શું તમારે GST નંબર લેવો જોઈએ? તેના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય?
– વેપારીઓ માટે પેનલ્ટી કે કાયદાકીય કાર્યવાહીથી બચવાનું ઈન્શ્યોરન્સ કવરેજ બની શકે છે GST નંબર – સમજો ઓનલાઈન GST નંબર મેળવવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

1 જુલાઈ 2017ના રોજથી લાગુ પડાયેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)એ ભારતમાં વેપાર કરવાની પદ્ધતિને ધરમૂળથી બદલી નાંખી છે. હાલમાં સર્વિસ પ્રોવાઈડર્સ માટે વાર્ષિક ટર્નઓવર રૂ. 20 લાખ કરતા વધુ હોય અને માલ સપ્લાય કરનારા વેપારીઓ માટે વાર્ષિક ટર્નઓવર રૂ. 40 લાખથી વધુ હોય તો GST રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ ટેક્સ લાગુ પડાયાને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ પણ તેને લઈને વેપારીઓમાં અનેક મૂંઝવણ જોવા મળે છે. જો કે યોગ્ય માર્ગદર્શન મળી રહે તો GST નંબર માટે ઓનલાઈન અરજી કરવાથી માંડીને તેના સમયસર રિટર્ન ભરવા સુધીની સમગ્ર પ્રક્રિયા સરળ છે. GST નંબર માટે અરજી કરવાની પ્રક્રિયા સમજતા પહેલા એ સમજવું જરૂરી છે કે આ નંબર કોણે કોણે લેવો જોઈએ અને તે લેવાના ફાયદા શું છે. GST નંબર લેવાની જરૂર કોને કોને પડે છે? GST બધા જ પ્રકારના વેપાર ધંધાને લાગુ પડે છે. તેમાં ટ્રેડ, કોમર્સ, મેનુફેક્ચરિંગ (ઉત્પાદન), વગેરેનો સમાવેશ થાય છે. તેમાં માલ કે સર્વિસના સપ્લાયનો પણ સમાવેશ થાય છે. માલ પૂરો પાડવા સિવાય તમે બીજો જે પણ વ્યવસાય કરતા હોવ તેનો સમાવેશ સર્વિસમાં થાય છે. GSTમાં સ્વતંત્ર કરદાતા, HUF, કંપની, પેઢી, ભાગીદારી પેઢી, AoP, કો-ઓપરેટિવ સોસાયટી, સોસાયટી તથા ટ્રસ્ટનો સમાવેશ થાય છે. તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સેવા કે માલ મોકલતા હોવ તો તમારા માટે ગમે તેટલું ઓછું ટર્ન ઓવર હોય તો પણ GST નંબર લેવો ફરજિયાત છે. આ રીતે ઈ-કોમર્સ બિઝનેસ કરવા માટે પણ GST નંબર લેવો ફરજિયાત છે.
GST નંબર લેવાના ફાયદાઃ જો તમારુ ટર્ન ઓવર સર્વિસ સેક્ટરમાં રૂ. 20 લાખ અને ગુડ્સમાં રૂ. 40 લાખ કરતા ઓછું હોય તો તમારે GST નંબર લેવાની જફામાં પડવું જોઈએ કે નહિ? નિષ્ણાંતોના મતે તમે કોઈપણ બિઝનેસ શરૂ કરો ત્યારે GST નંબર લેવાથી તમને ફાયદો જ થાય છે. પહેલું, તેને કારણે તમારી નોંધણી ગુડ્સ કે સર્વિસના કાયદેસર સપ્લાયર તરીકે થઈ જાય છે. આ ઉપરાંત GSTના કાયદા અંતર્ગત તમને વિવિધ લાભ પણ મળે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિખિલ ગુપ્તા આ અંગે વાત કરતા જણાવે છે, “ખાસ કરીને લઘુ અને મધ્યમ કદની ઈન્ડસ્ટ્રીઝે તો GST માટે રજિસ્ટ્રેશન કરાવવું જ જોઈએ. સરકારી કે પીએસયુ બેન્કમાંથી MSMEને લગતી લોન લેવી હોય તો GST નંબર ફરજિયાત છે. GST રિટર્ન એ કોઈ પણ બિઝનેસ એન્ટિટીની નેટવર્થનું પ્રતિબિંબ છે. આ કારણે GST રિટર્ન બિઝનેસ લોન મેળવવા માટેનો ખૂબ જ અગત્યનો દસ્તાવેજ બની રહે છે.” સી.એ હેમ છાજેડના મતે જો ઓછું ટર્ન ઓવર હોય તો સમજી વિચારીને GST નંબર લેવાનો નિર્ણય લેવો જોઈએ. તેઓ જણાવે છે, “ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે GST નંબર હોવો ફરજિયાત છે. આથી તમારે કેટલી ક્રેડિટ મેળવવાની થાય છે અને દર મહિને GST પાછળ કમ્પ્લાયન્સનો કેટલો ખર્ચ થાય છે તેની ગણતરી કરીને નંબર લેવાનો નિર્ણય કરવો જોઈએ.” જો કે સી.એ નિખિલ ગુપ્તા માને છે કે વેપારી જેવો બિઝનેસ શરૂ કરે તેવો GST નંબર લઈ જ લેવો જોઈએ. તેઓ જણાવે છે, “વેપારીએ ફ્યુચર એક્સપાન્શનને ધ્યાનમાં રાખીને પણ GST નંબર લઈ જ લેવો જોઈએ. ધારો કે આજે ભલે ટર્ન ઓવર ઓછું હોય પરંતુ બિઝનેસમાં અચાનક મોટો ઓર્ડર મળી જાય અને GST નંબર માટેની ટર્નઓવરની લિમિટ ક્રોસ થઈ જાય તો GST નંબર ન હોવાને કારણે પેનલ્ટી થઈ શકે છે. કારણ કે ટર્ન ઓવર અચાનક વધે અને પછી નંબર માટે અરજી કરવામાં આવે ત્યાર પછી પણ 30 દિવસે GST નંબર મળે છે. આથી વેપારી સામે એક મહિનાનું રિટર્ન ફાઈલ ન કરવા સહિત નિયમોના ઉલ્લંઘન માટે કાર્યવાહી થઈ શકે છે. GST નંબર એ વેપારીઓ માટે પેનલ્ટી કે કાયદાકીય કાર્યવાહીથી બચવાનું ઈન્શ્યોરન્સ કવરેજ છે. જે વેપારીઓ GST નંબર લે છે, નિયમિત રિટર્ન ફાઈલ કરે છે તેમની સામે ટેક્સને લગતી કાર્યવાહી થવાની શક્યતા ઘટી જાય છે.” GST નંબર મેળવવા માટેની ઓનલાઈન પ્રક્રિયાઃ સ્ટેપ 1– જો તમારે નવો GST નંબર કઢાવવો હોય તો સૌથી પહેલા ભારત સરકારના GST પોર્ટલ પર જાવ. તેની લિંક https://www.gst.gov.in/ છે. હોમ પેજ પર નીચે સ્ક્રોલ કરશો એટલે કરદાતા કે પછી GST પ્રેક્ટિશનર તરીકે રજિસ્ટ્રેશન કરાવવાનો વિકલ્પ આપવામાં આવશે. જો તમે કરદાતા હોવ તો ટેક્સપેયર સેક્શનમાં Register Now ટેબ પર ક્લિક કરો. તેમાં ‘New Registration’નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો. સ્ટેપ 2– તમે ‘New Registration’ વિકલ્પ પસંદ કરશો એટલે તમને વેબસાઈટમાં વિગતો ભરવાનું જણાવવામાં આવશે. તેમાં તમારે સૌથી પહેલા તમે કોણ છો તે જણાવવાનું રહેશે. I am a સેક્શનમાં ડ્રોપડાઉન મેનુ પર ક્લિક કરતા તમે ટેક્સ પેયર છો, જીએસટી પ્રેક્ટિશનર છો, ટેક્સ કલેક્ટર છો વગેરે વિકલ્પો આપવામાં આવશે. તેમાંથી ટેક્સપેયર વિકલ્પ પસંદ કરી લો. ત્યાર બાદ તમારે ડ્રોપડાઉન મેનુમાંથી રાજ્ય અને જિલ્લો પસંદ કરવાનો રહેશે. ત્યાર પછી તમારા બિઝનેસનું નામ અને બિઝનેસનો PAN નંબર એન્ટર કરો. તમારે ઈ-મેઈલ એડ્રેસ અને મોબાઈલ નંબરની વિગતો પણ આપવાની રહેશે. તમે જે ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર રજિસ્ટર કરાવ્યા હશે તેના પર તમને ઓટીપી મોકલવામાં આવશે. આટલી વિગતો ભરાઈ જાય ત્યાર પછી ‘Proceed’ પર ક્લિક કરો. સ્ટેપ 3– તમને ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ પર જે ઓટીપી આવ્યા હોય તે એન્ટર કરીને Continue પર ક્લિક કરો. જો તમને ઓટીપી મળ્યો જ ન હોય તો Resend OTP વિકલ્પ પર ક્લિક કરો. સ્ટેપ 4– તમને 15 ડિજિટનો એક ટેમ્પરરી રેફરન્સ નંબર (TRN) આપવામાં આવશે. આ નંબર પણ તમારા ઈ-મેઈલ આઈડી કે મોબાઈલ નંબર પર જ મોકલવામાં આવશે. આ નંબર નોંધી લો. આટલી વિગતો ભર્યા પછીની અન્ય વિગતો તમારે 15 દિવસની અંદર અંદર ભરવાની રહેશે. એ સમયે તમારે આ ટેમ્પરરી રેફરન્સ નંબરની જરૂર પડશે. સ્ટેપ 5– ફરી એક વાર GST પોર્ટલ પર જઈને ‘New Registration’ વિકલ્પ પસંદ કરો. સ્ટેપ 6– ટેમ્પરરી રેફરન્સ નંબર (TRN) સિલેક્ટ કરો. TRN અને કેપ્ચા કોડ એન્ટર કરીને પ્રોસિડ પર ક્લિક કરો. સ્ટેપ 7– તમને રજિસ્ટર કરાવેલા મોબાઈલ તથા ઈ-મેઈલ પર એક ઓટીપી મોકલવામાં આવશે. એ ઓટીપી દાખલ કરીને પ્રોસિડ પર ક્લિક કરો. સ્ટેપ 8– તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ડ્રાફ્ટ્સમાં દર્શાવવામાં આવશે. તેમાં એડિટના આઈકન પર ક્લિક કરો. સ્ટેપ 9– પાર્ટ Bમાં કુલ 10 સેક્શન છે. તમારે તેમાં યોગ્ય વિગતો ભરીને લાગતા-વળગતા દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. તાજેતરમાં જ આ વિભાગમાં આધાર ઓથેન્ટિકેશન સેક્શન ઉમેરવામાં આવ્યો છે. અગાઉ બેન્ક એકાઉન્ટ સેક્શન ફરજિયાત હતો જે હવે મરજિયાત બનાવવામાં આવ્યો છે. અર્થાત્ અરજી કરતી વખતે બેન્ક એકાઉન્ટની વિગતો આપવી ફરજિયાત નથી પરંતુ પાછળથી તમારે આ વિગતો આપવાની રહેશે. સ્ટેપ 10– બધી જ વિગતો ભરાઈ જાય પછી વેરિફિકેશન પેજ પર જાવ. ડિક્લેરેશન પર ક્લિક કરો અને નીચેના વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરીને ફોર્મ સબમિટ કરો. – કંપનીઓ તથા LLPએ DSC (ડિજિટલ સિગ્નેચર)નો ઉપયોગ કરીને એપ્લિકેશન સબમિટ કરવી પડશે. – ઈ-સાઈનના ઉપયોગથી તમે સબમિટ કરશો તો આધાર કાર્ડમાં જે ફોન નંબર હશે તેના પર ઓટીપી મોકલવામાં આવશે. – તમે ઈવીસીનો ઉપયોગ કરી સબમિટ કરશો તો ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. સ્ટેપ 11– તમારી એપ્લિકેશન સફળ રીતે સબમિટ થઈ ગઈ છે તેનો એક મેસેજ દર્શાવવામાં આવશે. આ સાથે જ એપ્લિકેશન રેફરન્સ નંબર (ARN) તમારા રજિસ્ટર્ડ ઈ-મેઈલ અને મોબાઈલ પર મોકલવામાં આવશે. સહીં કરનાર જો આધાર-ઓથેન્ટિકેશનનો વિકલ્પ પસંદ કરશે તો ઑફિસરને સ્થળની જાતે તપાસ કરવા આવવાની જરૂર નહિ પડે. અમુક કિસ્સામાં ઑફિસર આધાર ઓથેન્ટિકેશન છતાંય ફિઝિકલ વેરિફિકેશન માટે આવી શકે છે. આવા કિસ્સામાં ચકાસણી પૂર્ણ થયા બાદ ARN જનરેટ કરવામાં આવશે. તમે GST પોર્ટલ પર ARN નંબર નાંખીને રજિસ્ટ્રેશનનું સ્ટેટસ ચેક કરી શકો છો.
GST રજિસ્ટ્રેશન કરાવતી વખતે તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે? GST રજિસ્ટ્રેશન કરાવતી વખતે આટલા દસ્તાવેજો તમારે હાથવગા રાખવા જોઈએઃ તમારા ફોટોગ્રાફ્સ, ટેક્સપેયરનું કોન્સ્ટિટ્યુશન, તમે જે સ્થળેથી બિઝનેસ કરતા હોવ તેનો પુરાવો, બેન્ક એકાઉન્ટની વિગતો, આધાર ઓથેન્ટિકેશન માટે આધાર કાર્ડ. પ્રોપ્રાઈટરશિપ માટેઃ જો તમારી એકલાની પ્રોપ્રાઈટરશિપ હોય તો તેના માટે તમારે PAN કાર્ડ, આધાર કાર્ડ, પ્રોપ્રાઈટરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, રજિસ્ટર્ડ ઑફિસનું એડ્રેસ પ્રૂફ આપવાનું રહેશે. તમે વેપાર કરતા હોવ તે પ્રોપર્ટી તમારી માલિકીની હોય તો તમે ઈલેક્ટ્રિસિટી બિલની કોપી, લેન્ડલાઈન બિલ, પાણીનું બિલ, મ્યુનિસિપલ ખાતા કોપી, પ્રોપર્ટી ટેક્સની રિસિપ્ટ એડ્રેસ પ્રૂફ તરીકે આપી શકો છો. જો તમે ભાડે લીધેલી પ્રોપર્ટી પરથી બિઝનેસ કરતા હોવ તો તમારે રેન્ટ એગ્રીમેન્ટ તથા પ્રોપર્ટીના માલિકી પાસેથી NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) લેવાનું રહેશે. બેન્ક એકાઉન્ટની ડિટેઈલ્સ માટે તમારે કેન્સલ્ડ ચેકની એક કોપી, પાસબુકની પહેલા પાનાની ઝેરોક્ષ અથવા તો બેન્ક સ્ટેટમેન્ટ આપવાનું રહેશે. પાર્ટનરશિપ માટેઃ જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હોવ તો તમારે પાર્ટનરશિપ ડીડ, એલએલપી એગ્રીમેન્ટની જરૂર પડશે. આ ઉપરાંત પાર્ટનર્સના પાન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ અને એડ્રેસ પ્રૂફ જોઈશે. તમારી પેઢીનું પાન કાર્ડ અને ઑફિસના એડ્રેસ પ્રૂફની પણ તમારે GST નંબર મેળવવા માટે જરૂર પડશે. જગ્યા માલિકીની હોય કે ભાડેથી હોય તો પ્રોપ્રાઈટરશિપમાં જણાવ્યા મુજબના જ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. બેન્ક ડિટેઈલ્સમાં કેન્સલ્ડ ચેક તથા પાસબુકની પહેલા પાનાની ઝેરોક્ષ કે બેન્ક સ્ટેટમેન્ટની વિગતો આપવાની રહેશે. LLPના કેસમાં તમારે બોર્ડ રિઝોલ્યુશનની કોપી, LLPનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઓથોરાઈઝ્ડ સિગ્નેટરી દ્વારા અપાયેલા પ્રૂફ ઑફ એપોઈન્ટમેન્ટ તથા કોઈ પણ એક પાર્ટનરના ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટની જરૂર પડશે. પ્રાઈવેટ લિમિટેડ, પબ્લિક લિમિટેડ, વન પર્સન કંપની માટેઃ કંપનીનું પાન કાર્ડ, એમસીએ દ્વારા અપાયેલું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, મેમોરેન્ડમ ઑફ એસોસિયેશન, આર્ટિકલ્સ ઑફ એસોસિયેશન, તમામ ડિરેક્ટર્સના પાન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ અને આધાર કાર્ડ, ઓથોરાઈઝ્ડ સિગ્નેટરીનું પાન કાર્ડ તથા આધાર કાર્ડ, ઓથોરાઈઝ્ડ સિગ્નેટરીની નિમણૂંકનો પુરાવો કે બોર્ડ રિઝોલ્યુશન, ઑફિસ જ્યાં રજિસ્ટર થઈ હોય તેનું એડ્રેસ પ્રૂફ. જગ્યા માલિકીની કે ભાડાની હોય તો પ્રોપ્રાઈટરશિપમાં જણાવ્યા મુજબના જ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. બેન્ક એકાઉન્ટની વિગતો માટે કેન્સલ્ડ ચેકની કોપી, પાસબુકના પહેલા પેજની ઝેરોક્ષ અથવા તો બેન્ક સ્ટેટમેન્ટ. HUF માટેઃ HUFનું પાનકાર્ડ, કર્તાનું પાન કાર્ડ અને આધાર કાર્ડ, માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો. ઑફિસ જ્યાં રજિસ્ટર થઈ હોય તેનું એડ્રેસ પ્રૂફ. જગ્યા માલિકીની કે ભાડાની હોય તો પ્રોપ્રાઈટરશિપમાં જણાવ્યા મુજબના જ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. બેન્ક એકાઉન્ટની વિગતો માટે કેન્સલ્ડ ચેકની કોપી, પાસબુકના પહેલા પાનાની ઝેરોક્ષ અથવા બેન્ક સ્ટેટમેન્ટ. સોસાયટી, ટ્રસ્ટ કે ક્લબ માટેઃ સોસાસટી, ટ્રસ્ટ કે ક્લબનું પાન કાર્ડ, સોસાયટી અથવા ક્લબનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પ્રમોટર કે પાર્ટનર્સનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, ઓથોરાઈઝ્ડ સિગ્નેટરીનું પાન કાર્ડ અને આધાર કાર્ડ, ઓથોરાઈઝ્ડ સિગ્નેટરીની નિમણૂંકનો પુરાવો અથવા બોર્ડ રિઝોલ્યુશન. ઑફિસ જ્યાં રજિસ્ટર થઈ હોય તેનું એડ્રેસ પ્રૂફ. જગ્યા માલિકીની કે ભાડાની હોય તો પ્રોપ્રાઈટરશિપમાં જણાવ્યા મુજબના જ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. બેન્ક એકાઉન્ટની વિગતો માટે કેન્સલ્ડ ચેકની કોપી, પાસબુકના પહેલા પેજની ઝેરોક્ષ અથવા તો બેન્ક સ્ટેટમેન્ટ. તમારી પાસે આટલી વિગતો તૈયાર હોય તો તમે જાતે પણ GST નંબર માટે સરળતાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. GST નંબર લીધા પછી રિટર્ન ફાઈલ કરવાનું ભૂલશો નહિ તમે એક વાર GST નંબર લો એટલે તમારે નિયમિત રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. તમે કયા પ્રકારના કરદાતા છો જેમ કે રેગ્યુલર ટેક્સપેયર છો કે પછી કમ્પોઝિશન ડીલર છો કે પછી ઈ-કોમર્સ ઓપરેટર છો તેના આધારે રિટર્નના પ્રકાર બદલાતા રહે છે. એક રેગ્યુલર કરદાતાએ મહિને બે રિટર્ન (GSTR-1, GSTR-3B) ફાઈલ કરવા પડે છે અને એક એન્યુઅલ રિટર્ન ફાઈલ કરવું પડે છે. GSTમાં રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. GST નંબર લીધા પછી કોઈ ટ્રાન્ઝેક્શન ન થયું હોય તો પણ તમારે NIL રિટર્ન ફાઈલ કરવું જ પડે છે. જો તમે આગળના મહિના કે ક્વાર્ટરનું રિટર્ન ન ભર્યું હોય તો તમને ચાલુ મહિનાનું રિટર્ન ભરવાની પરવાનગી આપવામાં આવી નથી. આથી GST રિટર્ન મોડું ભરવાની કે ન ભરવાની તમારે લાંબા ગાળે મોટી રકમ ચૂકવવી પડી શકે છે. તમે GSTR-1 મોડું ફાઈલ કર્યું હોય તો તેની લેટ ફી ત્યાર પછી ભરાયેલા GSTR-3Bમાં વસૂલી લેવામાં આવે છે. મોડું GST રિટર્ન ભરવા પર બાકી ટેક્સની રકમ પર 18 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવું પડે છે. આ સમયગાળો રિટર્ન ભરવાની ડ્યુ ડેટ પછીની તારીખથી ટેક્સનું ચૂકવણું થાય ત્યાં સુધીનો ગણવામાં આવે છે. GST એક્ટ મુજબ લેટ ફી દરરોજના રૂ. 100 જેટલી છે. આમ કરદાતાએ CGST અંતર્ગત રૂ. 100 અને SGST અંતર્ગત રૂ. 100 એમ રોજના રૂ. 200 લેટ ફી ચૂકવવી પડશે. આ રકમ વધુમાં વધુ રૂ. 5000 સુધી હોઈ શકે છે. IGST પર કોઈ લેટ ફી લાગતી નથી.