Gmail યુઝર્સ માટે ગૂડ ન્યૂઝ : હવે ઈમેલ એડ્રેસ બદલી શકાશે, પણ આ શરતે! વધુ જાણો નવા ફીચર વિશે…
પહેલાના સમયમાં લોકો એકબીજાને પત્ર લખતા હતા, પરંતુ 21મી સદીમાં પત્રવ્યવહાર કરતા નથી. ઈમેઈલએ પત્રવ્યવહારનું સ્થાન લઈ લીધું છે. Gmail એ ઈમેઈલ મોકલવાનું જાણીતું પ્લેટફોર્મ છે. જોકે ગૂગલના Gmail એકાઉન્ટમાં એવી ઘણી બાબતો છે, જેને આપણી બદલી શકતા નથી. પરંતુ ગૂગલ તાજેતરમાં એક નવું ફીચર લાવી રહ્યું છે. જેનાથી યુઝર પોતાના Gmail એકાઉન્ટમાં જરૂરી એવા કેટલાક ફેરફારો કરી શકશે.
યૂઝર બદલી શકશે ઈમેલ એડ્રેસ
અત્યાર સુધી Gmailમાં માત્ર થર્ડ પાર્ટી ઈમેલ આઈડી બદલવાની છૂટ હતી. પરંતુ હવે મુખ્ય Gmail એડ્રેસ પણ બદલી શકાશે. ગૂગલ હવે તેના યુઝર્સને @gmail.com વાળું એડ્રેસ બદલવાની સુવિધા આપવા જઈ રહ્યું છે. ગૂગલના સપોર્ટ પેજ પરથી મળેલી માહિતી મુજબ આ પ્રક્રિયા અત્યંત યુઝર-ફ્રેન્ડલી હશે. જ્યારે તમે નવું Gmail એડ્રેસ પસંદ કરશો, ત્યારે જૂનું એડ્રેસ ડિલીટ નહીં થાય.
જૂનું એડ્રેસ એક ‘એલિયસ’ તરીકે કામ કરશે. યુઝર્સ જૂના અને નવા એમ બંને એડ્રેસથી લોગિન કરી શકશે. એટલું જ નહીં, જૂના એડ્રેસ પર આવતા ઈમેઈલ પણ નવા આઈડીમાં આપોઆપ મળતા રહેશે. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે આ ફેરફારથી તમારા ફોટોગ્રાફ્સ, ડ્રાઈવ ફાઈલ કે જૂના મેસેજ પર કોઈ અસર પડશે નહીં.
નવા ફીચર્સ સાથે ગૂગલની શરતો
જોકે, નવી સુવિધા સાથે ગૂગલ કેટલીક નવી શરતો પણ લઈને આવ્યું છે. આ શરતો અનુસાર એક યુઝર પોતાના જીવનકાળમાં વધુમાં વધુ 3 વખત જ Gmail એડ્રેસ બદલી શકશે. ઈમેલ બદલ્યા બાદ યુઝર આગામી એક વર્ષ સુધી નવું ગૂગલ એકાઉન્ટ બનાવી શકશે નહીં. આ ફીચર હાલમાં તમામ યુઝર્સ માટે લાઈવ થયું નથી, તેને તબક્કાવાર રીતે રિલીઝ કરવામાં આવી રહ્યું છે.
ઘણા યુઝર્સે નાની ઉંમરે રમત-રમતમાં ‘cool’ કે અજીબ યુઝરનેમ ધરાવતા આઈડી બનાવ્યા હોય છે, જે વ્યાવસાયિક દુનિયામાં (Resume કે ઓફિસમાં) યોગ્ય લાગતા નથી. ગૂગલનું આ પગલું આવા લાખો યુઝર્સને નવું એકાઉન્ટ બનાવવાની મહેનત વગર પોતાની ડિજિટલ આઇડેન્ટિટી સુધારવાની તક આપશે.



