• 9 October, 2025 - 3:24 AM

બેન્કોના ખાનગીકરણના ખરડાના વિરોધમાં 16 ને 17 ડિસેમ્બરે બેન્કો હડતાલ પર

ree

બેન્કોના ખાનગીકરણનો ખરડો પાછો ખેંચી લેવા બેન્ક યુનિયનના નેતાઓએ માગણી કરી.

રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણ કરવાની દિશામાં આગળ વધી શકાય તે માટે સંસદના શિયાળુ સત્રમાં લાવવામાં આવી રહેલા ખરડા સામેના વિરોધમાં આવતીકાલે 16મી અને 17મી ડિસેમ્બરે બે દિવસની હડતાલ પાડવાના બેન્કોએ નિર્ણય કર્યો છે. બેન્કોનું તમામ કામકાજ બે દિવસ માટે અટકી જશે. ચેક ક્લિયરિંગની કામગીરી પણ ઠપ થઈ જશે, એમ ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના સેક્રેટરી જનરલ સી.એચ. વેંકટચલમે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

 
 
ree

 
સંસદના શિયાળુ સત્રમાં બેન્કોના ખાનગીકરણ માટેનો ખરડો રજૂ કરવામાં નહિ આવે તેવી સરકાર ખાતરી આપે.

તેમનું કહેવું છે કે બેન્ક યુનિયનોએ માગણી કરી છે કે સંસદના શિયાળુ સત્રમાં બેન્કોના ખાનગીકરણની વ્યવસ્થા કરતો ખરડો ન રજૂ કરવાની સરકાર ખાતરી આપશે તો જ તેઓ આ હડતાલ પાછી ખેંચશે. અન્યથા દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કો હડતાલમાં જોડાશે. જોકે મંગળવારે આ મુદ્દે ચર્ચા કરીને સમાધાન લાવવા માટે ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશનના નેતાઓ, બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગોપાલ ભગત તથા એડિશનલ ચીફ લેબર કમિશનર એસ.સી. જોશી વચ્ચે થયેલી બેઠકમાં કોઈ નિષ્કર્ષ પર આવી શકાયું નથી. બેન્ક યુનિયનના નેતાઓએ માગણી કરી હતી કે સરકાર ચોખ્ખા શબ્દોમાં ખાતરી આપે કે રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણનો ખરડો સંસદમાં શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહિ. તેમનું કહેવું છે કે સરકારે તેના ઇરાદા અંગે સ્પષ્ટ શબ્દોમાં નિવેદન આપવું જોઈએ. આ નિવેદન બીજા કોઈ તરફથી નહિ, ખુદ મંત્રી તરફથી જ થવું જોઈએ તેવી પણ તેમની માગણી છે. તદુપરાંત સરકાર રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીરકરણના એજન્ડા સાથે હવે પછી પણ આગળ વધશે નહિ તેની ખાતરી આપવી પડશે. કેન્દ્ર સરકારે અગાઉ એવો નિર્દેશ આપ્યો છે કે બેન્કિંગ લૉ એમેન્ડમેન્ટ બિલ 2021 સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવા માટે લિસ્ટ કરવામાં આવ્યું છે. આ બિલ પાસ કરી જ દેવામાં આવશે તેવું નિશ્ચિત નથી. બેન્ક યુનિયનના નેતાઓને દહેશત છે કે એકવાર શિયાળુ સત્રમાં બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ લિસ્ટ કરી દેવામાં આવે તે પછી કેન્દ્ર સરકાર ગમે તેમ કરીને તે ખરડો પસાર કરાવી દેશે. દસ રાષ્ટ્રીયકૃત બેન્કોને જોડીને તેમાંથી 4 બેન્કો બનાવવાને કારણે રાષ્ટ્રીયકૃત બેન્કના પરફોર્મન્સમાં શું ફરક પડે છે તે જરાય સ્પષ્ટ થતું નથી. તેનાથી બેન્કના ખાતેદારોને શું લાભ મળે છે તે પણ સ્પષ્ટ થતું નથી. કેન્દ્ર સરકારે બેન્કિંગ લૉ એમેન્ડમેન્ટ બિલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવા માટે લિસ્ટ કરાવ્યું છે. આ બિલમાં બેન્કિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ) એક્ટ1970-1980 અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949માં સુધારો કરીને રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણનો માર્ગ મોકળો કરી દેવા માગે છે. સરકારે 2021-22ના નાણાંકીય વર્ષ દરમિયાન જાહેરક્ષેત્રની બે બેન્કોના ખાનગીકરણના તેના ઇરાદાનો આ અગાઉ જ અણસાર આપેલો છે. છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે 14 રાષ્ટ્રીયત બેન્કોનું વિલીનીકરણ (મર્જર) કરી દીધું છે. કેબિનેટ કમિટી ઓન પ્રાઈવેટાઈઝેશને હજી સુધી કઈ બે રાષ્ટ્રીયકૃત બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે તેના નામની જાહેરાત કરી નથી.

 
ચાર વર્ષમાં બેન્કો સાથે 4.36 લાખ કરોડના ફ્રોડ થયા

એપ્રિલ 2017થી માર્ચ 2021ના ગાળામાં બેન્કો સાથે રૂા. 4.36 લાખ કરોડના ફ્રોડ થયું હોવાનું રિઝર્વ બેન્કે તેના છેલ્લામાં છેલ્લા વાર્ષિક અહેવાલમાં જ જણાવ્યું છે. આ સંજોગમાં બેન્ક સાથે ફ્રોડ કરનારા 100 સૌથી મોટા ખાતાધારકોના નામ પણ કેન્દ્ર સરકારે જાહેર કરવા જોઈએ તેવી માગણી બેન્ક યુનિયનોએ કરી છે. બીજીતરફ કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાએ જાહેર ક્ષેત્રની બેન્કોની રિકવરીની કામગીરી વધુ સંગીન બને અને ફસાયેલી મૂડી ઓછી થાય તે માટે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસિસ નક્કર પગલાં લેવા જોઈએ. આ સંદર્ભમાં હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં ન આવ્યા હોવાની પણ તેમની ફરિયાદ છે.

Read Previous

કોરોનામાં ઓક્સિમીટર, માસ્ક-સેનિટાઈઝરના ઊંચા ભાવ વસૂલનારાને 5 લાખનો દંડ

Read Next

વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોએ ખાસ કરવું જોઈએ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ, આ રહ્યા 4 મજબૂત કારણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular