કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીની કાયાપલટ કરી શકે છે કોબોટ્સ

કોબોટ્સ કન્સ્ટ્રક્શનની ઝડપ વધારી શકે, કોસ્ટ ઘટાડી શકે
રોબોને જમીનની નીચે ઉતારીને પણ કામ કરાવી શકાય
અર્થિંગ, થર્મલ-મેગ્નેટિક ઈફેક્ટ ચેક કરવા માટે રોબોનો ઉપયોગ થઈ શકે
1 રોબો 20 કારીગરની ગરજ સારી શકે છે, બિલ્ડરો પીપીપી મોડેલ પર રોબો ખરીદી શકે
રોબોથી કન્સ્ટ્રક્શનના સમય અને કોસ્ટમાં 20થી 50 ટકાના બચત થઈ શકે
-મારિષા સાગર શાહ
કોરોનાકાળમાં ચીને જ્યારે ફક્ત 10 જ દિવસના ગાળામાં 1000 બેડની સ્પેશિયલ હોસ્પિટલ ખડી કરી દીધી હતી ત્યારે આખી દુનિયા અવાચક રહી ગઈ હતી. વિશ્વના બધા જ દેશોને એ પ્રશ્ન થયો હતો- આટલું ઝડપી કન્સ્ટ્રક્શન શક્ય જ કેવી રીતે બને? ચીને હોસ્પિટલ કન્સ્ટ્ર્કશનનો વીડિયો ઈન્ટરનેટ પર ફરતો મૂકીને બધાની બોલતી બંધ કરી દીધી હતી. આપણા દેશમાં જ્યારે આજે પણ ગોકળગાય ગતિએ બાંધકામ ચાલે છે ત્યારે ભારતીયોને એક પ્રશ્ન ચોક્કસ થાય- જો ચીન 10 દિવસમાં આખી હોસ્પિટલ ઊભી કરી શકતું હોય, તો ભારત કેમ નહિ? જવાબ છે- ટેક્નોલોજી.
ટેક્નોલોજીને અપનાવવામાં ભારતની કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રી પાછળઃ
ભારત આજે પણ ચીન જેટલી ઝડપથી ટેક્નોલોજીને અપનાવવામાં પાછળ પડે છે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજીને જેટલી સ્વીકૃતિ મળવી જોઈએ તેટલી મળી નથી. આજે દુનિયા ઈન્ડસ્ટ્રી 4.0 એટલે કે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), મશીન લર્નિંગ, ડીપલર્નિંગ વગેરે અત્યાધુનિક ટેક્નોલોજીના યુગમાં પ્રવેશી ચૂકી છે. ત્યારે પણ ભારતમાં કન્સ્ટ્રક્શન ઉદ્યોગ ઈન્ડસ્ટ્રી 2.0 એટલે કે કોમ્પ્યુટર શોધાયા તે યુગની રીતભાતથી જ ચાલે છે. અર્થાત્, ટેક્નોલોજી એડોપ્શનમાં ભારતની કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રી ખાસ્સી પાછળ છે. આવો જાણીએ કે કોબોટ્સ (માણસ દ્વારા સંચાલિત રોબોટ્સ), રોબોટ અને અત્યાધુનિક ટેક્નોલોજી કેવી રીતે આ ઉદ્યોગની કાયાપલટ કરી શકે છે.
કોબોટ્સ કરી શકે મદદઃ
ઓટોમેશન તથા રોબોટિક્સ એન્જિનિયર નીરજ શાહ જણાવે છે, “ટેક્નોલોજીના આગમન બાદ કન્સ્ટ્રક્શનની પ્રક્રિયામાં જે લેવલે ચેન્જ આવવો જોઈએ તે આવ્યો નથી. આજે સ્માર્ટફોન ગામડેગામ સુધી પહોંચી ગયા છે. ભણેલી કે અભણ દરેક વ્યક્તિ હવે સ્માર્ટફોન ઓપરેટ કરતા શીખી જ જાય છે. આધુનિક ટેક્નોલોજીથી સ્માર્ટફોનમાં એક ફોટો પાડવાથી ઈન્વેન્ટરી ગણાઈ જાય છે. તે વિગતો ક્લાઉડમાંથી સીધી એક્સેલ શીટમાં લઈને તેનો રેકોર્ડ સાચવી શકાય છે. જો ટેક્નોલોજીથી સળિયા કે ઈંટો ગણવા જેવા કામ સરળ થઈ જતા હોય તો તેનો ફાયદો કેમ ન લેવો?”
આ ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ઘણા મજૂરો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા જેવા કામમાં પણ રોકાયેલા હોય છે. આ કામ રોબોટ્સ માણસો કરતા વધુ ઝડપથી અને સારી રીતે કરી શકે છે. આનાથી કન્સ્ટ્રક્શન પ્રક્રિયા ઝડપી, સુઘડ અને સુવ્યવસ્થિત બનાવી શકાય છે. એન્જિનિયર નીરજ શાહ જણાવે છે, “માર્કેટમાં હવે એવા સ્માર્ટ કોબોટ્સ (માણસો દ્વારા ઓપરેટ થતા રોબોટ્સ) મળે છે જેમને એક વખત કોઈ પ્રક્રિયા શીખવવામાં આવે તો રીપીટ મોડ પર તે કર્યા જ કરે છે. જેમ કે, ઈંટ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવાનું તેને એક વખત શીખવાડી દેવામાં આવે તો તે આ કામ સરળતાથી કરી શકે છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર આવા ઘણા કામ માણસોના બદલે કોબોટ્સ પાસે કરાવી શકાય.”
1 કોબોટ 20 કારીગરનું કામ કરી શકેઃ
બ્રિજ, સીલીંગ વગેરેમાં સળિયાને એક બીજા સાથે જોડવા માટે ટાઈ બાંધવાનું કામ પણ ખૂબ મહત્વનું છે. જો તે અણઆવડતથી કરવામાં આવે તો કન્સ્ટ્રક્શનની ગુણવત્તા કથળી શકે છે. 1 મજૂર કલાકની 50 જેટલી ટાઈ બાંધી શકે છે. તેની સામે કોબોટ 1 જ કલાકમાં 1100 જેટલી ટાઈ, તે પણ ખૂબ જ ચોકસાઈથી અને અનેકગણી સારી રીતે બાંધી શકે છે. વળી, કોબોટ્સ ટાઢ-તાપ-વરસાદમાં પણ એક સરખી ક્ષમતાથી કામ કર્યા કરે છે. આમ ચોમાસાની સ્લેક સીઝનમાં પણ રોબોની મદદથી કન્સ્ટ્રક્શનનું કામ આગળ ધપાવી શકાય છે. 1 કોબોટ 20 મજૂરની ગરજ સારે તેટલું કામ કરી શકે છે. વળી, તેનો લાઈફસ્પાન 10થી 20 વર્ષનો હોય છે. માર્કેટમાં આવા સ્માર્ટ કોબોટ્સ રૂ. 50 લાખથી 1 કરોડની કિંમતે મળે છે. 10 બિલ્ડર સાથે મળીને 1 કોબોટમાં રોકાણ કરે અને તેનો 1-1 વખત પણ ઉપયોગ કરે તો તે 1 વર્ષમાં કોસ્ટફ્રી થઈ શકે છે. કોબોટને કારણે કન્સ્ટ્રક્શનને જે ઝડપ મળે છે, અને તેની ગુણવત્તા સુધરે છે તેની સામે આ ઈન્વેસ્ટમેન્ટ સાવ નજીવું હોવાનું એન્જિનિયર નીરજ શાહ માને છે.

સાઈટ પર અકસ્માત ઘટાડી શકાયઃ
ચોમાસામાં ક્યાંક વીજળીનો વાયર ખુલ્લો રહી ગયો હોય, અર્થિંગ બરોબર ન થયું હોય તેવા સમયે કન્સ્ટ્રક્શન સાઈટ પર અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. ઘણી વાર સાઈટ પર મોજૂદ નાના બાળકો માટે પણ જીવનું જોખમ ઊભું થાય છે. આ સમસ્યાનું સમાધાન છે સ્પોટ નામનો રોબો. આ રોબો વરસાદ કે પ્રતિકૂળ આબોહવાના સંજોગોમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર જઈને ઈલેક્ટ્રિસિટીનો મુખ્ય પાવર ઓફ કરી શકે છે. સાથે સાથે તે ક્યાં થર્મલ કે મેગ્નેટિક ઈફેક્ટ આવે છે, અર્થિંગ બરાબર નથી થયું વગેરે ક્ષતિઓ પણ માપી શકે છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર ક્યાંક ખાડો પડ્યો હોય તો તે ખાડો કેટલો ઊંડો છે તેનો પણ તે તાગ મેળવી શકે છે. નવાઈની વાત એ છે કે જો કન્સ્ટ્રક્શન સાઈટ પર ફરતા ફરતા આ રોબોની બેટરી ડાઉન થઈ જાય તો તે બીજા રોબોમાં પ્રોગ્રામ ટ્રાન્સફર કરી દે છે અને પોતે પાછો આવીને જાતે જ ચાર્જિંગમાં બેસી જાય છે. બીજો રોબો પછી બાકીનું ઈન્સ્પેક્શન આગળ વધારે છે. આવા સ્વયંસંચાલિત રોબો કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી હોનારતો ટાળી શકે છે અને બાંધકામના સમયથી જ કોઈ ક્ષતિ હોય તો તે તરફ બિલ્ડર્સનું ધ્યાન દોરી શકે છે.
લાંબા ગાળે ઘણી બચત કરાવી શકેઃ

નીરજ શાહ જણાવે છે, “ટેક્નોલોજીમાં પ્રારંભિક ઈન્વેસ્ટમેન્ટ થોડું વધારે લાગી શકે છે પરંતુ લાંબા ગાળે તે બિલ્ડરોને કન્સ્ટ્રક્શન કોસ્ટ ખાસ્સી નીચી લાવવામાં મદદ કરી શકે છે. જેમ કે, ઘણી કન્સ્ટ્રક્શન સાઈટ પર દાદરા ઊંધા બનાવી દેવાય, દરવાજા ખોટી જગ્યાએ બનાવાય વગેરે ભૂલો થતી હોય છે. પાછળથી તેને તોડીને ફરી બનાવવામાં સમય, શક્તિ અને પૈસાનો વેડફાટ થાય છે. ગૂગલ થ્રીડી ગ્લાસમાં જો કન્સ્ટ્રક્શન પ્લાન ફીડ કરી દેવાય તો આવી ભૂલો પ્રારંભિક તબક્કામાં જ પકડાઈ જાય છે અને રિસોર્સિસનો ખાસ્સો બચાવ કરી શકાય છે. યુ.એસ, ચીન, લંડન, ઓસ્ટ્રેલિયા, કોરિયા, જાપાન જેવા દેશોમાં આવી ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી કન્સ્ટ્રક્શન કોસ્ટ તથા સમયમાં 20 ટકા સુધીની બચત કરી શકાય છે. રોબોના ઉપયોગથી રોડ બનાવવાની કોસ્ટમાં 20 ટકા, પ્લાસ્ટર-કલર કામના મટિરિયલમાં 35 ટકા અને સિમેન્ટ કામમાં 50 ટકા સુધીની બચત થતી હોવાનું જોવા મળ્યું છે.”
કન્સ્ટ્રક્શન સાઈટના મોનિટરિંગ માટે પણ હવે સોલારથી ચાલતા હાઈ-એન્ડ કેમેરા મોજૂદ છે જેના પર રાઉટર ફિટ કરી દેવાય તો તે કોઈપણ માણસની મદદ વિના સમગ્ર સાઈટનું મોનિટરિંગ કરતા રહે છે અને યુઝર ઈચ્છે તેટલું ઝૂમ કરીને એકદમ સ્પષ્ટ ક્વોલિટીમાં તેનું વીડિયો ફૂટેજ પણ જોઈ શકે છે.
રિડેવલપમેન્ટમાં રોબોટ્સ ખૂબ જ મદદરૂપ પુરવાર થઈ શકેઃ
રિડેવલપમેન્ટમાં જૂની સોસાયટીઓ તોડીને નવી બનાવવાની હોવાથી બિલ્ડરો પાસે કન્સ્ટ્રક્શન માટે મર્યાદિત જગ્યા હોય છે. આવામાં આજુબાજુની પ્રોપર્ટીને ડેમેજ ન થાય તે માટે ખૂબ સાચવીને કામ કરવું પડે છે. ઘણીવાર આ કારણે જ સોસાયટીઓનું ફાઉન્ડેશન પણ યોગ્ય રીતે તૈયાર કરી શકાતું નથી. આવામાં રોબો બિલ્ડરોની મૂંઝવણ હળવી કરી શકે છે. 2 બાય 2 મીટરનો ખાડો હોય તો તેમાં પણ રોબો જમીનમાં ઉતરીને ઈંટોનું સરસ કન્સ્ટ્રક્શન કરી આપી શકે છે. આટલું જ નહિ, તેનો વીડિયો પણ યુઝરને મોકલી આપે છે. અર્થાત્, જગ્યા સાવ ઓછી કે મર્યાદિત હોય તો જમીનમાં પણ રોબોને ઉતારીને કન્સ્ટ્રક્શન કરાવી શકે છે. માણસોને નડતી કોઈપણ મર્યાદા રોબો માટે બાધા ઊભી કરતી નથી અને તેનાથી શ્રેષ્ઠ રિઝલ્ટ મળી શકે છે. વિદેશમાં તો રોબોના જૂના બંગલા આખે આખા ઊંચા કરી આપે છે અને ત્યાર બાદ રોબો જ રિપેરિંગનું કામ પૂરુ કરી આપે છે.

બિલ્ડરો પીપીપી મોડેલ પર રોબો ખરીદી શકેઃ
જાતે ઓપરેટ થતા અથવા તો માણસ દ્વારા ઓપરેટ થતા રોબો અને કોબોટ્સની કિંમત રૂ. 50 લાખથી 1 કરોડ સુધીની હોય છે. આ રોબો કેટલા ઉપયોગી થશે, કેટલું કોસ્ટ સેવિંગ કરી આપશે તે અંગે સ્પષ્ટતાના અભાવે હાલ બિલ્ડરો આ ટેક્નોલોજીમાં ઈન્વેસ્ટ કરતા ખચકાઈ રહ્યા છે. આવામાં બિલ્ડરો સાથે મળીને કે પીપીપી મોડેલ પર કોબોટ્સ અને રોબોમાં રોકાણ કરીને તેમને અજમાવી શકે છે. આમ કરવાથી દેશના કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં ધીરે ધીરે રોબોટ્સ પ્રચલિત બનતા જશે.
રોબોના આગમનથી કન્સ્ટ્રક્શન વર્કર્સની રોજગારીનું શું?
એન્જિનિયર નીરજ શાહ જણાવે છે, “ટેક્નોલોજીથી કોઈની નોકરી જતી નથી. જે માણસ ટેક્નોલોજી સાથે અપગ્રેડ થતો રહે છે, નવું નવું શીખતો રહે છે, તેને કોઈ દિવસ ટેક્નોલોજીથી રોજગારી ગુમાવવાનો ભય ઊભો થતો નથી. ઉલ્ટું, રોબો માણસના જીવને જોખમ હોય અથવા માણસોથી ન થઈ શકતા કામ કરી આપીને સમસ્યાઓ હળવી જ બનાવે છે. તેમની જેટલી સરળતાથી રોજીંદા જીવનમાં અપનાવાય તેટલી જીવનની ગુણવત્તા સુધરતી જશે. રોબો ઓપરેટ કરવા માટે પણ માણસની જરૂર તો પડે જ છે. તો પછી બદલાતા સમય પ્રમાણે કન્સ્ટ્રક્શન વર્કર્સે રોબો ઓપરેટ કરવા જેવા કામ શીખવાની તૈયારી રાખવી પડશે.”

થ્રીડી પ્રિન્ટિંગ અને આધુનિક ટેક્નોલોજી અપનાવવામાં શું છે પડકાર?
આધુનિક યુગમાં હિલસ્ટેશનો પર પણ થ્રીડી પ્રિન્ટરનો ઉપયોગ કરીને રાતોરાત હોટેલ્સ ઊભી કરવામાં આવી રહી છે. ડ્રોનથી દૂર બેઠા પણ કન્સ્ટ્રક્શન પ્રક્રિયાનું મોનિટરિંગ થઈ રહ્યું છે. તો પછી ભારતમાં હજુ પણ કેમ ટેક્નોલોજી મેઈન્સ્ટ્રીમ નથી બની? આ અંગે વાત કરતા રે ઈન્ફ્રાના પાર્ટનર વિરલ શાહ જણાવે છે, “થ્રીડી પ્રિન્ટરમાં બિલ્ડિંગનો ફરમો એકદમ તૈયાર હોય, દીવાલની સાઈઝ, કોલમ, બારી વગેરેના ડાયમેન્શન રેડી હોય તો એ પ્રમાણે એમ.એસ ફેબ્રિકેશન પર મકાન બને છે. વર્ટિકલ કન્સ્ટ્ર્ક્શનમાં આ ટેક્નોલોજી ખાસ્સી પોપ્યુલર છે. મુંબઈમાં આ ટેક્નોલોજીથી ગગનચુંબી ઈમારતો બની રહી છે. પરંતુ ગુજરાત અર્થક્વેક ઝોન છે અને અમદાવાદ હાઈરિક્ટર સ્કેલ પર આવે છે. સામાન્ય રીતે કોઈપણ સ્કૂલ, હોસ્પિટલ, બિલ્ડિંગ વગેરેનો પ્લાન તૈયાર થાય ત્યારે એક ફ્લોર પર કેટલા રૂમ હશે, તેમાં અંદાજે કેટલા લોકો હશે, તેમનું એવરેજ વજન કેટલું હશે તે ગણીને તેની સ્લેબ અને કોલમની ડિઝાઈન રેડી થતી હોય છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં સૌથી વધુ ખર્ચ સ્ટીલ અને કોન્ક્રિટ પાછળ થાય છે. ફાઉન્ડેશનમાં વધુ સ્ટીલ વપરાય છે અને ઉપર જતા તેની જરૂર ઓછી થતી જાય છે, એટલે જ કોલમ નીચે જાડો હોય છે અને ઉપર જતા તેની જાડાઈ ઘટતી જાય છે. જો બધે સરખું જ સ્ટીલ વાપરવામાં આવે તો બાંધકામની કોસ્ટ ઘણી ઊંચી જતી જાય. આથી કન્સ્ટ્રક્શનમાં એવા ઘણા પરિબળો છે જેમાં માણસો દ્વારા જે-તે સમયે જ નિર્ણયો લેવા જરૂરી બની જાય છે. આવામાં ટેક્નોલોજી કામ લાગતી નથી. વળી, હાલ આ ટેક્નોલોજી ઘણી મોંઘી પણ છે. અમે મોઝામ્બિકમાં એક પ્રોજેક્ટ માટે થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજી સાથે કન્સ્ટ્રક્શનની દિશામાં પ્રયત્ન કર્યા હતા પરંતુ તેનું કોસ્ટિંગ હાલ ઘણું ઊંચુ આવે છે.”

તેમણે વધુમાં એ પણ જણાવ્યું કે વિદેશમાં બનતા ઘર અને આપણા દેશમાં થતા કન્સ્ટ્રક્શનમાં આસમાન-જમીનનો ફરક છે. ત્યાં ફેબ્રિકેશન પર સ્ટ્રક્ચર ઊભા કરીને લાકડાના મકાન બનાવાય છે. જ્યારે ભારતમાં સ્ટીલ-કોન્ક્રિટનો વધુ ઉપયોગ થાય છે. તેમાં સળિયા કાપવાથી માંડીને કોન્ક્રિટના ઉપયોગ સુધી માણસોની કોઠાસૂઝ અને વિવેકબુદ્ધિની જરૂર પડે છે જેને કારણે કન્સ્ટ્રક્શન જે-તે ભૂગોળને સાનુકૂળ અને કોસ્ટ-ઈફેક્ટિવ બની શકે. હા, હવે કન્સ્ટ્રક્શનની ઝડપ વધારવા પ્રિકાસ્ટિંગ પોપ્યુલર બનતું જાય છે જેમાં ફેક્ટરીમાં કન્સ્ટ્રક્શનના મોટા મોટા સ્લેબ તૈયાર થાય છે અને પછી ક્રેનની મદદથી તેને એક ઉપર એક ગોઠવી દેવાય છે. ચીને પ્રિકાસ્ટિંગથી જ 10 દિવસમાં કોવિડ હોસ્પિટલ ઊભી કરી દીધી હતી.
કન્વેન્શનલ મેથડને અવગણી ન શકાયઃ જક્ષય શાહ

ટેક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો પ્રોપર્ટી ઘણી જ મોંઘી થઈ જાય એમ જણાવતા ક્રેડાઈના પૂર્વ ચેરમેન અને અમદાવાદના અગ્રણી બિલ્ડર જક્ષય શાહ જણાવે છે કે ગુજરાત અને ભારતમાં શ્રમિકો આસાનીથી મળી રહ્યા છે. ભારતમાં સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લેબર પૂરતા પ્રમાણમાં છે. બીજા દેશોની જેમ અહીં લેબરની શોર્ટેજ નથી. કન્વેન્શનલ મેથડથી પણ કામ ઘણું જ સારુ થાય છે. વળી, તેમાં ઈકોનોમી પણ રહે છે. બીજું, કન્સ્ટ્રક્શનની એક નિશ્ચિત સાઈકલ હોય છે અને તેનું કામ તબક્કાવાર જ આગળ વધે છે. ત્રીજું, કસ્ટમર્સ પૈસા આપવા માટે સમય માંગે છે, તેઓ એક સામટું પેમેન્ટ નથી કરી શકતા. તેમને આઠ મહિનામાં પૂરેપૂરી રકમ ચૂકવવાનું કહેવામાં આવે તો તેમને પ્રોપર્ટી મોંઘી પડી શકે છે. પ્રોપર્ટી બાયરના માઈન્ડસેટને બદલવું પણ એટલું જ અઘરું છે. લેબર પોઈન્ટ ઓફ વ્યુ કે પછી પેમેન્ટ સિસ્ટમમાં આખી સાઈકલ સેટ થયેલી છે. બે-અઢી વર્ષનો પેમેન્ટ ટાઈમ મળે તો બાયરને પણ સરળતા રહે છે. જો કે આપણે ટેક્નોલોજીમાં જરાય ફેરફાર નથી લાવ્યા તેવું નથી. પહેલા આપણે ઈમારત બાંધવા વાંસડાનો ઉપયોગ કરતા હતા, મેન્યુઅલી કોન્ક્રિટ મિક્સ કરતા હતા. આ સિસ્ટમ બદલાઈ ગઈ છે. ખેતી અને કન્સ્ટ્રક્શન એ બે જ એવા સેક્ટર છે જેમાં મોટા પ્રમાણમાં રોજગારી મળી રહે છે. આ બે સેગમેન્ટમાં પણ નોકરી મળતી બંધ કરી દેવામાં આવે તો તે ઉચિત ન ગણાય.
પ્રીકાસ્ટિંગ ટેક્નોલોજી મટિરિયલ કોસ્ટમાં વધારાની અસર ઓછી કરી શકેઃ તેજસ જોષી

ક્રેડાઈ અમદાવાદના વર્તમાન પ્રમુખ તેજસ જોષી કહે છે, “આપણે બહુ જ મોટા પાયે પ્રિકાસ્ટિંગની ટેક્નોલોજી અપનાવતા થઈ ગયા છીએ. અમદાવાદમાં પ્રિકાસ્ટની નવી ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ છે. તેનાથી RCC વર્કની સાઈકલનો સમય ઓછો થઈ જાય છે. પાયાનું કામ થતા ત્રણ-ચાર મહિના લાગી જાય છે. ત્યારથી 18-20 મહિના 14 માળ સુધીના મકાનનું ખોખું બનાવતા થઈ જાય છે. પ્રિકાસ્ટિંગને કારણે આ સમયગાળો ઘટાડી શકાય છે. ત્યાર બાદ અંદરનું કામ પૂરુ કરતા બીજા છ મહિના લાગી જાય છે. પરંતુ ટેક્નોલોજીને કારણે તેમાં નવ મહિનાની બચત થઈ શકે છે. તેનાથી 15 ટકા કોસ્ટ ઓછી થઈ જાય છે. બીજી તરફ, કન્સ્ટ્રક્શન મટિરિયલના ભાવમાં છેલ્લા એકાદ વર્ષમાં વધારો થયો છે. તે વધારાની અસરને પ્રિકાસ્ટ ટેક્નોલોજી હળવી કરી દે છે.” કન્સ્ટ્રક્શન એન્જિનિયર્સ તરફથી પ્રિકાસ્ટને સમર્થન મળ્યું પછી તેને ઝડપી સ્વીકૃતિ મળી છે. પ્રિકાસ્ટ ટેક્નોલોજીમાં 20 ફૂટ બાય 50 ફૂટનો કે તેનાથી મોટો સ્લેબ ફેક્ટરીમાં તૈયાર થઈને જ આવે છે. તેની કન્સ્ટ્રક્શન સાઈટ પર તેને સીધો મૂકી દેવાનો રહે છે. તેનાથી સમયમાં બચત થાય છે. આ ટેક્નોલોજી હાલ અમદાવાદમાં લોકપ્રિય બની રહી છે. અમદાવાદના ગણેશ હાઉસિંગે આ ટેક્નોલોજીના ઉપયોગથી આખું મકાન તૈયાર કરવાનું આયોજન કર્યું છે. આવનારા દિવસોમાં પ્રીકાસ્ટની ટેક્નોલોજી બહુ લોકપ્રિય બની રહેશે.