બાંગ્લાદેશમાં અશાંતિ માહોલઃ ભારતના નિકાસકારો બાંગ્લાદેશમાં ચોખાની નિકાસ કરવાનું બંધ કરે
- ચટ્ટોગ્રામમાં ભારતીય અધિકારીઓ પર હુમલા અને અશાંતિના પગલે ચોખા રવાના કરવાની કામગીરી ખતરા
બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં આવેલા ભારતના સહાયક હાઇ કમિશનરની કચેરી પર થયેલા હુમલાઓ પછી ભારતીય નિકાસકારોના એક વર્ગે બાંગ્લાદેશને ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. હાલની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બાંગ્લાદેશ માટેની ચોખા રવાના કરવાની કામગીરી જોખમમાં મુકાઈ ગઈ છે. બાંગલાદેશે ભારતમાંથી નિકાસ કરવામાં આવતા શણની આયાત પર પ્રતિબંધ લગાવેલો જ છે. અત્યારે ભારત અને તેના નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેથી ભારતે બાંગ્લાદેશને ચોખાનો જથ્થો મોકલવાનું જોખમ લેવું ન જોઈએ. સરકારએ જોખમ ટાળવા માટે કડક પગલાં લેવા જોઈએ. સરકાર નિકાસ પર પ્રતિબંધ ન મૂકે તો કંઈ નહિ, પરંતુ ભારતમાંથી બાંગલાદેશ નિકાસ કરવામાં આવતા ચોખાના ભાવ વધારે રાખવા જોઈએ.
વિઝા કામગીરી સ્થગિત
ગત સપ્તાહે બાંગ્લાદેશના યુવા નેતા શરીફ ઓસ્માન હાદીના મૃત્યુ બાદ થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક હાઇ કમિશનરની કચેરી પર હુમલો થયો હતો. આ ઘટનાના પગલે ભારતે ચટ્ટોગ્રામમાંથી વિઝા કામગીરી સ્થગિત કરી છે. તેની સામે મ્યાનમારના માયમેનસિંહ શહેરમાં લઘુમતી સમુદાયના સભ્ય દીપુચંદ દાસની હત્યાના વિરોધમાં નવી દિલ્હીમાં બાંગ્લાદેશના હાઇ કમિશન કચેરી સામે પ્રદર્શન થયા બાદ બાંગ્લાદેશે પણ નવી દિલ્હીમાંથી વિઝા કામગીરી સ્થગિત કરી છે.
ચોખાના નિકાસકારોનું કહેવું ચે કે બાંગ્લાદેશ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ચોખાની આયાત માટેની ટેન્ડરમાં ભારતીય નિકાસકારોએ ભાગ ન લેવો જોઈએ. બાંગ્લાદેશ 2025-26 દરમિયાન ઓછામાં ઓછા 9 લાખ ટન ચોખાની આયાત કરવાની યોજના ધરાવે છે, જે 50,000 ટનના હપ્તામાં કરવામાં આવશે, જેથી વ્યૂહાત્મક જથ્થો વધારી શકાય અને સ્થાનિક ભાવ સ્થિર રાખી શકાય.
આમાંથી 2 લાખ ટન ચોખા મ્યાનમાર, વિયેતનામ અને પાકિસ્તાન પાસેથી સરકાર-થી-સરકાર (G2G) કરાર હેઠળ આયાત કરવામાં આવશે. બાકીના ચોખા વૈશ્વિક ટેન્ડરો મારફતે આયાત થશે, જેમાં 6 લાખ ટન પારબોઇલ્ડ ચોખા અને બાકીના સફેદ ચોખાનો સમાવેશ થાય છે. હાલ સુધી 10 ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે, તેમાંથી 6 ટેન્ડરમાં ભારતીય નિકાસકારોએ સૌથી ઓછી કિંમતે ભર્યા છે.
પ્રથમ ટેન્ડરમાં સૌથી ઓછી બોલી પ્રતિ ટન $359.77 હતી, જે આઠમા ટેન્ડરમાં ઘટીને $351.11 થઈ ગઈ હતી, પરંતુ દસમા ટેન્ડરમાં ફરી $359.77 સુધી પહોંચી ગઈ. જ્યારે G2G કરાર હેઠળ પાકિસ્તાન બાંગ્લાદેશને $395 પ્રતિ ટનના ભાવે ચોખા પુરા પાડશે. દક્ષિણ ભારતના એક નિકાસકારે જણાવ્યું કે, “ભારતીય ચોખા પાકિસ્તાન કરતાં પ્રતિ ટન $40 સસ્તા છે. ભારતીય નિકાસકારો વચ્ચેની સ્પર્ધા જ નિકાસ ક્ષેત્રને નુકસાન પહોંચાડી રહી છે.”
ઉત્તર ભારતના એક નિકાસકારે પ્રશ્ન ઉઠાવ્યો કે, G2G કરાર હેઠળ બાંગ્લાદેશ $40 વધારે ચૂકવી રહ્યું છે, ત્યારે ભારતે ઓછા ભાવે ચોખા કેમ આપવા જોઈએ? બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસ પર હુમલો આક્રમક કૃત્ય ગણાય છે, છતાં ભારતની “રાહ જુઓ અને જુઓ” નીતિ હાલ યોગ્ય ગણાય છે. ભારતીય ચોખા વૈશ્વિક બજારમાં સૌથી સ્પર્ધાત્મક છે. સફેદ ચોખા માટે ભારત $351 પ્રતિ ટનનો ભાવ આપે છે, જ્યારે પાકિસ્તાન $356, વિયેતનામ $365 અને થાઈલેન્ડ $430 ભાવ આપે છે.




