ટેક્નિકલ ટેક્સટાઈલ માટેની PLI સ્કીમ વેપારીઓ માટે કેટલી ફાયદાકારક?
સરકારની સ્કીમ ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગને વૈશ્વિક ફલક પર લઈ જઈ શકે, પરંતુ સ્કીમની એક શરત સરકારના મનસૂબા પર પાણી ફેરવી દે તેવી છે

કેન્દ્ર સરકારે કૃત્રિમ રેસામાંથી જુદી જુદી વસ્તુઓ બનાવતી ટેક્સટાઈલના સેક્ટરની કંપનીઓ માટે પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરી છે. તાજેતરમાં જ કેન્દ્રના પ્રધાનમંડળે આ સ્કીમને મંજૂરી આપી છે. આમ તો દેશના જુદાં જુદાં 13 સેક્ટર માટે પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરવામાં આવી હતી. તેર સ્કીમ માટે રૂ. 1.97 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી રૂ. 10,683 કરોડ ટેક્સટાઈલ સેક્ટરની પીએલઆઈ માટે ફાળવવામાં આવ્યા છે. ટેક્સટાઈલમાં પણ ખાસ કરીને કૃત્રિમ રેસામાંથી બનતી આઈટમ્સ માટે આ સ્કીમનો લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને વધુ સંગીન ફલક પર રાખવા માટે રિબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ લેવીઝ એન્ડ ટેક્સિસ (આરઓએસસીટીએલ) અને રેમિશન ઓફ ડ્યૂટીઝ એન્ડ ટેક્સિસ (આરઓડીટીઈપી- રોડટેપ) હેઠળ નિકાસકારોને અપાતા લાભ જેવા જ લાભ આપવામાં આવશે. તેમાં નિકાસકારોને આયાત કરેલા કાચા માલ પર ડ્યૂટીમાં રાહત આપવામાં આવે છે. તેથી તેમને કાચો માલ વધુ સ્પર્ધાત્મક દરથી મળી શકશે. તેવી જ રીતે આ સેક્ટરમાં વધુ કાર્યકુશળ કારીગરો મળે તે માટેનું આયોજન કરીને સંગીન માનવબળ પૂરું પાડવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેથી ટેક્સટાઈલ મેન્યુફેક્ચરિંગના સેક્ટરમાં એક નવા જ યુગનો આરંભ થશે.
પ્રોડક્ટ લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ પાછળની મૂળભૂત ભાવના તો આયાત બિલમાં ઘટાડો કરવાની છે. તેમ જ સ્થાનિક સ્તરે ઉત્પાદનમાં વધારો કરીને નવી રોજગારી નિર્માણ કરવાનો કેન્દ્ર સરકારનો ઇરાદો છે. આ સ્કીમમાં કંપનીઓનું વેચાણ જેમ જેમ વધતું જાય તેમ તેમ તેમને વધુ ને વધુ પ્રોત્સાહનો આપતા જવાની નીતિને અનુસરવામાં આવી રહી છે. તેને પરિણામે પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ એકમોને પણ તેનો સીધો લાભ મળે તેવી ગોઠવણ કરવામાં આવી છે. તેની સાથે જ વિદેશી કંપનીઓને તેમની દુકાનો ભારતમાં નાખવા માટેનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. તેમ જ સ્થાનિક મેન્યુફેક્ચરિંગ એકમોને તેમના વર્તમાન એકમોનું વિસ્તરણ કરવાની તક પણ આપવામાં આવી છે. વિશ્વ વેપાર સંઘના વેપાર માટેના નિયમો મુજબ સીધી સબસિડી આપી શકાતી નથી. તેથી આડકતરી રીતે સબસિડી આપીને વેપાર ઉદ્યોગને ટેકો કરવાનું આ એક આયોજન છે.
ટેક્સટાઈલ સેક્ટરની જ વાત કરવામાં આવે તો પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમના માધ્યમથી ઊંચા મૂલ્યના માનવ સર્જિત રેસામાંથી ગારમેન્ટ્સ અને ફેબ્રિક્સનું નિર્માણ કરનારાઓને પ્રોત્સાહન આપવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. આ જ રીતે ટેકનિકલ ટેક્સટાઈલ વધુમાં વધુ ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે. ટેકનિકલ ટેક્સટાઈલનું સમગ્ર વિશ્વમાં મોટું બજાર છે. એ નવા યુગની મોટી જરૂરિયાત છે. તેથી જ તેના પર ફોકસ કરવામાં આવ્યું છે. વિમાન સેવા, સંરક્ષણ, માળખાકીય સુવિધા સહિતના ક્ષેત્રમાં ટેકનિકલ ટેક્સટાઈલનો ખાસ્સો ઉપયોગ થઈ શકે છે.
મેડિકલ સેક્ટરમાં, એગ્રીકલ્ચર સેક્ટરમાં તથા ઓટોમોબાઈલ સેક્ટરમાં ટેકનિકલ ટેક્સટાઈલનો ખાસ્સો ઉપયોગ થાય છે. તેમાં કાર સીટ્સથી માંડીને કારના સીટ બેલ્ટ્સથી માંડીને જુદાં જુદાં પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. તેમ જ એગ્રી ટેક્સટાઈલમાં પાકના રક્ષણ માટે કેટલીક વસ્તુઓ બનાવવામાં આવે છે. મેડિકલ સેક્ટરમાં કૃત્રિમ રેસામાંથી ઇમ્પ્લાન્ટ્સ બનાવવામાં આવે છે. ગરમી સામે કૂલિંગ ઇફેક્ટ આપતા વસ્ત્રો પણ તેમાંથી બની શકે છે. તેમ જ રેડિયેશન-કિરણોત્સર્ગ સામે સુરક્ષા આપી શકે તેવા વસ્ત્રો પણ તેમાંથી બનાવી શકાય છે. વેલ્ડિંગનું કામ કરનારાઓને રક્ષણ મળી રહે તેવા વસ્ત્રો પણ ટેકનિકલ ટેક્સટાઈલની કેટેગરીમાં જ આવે છે. નાના બાળકો સતત પેશાબ કર્યા કરે તેનાથી પથારી ભીની થાય છે. જે બાળકોની માંદગી વધારી શકે છે. માતાપિતાની ઊંઘ હરામ કરી શકે છે. તેમાં રાહત આપી શકે તેવી નેપ્પીઝ કૃત્રિમ રેસામાંથી બની શકે છે. ટેકનિકલ ટેક્સટાઈલમાંથી બનતા વાઈપ્સ ઘાવ પર ડ્રેસિંગ કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી બેક્ટેરિયા સામે રક્ષણ મળે છે. તેમ જ શરીરના જે તે ભાગમાં ફૂગ ન થાય તેવી વ્યવસ્થા પણ કરી શકાય છે.
ટેકનિકલ ટેક્સટાઈલનો ઉપયોગ બાંધકામ ઉદ્યોગમાં, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ થાય છે. મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. તેમાંથી જુદાં જુદાં પ્રકારના ફિલ્ટર્સ બની શકે છે. મશીન માટેના કપડાંઓ બનાવી શકાય છે. કન્વેયર બેલ્ટ પણ બનાવી શકાય છે. હૃદયના વાલ્વ પણ ટેકનિકલ ટેક્સટાઈલમાંથી બનાવી શકાય છે. લશ્કરના જવાનો માટે બુલેટ પ્રુફ જેકેટ્સ પણ તેમાંથી બની શકે છે. તેમ જ એરબેગ્સ પણ તેમાંથી જ બનાવી શકાય છે. આર્કિટેક્ટમાં ઉપયોગમાં લઈ શકાય તેવા ફેબ્રિક્સ પણ તેમાંથી બનાવી શકાય છે.

ઉપરોક્ત તમામ વસ્તુઓ ઉપરાંત ટેકનિકલ ટેક્સટાઈલમાંથી બનતી વસ્તુઓ માટે આગામી પાંચ વર્ષના ગાળા સુધી પ્રોત્સાહન આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટેક્સટાઈલ માટેની પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમમાં બે જુદાં જુદાં તબક્કામાં પ્રોત્સાહન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌ પ્રથમ તો આ સેક્ટરમાં રૂ. 300 કરોડનું રોકાણ કરવા તૈયાર થનારાઓને ટેક્સટાઈલની પીએલઆઈ સ્કીમનો લાભ આપવામાં આવશે. હા, આ રોકાણ પ્લાન્ટ બનાવવા, મશીનરી ખરીદવા અને તેને માટે કરવા પડતા સિવિલ વર્ક્સ માટે કરેલો ખર્ચ આ પ્રોત્સાહનને પાત્ર ગણવામાં આવશે. અલબત્ત તે માટે ખરીદવામાં આવેલી જમીન અને બાંધવામાં આવેલા મકાનના ખર્ચને આ યોજના માટે કરવામાં આવેલા રોકાણ તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહિ.
બીજું, ઉપર દર્શાવેલી શરતો સાથે મિનિમમ રૂ. 100 કરોનું રોકાણ કરવા તૈયાર રોકાણકારને આ યોજનાનો લાભ આપવામાં આવશે. સરકારને આશા છે કે આ યોજનાને કારણે દેશમાં નવું રોકાણ આવશે. તેમ જ તેના થકી નવી રોજગારી નિર્માણ થશે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો સુરત, વાપી, દમણ અને સિલવાસા જેવા વિસ્તારોમાં ટેકનિકલ ટેક્સટાઈલનુ ઉત્પાદન કરનારાઓને તેનો મહત્તમ લાભ મળી શકશે. તેના થકી દેશમાં નવું રૂ. 19000 કરોડનું રોકાણ થવાની સંભાવના રહેલી છે. તેની સાથે જ આ સેક્ટરના ટર્નઓવરમાં આગામી 5 વર્ષમાં રૂ. 3 લાખ કરોડનું નવું ટર્નઓવર થશે. તેમ જ 7.5 લાખ લોકોને માટે રોજગારીની નવી તક નિર્માણ થશે. તેની સાથે સંકળાયેલા ક્ષેત્રમાં પણ બીજી એક બે લાખ રોજી નિર્માણ થઈ શકશે. તેનો બીજો મોટો એક લાભ એ પણ છે કે તેનાથી વધુમાં વધુ મહિલાઓને રોજગારી મળશે. મહિલાઓ આત્મનિર્ભર બનશે. મહિલાઓના સશક્તિકરણની કામગીરી પણ તેના માધ્યમથી થશે. તેનાથી દેશના અર્થતંત્રમાં મહિલાઓની સીધી ભાગીદારીમાં પણ વધારો થશે.
જો કે સરકારને જેટલી આશા છે તેટલી બુલંદ આશા એમએમએફના મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા લોકોને નથી. તેઓ કહે છે કે સરકારે મિનિમમ રૂ. ૧૦૦ કરોડના રોકાણની સાથે પછીના દરેક વર્ષે ટર્નઓવરમાં ૨૫ ટકાનો વધારો કરવાની મૂકેલી શરત આખી યોજનાને અર્થહીન બનાવી દે છે. કારણ કે દર વર્ષે ટર્નઓવરમાં ૨૫ ટકાનો વધારાની અપેક્ષા વધુ પડતી છે, જે આખી યોજનાને અર્થહીન બનાવી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો એમએમએફના મેન્યુફેક્ચરર્સને આ યોજના આકર્ષક લાગતી જ નથી.
નાના અને પછાત રહી ગયેલા શહેરોમાં રોકાણ કરનારાઓને આ યોજનાના માધ્યમથી મહત્તમ લાભ આપવામાં આવશે. ટિયર થ્રી અને ટિયર ફોરની કેટેગરીમાં આવતા શહેરો સુધી ઉદ્યોગોને લઈ જઈને તેના વિકાસની યાત્રા શરૂ કરવાની નેમ પણ આ સ્કીમની પાછળ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તેલંગણા, તામિલનાડુ, પંજાબ, આન્ધ્ર પ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોને આ યોજનાનો મહત્તમ લાભ મળશે.
ટેક્સટાઈલમાં યાર્ન બનાવવાની અને તેમાંથી ગારમેન્ટ બનાવવાની પ્રક્રિયામાં વધુ સંખ્યામાં શ્રમિકોની જરૂર પડે છે. અત્યારે ટેક્સટાઈલના સેક્ટરના માધ્યમથી દેશમાં 4.5 કરોડ લોકોને રોજગારી મળે છે. આમ કૃષિ ક્ષેત્રને બાદ કરતાં વધુમાં વધુ રોજગારી આપતું કોઈ સેક્ટર હોય તો તે ટેક્સટાઈલ સેક્ટર છે. ભારતના ઉદ્યોગ ક્ષેત્રનો જૂનામાં જૂનો ઉદ્યોગ કોઈ હોય તો તે ટેક્સટાઈલનો છે. તેના થકી પરંપરાગત કાર્યકુશળતા આગળ વધી છે. તેનાથી સંસ્કૃતિ અને કળાકારીગરીનો વારસો પણ આગળ વધ્યો છે. ટેક્સટાઈલમાં રજિસ્ટ્રેશન ન ધરાવતા એકમો પણ મોટી સંખ્યામાં સક્રિય છે. તેને અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર તરીકે ઓળખાવવામાં આવે છે. તેમાં હાથવણાટ અને હસ્તકળાની પરંપરાગત પદ્ધતિઓ અને તેને માટેના પરંપરાગત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. સિલ્કના ઉત્પાદન માટેની પરંપરાગત કાર્યકુશળતા પણ તેનો જ એક હિસ્સો ગણાય છે. તેને માટે આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને ટેક્નોલોજીને સહારે ઝડપી પ્રગતિ સાધતા એકમો પણ છે. તેને ઓર્ગેનાઈઝ સેક્ટરના એકમો તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સ્પિનિંગ કરનારા, એપરલના અને ગારમેન્ટના એકમોનો સમાવેશ થાય છે.
આમ ટેક્ટસાઈલ સેક્ટર માટેની પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમનો લાભ લેનારાઓ વધુને વધુ પ્રમાણમાં ટેકનિકલ ટેક્સટાઈલ, ગારમેન્ટનું ઉત્પાદન કરે તેવી ગણતરીઓ મૂકવામાં આવી રહી છે. તેમાં મેડિકલ ટેક્સટાઈલના માધ્યમથી કે ઓટોમોબાઈલ ટેક્સટાઈલના માધ્યમથી જંગી મૂલ્ય વૃદ્ધિ કરવાની તક પણ રહેલી છે.

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ટેક્સટાઈલના થતાં કુલ બિઝનેસમાંથી 67 ટકા બિઝનેસ માનવ સર્જિત રેસાઓ અને તેમાંથી બનતી વસ્તુઓનો થઈ રહ્યો છે. વાણિજ્ય અને ટેક્સટાઈલ મંત્રી પિયૂષ ગોયલ કહે છે કે તેને કારણે ઇકો સિસ્ટમમાં પણ સુધારો આવી શકશે. 2020-21ના નાણાંકીય વર્ષમાં રૂ. 16,990 લાખ એટલે કે 169.90 કરોડ ડોલરનો માનવ સર્જિત રેસાઓમાંથી બનાવેલા ફાઈબરનો વેપાર કરવામાં આવ્યો છે. આ જ વરસે ભારતમાંથી 4.27 કરોડ ડૉલરના મૂલ્યની ટેકનિકલ ટેક્સટાઈલની નિકાસ કરવામાં આવી હતી. 2021-22ના નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં એટલે કે જૂન 2021માં પૂરા થયેલા ત્રણ મહિનામાં ભારતમાંથી 4843 લાખ ડોલરના મૂલ્યના માનવ સર્જિત રેસામાંથી બનાવેલા ફેબ્રિક્સની નિકાસ કરવામાં આવી હતી. તેમ જ 1.17 કરોડ ડોલરના મૂલ્યની ટેકનિકલ ટેક્સટાઈલની નિકાસ થઈ હતી. સુરતના મેનમેડ ફાઈબરના સેક્ટરના ઉત્પાદકોનું કહેવું છે, “માનવ સર્જિત રેસામાંથી ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઈલનું ઉત્પાદન કરનારા એકમોને માટે પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ ખાસ્સી લાભદાયી સાબિત થશે. તેનાથી સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવાની સાથેસાથે જ આંતર રાષ્ટ્રીય બજારમાં પણ તેની મોટી અસર ઊભી કરી શકશે. ભારતને આત્મનિર્ભર બનાવવામાં પણ તેનો મોટો ફાળો રહેવાની શક્યતા છે.”
ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય તેઓ દેશના બેરોજગારોને પૂરતી રોજી આપી શક્યા જ નથી. પરિણામે સરકાર નિષ્ફળ ગઈ હોવાની બૂમરાણ ઊઠી રહી છે. આ સંજોગોમાં પીએલઆઈ તથા મેક ઇન ઇન્ડિયાના પ્રોગ્રામના માધ્યમથી સરકાર ભારતને ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માગે છે. તેમ થાય તો ભારતમાં રોજગારી વધુ નિર્માણ થશે તેવી સત્તાધીશ સરકારની ગણતરી છે. તેમ જ ભારતના લોકો માટે જોઈતી વસ્તુઓ ભારતમાં જ બનતી થતાં ભારતે આયાત ઓછી કરવી પડશે. ભારતમાંથી નિકાસ પણ વધશે. તેના થકી ભારતને થનારી હૂંડિયામણની આવક ભારતના ઉદ્યોગોને નવી ટેક્નોલોજીની આયાત કરવા માટેનું ભંડોળ પૂરું પાડી શકશે. વિશ્વના ટેક્સટાઈલના માર્કેટમાં તેના થકી ભારતને મહત્વનું સ્થાન અપાવવાની પણ સરકારની નેમ છે. એક જમાનામાં ટેક્સટાઈલની જંગી નિકાસ ભારતમાંથી થતી હતી. ગુજરાત અને ભારતની એ જ સ્થિતિમાં ફરી લઈ જવાની સરકારનું લક્ષ્ય છે. ટેક્સટાઈલની નિકાસ માટેનું એક મોટું કેન્દ્ર ભારતને બનાવવું છે
મેનમેડ ફાઈબર્સમાં વિસ્કોસ, પોલીયેસ્ટર અને એક્રેલિક યાર્નનું ઉત્પાદન કેમિકલ્સમાંથી થઈ શકે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે ભારતમાંથી એપરલની થતી કુલ નિકાસના 20 ટકા નિકાસ તો મેનમેડ ફાઈબરના એપરલની જ છે. અત્યારે અત્યાર સુધી ભારતનું ફોકસ કોટન ટેક્સટાઈલની નિકાસ કરવા પર જ છે, એમ ગુજરાત ચેમ્બરની ટેક્સટાઈલ કમિટીના વાઈસ પ્રેસિડન્ટ રાહુલ શાહનું કહેવું છે. તેમનું કહેવું છે કે વિશ્વના ટેક્સટાઈલના કુલ બજારમાંથી 33 ટકા બજાર તો ટેકનિકલ ટેક્સટાઈલનું જ છે. તેમાં વધુને વધુ ફાળો આપીને ભારતીય કંપનીઓ વિશ્વની મોટી કંપની તરીકેનું સ્ટેટસ હાંસલ કરી શકે છે. રિલાયન્સ, ગ્રાસીમ અને વેલસ્પન તેમાં મોટો ફાળો આવી શકે છે. અરવિન્દ, ટ્રાયડન્ટ, શાહી એક્સપોર્ટ અને વર્ધમાન ટેક્સટાઈલ, પેરામાઉન્ટ ગારમેન્ટ્સ, બોમ્બે ડાઈંગ જેવી કંપનીએ પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમમાં ભાગ લેવા ઉત્સુક છે. આ રીતે ટેક્સટાઈલ સેક્ટરની મોટી કંપનીઓ આગળ આવશે તો મેનમેડ ફાઈબરના સેક્ટરનું મોટું હબ ભારત બની શકશે તેવો આશાવાદ કેન્દ્રના ટેક્સટાઈલ સચિવ વિજોય કુમાર સિંહ પણ અભિવ્યક્ત કરી રહ્યા છે. વિશ્વનું મેનમેડ ફાઈબરનું બજાર અત્યારે 200 અબજ ડોલરનું એટલે કે અંદાજે રૂ. 14થી 15 લાખ કરોડનું છે. તેમાંથી ભારત દસ ટકા હિસ્સો પણ મેળવી લે તો તે બહુ જ મોટી સિદ્ધિ ગણાશે. પાંચ વર્ષમાં આ લક્ષ્યાંક સિદ્ધ કરવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. આ સ્કીમની મદદથી કંપનીઓ તેમના નિકાસ માટેના વ્યૂહને નવો ઓપ આપી શકશે. અત્યારે ભારત બહુધા કોટન ફેબ્રિક્સ, કોટન ગારમેન્ટની નિકાસ પર જ મોટો મદાર બાંધીને બેઠું છે. કોટનની બેડશીટ્સ સહિતના મેડઅપ્સની નિકાસ પર તેણે મદાર બાંધેલો છે. મેનમેડ ફાઈબરના સેક્ટરમાં સ્થાનિક કંપનીઓ રોકાણ કરે તે ઉપરાંત નવું વિદેશી રોકાણ આવે તો પણ નવી રોજગારી નિર્માણ થવાની તક તેટલી જ રહેવાની ગણતરી છે. ભારતનું અર્થતંત્ર કોરોનાને કારણે નિર્માણ થયેલી કફોડી સ્થિતિના મારમાંથી બેઠું થવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે ટેક્સટાઈલ માટેની પીએલઆઈ અર્થતંત્રની રિકવરીમાં મોટો રોલ ભજવી શકે છે. તેથી આ પગલું એક સમયસર લેવાયેલું પગલું છે. જોકે સબસિડી આપવાની ભારત સરકારની જૂની રીતરસમો સામે વિરોધ નોંધાવીને એક્સપોર્ટર્સને રાહત આપવાની અનેક યોજનાઓ બંધ કરવાની ભારત સરકારને ફરજ પાડનાર વિશ્વ વ્યાપાર સંઘ કેવો પ્રતિભાવ આપે છે તેના પર પણ પીએલઆઈની આ યોજનાના ભાવિનો મદાર રહેલો છે.
હા, પીએલઆઈઓનો હેતુ જે તે ઔદ્યોગિક એકમોને કાયમી સબસીડી આપતા રહેવાનો નથી. તેમને આરંભમાં ટેકો આપવા માટેની આ સ્કીમ છે. ભારત સરકાર તરફથી તેમને પાંચેક વર્ષ સુધી ટેકો આપવાની ગણતરી છે. ત્યારબાદ તેમણે પોતાની રીતે વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક બનીને હરીફાઈ કરતાં શીખી જવું પડશે. તેથી જ સ્કીમમાં ભાગ લીધા પછી પાંચ વર્ષના ગાળામાં ટર્નઓવરમાં અ નિકાસમાં વૃદ્ધિ કરવાના લક્ષ્યાંકોને પહોંચી વળવામાં નિષ્ફળ જનારી કંપનીઓ આ યોજનાના લાભથી વંચિત રહી જશે. હા, ભારતમાં રજિસ્ટર થયેલી કંપનીઓને જ આ યોજના હેઠળ લાભ મેળવવાને પાત્ર ગણવામાં આવશે. ભારતમાં રજિસ્ટર થયેલી કંપનીઓ જ તેમાં ભાગ લઈ શકશે. આ યોજનાની શરતો મુજબ ટેકનિકલ ટેક્સટાઈલ હોય કે મેનમેડ ફાઈબરમાંથી બનાવવામાં આવેલું ફેબ્રિક્સ હોય તેમાં નોંધપાત્ર પ્રમાણમાં વેલ્યુ એડિશન થયેલું હોવું જોઈએ. તે માટે પણ આ સ્કીમમાં અલગથી શરતો મૂકવામાં આવેલી છે. આ મૂલ્ય વૃદ્ધિ તેમની ફેક્ટરીના પ્રીમાઈસમાં જ થયેલી હોવી જરૂરી છે. તેની ગ્રુપ કંપનીમાં તે માલ મોકલીને વેલ્યુ એડિશન કરવામાં આવશે તો તેને આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે નહિ. તેની આ મૂલ્ય વૃદ્ધિને તેમણે કરેલી મૂલ્યવૃદ્ધિ તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહિ. બીજા શબ્દોમાં કહીએ તો એક ગ્રુપના અન્ય એકમમાં મેન્યુફેક્ચર કરવામાં આવેલા ગુડ્સને તેના મેન્યુફેક્ચર તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહિ. તેના ટર્નઓવરનો તે હિસ્સો ગણાશે જ નહિ. હા, એક કંપનીને તેની એક જ સબસિડીયરીને પીએલઆઈની સ્કીમ માટેની હિસ્સેદાર કંપની બનાવી શકાશે. એકથી વધુ કંપનીને આ સુવિધા મળશે નહિ. કેન્દ્રના કેબિનેટ સચિવ રાજીવ ગબ્બાના વડપણ હેઠળ નિયુક્ત કરવામાં આવેલી સેક્રેટરીઓની કમિટી આ યોજનાના અમલીકરણ પર ફોકસ કરશે.