ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મોડું કરનારને ઘણાં કેસમાં રિફંડની રકમ પર કેમ વ્યાજ મળતું નથી
કરદાતાના રિફંડની રકમ કુલ ટેક્સની જવાબદારીની રકમના 10 ટકા કરતાં ઓછી હોય તો તેવા કિસ્સાઓમાં ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 244A મુજબ વ્યાજ મળતું નથી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
આવકવેરાનું રિટર્ન ફાઈલ કર્યાને ત્રણ મહિના પૂરા થવા આવ્યા હોવા છતાંય સંખ્યાબંધ કરદાતાઓને તેમના રિફંડ મળ્યા જ નથી. તેના પર તેમને મળવાપાત્ર વ્યાજ પણ સંખ્યાબંધ કિસ્સાઓમાં મળતું જ નથી. પરિણામે કરદાતાને પૈસાની ખેંચનો સામનો કરવો પડે છે.
કરદાતાના કેવા કિસ્સાઓમાં રિફંડની રકમ પર વ્યાજ નથી મળતું તેની સમજૂતી આપતા આવકવેરાના એક નિષ્ણાત નીચે મુજબના પાંચ કારણો આપે છે. એક, કરદાતાના રિફંડની રકમ કુલ ટેક્સની જવાબદારીની રકમના 10 ટકા કરતાં ઓછી હોય તો તેવા કિસ્સાઓમાં ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 244A મુજબ વ્યાજ મળતું નથી. બીજું, જો રિફંડની રકમ રૂ. 100 કરતાં ઓછી હોય તો પણ વ્યાજ મળતું નથી.
ત્રણ, રિફંડમાં વિલંબ થવા માટે કરદાતા અથવા TDS કપાત કરનારની ભૂલના કારણે થયો હોય તો પણ વિલંબના સમયગાળા માટે વ્યાજ મળતું નથી. ચાર, જો કરદાતાનો એસેસમેન્ટ પેન્ડિંગ હોય તો પણ તે સમય દરમિયાન અટકાવેલા રિફંડ પર વ્યાજની ગણતરી કરવામાં આવતી નથી. આવકવેરાના નિષ્ણાતોનું કહેવું છે કે જો રિફંડ પ્રક્રિયામાં વિલંબ તમારી ભૂલ અથવા TDS કપાત કરનારની ભૂલના કારણે થયો હોય તો તે સમયગાળા માટે વ્યાજ ચૂકવવામાં આવતું નથી. કરદાતાના રિટર્નની આકારણી-એસેસમેન્ટ ચાલુ હોય તે સમયગાળો પણ વ્યાજની ગણતરીમાં સામેલ થતો નથી.
રિફંડ ન મળવાના કારણોમાં ઊંડા ઉતરતા કેટલાક નિષ્ણાતો જણાવે છે કે બેંક વિગતો આપવામાં મિસમેચ જોવા મળે તો રિફંડ મળવામાં વિલંબ થાય છે. કરદાતાઓ આધાર કાર્ડ અને પાન લિંકિંગની ભૂલો પણ રિફંડ ન મળવા માટે જવાબદાર છે. કરદાતાએ રિફંડનો ખોટો ક્લેઈમ કર્યો હોય તો પણ તેને રિફંડના નાણાં મળતા નથી કે પછી રિફંડ આવવામાં વિલંબ થાય છે. પોતાના જ ઘરના સભ્યને નામે ઘર ભાડાં ભથ્થાની ચૂકવણી કરીને હાઉસ રેન્ટ એલાવન્સના ખર્ચ તરીકે તે બાદ લેવાનું વલણ જોવા મળે છે. આ કિસ્સામાં પણ સીબીડીટીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતા સોફ્ટવેર ગોટાળાને પકડી લે છે. પરિણામે રિફંડ મળવામાં વિલંબ થાય છે કે રિફંડ મળતું જ નથી. CBDTના ચેરમેન રવિ અગ્રવાલે પણ થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ હવે ગેરરીતિથી લેવામાં આવેલી કપાતોની તપાસ કરી રહ્યો છે. આ વધારાની તપાસના કારણે રિફંડ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.
મહત્વનું એ છે કે મોડા રિફંડની રકમ પર રિફંડ મળવામાં વિલંબ થાય તેટલા દિવસો માટે સામાન્ય રીતે વર્ષે 6 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. આ વ્યાજની ગણતરી 1 એપ્રિલથી રિફંડ મળ્યાની તારીખ સુધી થાય છે. જોકે, કેટલીક પરિસ્થિતિઓમાં કરદાતાને આ વ્યાજ મળતું નથી.
ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની સીઝનને ત્રણ મહિનાથી વધુ સમય પૂરો થવા આવ્યો છે છતાં અનેક કરદાતાઓ હજુ પણ રિફંડ આવવાની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે ઇન્કમ ટેક્સ વિભાગ 4થી 5 અઠવાડિયામાં રિફંડ પ્રક્રિયા પૂરી કરી દઈને કરદાતાના ખાતામાં રિફંડની રકમ જમા કરી દે છે.
રિફંડની રકમ પર વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે?
- કરદાતા નિયત તારીખ પહેલાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરી દે તો વ્યાજની ગણતરી પહેલી એપ્રિલથી રિફંડ મળ્યાની તારીખ સુધી થાય છે.
- જો તમે નિયત તારીખ પછી ITR ફાઇલ કરે તો વ્યાજની ગણતરી રિટર્ન ફાઇલ કરેલી તારીખથી રિફંડ મળ્યાની તારીખ સુધી થાય છે. પરિણામે વ્યાજની રકમ ઘટી જાય છે.
ITR રિફંડ સ્ટેટસ કેવી રીતે ચકાસશો?
સ્ટેપ 1: eportal.incometax.gov.in પર મુલાકાત લો
સ્ટેપ 2: યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો
સ્ટેપ 3: ઈ-ફાઈલ → ઇન્કમટેક્સ રિટર્ન → વ્યૂ ફાઈલ્ડ રિટર્નને પસંદ કરો
સ્ટેપ 4: હાલના અને અગાઉના રિટર્ન્સનો સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે
સ્ટેપ 5: વ્યૂ ડિટેઈલ્સ પર ક્લિક કરીને રિફંડનું સ્ટેટસ ચકાસી લો.




