સાયબર ફ્રોડનો શિકાર બનવાથી બચવા માટે શું કરવું જોઈએ
સાયબરફ્રોડનો શિકાર બનવા માટે સૌથી વધુ કોઈ જવાબદાર હોય તો તે છે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરનારાઓનો નબળો પાસવર્ડ
આજે લગભગ દરેક વ્યક્તિ ઓનલાઈન દુનિયા સાથે જોડાયેલી છે. ઓનલાઈન દુનિયાથી જોડાવું આજે મોટાભાગના લોકોને પસંદ છે. તેથી કમને નહિ, પસંદગીથી તેઓ જોડાયેલા રહે છે. બીજું, આધુનિક વ્યવસ્થાઓ આપણને બીજો વિકલ્પ જ ન આપતી હોવાથી ઓનલાઈન દુનિયા સાથે જોડાવા સિવાય છૂટકો પણ નથી. આજે બેન્કિંગ ઓનલાઈન થાય છે. શાકભાજી અને ઘરના કરિયાણા કે કપડાં સહિતની ખરીદી ઓનલાઈન જ થાય છે. ટૂંકમાં આપણું દૈનિક જીવન હવે સાયબરસ્પેસ મારફતે જ ચાલે છે. આ હકીકત સાથે એક ખતરો પણ જોડાયેલો છે. તેમાં તમારા ખાતામાંથી પૂરે પૂરા રૂપિયા ઉપડી જવાનું જોખમ છે. તેમ જ તમને ડિજિટલ એરેસ્ટ કરીને તમને ડરાવી ધમકાવીને તમારી જિંદગી ભરની બચત પડાવી જવાની શક્યતા પણ રહેલી છે. તેમ જ તમારા ફોટાને મોર્ફ કરીને તમને કોમ્પ્રોમાઈઝિંગ પોઝિશનમાં બતાવીને તમને બ્લેક મેઈલ પણ કરવામાં આવી શકે છે. આ તમામ ઓનલાઈન સિસ્ટમની નબળી કડીઓ છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આપણા તમામ અંગત ડેટાને જાહેર કરી દે છે. તેમ જ તમારા પોતાના પૈસા સામે પણ જોખમ ઊભું કરે છે.
આમ ડેટા બ્રિચ હવે જાણે રોજિંદી ઘટના બની ગઈ છે. એક પછી એક એલર્ટ, માફી અને “આગામી વખતે સારું કરીશું” જેવા વચનો. પરંતુ મોટા ભાગના સાયબર હુમલાઓને નજીકથી જોવામાં આવે તો એક જ પેટર્ન સ્પષ્ટ થાય છે. સમગ્ર ડિજિટલ ઇકોસિસ્ટમમાં સૌથી નબળી બે કડીઓ છે. એક છે નબળા પાસવર્ડ. બીજું, વારંવાર એક જ લોગિનનો ઉપયોગ. ત્રીજું, ખરાબ ડિજિટલ હાઈજીન આજે પણ હેકર્સ માટે સૌથી સરળ પ્રવેશદ્વાર છે. આવી નાની લાગતી ભૂલો વ્યક્તિગત માહિતી, સંવેદનશીલ સિસ્ટમો અને નાણાકીય સંપત્તિ સુધી સાયબર ગુનેગારોને સરળતાથી પહોંચાડી દે છે. તેના પરિણામ અને અસર અત્યંત ગંભીર આવે છે.
ઇન્ટરનેટ કે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરનારાઓને વર્ષોથી ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં, પાસવર્ડ્સ આજે પણ ઈન્ટરનેટની સૌથી નબળી કડી છે. આ અંગે કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે 94 યુઝર્સ એક જ પાસવર્ડ અનેક અકાઉન્ટ્સમાં વાપરે છે. માત્ર 3 ટકા લોકો જ મૂળભૂત પાસવર્ડ સુરક્ષા નિયમોનું પાલન કરે છે. જો ગુનેગાર એક લોગિન તોડી લે, તો ઇમેઈલથી લઈને સોશિયલ મીડિયા, ક્લાઉડ સ્ટોરેજ અને બેંક અકાઉન્ટ સુધી બધું એક સાથે તેના હાથમાં આવી શકે છે.
Heimdal Securityના સાયબરસિક્યોરિટી નિષ્ણાત કહે છે કે હુમલાખોરો બહુ વધારે સ્માર્ટ નથી બન્યા—પરંતુ યુઝર્સ વધુ સુરક્ષિત બનવામાં નિષ્ફળ રહ્યા છે.
જૂન 2025: લગભગ 16 અબજ યુઝરનેમ અને પાસવર્ડ્સનો વિશાળ ડમ્પ ડાર્ક વેબ પર આવી ગયા હતા. તેમના ‘admin’ અને ‘password’ જેવા નબળા પાસવર્ડ લાખો વખત જોવા મળ્યા. ફક્ત 10 ડોલરમાં સાયબર ગુનેગારો કાર્યરત લોગિન્સ ખરીદી શકતા હતા. તેમણે હેકિંગ કરવાની પણ જફા કરવી પડતી નહોતી. પરંતુ એડમિન અને પાસવર્ડની બહુ જ ઓછા ખર્ચે સીધી ખરીદી કરવાની આવે છે.
McDonald’s UK: મોનોપોલી VIP કેમ્પેઇનમાં આંતરિક ભૂલના કારણે કેટલાક યુઝરનેમ-પાસવર્ડ ઈમેઈલ થઈ ગયા હતા. એક જવાબદાર યુઝરે જાણ ન કરી હોત, તો મોટું નુકસાન થઈ જવાની શક્યતા ઊભી થઈ હતી.
Louvre મ્યુઝિયમ: 2025ની જ્વેલ ચોરી બાદ ખુલાસો થયો કે CCTV નેટવર્કનો પાસવર્ડ ક્યારેક ‘LOUVRE’ હતો. આ ચોરીમાં હેકિંગ ન હતું, પરંતુ નબળી સુરક્ષાનું પ્રતીક બની ગયું હતું.
Yahoo ડેટા બ્રિચ: 2013–2016 દરમિયાન 3 અબજ અકાઉન્ટ્સની માહિતી લીક થઈ ગઈ હતી. આ હકીકતની મોડી જાહેરાત થવાથી દંડ, કેસ અને કંપનીની કિંમતમાં મોટો ઘટાડો થયો હતો.
ભારત – આધાર કેસ: 2018માં આધાર ડેટા લીકનો મામલો વિશ્વનો સૌથી મોટો ડેટા બ્રિચ ગણાયો હતો. જોકે સરકાર UIDAI ડેટાબેઝમાંથી કોઈ બ્રિચ થયો નથી એવું સતત કહે છે અને ISO સુરક્ષા પ્રમાણપત્રોનો ઉલ્લેખ કરે છે.
નબળા પાસવર્ડ્સ કેમ ખતમ થતા નથી?
માનવ મગજ મોટા પ્રમાણમાં ડિજિટલ જટિલતા સંભાળવા માટે બનાવાયેલું નથી. એક સરેરાશ વ્યક્તિ પાસે 100થી વધુ ઓનલાઈન અકાઉન્ટ્સ હોય છે. દરેક માટે અલગ મજબૂત પાસવર્ડ યાદ રાખવો અશક્ય લાગતો હોવાથી લોકો સરળ પેટર્ન અપનાવે છે. હેકર્સ આ વાત સારી રીતે જાણે છે. સામાન્ય પાસવર્ડ્સ પર આધારિત ઓટોમેટેડ હુમલાઓ આજે 37 ટકા કેસમાં ડેટા બ્રિચ માટે જવાબદાર છે. 2025માં પણ સૌથી સામાન્ય પાસવર્ડ્સ એ જ છે: 123456, password, qwerty123 વગેરે છે. આ પાસવર્ડ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં તૂટી જાય છે.
પાસવર્ડ સાચી રીતે કેવી રીતે સુરક્ષિત કરશો?
- પાસવર્ડ મેનેજર વાપરો – Bitwarden, Proton Pass, 1Password, NordPass જેવા વિકલ્પો સુરક્ષિત છે.
- પાસફ્રેઝ બનાવો – 4–5 અસંબંધિત શબ્દો સાથે લાંબો પાસવર્ડ રાખો (ઓછામાં ઓછા 13 અક્ષર).
- ક્યારેય પાસવર્ડ રિ-યૂઝ ન કરો, ખાસ કરીને ઇમેઈલ માટે.
- Multi-Factor Authentication (MFA) ચાલુ કરો.
- વ્યક્તિગત માહિતી આધારિત પાસવર્ડ ટાળો.
- તમારા ડેટા લીક થયા છે કે નહીં તે તપાસો અને તરત બદલાવો.
સાયબર ફ્રોડના અભ્યાસુ નિષ્ણઆતો કહે છે કે સમસ્યા જાણકારીની નથી, પરંતુ જાણકારીના અમલની છે. પાસવર્ડ આજે પણ સાયબર ગુનેગારો સામેની પહેલી અને ઘણી વખત એકમાત્ર રક્ષણ રેખા છે. આક્રમણકારો આળસ, પુનરાવર્તન અને અનુમાનિત વર્તન પર જીવતા રહે છે. આ ચક્ર તોડી નાખશો તો તમે તેમની સૌથી વિશ્વસનીય પ્રવેશદ્વાર બંધ કરી દેશો.



