ફાર્માસિસ્ટો લાઈસન્સ ભાડે આપવાની ગેરરીતિઓ વહેલામાં વહેલી બંધ કરી દે

ઇન્ડિયન ફાર્માસ્યૂટિકલ એસોસિયેશને કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને પત્ર લખીને પગલાં લેવાની માગણી કરી
ડૉક્ટરો દ્વારા ચોક્કસ દવા જ લેવાના આગ્રહ પર પણ બ્રેક લગાવવી જરૂરી
અમદાવાદઃ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિયેશન (IPA)એ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને વિનંતી કરીને ગુજરાત સહિત દેશભરના તમામ રિટેલ મેડિકલ સ્ટોરમાં નોંધાયેલ (Registered) ફાર્માસિસ્ટની ફરજિયાત હાજરી સુનિશ્ચિત કરવામાં આવે તેમજ યોગ્ય અને માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું વેચાણ બંધ કરાવવા માટે આકરાં પગલાં લેવામાં આવે છે.
ઇન્ડિયન ફાર્માસ્યૂટિકલ એસોસિયેશને પોતાના પત્રમાં ડ્રગ ઓથોરિટીઝનું ધ્યાન કેટલીક ગંભીર ગેરરીતિઓ તરફ દોર્યું છે. આ ગેરરીતિઓમાં રજિસ્ટર્ડ-નોંધાયેલ ફાર્માસિસ્ટ વિના મેડિકલ સ્ટોર ચલાવવાની ગેરરીતિ સૌથી વધારે છે. તેમ જ ડૉક્ટરની યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વિના પ્રિસ્ક્રિપ્શન દવાઓ વેચવા જેવી ગેરરીતિઓ સામેલ છે.
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ (D&C Act) અને ફાર્મસી એક્ટ મુજબ, કોઈપણ પ્રિસ્ક્રિપ્શન દવા વેચવા માટે નોંધાયેલ ફાર્માસિસ્ટની ભૌતિક હાજરી ફરજિયાત છે. આ નિયમના પાલનનો કેમિસ્ટના સ્તરે પણ ભંગ કરવામાં આવી રહ્યો છે. કરમની કઠણાઈ એ છે કે ગુજરાત અને દેશભરમાં અનેક મેડિકલ સ્ટોરમાં નોંધાયેલ ફાર્માસિસ્ટની હાજરી અને દેખરેખ વિના દવાઓ વેચાઈ રહી છે. આ ફાર્માસિસ્ટ દુકાનમાં તેમના સર્ટિફિકેટ લટકાવવા માટે ભાડે આપી દે છે. મહિને ત્રણથી પાંચ હજારની એક્સ્ટ્રા ઇન્કમ કરી લે છે. વાસ્વતમાં કોઈ કંપનીમાં નોકરી કરતાં હોવાનું જોવા મળે છે. આ વ્યવસ્થા નાબુદ થાય તેવા પગલાં લેવા જરૂરી છે. તેને માટે દ્રષ્ટાંતરૂપ સજા થવી જરૂરી છે. ગુજરાતના ફાર્માસ્યૂટિકલ એસોસિયેશનને આ દિશામાં મહત્વ ના પગલાં લેવા માંડ્યા છે.
તેમાંય ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં તો આ એક ખુલ્લું રહસ્ય છે કે અનેક રિટેલ મેડિકલ સ્ટોર એવા લોકો ચલાવે છે, જે ફાર્માસિસ્ટ નથી. બારમી પાસ થયેલા છોકરાઓ દવાઓ આપે છે. પરિણામે ખોટી દવાઓ આપી દેવાના કિસ્સાઓ વધે છે. આ અભણ કેમિસ્ટ પર વિશ્વાસ મૂકીને દરદીઓ કે વપરાશકારો તે દવા લઈ પણ લે છે. દવા લીધા પછી ખોટી કે ખરાબ અસર થાય તો તેની દરદીઓને ખબર પણ પડતી નથી. આમ પરંતુ ફાર્મસી ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા વ્યક્તિ પાસેથી સર્ટિફિકેટ ભાડે લે છે.
ભારતમાંથી ઇન્ડિયન ફાર્માસ્યૂટિકલ એસોસિયેશનને મળી રહેલા અહેવાલો મુજબ બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, તેલંગાણા સહિતના રાજ્યોમાં વાર્ષિક ફી આપી ફાર્મસીનું સર્ટિફિકેટ ભાડે મેળવવું સામાન્ય બાબત બની ગઈ છે. સર્ટિફિકેટ ભાડે આપ્યા બાદ નોંધાયેલ ફાર્માસિસ્ટ અન્યત્ર કામ કરે છે. નોંધાયેલ ફાર્માસિસ્ટ દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન અન્ય વ્યક્તિને ઉપયોગ માટે આપવું અત્યંત અનૈતિક છે. એક ફાર્માસિસ્ટ એક સમયે માત્ર એક જ સ્થળે કાર્ય કરી શકે છે. તેમ છતાં બિન-ફાર્માસિસ્ટો ભાડે લીધેલા સર્ટિફિકેટ પર મેડિકલ સ્ટોર ચલાવતા રહે છે.
આ મુદ્દો ખરેખર ગંભીર છે અને IPAએ યોગ્ય રીતે તેને ઉઠાવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે હવે ફાર્માસિસ્ટની ભૂમિકા માત્ર દવાઓ વેચનાર સુધી સીમિત રહી નથી. દવાઓની માત્રા ચકાસવી, દવા-દવા ક્રિયાઓ, દવા-એલર્જી ક્રિયાઓ, દવા-આહાર ક્રિયાઓ, તેમજ દર્દીને યોગ્ય સલાહ આપવી—આ બધું આજના ફાર્માસિસ્ટની જવાબદારીનો ભાગ બની ગયું છે. વિકસિત દેશોમાં ફાર્માસિસ્ટો દર્દી, ડૉક્ટર અને નર્સ સાથે સહયોગી મોડેલમાં કાર્ય કરે છે. ત્યાં ફાર્મસી પ્રેક્ટિસનું કેન્દ્ર બિંદુ પ્રોડક્ટમાંથી દર્દી તરફ ખસી ગયું છે, જેમાં દર્દીની સલામતી પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ભારત પણ ધીમે ધીમે આ દિશામાં આગળ વધી રહ્યું છે.
આ ગેરરીતિ અંગે સરકાર અજાણ છે એવું નથી. કેન્દ્ર સરકારે 2015માં ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશન્સ (PPR) જાહેર કર્યા હતા. તેનો મુખ્ય હેતુ રિટેલ મેડિકલ સ્ટોરમાં ચાલતી ગેરરીતિઓને અટકાવવાનો હતો. અગાઉ ફાર્મસી વ્યવસાય ફાર્મસી એક્ટ અને D&C એક્ટ—આ બે કાયદાઓ હેઠળ નિયમિત થતો હતો.
PPR-2015નો ઉદ્દેશ એકસમાન ફાર્મસી આચાર સંહિતા તૈયાર કરવાનો અને દરેક રાજ્યના દરેક જિલ્લામાં ફાર્મસી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવાની શક્તિ સ્ટેટ ફાર્મસી કાઉન્સિલને આપવાનો હતો, જેથી ચકાસી શકાય કે દવાઓ માત્ર લાયક ફાર્માસિસ્ટ દ્વારા જ આપવામાં આવે છે.
જો PPR મુજબ દરેક જિલ્લામાં ફાર્મસી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી હોત, તો સર્ટિફિકેટ ભાડે આપવાની ગેરરીતિ પર મોટો અંકુશ આવી શક્યો હોત. હવે સમય આવી ગયો છે કે આરોગ્ય મંત્રાલય આ નિયમોને શબ્દશઃ અને ભાવનાપૂર્વક સમગ્ર દેશમાં અમલમાં મૂકવી જોઈએ
દરદીઓને રક્ષણ આપવા ડૉક્ટર્સ સામે પણ પગલાં લો
આજની તારીખે પણ ડૉક્ટર્સ ટાઈપ કરીને જ પ્રિસ્ક્રિપ્શન આપવાના નિયમનું પાલન કરતાં નથી. આ ડૉક્ટરો સામે પણ કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલયે પગલાં લેવા જોઈએ. મોટા ભાગના ડૉક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન વાંચી શકાય તેવા અક્ષરમાં લખાયેલા હોતા નથી. તેથી જ ઓછું ભણેલા કેમિસ્ટના સ્ટાફના સભ્યો ખોટી દવાઓ આપી દે છે. તેનાથી દવા લેનારાની જિંદગીમાં મોટી તકલીફો આવી રહી છે.
દવાના કન્ટેન્ટથી પ્રિસ્ક્રિપ્શન લખવાની ફરજ પાડો
બીજું, દવાના બ્રાન્ડ નેમથી નહિ, પરંતુ તેમાંના ઘટકોને આધારે જ તેને પ્રિસ્ક્રાઈબ કરવાની વ્યવસ્થા લાગુ કરવી જોઈએ. કેમિસ્ટ તે પ્રમાણે દવાઓ આપે એટલે કે ડૉક્ટરે પ્રિસ્સ્કાઈબ કરેલી દવા ન હોય તે તેના જેવા જ ઘટકવાળી દવાઓ આપે છે અને ડૉક્ટરને બતાવવા દરદી જાય ત્યારે ડૉક્ટર્સ તે બ્રાન્ડ ધરાવતી દવા બનાવતી કંપનીને ખુશ રાખવા અને તેની પાસેથી એક્સ્ટ્રા બેનિફિટ કે દવા પ્રિસ્ક્રાઈબ કરવાનું કમિશન મેળવવા દરદીઓને ડરાવી દે છે. દરદીઓને ડૉક્ટર કહે છે તમે મેં પ્રિસ્ક્રાઈબ કરેલી દવા સિવાયની બ્રાન્ડની દવા લેશો અને યોગ્ય પરિણામ નહિ મળે તો તેની જવાબદારી મારી રહેશે નહિ. આ પ્રકારે કમિશનિયા કે મળવાપાત્ર લાભ કરતાં વધુ લાભ મેળવવા અને બ્રાન્ડેડ દવાનું વેચાણ કરતી કંપનીઓને ફાયદો કરાવવા સક્રિય ડૉક્ટર્સ સામે પણ પગલાં લેવા જરૂરી છે.
ઓનલાઈન દવા વેચનારાઓની ગેરરીતિઓ રોકવામાં આવે
જગજાહેર બાબત તો એ છે કે અમદાવાદના દરદી માટે ઔરંગાબાદરનો ડૉક્ટર ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શન આપે અને તેને આધારે જ ઓનલાઈન કંપનીઓ દવાનું વેચાણ કરી રહી છે. આ ગેરરીતિને પરિણામે આજનું યુવાધન નશાકારક દવાઓને ખરીદીને તેનું સેવન કરતી થઈ રહી છે. આ પ્રકારે ઓનલાઈન વેપાર કરનારાઓ સામે આકરાંમાં આકરાં પગલાં લેવા જરૂરી છે. તેને ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શન આપવા માટે ડૉક્ટરની અલગથી પેનલ બનાવીને તેના રજસ્ટ્રેશન કરાવવાનું વ્યવસ્થા દાખલ કરવી જોઈએ. આ વ્યવસ્થા પછી કોઈ ડૉક્ટર ગેરરીતિ કરતાં પકડાય તો તેમના પ્રેક્ટિશ કરવાના અધિકારને અટકાવવા સુધીના પગલાં લેવાનું આયોજન કરી શકાય છે.


