સેબીને મળેલી નિરંકુશ સત્તા પર લગામ તાણવા સિક્યોરિટીઝ માર્કેટ કોડ બિલ અનિવાર્ય

શિયાળુ સત્રમાં રજૂ કરવાનું નક્કી થયા પછી સિક્યોરિટીઝ માર્કેટ કોડ બિલના હજી પણ ઠેકાણા નથી
– સૌથી મોટો સવાલ એ છે કે દરેકનો કાન આમળતી આવેલી SEBIનો કાન કોણ પકડશે?
– બેફામ બનેલા સેબીના અધિકારીઓ પર લગામ તાણવા માટેની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી બની ગઈ છે
સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ, 2025 (SMC બિલ)ને પહેલી ડિસેમ્બરથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવાનું નક્કી કરવામાં આવ્યુ તે સાથે જ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે દરેક સંસ્થાઓનો કાન આમળતી સેબીનો કાન કોણ પકડશે? જોકે બિલની વિગતો આ લખાય છે ત્યાં સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. પરિણામે લાંબા સમયથી બાકી રહેલો સુધારો વાસ્તવમાં અમલમાં આવશે કે પછી ફરી પાછો ઠેલાઈ જશે તે અંગે હજી અનિશ્ચિતતા પ્રવર્તે છે.
સિક્યોરિટીઝ માર્કેટ કોડ પાછળનો તર્ક સ્પષ્ટ છે. આમ તો 1990ની આસપાસ SEBIની સ્થાપના થઈ અને 1992માં તેને કાયદાકીય આધાર મળ્યો હતો. ત્યારબાદ ભારતના કેપિટલ માર્કેટનું કદ, માર્કેટની જટિલતા અને માર્કેટ ચલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ટેકનોલોજી પણ ખાસ્સી બદલાઈ ગયા છે. જોકે તેનું કાયદાકીય માળખું હજી પણ દાયકાઓ જૂના અને અલગ-અલગ સમયમાં બનાવાયેલા કાયદાઓ પર આધારિત જ છે.
ઉદાહરણ આપીને વાત કરીએ. સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ(રેગ્યુલેશન) એક્ટ-SCRA 1956નો છે. આ કાયદો આવ્યો ત્યારે ખુલ્લા ટ્રેડિંગ ફ્લોર અને ભૌતિક શેર સર્ટિફિકેટ હતા. તે વખતે બજાર પર નિયંત્રણ કરનાર પણ કોઈ જ નહોતું. આ તબક્કે પણ સ્ટોક એક્સચેન્જો પર દેખરેખ રાખવાની જવાબદારી કોર્પોરેટ અફેર્સ મંત્રાલય-MCA પાસે હતી.
1992માં SEBIની સ્થાપના કરવામાં આવી ત્યારે SCRA તેના અંતર્ગત લાવવો જરૂરી હતો. પરંતુ MCA અને નાણાં મંત્રાલયના અધિકારીઓએ પોતાની સત્તા છોડવાની ઇચ્છા ન હોવાથી તે કદી થઈ શક્યું જ નહિ. છેલ્લાં બે દાયકામાં પણ આ સ્થિતિ બદલાઈ નહીં. એક જ મંત્રી લાંબા સમય સુધી બંને મંત્રાલય સંભાળતા રહ્યા હોવા છતાં તેનો અમલ કરવાની ઇચ્છા કોઈને થઈ નહોતી. અત્યાર સુધીમાં SEBIના શ્રેષ્ઠ ચેરમેન GV રામકૃષ્ણાએ તે સમયે વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવ્યો હતો અને સત્તાની લડાઈ કરતાં SEBIને કાયદાકીય રીતે અસરકારક બનાવવા પર વધુ ફોકસ કર્યું હતું.
1996નો ડિપોઝિટરીઝ એક્ટ તો વધુ અજાયબી ભર્યો હતો. SEBI દ્વારા ડ્રાફ્ટ અને આગળ ધપાવવામાં આવ્યો હોવા છતાં ડિપોઝિટરીઝને સંપૂર્ણપણે રેગ્યુલેટરના નિયંત્રણ હેઠળ લાવવામાં આવી જ નહોતી. ડિપોઝિટરી એક્ટ તૈયાર કરનારાઓમાં મુખ્યત્વે C. B. ભાવે હતા. સી.બી. ભાવે ત્યાર પછી NSDLના મેનેજિંગ ડિરેક્ટર પણ બન્યા હતા. આ તબક્કે ફરજિયાત ડીમેટ ટ્રેડિંગની સિસ્ટમ અપનાવવામાં આવી હતી. ફરજિયાત ડિમેટ ટ્રેડિંગની સિસ્ટમ અપનાવવાને કારણે NSDLની ઘણા વર્ષો સુધી લગભગ મોનોપોલી ઊભી થઈ ગઈ હતી. પરંતુ આ એક્ટના માળખાએ NSDL અને SEBIની સંપૂર્ણ દેખરેખ બહારની પ્રવૃત્તિઓમાં ઝડપથી વધારો થવા દીધો હતો. પરિણામે એવી સંસ્થાનું નિર્માણ થયું કે જે નાણાંકીય સિસ્ટમ માટે અનિવાર્ય હતી પરંતુ કોઈ એક રેગ્યુલેટરને સંપૂર્ણ જવાબદાર નહોતી.
2000ની સાલના મધ્યભાગમાં તેની અસરો દેખાવા લાગી હતા. NSDL આવકવેરા વિભાગ માટે Tax Information Network, NSC અને KVPનું ડીમેટ, NPS માટે રેકોર્ડકીપર, કોમોડિટી એક્સચેન્જ માટે વેરહાઉસિંગ રસીદો, NASSCOM માટે National Skills Registry અને બાદમાં GST માટે ટેક પાર્ટનર બની ગઈ હતી. વેરા ઉપરાંત બચત, પેન્શન અને કોમોડિટીઝ જેવી પદ્ધતિસરની અને મહત્વની કામગીરી SEBIની સત્તા બહાર રહી ગઈ હતી. પરિણામે સ્થિતિ જટિલ બની ગઈ અને નિયંત્રણ માટેની નીતિઓ ખરેખર અસરકારક છે કે નહિ તેની સમજણ જ ન પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. આ સ્થિતિને “રેગ્યુલેટરી ફોગ” તરીકે ઓળખાવવામાં આવે છે.
પરિણામે DSQ Softwareનું કૌભાંડ શોધવામાં નિષ્ફળતા મળી હતી. IPO મલ્ટિપલ એપ્લિકેશન કૌભાંડથી દેખરેખમાં ખામીઓ જોવા મળી હતી. આ ખામીઓ આંખે ઊડીને વળગે તેવી હતી. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મોટા સુધારા થવા જરૂરી હતી. પરંતુ માળખાકીય સુધારાની બદલે માત્ર ટૂંકા ફેરફારો જ કરવામાં આવ્યા હતા. NSDL અને CDSLએ કેટલીક બિનમુખ્ય પ્રવૃત્તિઓ સહાયક કંપનીઓમાં ખસેડી દેવામાં આવી હતી. પરંતુ મૂળ સમસ્યા યથાવત રહી ગઈ હતી. ડિપોઝિટરીઝ અને તેમની સબસિડિયરીઝ અલગ-અલગ રેગ્યુલેટરોને જવાબદાર રહી ગઈ હતી, કોઈ એક સંસ્થા પાસે સંપૂર્ણ જોખમ પર દેખરેખ રાખવાની સત્તા જ નહોતી. તેથી જ નવા આવનારા સિક્યોરિટીઝ માર્કેટ કોડ બિલ-SMC મહત્વનું બની ગયું છે.
હવે શું બદલાશે?
નાણાં મંત્રાલય ખરેખર નિયમન સરળ બનાવશે કે નહીં—ડુપ્લિકેશન ઘટાડશે, જૂના પ્રાવધાનો દૂર કરશે અને ease of doing business સુધારશે. આ બાબત અંગે આ ઘડી સુધી સ્પષ્ટતા જોવા મળતી નથી. સિક્યોરિટીઝ માર્કેટ કોડ બિનના મુસદ્દાની સમજૂતી આપતી નોંધ કે વ્હાઇટ પેપર કંઈ જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી. જોકે 2013માં FSLRCએ પાંચેય નાણાંકીય રેગ્યુલેટરોને આવરી લેતા ભારતીય નાણાંકીય કોડનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તે અત્યંત મહત્ત્વાકાંક્ષી હતો અને 2014 બાદ તેને અભેરાઈએ ચઢાવી દેવામાં આવ્યો હતો. હવે માત્ર સિક્યોરિટીઝ કાયદાઓના સંકલનનો વિચાર બચ્યો છે—અને એ પણ પાંચ વર્ષ પછી સંસદ સુધી પહોંચ્યો છે.
હજુ શું ક્યાં સ્પષ્ટતા નથી?
સિક્યોરિટીઝ માર્કેટ કોડમાં ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ એક્ટ સામેલ કરવામાં આવશે કે નહિ, જુદાં જુદાં કેસની ચાલી રહેલી તપાસો કેવી રીતે ટ્રાન્સફર થશે, SEBIની વધતી સત્તા સામે જવાબદારીઓનું અને તમામને મોનિટર કરવાનું કે તમામ પર દેખરેખ રાખવાની કામગીરીને કેવી રીતે સંતુલિત કરવામાં આવશે તે અંગે હજીય સ્પષ્ટતા નથી જ નથી. SEBI તાજેતરમાં જ હિતસંઘર્ષના એટલે કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટને લગતા ગંભીર વિવાદમાંથી બહાર આવ્યું છે. છતાં તેના આંતરિક કોડ ઓફ કન્ડક્ટમાં સુધારા હજી અધૂરાં જ છે. સેબીને હજી પણ વધારે સત્તા આપતા પહેલાં સેબીની જવાબદારી નિશ્ચિત કરવી વધુ જરૂરી છે.
સત્તાને કોઈ એક સંસ્થાના હાથમાં કેન્દ્રિત કરવામાં આવે ત્યારે સંસ્થાની જવાબદારી પણ એટલી જ મજબૂત રીતે નિશ્ચિત કરેલી હોવી જોઈએ. દાયિત્વ-જવાબદારી વગર SEBIને વધુ સત્તા આપવી રોકાણકારોમાં વિશ્વાસ ઊભો કરતી નથી. આધુનિક કેપિટલ માર્કેટને સંકલિત કાયદાકીય માળખું અને પારદર્શક, જવાબદાર રેગ્યુલેટર જોઈએ. નહીં તો સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ માત્ર કાયદાકીય ફેરફાર પૂરતો જ રહી જશે.



