આયુર્વેદાચાર્યોને ઓપરેશનની છૂટઃ એલોપથી ડૉક્ટરોને આખરે વાંધો શું છે?

ભારત સરકારે આયુર્વેદના એક્સપર્ટ્સને તાલીમ લીધા બાદ 58 જેટલી શસ્ત્ર ક્રિયાઓ કરવાની છૂટ આપી છે. અઠવાડિયા પહેલા આ માટેનો પરિપત્ર પણ બહાર પાડી દીધો છે. ભારત સરકારના આ નિર્ણય સામે એલોપથી પ્રેક્ટિશનર્સે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડૉ. રાજન શર્મા અને માનદ સચિવ ડૉ. આર.વી. અશોકનની સહી સાથે કેન્દ્ર સરકારના આયુર્વેદાચાર્યોને ઓપરેશન-શસ્ત્ર ક્રિયા કરવાની છૂટ આપવાના નિર્ણય સામે વિરોધ કરતી એક અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છેઃ ‘સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિને કોઈપણ વાજબી કારણ આપ્યા વિના પાત્રતા ન ધરાવતા આયુર્વેદાચાર્યોને માનવ શરીરની ચીરફાડ કરવાની છૂટ આપી છે. આયુર્વેદાચાર્યો ચોક્કસ પ્રકારની શસ્ત્રક્રિયાઓ કરી શકશે તેની યાદી તેમણે જાહેર કરી દીધી છે. તેની સામે અમને વાંધો નથી. પરંતુ આ પ્રેક્ટિશનર્સને આધુનિક તબીબી શાસ્ત્રની ટેકનિકલ ટર્મિનોલોજી, ટેકનિક અને શસ્ત્રક્રિયાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો કોઈ જ અધિકાર નથી. આ લક્ષ્મણ રેખાનું તેઓ ઉલ્લંઘન કરશે તો તે માટે તેઓ પોતે જ જવાબદાર ગણાશે. આયુર્વેદાચાર્યો શસ્ત્રક્રિયા કરવા માટે તેમની પોતાની કાર્યપદ્ધતિ-પ્રોસિજર વિકસાવવી જોઈએ. કાઉન્સિલ તેમની પોતાની (શસ્ત્રક્રિયા માટેની) કાર્યપદ્ધતિ વિકસાવે તેની સામે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલને કોઈ જ વિરોધ નથી. તેમણે આધુનિક તબીબ શાસ્ત્ર દ્વારા વિકસાવવામાં આવેલી શસ્ત્રક્રિયાની પદ્ધતિનો ઉપયોગ ન કરવો જોઈએ.’ બીજા શબ્દોમાં કહીએ તો તેમાં મિક્સ અપ ન કરવું જોઈએ. તેનો જવાબ આપતા બનારસ હિન્દુ યુનિવર્સિટીના પૂર્વ ડિરેક્ટર મનોરંજન શાહુ કહે છે, “આયુર્વેદમાં શસ્ત્રક્રિયા થાય જ છે. અંદાજે 2600 વર્ષ પહેલા આયુર્વેદના ગ્રંથ સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સાનો ઉલ્લેખ થયેલો જ છે. કેટરેક્ટ-મોતિયા, ફ્રેક્ચર મેનેજમેન્ટ, પ્લાસ્ટિક સર્જરી, કીડની સ્ટોન સહિતની શસ્ત્રક્રિયાઓ અગાઉ થતી જ હતી. પરંતુ બ્રિટીશરોએ ભારત પર રાજ કર્યું તે ગાળામાં બ્રિટીશ એજ્યુકેશન સિસ્ટમ ભારતના લોકોને માથે થોપી દીધી હતી. પરિણામે આયુર્વેદિક શલ્ય ચિકિત્સાનો અપેક્ષિત પ્રચાર અને પ્રસાર થતો અટકી ગયો હતો.” તેમની આ વાતને વૈદ્ય હારિદ્ર દવે પણ સમર્થન આપે છે. હારિદ્ર દવે કહે છેઃ “ભારતમાં આયુર્વેદના પ્રાઈવેટ પ્રેક્ટિશનર્સ અને કૉલેજોમાં છેલ્લા 25 વર્ષથી આયુર્વેદાચાર્યો ઓપરેશન કરે જ છે. મોતિયો, ઝામર, વેલના ઓપરેશન આયુર્વેદિક પદ્ધતિથી થાય છે. નાકના મસાના ઓપરેશન ભારત ભરના રાજ્યોમાં કરવામાં આવે જ છે. કાનના પડદાના ઓપરેશન પણ થાય છે. ગળામાં ટોન્સિલના ઓપરેશન કે ગળામાં ગાંઠ થવાના ઓપરેશન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દાંત પાડવાનું ઓપરેશન પણ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી કરવામાં આવે છે. ગાયનેકમાં નોર્મલ ડિલીવરી અને સિઝેરિયન પણ થાય છે. એપેન્ડિક્સ, હર્નિયા,હરસ, મસા, ભગંદરના ઓપરેશન પણ આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવે છે.”

અમદાવાદમાં જ હરસ, મસા અને ભગંદરની સર્જરી કરતાં દેવેન્દ્ર શાહના દર્દીઓને હરસ, મસા અને ભગંદરની તકલીફ દાયકાઓ સુધી ફરી થતી નથી. આયુર્વેદિક પદ્ધતિથી હરસ, મસા અને ભગંદરની શસ્ત્રક્રિયા કરાવવામાં આવે તો તે સમસ્યા રિકર થવાની શક્યતા માત્ર પાંચેક ટકા જેટલી છે. જ્યારે એલોપથીમાં સમસ્યા રિકર થવાની શક્યતા 50 ટકા જેટલી ઊંચી હોવાનું હારિદ્ર દવેનું અવલોકન છે. હારિદ્ર દવે જણાવે છે કે, ” એલોપથીના પ્રેક્ટિશનર્સ ઓપરેશન કરતા આયુર્વેદાચાર્યો સામે કોર્ટમાં જતાં હતા અને કાયાદાકીય ગૂંચો ઊભી કરતાં હતા. વીમા કંપનીઓ તેમના વીમા ક્લેઈમ મંજૂર નહતી કરતી. નોટિફિકેશનને કારણે આ વિવાદો પર પડદો પડી જશે. આયુર્વેદિક સારવારને વીમા ક્લેઈમમાં સમાવી લેવાનો પરિપત્ર સરકારે ત્રણથી ચાર વર્ષ પહેલા જ કરી દીધો હતો.” મનોરંજન શાહુ કહે છે કે, “આમ તો 2016ની સાલમાં પણ ભારત સરકારે આયુર્વેદાચાર્યોને શસ્ત્રક્રિયા કરવાની છૂટ આપતી જાહેરાત કરી હતી. પરંતુ તે અંગેનું નોટિફિકેશન ન થયું હોવાથી આ મુદ્દે વધુ ચર્ચા થઈ નહોતી. હવે નોટિફિકેશન બહાર પાડ્યું તેથી હોબાળો કરવામાં આવી રહ્યો છે.” વાસ્તવમાં તેને કારણે દર્દીઓને પણ ફાયદો થશે. મહારાષ્ટ્રમાં આયુર્વેદાચાર્યો છૂટથી ઓપરેશન્સ કરી શકે છે. મહારાષ્ટ્રમાં આયુર્વેદના સર્જનો એલોપથીના સર્જન કરતાં વધુ સારા મોતિયાના ઓપરેશન્સ કરે છે. તેમની પાસે એલોપથીના પ્રેક્ટિશનર્સ પણ તેમની પાસે મોતિયાના ઓપરેશનની તાલીમ લેવા માટે આવે છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશનના હોદ્દા પર વર્ષો સુધી સેવા આપી ચૂકેલા ડૉ. બિપીન પટેલનું કહેવું છે કે, “આયુર્વેદમાં શસ્ત્રક્રિયાનું શાસ્ત્ર હોવાનો અને સુશ્રુત સંહિતામાં તેનો ઉલ્લેખ હોવાનો દાવો કરવામાં આવે છે તો તેમણે આ શાસ્ત્રને અત્યાર સુધી વિકસાવ્યું કેમ નહિ? એલોપથીના તબીબો એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરે, ત્યારબાદ માસ્ટર ઓફ સર્જરી કરે અને ત્યારબાદ કોઈ ચોક્કસ શસ્ત્રક્રિયામાં સ્પેશિયાલાઈઝેશન કરે છે. આમ વર્ષોની મહેનતને અંતે તેમને સ્પેશિયલ સર્જરી કરવાની તક મળે છે. તેની સામે સરકારે કરેલા પરિપત્ર કે નોટિફિકેશનની મદદથી આયુર્વેદના વૈદ્યો ગ્રેજ્યુએટ થાય અને ત્યારબાદ બે વર્ષ અભ્યાસ કરીને એલોપથીના એક્સપર્ટ્સની માફક ઓપરેશન કરતાં થઈ જશે. તેને કારણે કેસ બગડશે અને દર્દીઓએ ફરીથી એલોપથીના એક્સપર્ટ્સ પાસે દોડવું જ પડશે.” આયુર્વેદાચાર્યોને ઓપરેશન કરવાની છૂટ આપવાના નિર્ણયના વિરોધનું એક અઘોષિત કારણ એ પણ છે કે આયુર્વેદાચાર્યોને ઓપરેશન કરવાની છૂટ મળી જાય તો તેને પરિણામે અત્યારે ડૉક્ટર્સ દ્વારા લેવામાં આવી રહેલા જુદાં જુદાં બેફામ લેવાતા ચાર્જિસ પર બ્રેક લાગી જશે. ઉદાહરણ આપીને વાત કરીએ. ઋષભ શાહ(દર્દીનું નામ બદલ્યું છે) નામના દર્દીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ ગાળામાં અમદાવાદમાં આવેલી એક હોસ્પિટલે સતત કણસી રહેલા ઋષભ શાહને કોરોનાના દર્દી તરીકે એડમિટ થયા હોવાથી લીવરની બીમારીની સારવાર આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ હોસ્પિટલે ચાર-પાંચ દિવસ બાદ તે કોરોના નેગેટિવ હોવાનું જણાવીને તેને પાંચ છ દિવસે રજા આપી દીધી હતી. પરિણામે હતાશ થયેલા પિતાએ તેને સારવાર આપવા માટે અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી એક મોટી હોસ્પિટલનો સારવાર માટે સંપર્ક કર્યો હતો. તમને કદાચ અતિશયોક્તિ લાગશે. આ હોસ્પિટલે લીવરમાં પસ હોવાનું જણાવી તેનું ઓપરેશન કરવા માટે રૂા. 20 લાખનો ચાર્જ માગ્યો હતો. આ ચાર્જ સાંભળીને હતાશ થયેલા ઋષભના પિતાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે તેને જોઈ તપાસીને કહ્યું હતું કે તેના લીવરમાંની ગાંઠ આપો આપ જ ઓગળી જશે. કોરોનાની દવાને કારણે કદાચ થઈ હશે. આજે ઋષભ શાહ આનંદથી અને ટેન્શન વિના ઘરમાં આરામ કરી રહ્યા છે. એક જ અઠવાડિયામાં તેના કામ ધંધે ચઢી જવાનો વિચાર કરી રહ્યા છે. આ પ્રકારના કિસ્સાઓ અનેક છે. કોરોનાની સારવાર લેવા માટે ગયેલી એક વ્યક્તિનું અમદાવાદની કોર્પોરેટ હોસ્પિટલમાં અવસાન થયું હતું. આ દર્દીની પત્નીએ ત્યારબાદ કોરોના ટેસ્ટ કરાવતા તેને પણ પોઝિટિવ આવ્યો હતો. પરિણામ તે મહિલા પણ તે જ કોર્પોરેટ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ મહિલાને ચારથી પાંચ દિવસ માટે હોસ્પિટલમાં રાખીને તેમને માત્ર દવાઓ જ આપી હતી. પાંચ દિવસને અંતે તેને રૂા. 4 લાખનું બિલ પકડાવી દેવામાં આવ્યું હતું. બિલ જોઈને મહિલા હેબતાઈ ગઈ હતી. અખબારોમાં તે અંગેના અહેવાલો છપાયા પછી હોસ્પિટલના મેનેજમેન્ટને તે મહિલાને અઢી લાખ પરત કરવાની ફરજ પડી હતી.

યોગની જાલંધર બંધની પ્રક્રિયાથી દાંત પાડવાની શસ્ત્રક્રિયા આયુર્વેદમાં જાલંધરબંધની ટેકનિકથી દાંત પાડવાની શસ્ત્રક્રિયા કરી આપવામાં આવે છે. જાલંધરબંધ યોગની એક પ્રક્રિયા છે. પેશન્ટ પર એપ્લાય કરીને દાંતના તે ભાગ પર એનેસ્થેશિયાની ઇફેક્ટ આપે છે. ત્યારબાદ સાધનથી જ તેઓ દાંત ખેંચી લે છે. આ સાધનો મોડર્ન મેડિસિનના ડેન્ટિસ્ટ જેવા જ છે. મોડર્ન મેડિસિનમાં આવેલા સાધાનોની ડિઝાઈન થોડી અલગ છે. તેથી તે સાધનો તેમની પ્રોપર્ટી બની જતી નથી. આ ટેકનિકનો દર્દીઓ ફાયદો લઈ જ રહ્યા છે. નાક કપાઈ ગયું હોય તેવી વ્યક્તિને નાકા સંધાન નામની સર્જરી કરી આપવામાં આવે છે. એલોપથીમાં તેને રાઈનોપ્લાસ્ટિ(Rhinoplasty) તરીકે ઓળખાવવામાં આવે છે. આ રાઈનોપ્લાસ્ટિની કે નાકાસંધાનની ડેફિનેશન એલોપથીમાં આપવામાં આવેલી છે લગભગ તેવી જ ડેફિનેશન આયુર્વેદમાં આપવામાં આવેલી છે. આજથી 2600 વર્ષ પહેલા નાકાસંધાનની શસ્ત્રક્રિયા કરવામાં આવતી હોવાના ઉલ્લેખો મળી રહ્યા છે. હારિદ્ર દવે કહે છે, “હા, તે અરસામાં એનેસ્થેશિયાની વ્યવસ્થા નહોતી. તેથી ચાર જણ દર્દીને પકડી રાખીને તેમની શસ્ત્રક્રિયા કરતાં હતા. સૌથી પહેલી શસ્ત્રક્રિયા વૈદ્ય સુશ્રુતે જ કરી હતી. આમ આયુર્વેદમાં શસ્ત્રક્રિયા શાસ્ત્ર તો હતું જ હતું, પરંતુ સંજોગવશાત્ તેનો અપેક્ષા પ્રમાણે વિકાસ થયો નહોતો. છેલ્લા અઢી દાયકાથી તેનો વિકાસ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સરકારે કરેલી પહેલથી વધુ સંગીન વિકાસના દરવાજા ખૂલી જશે. આ જ્ઞાન હતું અને છે. તેના પર કોઈનો ઇજારો છે જ નહિ. શસ્ત્રક્રિયાનું આ જ્ઞાન એલોપથીની પ્રોપર્ટી નથી.”