તગડા ડિસ્કાઉન્ટ પછીય, તગડો નફો કેવી રીતે કરે છે વેપારીઓ? MRP એક્ટ અંગે નવેસરથી વિચાર કરવાનો સમય પાકી
-વસ્તુઓ ખરીદવા માટે ગ્રાહકોને કરેલા ખર્ચનું ખરું મૂલ્ય મળે છે ખરું? દરેક કસ્ટમરના મનમાં ઊઠી રહેલો સવાલનો જવાબ હવે સરકાર શોધવા માંડે.
– કપડા હોય, ઓટો પાર્ટ્સ હોય, દવાઓ હોય કે પછી ફ્લેટ, સરકાર MRP નક્કી કરવાની નિશ્ચિત ફોર્મ્યુલા બનાવશે તો જ ગ્રાહકોની છેતરપિંડી બંધ થશે

શું તમે કરેલા ખર્ચના મૂલ્ય પ્રમાણેની વસ્તુઓ તમને મળે છે ખરી? તમે ખર્ચ કર્યો અને તમે વસ્તુઓ ખરીદી તો ખર્ચના પ્રમાણમાં તમને સંતોષ આપે તેવી વસ્તુઓ તમને મળે છે ખરી? આ સવાલ તમારી જાતને પૂછશો તો તમને ઘણી જ વસ્તુઓમાં તમે ચૂકવેલા નાણાંનું સાચું વળતર મળ્યું હોય તેવો અહેસાસ તમને થશે નહિ. ભારત સરકાર 1990ના અરસામાં મેક્ઝિમમ રિટેઈલ પ્રાઈસનો કાયદો લાવી હતી. દરેક ઉત્પાદનો પર મહત્તમ છૂટક ભાવ એટલે કે મેક્ઝિમમ રિટેઈલ પ્રાઈસ લખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ ઓફ વેટ એન્ડ મેઝરમેન્ટ એક્ટ (વજન અને તોલમાપના કાયદા)-1997માં સુધારો કર્યા પછી મેક્ઝિમમ રિટેઈલ પ્રાઈસના નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા. તેનાથી વધુ કિંમત વસૂલ ન કરી શકાય તેવી જોગવાઈ કાયદામાં કરવામાં આવેલી છે.
છતાંય મિનરલ વૉટરને નામે સાદું પાણી બોટલમાં ભરી આપીને તેને મિનરલ વૉટર તરીકે ખપાવીને વેચનારાઓનો તોટો નથી. તેમ જ એરપોર્ટ પર એમઆરપી કરતાં 50થી 100 ટકા ઊંચા ભાવે પાણીની બોટલ વેચવાના કિસ્સાઓ પણ છાશવારે ચમક્યા જ કરે છે. છતાંય આ ગેરરીતિને અંકુશમાં લેવાતી હોવાનું જણાતું નથી. લોકો દસ વીસ રૂપિયા માટે મોટી જફામાં ન પડવાનું વલણ અપનાવતા થયા હોવાથી એમઆરપી કરતાં વધુ ચાર્જ કરનારાઓ મનમાની પણ કરી જ રહ્યા છે.

એમઆરપીનો નિયમ શું કહે છે? સામાન્ય રીતે કોઈપણ પ્રોડક્ટની એમઆરપી નક્કી કરવા માટે કાચા માલની કિંમત, પગાર ખર્ચ, જાહેરાત ખર્ચ, વેચાણ માટે રાખવામાં આવતા માણસોનો ખર્ચ, ઇન્વેસ્ટમેન્ટ પરના વ્યાજના ખર્ચ ઉપરાંત નફો ઉમેરીને તેને આધારે પ્રોડક્ટની વેરા સાથેની મહત્તમ છૂટક કિંમત નક્કી કરવામાં આવે છે. હા, તેમાં પેકેજિંગનો ખર્ચ પણ ઉમેરવામાં આવે છે. તમને વાંચીને નવાઈ લાગશે કે પેકેજિંગના સેમિનાર કરનારાઓ કહે છે, “તમારા પ્રોડક્ટનું પેકેજિંગ એટલું એટ્રેક્ટિવ બનાવો કે તમે રૂા. 100ની કિંમતના માલના રૂા. 1000 લઈ શકો.” હા, તેનોય કદાચ મેન્યુફેક્ચરર્સ એડવાન્ટેજ લેતા હશે. હાઈકોર્ટના એડવોકેટ અપૂર્વ દવે કહે છે, “તદુપરાંત પ્રોડક્ટની એમઆરપીમાં સી એન્ડ એફ એજન્ટ, હોલસેલર અને રિટેઈલર્સના માર્જિન અને જીએસટી સહિતના ટેક્સનો પણ ઉમેરો કરી દેવામાં આવે છે. અત્યારે એમઆરપી નક્કી કરવાની જે ફોર્મ્યુલા છે તેને પરિણામે પ્રોડક્ટના વપરાશકાર કન્ઝુમર સાથે ચિટિંગ થવાના ચાન્સ વધી જાય છે. આમ ચોક્કસ રકમથી વધુ પ્રોફિટ ન લેવા માટે બનાવેલી ફોર્મ્યુલાનો ઉપયોગ એ રીતે કરવામાં આવે છે કે તેને કારણે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડે છે. મેન્યુફેક્ચરર્સનો કે પ્રોડક્શન કરનારનો નફો વધી જાય છે. એમઆરપીની તૈયાર કરવાની પાછળના મૂળભૂત સિદ્ધાંતનો છેદ ઊડી જાય છે.”
ઇન્ડિયન એમએસએમઈ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ કે.ટી. પટેલ કહે છે, “એમઆરપી નક્કી કરવા માટેની નિશ્ચિત ફોર્મ્યુલાનો અભાવ છે. તેથી દરેક પોતાની રીતે એમઆરપી લખે છે. દરેક પોત પોતાની રીતે ખર્ચ બતાવીને પ્રોડક્ટની એમઆરપીમાં ઉમેરતા રહે છે. સામાન્ય રીતે પડતર ઉપરાંત 22થી 25 ટકા ચઢાવીને એમઆરપી લખવામાં આવવી જોઈએ. પરંતુ તેવું થતું નથી. તેથી એમઆરપીમાં અનિયમિતતા જોવા મળે છે. મનફાવે તેમ એમઆરપી લખાય છે. પ્રોડક્ટના માર્કેટિંગ અને જાહેરાતના ખર્ચને નામે તેઓ ઊંચી એમઆરપી લખતા થઈ ગયા છે. તેમાં પ્રોડક્ટ અંગે સેમિનાર યોજવાના ખર્ચને પણ ઉમેરી દેવામાં આવે છે.” આમ જાતજાતના ખર્ચાઓ બતાવીને દરેક ઉત્પાદક પોતાના પ્રોડક્ટની એમઆરપીને વાજબી ઠેરવી દે છે. પ્રોડક્ટની એમઆરપી નક્કી કરવાની કોઈ જ નિશ્ચિત ફોર્મ્યુલા ન હોવાથી મેન્યુફેક્ચરર્સ અને પ્રોડક્શન કરનારા એકમો રૂા. 100ની પડતર પર રૂા. 200, 250 કે 300ની એમઆરપી પણ લખી દઈને ગેરલાભ લે છે. દરેક કંપની તેના કારણો રજૂ કરીને તેના એમઆરપીને વાજબી ઠેરવવાના પ્રયાસ કરે છે. સરકારી તંત્ર તેને સ્વીકારી પણ લે છે.

હવે ઉત્પાદકોને આડેધડ એમઆરપી લખતા અટકાવવા કેમ તે એક મોટો સવાલ છે. તેનો જવાબ આપતા કે.ટી. પટેલ કહે છે કે “સરકારી તંત્ર કે કોમ્પિટીશન કમિશન એમઆરપી નક્કી કરવા માટેનું એક નિશ્ચિત એક ફોર્મેટ નક્કી કરી આપે. તેને આધારે જ એમ.આર.પી. નક્કી થવી જોઈએ. બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડના ભાવ નક્કી કરવા માટેના પેરામીટર્સ પણ નક્કી થવા જરૂરી છે. તેથી કસ્ટમરને વેલ્યુ ફોર મની મળતા થાય. આજે કસ્ટમર્સનેતેમણે ખર્ચેલા નાણાંનું મૂલ્ય મળતું નથી. કંપનીઓને કે મેન્યુફેક્ચરર્સને નફો કમાવાની તક મળે અને ગ્રાહકોને ખર્ચેલા નાણાંનું મૂલ્ય મળે તેવી ફોર્મ્યુલા તેમણે તૈયાર કરવી જોઈએ.” અત્યારે તો દરેક મેન્યુફેક્ચરર કે ઉત્પાદક તેને ફાવે તે રીતે તેના પર એમઆરપી છાપે છે. તેના ઉદાહરણ અનેક છે. મોટરકારમાં વપરાતા કૂલન્ટની વાત કરીએ. તેના એક લિટરના બ્રાન્ડેડ પેક પર રૂા. 300ની એમઆરપી છાપેલી છે. પરંતુ ગ્રાહક પાસેથી તેના રૂા. 200 લેવામાં આવે છે. પરિણામે આ પ્રોડક્ટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તેનો પણ ગ્રાહકને અંદાજ આવતો નથી. આમ આડેધડ એમઆરપી લખવાને પરિણામે ડુપ્લિકેશનનું માર્કેટ વધે છે. ઉદાહરણ આપીને વાત કરીએ. ઘડિયાળની એક મોટી બ્રાન્ડ છે. તેની એક ઘડિયાળ રૂ. 1.5 લાખમાં મળે છે. ઓનલાઈનમાં તે રૂા. 18000થી 25000માં પણ મળી જાય છે. તેથી તેમાં ગ્રાહકોને છેતરવાની નોબત આવે છે. કંપનીવાળાને ખબર તો પડી જાય છે કે તેમની બ્રિન્ડની ડુપ્લીકેટ બજારમાં ફરતી થઈ ગઈ છે. પરંતુ તેઓ પોતાની બ્રાન્ડ પર અવળી અસર પડવાની બીકે ડુપ્લિકેશન અંગે કોઈ જ જાહેરાત કરતાં નથી. તેઓ અંદર અંદર ખાનગી જાસૂસી સંસ્થાનો ઉપયોગ કરીને તેમને પકડીને સજા કરાવવાની કોશિશ કર્યા કરે છે. તેમના પર ખાનગી દરોડા પણ પડાવે છે. તેમાં સફળ થાય અને ન પણ થાય. આ ગાળા સુધીમાં સંખ્યાબંધ ગ્રાહકો છેતરાઈ જાય છે.
એમઆરપી નક્કી કરવા માટેના ધોરણોની વાત કરતાં કોસ્ટ એકાઉન્ટન્ટ મલ્હાર દલવાડી કહે છે, “પ્રોડક્ટના ભાવ નક્કી કરવા માટે ઘણાં બધાં ફેક્ટરોને ધ્યાનમાં લેવામાં આવે છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો દરેક પ્રોડક્શન યુનિટની ફેસિલિટીમાં જોવા મળતો ફરક પણ ભાવ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ફાર્મા કંપનીની મશીનરીની કોસ્ટ દરેક કંપનીની અલગ હોય છે. દરેક કંપનીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે પણ તેના ઇન્વેસ્ટમેન્ટમાં તફાવત આવે છે. તેમ જ યુનાઈટેડ સ્ટેટના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના સ્ટાન્ડર્ડને મેચ કરી શકે તેવા સ્ટાન્ડર્ડથી કામ કરતી કંપની હોવી જોઈએ. તેમ કરવા માટે એક્સ્ટ્રા ખર્ચ કરવો પડે છે. દવાના ઉત્પાદન સ્ટાન્ડર્ડ જાળવવા હ્યુમન ઇન્ટરવેન્શન ન હોવું જોઈએ. તમામ પ્રોસેસ ઓટોમેટશનથી થવી જરૂરી છે. તેથી ઓટોમેશનની પ્રક્રિયાથી દવાનો એક મોટો લોટ તૈયાર કરવો પડે. પરંતુ ઘણીવાર ચોક્કસ લિમિટ પર બોટલ ફિલિંગ થયા પછી મશીનમાં કામ અટકી જાય છે. તેમાં હ્યુમન ઇન્ટરવેન્શન એલાવ્ડ નથી. અધવચ્ચે મશીન અટકી જાય અને એક લાખમાંથી 80,000 બોટલનું ફિલિંગ થયા પછી અટકી જાય તો તે કામગીરીમાં હ્યુમન ઇન્ટવેન્શન કરી શકાતું નથી. તેથી અનયુઝ્ડ બોટલ ડિસ્ટ્રોય કરવી પડે છે. પરિણામે તે લોટની બાકીની બોટલ્સ વેસ્ટ જાય છે. આ ખર્ચ પણ એમઆરપીમાં ઉમેરાઈ જાય છે. આ પ્રકારે 5 ટકા સુધીનો લૉસ જતો હોય છે. પરિણામે પણ પ્રોડક્શનના ભાવમાં વેરિયેશન આવે છે. તેની સાથે જ પ્રોડક્શન કેપેસિટી સામે વપરાતી ખરેખર કરાતું ઉત્પાદન પણ કોસ્ટ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એક લાખ યુનિટના ઉત્પાદનની ક્ષમતા સામે માત્ર 25000 યુનિટનું ઉત્પાદન કરવામાં આવે તો કોસ્ટિંગ ઊંચા જશે. કોસ્ટ એકાઉન્ટન્ટ આ લૉસને ઓછો કરી આપવાનો માર્ગ સૂઝવી શકે છે.” જોકે દવા સિવાયના ઉત્પાદનોને આ વાત લાગુ પડતી નથી. ઓટો પાર્ટ્સની જ વાત કરીએ તો તેના પર લખેલી એમઆરપી કરતાં ખાસ્સા ઓછા ભાવે તે વસ્તુઓ વેચાય છે. તેનો લાભ કાર કે સ્કૂટર કે થ્રી વ્હિલર રિપેર કરનારાઓ ખાસ્સો મળે છે. તેમને સર્વિસ ચાર્જ ઉપરાંત તગડું કમિશન પણ સ્પેરપાર્ટ્સના વપરાશ પર મળી રહે છે. ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓના પ્રોડક્ટમાં પણ તેવુ જ જોવા મળે છે. તેથી જ ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓના પ્રોડક્ટ પર એમઆરપી રૂ. 5000 છાપેલી હોય તેવી વસ્તુઓ 2999માં વેચાતી જોવા મળે છે. પરિણામે ગ્રાહકોને વાસ્તવમાં ઊંચી કિંમત ચૂકવ્યા પછીય ડિસ્કાઉન્ટથી માલ ખરીદ્યો હોવાનો સંતોષ મળે છે.
બાંધકામ ઉદ્યોગ દ્વારા લેવામાં આવતી કિંમત, પ્રોપર્ટીના વેચાણમાં લેવામાં આવતા ઓન મની અને સુપરબિલ્ટ અપ એરિયાને નામે ગ્રાહકો પાસેથી પડાવવામાં આવતા લાખો રૂપિયા પણ આ જ પ્રકારનો કિસ્સો છે. તેથી જ એક બિલ્ડરને ત્યાં દરોડા પડે ત્યારે રૂ. 500 કરોડથી 850 કરોડના બિનહિસાબી નાણાં મળી આવે છે. અમદાવાદમાં બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્મભટ્ટ અને નિલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મનોજ વડોદરિયા પર આવકવેરા ખાતાના અધિકારીઓએ પાડેલા દરોડામાં આ હકીકત બહાર આવી છે. તેનાથી સરકારની વેરાની આવક ઘટે છે. તેથી પ્રજાને માટે માળખાકીય સુવિધા ઊભી કરવાના આયોજન પાર પાડી શકાતા નથી. આમ બિનહિસાબી નાણાં દેશના અર્થતંત્ર માટે નકારાત્મક બાબત છે. અર્થશાસ્ત્રીઓ પણ આ હકીકતને સ્વીકારે છે.

એમઆરપીની ફોર્મ્યુલાનો અભાવ ભારતના અર્થતંત્રમાં મહત્તમ બ્લેકમની જનરેટ કરે છે. ગ્રાહકો વધુ ખર્ચે છે, સરકારને તેના પર મળવા પાત્ર ટેક્સ મળતો નથી. આ સ્થિતિ વિચિત્ર છે. તેનો ઉકેલ સરકારી તંત્રએ અને ગ્રાહક સુરક્ષા માટે કામ કરનારી સંસ્થાઓએ મળીને લાવવો જ જોઈએ. કારણ કે પ્રજા તો આમ જ ચાલે, આપણે એકલા શું કરી શકીએ તેમ બોલીને લાચારી દર્શાવીને બેસી જાય છે. તેથી જ અત્યારે વેપાર ઉદ્યોગમાં ખોટો નફો કરનારાઓની સંખ્યા વધારે છે. પરિણામે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ કરતાં એમઆરપી 400-500% ઊંચી હોવાનું સંખ્યાબંધ પ્રોડક્ટમાં જોવા મળે જ છે. આ અંગે વાત કરતાં હાઈકોર્ટના એડવોકેટ અપૂર્વ દવે કહે છે, “કેટલાક કિસ્સામાં પ્રોડક્શન કરનારાઓ કે મેન્યુફેક્ચરિંગ કરનારાઓની કાર્ટેલ પણ રચાઈ જાય છે. તેથી પણ એમઆરપી ઊંચી લખાય છે. સરકારે તેને કંટ્રોલ કરવી જોઈએ કે પછી પ્રાઈસ કંટ્રોલિંગ કરવા માટે ઓથોરીટી બનાવવી જોઈએ. દવામાં એનપીપીએ જેવી ઓથોરિટી છે, તેવી જ ઓથોરિટી દરેક પ્રોડક્ટ માટે બનાવવી જોઈએ. કામ અઘરું છે, પણ અશક્ય નથી. આ ઓથોરિટી એમઆરપીને જસ્ટિફાય કરે તે પછી જ તેને એમઆરપી છાપવાની છૂટ મળવી જોઈએ.” બેફામ એમઆરપી લખાતી હોવાનું એક ઉદાહરણ કારના પાર્ટ્સનું છે. કાર રિપેર કરી આપનારાઓ તેમના ગ્રાહક બની રહે અને તેમને રેગ્યુલર ધંધો મળતો રહે તે માટે 20થી 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. તેના પર લખેલી એમઆરપીને આધારે કાર રિપેરર તેના કસ્ટમર્સ પાસે નાણાં વસૂલે છે. તેમ જ સર્વિસ ચાર્જ પણ ઉમેરી દે છે. તેથી ગ્રાહકને રૂ. 5000માં પડનારા કામ માટે રૂ. 8000થી 9000 ચૂકવવા પડે છે. ગ્રાહક પાસે કોઈ ઓપ્શન જ બચતો ન હોવાથી પૈસા ચૂકવી દેવા પડે છે. કન્ઝ્યુમર ગુડ્સ (મેન્ડેટરી પ્રિન્ટિંગ ઓફ કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ મેક્ઝિમમ રિટેઈલ પ્રાઈસ) એક્ટ 2006માં પણ જણાવવામાં આવ્યુ છે કે કેટલીકવાર વેચાણ કિંમત કરતાં 50 ટકા ઊંચી કિંમત તેમાં લખેલી હોવાનું જોવા મળે છે. એમઆરપી કરતાં ઊંચા ભાવે ચીજવસ્તુઓ વેચવી ગુનો છે. પરંતું એમઆરપી લખવા માટે જડબેસલાક નિયમ ન હોવાથી મેન્યુફેક્ચરર્સ કે પ્રોડક્શન કરનારાઓ તેને ગેરલાભ લઈને મનસ્વી રીતે એમઆરપી છાપી દે છે. પડતર કિંમત અને મહત્તમ છૂટક કિંમત વચ્ચેનું આ કાયદાકીય છીડું પૂરવા માટે ગ્રાહકોએ અને ગ્રાહક સુરક્ષા સંસ્થાઓએ સક્રિય થવાનો આ સમય છે. અત્યારે સક્રિય નહિ થાવ તો આખી જિંદગી મહિનાના બે છેડાંઓ એક કરવા માટેના સંઘર્ષમાંથી મુક્તિ નહિ જ મળે. મૂડીવાદીઓનું વર્ચસ વધતુ જ જશે. સામાન્ય પ્રજાએ જિંદગીભર સંઘર્ષ કરતાં જ રહેવું પડશે.
આ સ્થિતિનો કાનૂની ઉકેલ મળી તો શકે જ છે. સરકારે તે માટેની વ્યવસ્થા કરેલી જ છે. હાઈકોર્ટના એડવોકેટ અપૂર્વ દવે કહે છે, “કન્ઝ્યુમર ગુડ્સ (મેન્ડેટરી પ્રિન્ટિંગ ઓફ કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ મેક્ઝિમમ રિટેઈલ પ્રાઈસ) એક્ટ 2006માં વેચાણ માટે મૂકવામાં આવેલી દરેક ચીજવસ્તુઓ પર વસ્તુની ઉત્પાદન કિંમત એટલે કે પડતર કિંમત અને મહત્તમ છૂટક કિંમત રાષ્ટ્રભાષા હિન્દુ અને અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષા (એટલે કે જે રાજ્યમાં તે વસ્તુ વેચાતી હોય તે રાજ્યની મૂળ ભાષા)માં પણ છાપેલી હોવી ફરજિયાત બનાવવામાં આવેલી છે. દરેક ગ્રાહકને દેખાય તે રીતે આ કિંમતો છાપેલી હોવી જરૂરી છે. કાયદામાં કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં મેન્યુફેક્ચરર્સે ચીજવસ્તુનું ઉત્પાદન કરવા માટે કરવો પડેલો સીધો અને આડકતરો દરેક ખર્ચ સમાવી લેવામાં આવ્યો છે. કાયદામાં કરવામાં આવેલી જોગવાઈમાં એમ પણ લખવામાં આવ્યું છે કે ગ્રાહક માટે મહત્તમ છૂટક ભાવ અને વાસ્તવિક કિંમત વચ્ચેનો તફાવત જાણવો આવશ્યક છે.” હવે સવાલ થાય છે કે તમને ક્યારેય કોઈ વસ્તુ પર કોસ્ટ ઓફ પ્રોડક્શન લખેલી જોવા મળે છે કે ખરી? તમને નથી લાગતું કે તેના પર પડતર કિંમત પણ લખવાની ફરજ પાડવી જોઈએ. તેમ થાય તો તમારી પાસે તે કેટલો નફો કમાય છે તેનો અંદાજ પણ મળી જશે.

ગ્રાહકો પાસે કેટલા વિકલ્પો છે?
ગ્રાહકો પાસે એક વિકલ્પ છે એમઆરપી નક્કી કરવા માટેની ફોર્મ્યુલા કે નિયમો તૈયાર કરાવડાવવા. આ નિયમોનું ચુસ્ત પાલન થાય તેવી વ્યવસ્થા ઊભી કરાવવા માટે સરકાર કે વહીવટી તંત્ર પર દબાણ વધારવાનો પણ વિકલ્પ છે. અસ્તિત્વ ટકાવવા માટે માનવ સંઘર્ષ કરી રહ્યો છે તેવા આ યુગમાં પેટિયુ રળવા ઉપરાંત આ જફા કરવા માટે લોકો રસ્તા પર આવશે નહિ તે પણ હકીકત છે. તેમ છતાંય ગ્રાહકોની સુરક્ષા માટે કામ કરતાં હોવાનો દાવો કરતાં કન્ઝ્યુમર પ્રોટેક્શન જૂથોએ આ મુદ્દો હાથ પર લેવો જોઈએ. હા, આ માટે એક કાયદાકીય વિકલ્પ પણ છે. તેની વિગતો આપતા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અને ફેક્ટમ લૉના પાર્ટનર અપૂર્વ દવે કહે છે, “ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019ની કલમ 35 (1) (સી) હેઠળ કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમુહ ક્લાસ એક્શન સ્યૂટ ફાઈલ કરી શકે છે. સ્યૂટ ફાઈલ કરવા આગળ આવનારા તમામનું ધ્યેય એક સરખું જ હોવું જરૂરી છે. આ ક્લોસ સેક્શન સ્યૂટ માત્ર ને માત્ર ડિસ્ટ્રીક્ટ કન્ઝ્યૂમર ફોરમ કે કમિશનની મંજૂરી મળ્યા પછી જ ફાઈલ કરી શકાય છે.” ગ્રાહકોને વેલ્યુ ફોર મની મળી રહે તે માટે દરેક ગ્રાહક સુરક્ષા સંસ્થાઓએ આ દિશામાં સક્રિય થવું જરૂરી છે. પ્રજાના હિતમાં આ પગલું લેવા દરેક આગળ આવે તે જરૂરી બની ગયું છે.

બાંધકામ ઉદ્યોગ માટે પણ મિલકતની કિંમત નક્કી કરવા ફોર્મ્યુલા લાવવી જરૂરી
કાળું નાણું જનરેટ કરવામાં અને પડતર કિંમત કરતાં ઘણાં જ ઊંચા ભાવે મિલકત વેચવા બાંધકામ ઉદ્યોગ પંકાયેલો છે. આ ઉદ્યોગમાં રાજકારણી, આઈએએસ, આઈપીએસના કરપ્ટ અધિકારીઓનો ઢગલો પૈસો રોકાયેલો છે. તેથી મિલકતના ભાવ નક્કી કરવામાં તેમની મનમાની જગજાહેર છે. બિનહિસાબી નાણાં સૌથી વધુ પ્રમાણમાં પ્રોપર્ટીના બિઝનેસમાં જ જનરેટ થતું હોવાનું સહજ જોઈ શકાય છે. પરંતુ સમાજના કહેવાતા વગદારો તેની સાથે સંકળાયેલા હોવાથી તેમની સામે એક્શન આવતા નથી. વાસ્તવમાં જમીનની ઊંચી કિંમતો તેને માટે જવાબદાર હોવાનું પ્રોપર્ટી ડેવલપર્સ અને બિલ્ડર્સ કહે છે. પરંતુ સરકાર તેમને જમીનની કિંમતના દસ્તાવેજ રજૂ કરવા, તેમ જ તેના સોદા માટે ચૂકવેલી સ્ટેમ્પ ડ્યૂટીની વિગતો જાહેર કરવા તથા મટિરિયલ કોસ્ટ અને લેબર કોસ્ટની વિગતો જાહેર કરવાની ફરજ પાડી શકે છે. તદુપરાંત જાહેરાતનો ખર્ચ અને તેને માટે સેલ્સ એક્ઝિક્યુટીવ હાયર કરવાનો ખર્ચ તથા ઇન્વેસ્ટમેન્ટ પરના વ્યાજનો ખર્ચ ગણીને તેમની પ્રોપર્ટીની વેચાણ કિંમત એટલે કે પ્રોપર્ટીને પણ પ્રોડક્ટ ગણીને વાત કરીએ તો તેની વેચાણ કિંમત એમઆરપી નક્કી કરવાની ફરજ પાડવી જોઈએ. ગુજરેરા આવ્યો છે. તેમાં મિલકત ખરીદનારને કાર્પેટ એરિયા આપવાની બાબતમાં નિયમ કરવામાં આવ્યો છે. છતાંય તેમાં ગ્રાહકો સાથે છેતરપિંડી થયા જ કરે છે. આ તમામ અનિયમિતતાનો અંત આવવો જોઈએ તેવું તમને નથી લાગતું. આ માટે તમામે સક્રિય થવું પડશે. ગુલામોના મુક્તિ દાતા તરીકે ઓળખાતા અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિન્કને ગુલામોને સંબંધોન કરતાં કહ્યું હતું કે -જાગો અને લડત કરો, તમારે તમારી જંજીરો સિવાય કશું જ ગુમાવવાનું નથી. તેમના શબ્દોને ભારત સરકારે જ આપેલા સૂત્રને સાંકળીને કહેવામાં આવે કે “જાગો ગ્રાહક જાગો.” તેનાથીય આગળ વધીને વાત કરીએ તો ગ્રાહકોના હિતમાં ઝુંબેશ ચાલુ કરીને મહામહેનતે તમે તમારા ખિસ્સામાં એકત્રિત કરેલા નાણાં પર મારવામાં આવી રહેલી તરાપને અટકાવવાના પ્રયાસ જ કરવાનો છે. આ માટ તમારે તમારો થોડો સમય ગુમાવવા સિવાય બીજું કશુ જ ગુમાવવાનું નથી.
સરકારે MRP નિશ્ચિત કરવાના નિયમો બનાવવા જોઈએઃ ગિરીશ શાહ

ગ્રાહકોના હકની રક્ષા માટે સક્રિય સંસ્થા કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના કમ્પલેઈન્ટ ડિપાર્ટમેન્ટના હેડ ગિરીશ શાહ માને છે કે સરકારે MRP નિશ્ચિત કરવા માટે ચોક્કસ નિયમો બનાવવા જોઈએ. તેઓ જણાવે છે, “વેપારી MRP કેવી રીતે નક્કી કરી શકે તેના માટે નિયમો, મર્યાદા અને જસ્ટિફિકેશન હોવું જોઈએ. તે તમામના આધારે ગ્રાહકો માટે રિઝનેબલ હોય તેવી જ એમઆરપી નક્કી થવી જોઈએ. હાલ MRP નક્કી કરવા માટે કોઈ કાયદો ન હોવાથી બેફામ રીતે MRP નક્કી થાય છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, બિગ બાસ્કેટ જેવા પ્લેટફોર્મ પર ચીજો MRP કરતા ઘણા સસ્તા ભાવે વેચાય છે. જો કોઈપણ પ્રોડક્ટ પર આટલું તગડું માર્જિન વેપારીઓ રાખતા હોય તો ભારત આર્થિક રીતે આટલો પાછળ હોવો જ ન જોઈએ. આ માર્જિનના રૂપિયા આખરે જાય છે ક્યાં? સરકારે આ સ્થિતિને નિયંત્રણમાં લાવવા જાહેરનામુ બહાર પાડીને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટમાં જરૂરી સુધારા કરવા જોઈએ.”