનું જોવા મળે છે. આ જ રીતે ગ્રેડવાઈઝ આંકડાંઓ જાહેર કરવા જરૂરી છે. આમ ગ્રેડ પ્રમાણેના સરેરાશ સપ્લાયને પણ સરેરાશ ભાવ નક્કી કરવામાં ગણતરીમાં લેવા જરૂરી છે. ગ્રેડ પ્રમાણે સપ્લાયની ક્વોન્ટિટી મુજબ છૂટક ભાવ નક્કી કરવા જોઈએ. આ સ્થિતિમાં ટોપના ગ્રેડના માલના સપ્લાય પ્રમાણે તેને સરેરાશ ભાવ નક્કી કરવામાં વેઈટેજ આપવું જોઈએ. તેમ કરવાથી સરેરાશ ભાવ ઓછો થઈ જશે. પરિણામે વેપારીઓને નફાખોરી કરવાની ઓછો અવકાશ મળશે.

 
 

બીજું કેરળ સરકારે ખેડૂતોના હિતમાં શાકભાજીના પણ ટેકાના ભાવ જાહેર કરેલા છે. આ જ રીતે ગુજરાત સરકાર પણ ટેકાના ભાવ જાહેર કરીને વેપારીઓને તેનાથી નીચા ભાવે શાકભાજી ન ખરીદવાની ફરજ પાડે તો તેને પરિણામે ખેડૂતોને અત્યારે મળે છે તેના કરતાં ઊંચા ભાવ મળતા તેમની હાલતમાં સુધારો થશે. તેમ જ સરકારે એપીએમસીના વેપારીઓએ છ ટકાથી વધુ નફો ન કરવો તેવા નિયમો કર્યા છે તે જ રીતે હોલસેલના ભાવે શાકભાજી મળ્યા પછી તેના પર 15થી 20 ટકાથી વધુ નફો ન કરવાનો નિયમ પણ કરવો જોઈએ. તેમ કરવાથી હોલસેલ પછી સેમિહોલસેલ અને રિટેઈલર સુધી શાકભાજી જાય તે ગાળામાં 30 ટકાથી 25 ટકા જ ભાવ વધી શકશે. આ ટોચના ભાવની આ મર્યાદાને પરિણામે લોકો લૂંટાતા બચી જશે.

 
 

ત્રીજું, છૂટક વેપારીઓને ઊંચા ભાવે વેચાણ કરતાં હોવાથી થોડા શાકભાજી બગડી જાય તો તેનો પણ અફસોસ રિટેઈલર્સને થતો નથી. કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઊભી કરવા સબસિડી આપીને સરકાર બગાડ અટકાવવા પ્રયાસ કરે છે, પરંતુ બેફામ ભાવ લીધો હોવાથી બે પાંચ કિલો માલ બગડી જાય તો પણ છૂટક વેપારીઓને તેની પડી હોતી નથી. આમ એક જગ્યાએ બગાડ અટકાવવાના પ્રયાસ છે, પરંતુ ઊંચા ભાવ મળી જતાં હોવાથી બગાડ વધી રહ્યા છે. આ બગાડ સરકારની કોલ્ડસ્ટોરેજની સુવિધા આપવા માટે સબસિડી આપવાની યોજનાના ખર્ચને અમુક અંશે અર્થહીન બનાવે છે. પરિણામે બેફામ ભાવ લેતા છૂટક વેપારીને અટકાવીને પ્રજાને મોંઘવારીના બોજથી બચાવવા ઉપરાંત સરકાર ખેતઉપજના અન્ય રીતે થતાં બગાડને પણ અટકાવી શકશે.

 
 

પેક્સ-પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ અને એફપીઓ-ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન પણ ખેડૂત વતીથી છૂટક બજારમાં પ્રવેશવાનો વિકલ્પ અપનાવીને એપીએમસીમાં ગયા વિના નજીકના શહેરોમાં તેમની મંડળીના નામ સાથે ક્વોલિટી માલ વેચવાની વ્યવસ્થા કરીને ખેડૂતોને બજારમાં સારા ભાવ અપાવી શકશે. કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના કાર્ટેલમાં ચાલતા વેપારીઓની લૂંટથી બચાવવા ઉપરાંત પ્રજાને પણ ઓછા દામે સારો માલ આપવાનું સદકાર્ય કરીને પેક્સ અને એફપીઓ ખેડૂતની આવક બમણી કરવાના ગુજરાત અને ભારત સરકારના અભિયાનમાં સાથ આપીને ખેડૂતોને વધુ સદ્ધર બનાવવામાં સહયોગ આપી શકશે.

Read Previous

આજે BANK NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં શું કરશો?

Read Next

માર્ચ મહિનામાં NIFTY FUTUREમાં શું થઈ શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular