• 9 October, 2025 - 6:05 AM

બાસમતી રાઈસનો બિઝનેસ કરતી આ કંપનીનો સ્ટોક લાંબા ગાળે કરાવી શકે છે તગડો લાભ

બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ બાસમતી રાઈસના બિઝનેસમાં LT Foods અગ્રણી નામ છે
ree

 
 

બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ બાસમતી રાઈસનો બિઝનેસ કરતી આ કંપની છે. તે દાવત, રોયલ, ગોલ્ડ ગોલ્ડ ઇન્ડસવેલી, હેરિટેજ, 817 એલિફન્ટ અને દેવાયા બાસમતી રાઈસનો બિઝનેસ કરે છે. આ બધી જ તેની બહુ જ એસ્ટાબ્લિશ થયેલી બ્રાન્ડ્સ છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની હાજરી નોંધપાત્ર છે. બાસમતી ચોખાના ભારતના અને અમેરિકાના બજારમાં દાવત અને રોયલ બ્રાન્ડ અનુક્રમે 27 ટકા 50 ટકા માર્કેટ હિસ્સો ધરાવે છે. કંપનીનું નામ છે એલ.ટી. ફૂડ્સ. તેના શેરના વર્તમાન બજાર ભાવ રૂ. 68 છે. 1980માં કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. ભાત છડી ચોખા કાઢવાનું અને તેની પ્રોસેસ કરી તેનું માર્કેટિંગ કરવાનું કામ કંપની કરે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજાર માટે રાઈસ ફૂડની અલગ અલગ રેડી ટુ ઇટ આઈટેમ્સ બનાવવાનું પણ કામ આ કંપની કરે જ છે.

 

કંપનીના પ્રોડક્ટ્સમાં ચોખા, સફેદ ચોખા, સ્ટીમ્ડ રાઈસ, પારબોઈલ્ડ રાઈસ, ઓર્ગેનિક રાઈસ, રેપિડ કુકિંગ રાઈસનો સમાવેશ થાય છે. રાઈસમાં કંપની વેલ્યુ એડિશન કરીને ફ્લેવર્ડ રાઈસ પણ માર્કેટમાં મૂકે છે. એલટી ફૂડ્સની પેટા કંપની ચોખાના ઘટક આધારિત ઓર્ગેનિક ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ ધરાવે છે. સાચા અર્થમાં તે અમેરિકા અને યુરોપના દેશોને ઓર્ગેનિક ફૂડનો સપ્લાય આપે છે. કંપનીના પ્રોડક્ટ્સનું 20 ટકા માર્કેટ યુરોપના દેશોમાં, 36 ટકા અમેરિકામાં, 30 ટકા ભારતમાં, 8 ટકા મધ્ય પૂર્વના દેશોમાં અને બાકીના છ ટકા વિશ્વના અન્ય દેશોમાં વેચાણ થાય છે. ઇઝરાયલ, રિયુનિયન આઈલેન્ડ, મોરેશિયસ અને સિંગાપોરમાં પણ તેના પ્રોડક્ટ્સનું મોટું માર્કેટ છે. એલ.ટી. ફૂડ્સ હવે વિશ્વસ્તરની કન્ઝ્યુમર ફૂડ કંપની તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે. કંપની ગ્રાહકોની વર્તમાન અને નવી ઊભી થતી જરૂરિયાત પ્રમાણેના પ્રોડક્ટ્સ બજારમાં મૂકતી થઈ છે.

 
અમેરિકા અને યુરોપિયન સંઘના દેશોમાં કંપનીએ સારો પગપેસારો કર્યો છે
 

કંપનીનું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે. તેની કુલ આવકમાંથી 37 ટકા આવક માત્ર અમેરિકામાં કરાતા વેપાર થકી થાય છે. ભારતના બજારમાંથી તેની કુલ આવકના 14 ટકા અને યુરોપિયન માર્કેટમાંથી તેની કુલ આવકના 35 ટકા આવક થાય છે. આજે કંપની 4.6 લાખ મેટ્રિક ટન પેકેજ બાસમતી ચોખાનો વેપાર કરે છે. ભારત સહિત વિશ્વના 60 દેશોમાં તેના પ્રોડક્ટ્સ વેચાય છે. અમેરિકા, યુરોપ, મધ્યપૂર્વ, ફાર ઇસ્ટ સહિતના વિશ્વના દેશોમાં તેનો વેપાર છે. 1,18,00 રિટેઈલ આઉટલેટ્સમાંથી તેના ઉત્પાદનો વેચાય છે. ભારતમાં 6000 ફૂડ સર્વિસ આઉટલેટ્સમાં તેના પ્રોડક્ટ્સ વેચાય છે. બિગબજાર, ડી-માર્ટ, રિલાયન્સ રિટેઈલ, મોર, વોલમાર્ટ જેવા મોલ્સમાંથી પણ તેના પ્રોડક્ટ્સનો મોટો ઉપાડ છે. 3600થી વધુ મોડર્ન ટ્રેડ સ્ટોર, 800થી વધુ હાઈપર માર્કેટ 1200થી વધુ મિનિમાર્કેટ, 1200થી વધુ ર્સુપરમાર્કેટ્સના માધ્યમથી તેના પ્રોડક્ટ્સનું વેચાણ થાય છે.

 
ree

 
મેન્યુફેક્ચરિંગથી માંડીને સપ્લાય ચેઈન સુધીની તમામ વ્યવસ્થા પોતે જ ઊભી કરેલી છે.
 

ફાર્મ ટુ ફોર્કનું તેનું બિઝનેસ મોડેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો ખેતરથી ખાનારાની જીભ સુધીની સફર કંપની સફળતાથી કરી રહી છે. કંપની બાસમતીની ખેતી કરે છે. બાસમતી પ્રોક્યોર(ખરીદે) છે. પ્રોક્યોર કર્યા પછી તેના પરની પ્રોસેસ કરતાં એકમો તેની પાસે છે. કસ્ટમર્સને અનુકૂળ હોય તેવા પ્રોડક્ટ્સ આપે છે.

 
 

એલ.ટી.ફૂડ્સની બ્રાન્ડ દસ વરસ પહેલા તેની કુલ આવકના માત્ર 20 ટકા આવક જ કરાવતી હતી. આજે તેની કુલ આવકમાંથી 70 ટકા આવક બ્રાન્ડેડ પ્રોડક્ટ થકી જ થાય છે. બાસમતી અને અન્ય સ્પેશિયાલિટી રાઈસ કંપનીનો મુખ્ય બિઝનેસ છે. તેના થકી કંપનીની થતી આવક કુલ આવકના 83 ટકા જેટલી છે. તેની આવકમાં વરસે દહાડે સરેરાશ 8 ટકાનો વધારો થાય છે.

 

કંપનીના બ્રાઉન રાઈસની પણ બોલબાલા છે. આ પોષક ચોખામાં બ્રાનનું રેસાદાર લેયર જળવાઈ રહે છે. તેનું પોષક મૂલ્ય વધારે છે. તેમાં પ્રોટીન, આયર્ન, વિટામિન્સ અને મિનરલ્સના ઘટકો વધારો હોય છે. તેના ક્લાયન્ટનો વર્ગ મોટો છે.

 
ડીઝ બિરિયાની એન્ડ કબાબ, ફેરમોન્ટ હોટેલ એન્ડ રેસ્ટોરાં, હોટેલ હિલ્ટોન, ફોર્ચ્યુન, હ્યાટ, મેરિયોટ, આઈટીસી વેલકમ ગ્રુપ, જેયપી હોટેલ્સ, પેરેડાઈઝ, નોવાટેલ, પાર્કપ્લાઝા, રેડિસન બ્લુ, પીન્ચ ઓફ સ્પાઈસ, ખાનદાની રાજધાની, હોટેલ રમાદા, તાજ હોટેલ ગ્રુપ, સરોવર હોટેલ્સ એન્ડ રિઝોર્ટ્સ, ધ લલિત, ધ લીલા, બાર્બેક્યુ નેશન, બેસ્ટ વેસ્ટર્ન, બિકાનેરવાલા, કન્ટ્રી ઇન એન્ડ સ્યૂઇટ્સમાં તેના જ બાસમતી વપરાય છે.
 

કંપનીનું રિટેઈલ નેટવર્ક પણ ઘણુ જ મોટું છે. કંપની પાસે 900 ડિસ્ટ્રીબ્યુટર્સ ઉપરાંત ભારતમાં 1,37,000 છૂટક વેચાણકારોનું નેટવર્ક છે. ઇકોમર્સના પ્લેટફોર્મ પર પણ તેની હાજરી છે. તેથી તેનો સપ્લાય કોવિડના કાળમાં પણ અટક્યો નહોતો. તેથી જ કોરોના કાળમાં પણ તેના કન્ઝ્યુમર પેકનું વેચાણ 84 ટકાથી વધીને 86 ટકા થયું હતું. નાના પેકેટ્સના વેચાણમાં 8 ટકાનો વધારો થયો હતો.

 
ree

 

એલ.ટી. ફૂડ્સની ઓર્ગેનિક ફૂડનો જ વેપાર કરતી પેટા કંપની નેચર બાયો ફૂડ્સ લિમિટેડ છે. 1999માં સ્થાપવામાં આ એકમની મદદથી ગ્રાહકો વધુ ઝડપથી ઓર્ગેનિક ફૂડ ભણી વળી રહ્યા હોવાનો પણ કંપની એડવાન્ટેજ લેવા માંડ્યો છે. આ કંપની ઓર્ગેનિક રાઈસ ઉપરાંત કઠોલ, વટાણા સહિતના પ્રોડક્ટ્સ વેચી રહી છે. ભારતના ખેતરોમાંથી આફ્રિકાના ટોગો, યુગાન્ડા જેવા દેશોમાં પણ તેની નિકાસ કરે છે. નેચર બાયોફૂડ લિમિટેડ સાથે 64000 ખેડૂત પરિવારો જોડાયેલા છે. તેઓ 94000 હેક્ટર જમીન પર ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે. ભારત ઉપરાંત આફ્રિકા અને થાઈલેન્ડના ખેડૂતો પણ તેની સાથે જોડાયેલા છે.

 
જર્મની, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુનાઈટેડ આરબ અમિરાતમાં પણ કંપની નોંધપાત્ર હાજરી ધરાવે છે. કંપનીને સીઆઈઆઈ (કોન્ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા)નો પ્રતિષ્ઠિત ફૂડ સેફ્ટી એવોર્ડ પણ મળ્યો જ છે.
 

નેચર બાયોફૂડ્સ લિમિટેડ પીપર સોલ્ટ ઉપરાંત જુદાં જુદાં સ્નેક્સ પણ બનાવીને બજારમાં મૂકે છે. કરી કરી તરીકે ઓળખાતી તેની આ બ્રાન્ડનો બિઝનેસ 2020માં રૂ. 800 કરોડનો હતો. એક જ વરસમાં તેના બિઝનેસમાં 239 ટકાનો વધારો થયો હતો. મેટ્રો સેન્ટરમાં અને ઇ-કોમર્સથી તેની ડીમાન્ડમાં આ વધારો જોવાયો હતો. ભારતના દસ રાજ્યોમાં તેના પ્રોડક્ટ્સ જાણીતા બની ગયા છે.

 

મે 2020માં સાઉદી એગ્રીકલ્ચર એન્ડ લાઈવસ્ટોક ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ દાવત ફૂડ લિમિટેડનો 30 ટકા શેર હિસ્સો 1.7 કરોડ અમિરિકન ડૉલરના ખર્ચે હસ્તગત કર્યો હતો. શ્રેષ્ઠ વિકસતી કંપની તરીકેનું સ્થાન એલ.ટી. ફૂડ્સે અંકે કરેલું છે.

 
ree

 
કંપનીનો ચોખ્ખો નફો સતત વધી રહ્યો છે. 2017મા રૂ. 117 કરોડ, 2018માં 135 કરોડ, 2019માં 127 કરોડ, 2020માં 184 કરોડ અને 2021માં 274 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. 2021ને અંતે કંપનીનો વેરા પૂર્વેનો નફો રૂ. 552 કરોડનો હતો.
 

કંપનીના નફાની જેમ જ કંપનીની આવક પણ 2017થી 2021ના ગાળામાં સતત વધી છે. આ આવક અનુક્રમે રૂ. 3245 કરોડ, 3614 કરોડ, 3890 કરોડ, 4135 કરોડ અને 4644 કરોડની રહી છે. આ ગાળામાં કંપનીનો રોકડનો પ્રવાહ પણ સતત વધી રહ્યો છે. 2017થી 2021ના પાંચ વરસમાં કંપનીના રોકડનો પ્રવાહ જોઈએ તો અનુક્રમે રૂ. 227 કરોડ, 60 કરોડ, 103 કરોડ, 477 કરેડ અને 445 કરોડનો રહયો છે. 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળાની વાત કરીએ કંપનીની કુલ આવક 21 ટકાના વધારા સાથે રૂ. 1369 કરોડની થઈ છે. કુલ નફો 15 ટકા વધી રૂ. 456 કરોડ, વેરાપૂર્વેનો નફો 10 ટકા વધી રૂ. 151 કરોડ, વેરા પછીનો નફો 11 ટકા વધી રૂ.77 કરોડ અને રોકડનો નફો 13 ટકા વધી રૂ. 107 કરોડ થયો છે. તેની શેરદીઠ કમાણી 8ટકાના વધારા સાથે રૂ. 2.23ની થઈ છે. 2021-22ના પહેલા નવ માસમાં કુલ આવક નવ ટકાના વધારા સાથે રૂ. 3913 કરોડ થઈ છે. વેરા પછીનો નફો 5 ટકા વધી રૂ. 322 કરોડ, થયો છે. તેના શેરની બુક વેલ્યુ રૂ.65.2 થઈ છે. આ વરસે કંપનીના બાસમતી અને અન્ય સ્પેશિયાલિટી રાઈસનો બિઝનેસ 23 ટકા વધ્યો છે.

 

જૂના ચોખા વધુ વેચાય છે. કંપની પાસે 24 મહિના જૂનો ચોખાનો સ્ટોક છે. તેને કારણે જોખમ ન વધે તેની પણ કંપનીએ દરકાર રાખી છે. આગામી પાંચ વર્ષની વાત કરીએ તો કંપનીની આવકમાં સતત દોઢ ટકાના દરે આ વધારો આવે તેવી સંભાવના છે. કંપનીની આવક અને વેરા પૂર્વેની આવકમાંથી દેવું ચૂકવવા માટે કરવા પડતા ખર્ચનું પ્રમાણ માત્ર 5 ટકાનું જ છે. પરિણામે વેલ્થ ક્રિયેશનની ભરપૂર શક્યતા છે. 2020-27ના ગાળામાં કંપનીનો બિઝનેસ 6 ટકાના સ્થિર દરથી વધવાની શક્યતા છે. ભારતનું ચોખાનું બજાર 2.7 ટકાના દરે વિકસે તેવી શક્યતા છે. છેલ્લા પાંચ વર્ષનો કંપનીનો સર્વગ્રાહી વિકાસ દર 5 ટકાનો રહ્યો છે. તેની આવકમાં વરસે વરસે અંદાજે 14 ટકાના દરે વધારો થયો છે. આ ગણિતો માંડતા લાંબા ગાળાનું તે લાભદાયી રોકાણ બની શકે છે.

Read Previous

અમદાવાદનો બાંધકામ ઉદ્યોગ 15 ટકાના વિકાસદર સાથે નવી ઊંચાઈએ

Read Next

Stock Idea :જનરલ ઇન્સ્યોરન્સ સેક્ટરની ભારતની અગ્રણી કંપની દસ જ ટ્રેડિંગ સેશનમાં સારું વળતર અપાવી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular