• 23 December, 2025 - 11:51 PM

અમદાવાદમાં 1,500 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ: ટેકનો વાયર કંપનીના ડિરેક્ટરની ધરપકડ

અમદાવાદમાં કરચોરીના એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ થતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા હાથ ધરવામાં આવેલા એક ગુપ્ત ઓપરેશનમાં અંદાજે 1500 કરોડ રૂપિયાની જંગી કરચોરી શોધી કાઢવામાં આવી છે. આ કૌભાંડમાં શહેરની એક જાણીતી ટેકનો વાયર કંપનીનું નામ બહાર આવ્યું છે, જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચ્યું છે.

DGGIની તપાસના કેન્દ્રમાં અમદાવાદ સ્થિત ‘ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ’ નામની કંપની હતી. એજન્સીએ બાતમીના આધારે કંપનીના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળ્યા હતા. તપાસમાં ગંભીર ગેરરીતિઓ જણાતા એજન્સીએ કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરી છે. આરોપ છે કે ડેટા સાયન્સના વ્યવસાયના ઓથા હેઠળ મોટા પાયે આર્થિક છેતરપિંડી આચરવામાં આવી રહી હતી.

પ્રાથમિક વિગતો મુજબ પ્રભાત સોમાણીએ માત્ર કાગળ પર જ નાણાકીય વ્યવહારો બતાવીને કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કર્યા હતા. આ ખોટા બિલના આધારે ગેરકાયદે ઇન્પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવામાં આવતી હતી. ટેકનોલોજી અને ડેટા સર્વિસના નામે આચરવામાં આવેલું આ કૌભાંડ એટલું વ્યવસ્થિત હતું કે તે લાંબા સમય સુધી વહીવટી તંત્રની નજરમાં આવ્યું નહોતું, પરંતુ DGGIની સતર્કતાએ આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

હાલમાં આરોપી પ્રભાત સોમાણીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે. તપાસ એજન્સીને આશંકા છે કે 1,500 કરોડ જેવી માતબર રકમની કરચોરીમાં માત્ર એક વ્યક્તિનો હાથ ન હોઈ શકે. આ કૌભાંડના તાર અન્ય કયા વ્યવસાયીઓ કે રાજકીય વગ ધરાવતા લોકો સાથે જોડાયેલા છે તેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

Read Previous

આવકે વેરા વિભાગે ITR માં અયોગ્ય ડિડક્શન ક્લેઈમ પર રેડ ફ્લેગ લગાવ્યો, શરૂ કર્યું “નઝ” કેમ્પેઈન

Read Next

15 લાખ કરદાતાઓએ ભૂલો સુધારી, શું તમે તમારા ITR ચેક કર્યા છે? 31 ડિસેમ્બર છેલ્લી તક 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular