SEBIએ નિયમોમાં ફેરફાર કરી માર્ચ 2026થી સરળ ડીમેટ અકાઉન્ટ્સ- Demat Accountની પ્રક્રિયા સરળ કરી

SEBIએ નિયમોમાં ફેરફાર કરી માર્ચ 2026થી સરળ ડીમેટ અકાઉન્ટ્સ- Demat Accountની પ્રક્રિયા સરળ કરી
અમદાવાદઃ SEBI (સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ Basic Services Demat Account (BSDA) સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરી દીધા છે. આ પગલું લઈને સેબીએ રોકાણની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમ જ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ (DPs) પરનો કમ્પ્લાયન્સનો ભાર ઘટાડી દીધો છે. 31મી માર્ચ 2026થી નવી વ્યવસ્થાને લાગુ કરવામાં આવશે.
31 માર્ચ, 2026થી, BSDAની પાત્રતા નક્કી કરતી વખતે હવે Zero Coupon Zero Principal (ZCZP) બોન્ડ્સ તથા ડિલિસ્ટેડ સિક્યુરિટીઝને ગણતરીમાં લેવામાં આવશે નહીં. SEBIના જણાવ્યા મુજબ આ પગલું BSDA સુવિધાને વધુ અસરકારક બનાવવા અને નાના રોકાણકારો માટે રોકાણ સરળ બનાવવા માટે લેવામાં આવ્યું છે.
સેબીનો મુખ્ય નિર્ણય શું છે?
ZCZP બોન્ડ્સ અને ડિલિસ્ટેડ સિક્યુરિટીઝ હવે BSDA માટેની મૂલ્યાંકન મર્યાદામાં માટે ગણતરીમાં લેવામાં આવશે નહિ. બીજા શબ્દોમાં કહીએ તો આ સિક્યુરિટીઝનું મૂલ્ય BSDA પાત્રતા ચકાસતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે નહિ. આ નિર્ણય 28 જૂન, 2024ના સર્ક્યુલર બાદ બજાર ભાગીદારો પાસેથી મળેલા પ્રતિસાદના આધારે લેવાયો છે.
બજારમાં સરળતાથી લેવડદેવડ ન થતા શેર્સ માટેનો નિયમ
ઇલિક્વિડ સિક્યુરિટીઝ-બજારમાં સરળતાથી લેવડદેવડ ન થતી હોય તેવા શેર્સની DPએ છેલ્લી ઉપલબ્ધ ક્લોઝિંગ કિંમતના આધારે અકાઉન્ટનું મૂલ્ય ગણવું પડશે. હવે બધા ડીમેટ અકાઉન્ટ્સની BSDA પાત્રતા દર ત્રણ મહિને (quarterly) ચકાસવી ફરજિયાત રહેશે.
🔸 BSDAમાં આપોઆપ રૂપાંતર
SEBIએ નક્કી કર્યું છે કે જો કોઈ રોકાણકાર BSDA- Basic Services Demat Account માટે પાત્ર હોય તો તેવા સંજોગોમાં DPએ તે અકાઉન્ટને BSDAમાં ફરજિયાત ખોલવું અથવા રૂપાંતર કરવું જ પડશે. જો રોકાણકાર રેગ્યુલર ડીમેટ અકાઉન્ટ જ રાખવા માગે તો તેને ડિપોઝિટરી દ્વારા નક્કી કરાયેલ ચકાસણીયોગ્ય અને ઓથેન્ટિકેટેડ માધ્યમથી સ્પષ્ટ સંમતિ-active consent આપવી જ પડશે.
ડિપોઝિટરી-DPઓ માટે પણ કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. દરેક ત્રિમાસિકમાં તમામ ડીમેટ અકાઉન્ટ્સનું પુનઃમૂલ્યાંકન કરવું પડશે, અને પાત્રતા ધરાવતા ડીમેટ અકાઉન્ટ્સને BSDAમાં ફેરવવા પડશે, જો રોકાણકાર રેગ્યુલર અકાઉન્ટ માટે સ્પષ્ટ સંમતિ ન આપે તો આ ફેરફાર કરવો ફરજિયાત છે.
ડિમેટ એકાઉન્ટની મૂલ્યાંકન પદ્ધતિ
- હોલ્ડિંગ્સનું મૂલ્ય દૈનિક ક્લોઝિંગ ભાવ અથવા NAV પરથી નક્કી થશે.
- ભાવ ઉપલબ્ધ ન હોય તો છેલ્લો ટ્રેડેડ ભાવ લઈ શકાય.
- મ્યુચ્યુઅલ ફંડ સિવાયની અનલિસ્ટેડ સિક્યુરિટીઝ માટે ફેસ વેલ્યુ માન્ય રહેશે.
- ઇલિક્વિડ સિક્યુરિટીઝ માટે છેલ્લી ક્લોઝિંગ કિંમત લાગુ પડશે.
- પરંતુ સસ્પેન્ડેડ સિક્યુરિટીઝ, ડિલિસ્ટેડ સિક્યુરિટીઝ અને ZCZP બોન્ડ્સનું મૂલ્ય સંપૂર્ણપણે બહાર રાખવામાં આવશે. આ બધા ફેરફારો 31 માર્ચ, 2026થી અમલમાં આવશે, તેમ SEBIએ જણાવ્યું છે.
Basic Services Demat Account (BSDA) શું છે?
Basic Services Demat Account (BSDA) એ રેગ્યુલર ડીમેટ અકાઉન્ટનું સરળ સ્વરૂપ છે, તેમાં કુલ હોલ્ડિંગ્સનું મૂલ્ય રૂ. 10 લાખથી ઓછું હોવું જોઈએ. આ સુવિધા SEBIએ 2012માં નાના રોકાણકારોના ડીમેટ ચાર્જનો ભાર ઘટાડવા માટે શરૂ કરી હતી. Basic Services Demat Account (BSDA) એ SEBI દ્વારા શરૂ કરાયેલું ઓછી સુવિધાવાળું પરંતુ ઓછા ખર્ચનું ડીમેટ અકાઉન્ટ છે. ખાસ કરીને નાના અને મધ્યમ રોકાણકારો માટે બનાવવામાં આવ્યું છે, જેથી તેઓ ડીમેટ અકાઉન્ટના ઊંચા વાર્ષિક ચાર્જથી બચી શકે છે. SEBIએ BSDAની શરૂઆત વર્ષ 2012માં કરી હતી.
BSDA માટે પાત્રતા અને થનારા લાભ (Eligibility–Advantage)
SEBIના નિયમો મુજબ જ રોકાણકારના ડીમેટ અકાઉન્ટમાં રહેલા સિક્યુરિટીઝનું કુલ મૂલ્ય
રૂ. 10 લાખથી ઓછું હોય તે બીએસડીએ એકાઉન્ટ માટે પાત્ર બને છે. જો હોલ્ડિંગ રૂ.10 લાખથી વધુ થાય, તો અકાઉન્ટ રેગ્યુલર ડીમેટ અકાઉન્ટમાં રૂપાંતરિત થઈ જાય છે. એક PAN નંબર પર એક જ BSDA રાખી શકાય છે. 31 માર્ચ, 2026થી નવા નિયમો લાગુ પડશે, એમ સેબીએ જણાવ્યું છે. Delisted securities, Zero Coupon Zero Principal (ZCZP) bonds
આ બંનેનું મૂલ્ય BSDA માટેની પાત્રતા નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે નહિ. આ એકાઉન્ટમાં ઓછો અથવા શૂન્ય AMC–Annual Maintenance Charges-વાર્ષિક જાળવણી ખર્ચ લેવામાં આવે છે. SEBI દ્વારા જ નક્કી કરેલા માપદંડ મુજબ ડિમેટ એકાઉન્ટમાંના શેર્સનું મૂલ્ય રૂ. 50,000 સુધીનું હશે તો તેના પર એન્યુઅલ મેઈન્ટેનન્સ ચાર્જ પેટે એક પણ પૈસો વસૂલવામાં આવશે નહિ. આ મૂલ્ય રૂ. 50,000થી રૂ. 10 લાખ સુધીનું થશે તો તેવા સંજોગોમાં એન્યુઅલ મેઈન્ટેનન્સ ચાર્જ રૂ. 100 વસૂલવામાં આવશે. આ મૂલ્ય રૂ. 10 લાખથી વધારે હશે તો તેવા સંજોગોમાં રેગ્યુલર ડીમેટ ચાર્જ દર વર્ષે વસૂલવામાં આવશે.
રેગ્યુલર ડીમેટ જેટલી જ સુરક્ષા
શેર, મ્યુચ્યુઅલ ફંડ, ETF, બોન્ડ્સ સહિતના ઇન્વેસ્ટમેન્ટ્સ ઇલેક્ટ્રોનિક (Demat) ફોર્મમાં સુરક્ષિત રહેશે. NSDL કે CDSL જેવી માન્ય ડિપોઝિટરી દ્વારા જ તેનું સંચાલન કરવામાં આવશે. તેમાં ફ્રોડ થવાની શક્યતા સીમિત થઈ જશે. તેમ જ ખોટી રીતે તમારા શેર્સ ટ્રાન્સફર થઈ શકશે નહિ. નાના રોકાણકાર માટે જ આ ખાસ આયોજન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. તેનું ધ્યેય નવા રોકાણકારને આકર્ષવાનું છે. સિનિયર સિટિઝનના રોકાણને સલામત બનાવવાનું છે. નાના બચતકારોને પણ શેરબજારમાં રોકાણ કરવા માટે આકર્ષવા છે. તદુપરાંત લાંબા ગાળાના રોકાણકારની સંખ્યામાં વધારો કરવાનું ધ્યેય છે. બહુ વધારે ટ્રેડિંગ નથી કરતા અને એકવાર રોકારણ કરીને જાળવી રાખવા માગતા રોકાણકારોને ધ્યાનમાં લઈ આ સુવિધા ઊભી કરવામાં આવી રહી છે.
BSDAને કારણે રોકાણકારને થતા મુખ્ય લાભ
- ખર્ચમાં મોટો ઘટાડો થાય છે. ડીમેટ અકાઉન્ટનો વાર્ષિક ખર્ચ શૂન્ય અથવા નામમાત્ર બની જાય છે.
- રોકાણ શરૂ કરવા માટે પ્રોત્સાહન મળે છે. નવા રોકાણકાર માટે શેરબજારમાં પ્રવેશ સરળ બને છે.
- લાંબા ગાળાના રોકાણ માટે યોગ્ય આ એકાઉન્ટ યોગ્ય ગણાય છે. વારંવાર ટ્રેડિંગ ન કરતા રોકાણકાર માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
- SEBI દ્વારા સીધી દેખરેખ હોવાથી નિયમો સ્પષ્ટ અને રોકાણકારના હિતની જાળવણી થાય છે. આ વ્યવસ્થા રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ છે.
બિનજરૂરી ચાર્જથી બચી શકાય છે. રેગ્યુલર ડીમેટ જેવી ફી વસૂલાત થતી નથી.
BSDA કોના માટે યોગ્ય નથી?
ડે ટ્રેડર્સ, ભારે ટ્રેડિંગ કરનાર, ₹10 લાખથી વધુ પોર્ટફોલિયો ધરાવનારા રોકાણકાર માટે રેગ્યુલર ડીમેટ અકાઉન્ટ યોગ્ય છે.


