• 26 December, 2025 - 12:19 AM

31મી ડિસેમ્બર પહેલા PAN–આધાર લિન્ક કરાવી લો, નહિ તો તકલીફ વધશે

  • પાન કાર્ડ અને આધારકાર્ડને લિન્ક ન કરાવનારાઓના પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે

PAN અને આધારને લિંક કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. જેમણે હજી સુધી PANને આધાર સાથે લિંક કર્યું નથી, તેમણે 31 ડિસેમ્બર 2025 પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. આ તારીખ સુધી લિંક ન કરવાથી PAN નિષ્ક્રિય (inoperative) બની જશે, જેના કારણે ભવિષ્યની અનેક નાણાકીય કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થશે.

નવા PAN અરજદારો માટે PAN–આધાર લિંકિંગ આપોઆપ થઈ જાય છે. પરંતુ જેમણે 1 ઑક્ટોબર 2024 પહેલાં આધાર એનરોલમેન્ટ IDના આધારે PAN માટે અરજી કરી હતી, તેમણે આ વર્ષના અંત સુધીમાં PANને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે.

CBDT (Central Board of Direct Taxes) દ્વારા 3 એપ્રિલ 2025ના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, “1 ઑક્ટોબર 2024 પહેલાં આધાર એનરોલમેન્ટ IDના આધારે PAN ફાળવવામાં આવ્યો હોય તેવા દરેક વ્યક્તિએ 31 ડિસેમ્બર 2025 સુધીમાં અથવા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી તારીખ સુધીમાં પોતાનો આધાર નંબર આવકવેરા વિભાગને જાણ કરવો ફરજિયાત છે.”

PAN–આધાર લિંક ન કરવાથી શું થશે?

જો PANને આધાર સાથે સમયમર્યાદામાં લિંક ન કરવામાં આવે, તો PAN નિષ્ક્રિય બની જશે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139AA મુજબ પાન કાર્ડ અને આધારકાર્ડને લિન્ક ન કરાવનારાઓને આવકવેરાનું રિફંડ મળશે નહિ. તેમના નાણાંકીય વહેવારોમાં વધુ દરે TDS (Tax Deducted at Source) અને TCS (Tax Collected at Source) કરવામાં આવશે. આવકવેરા રિટર્નમાં નિષ્ક્રિય PAN દર્શાવવાથી દંડ લાગશે

PAN નિષ્ક્રિય બન્યા પછી તેની અસર

આવકવેરા કાયદાના નિયમ 114AAA મુજબ, PAN નિષ્ક્રિય બન્યા પછી આવકવેરાનો રિફંડ અને તેના પરનું વ્યાજ મળશે નહિ. TDS અને TCS ઊંચા દરે લાગુ પડશે. બેન્ક ખાતું ખોલવું, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, શેર બજાર વ્યવહાર જેવી પ્રવૃત્તિઓમાં અડચણ આવશે

PAN–આધાર લિન્ક કોણ ન કરે તો ચાલશે?

નીચેના લોકોને PAN–આધાર લિંક કરવું ફરજિયાત નથી: એક, ભારતના નાગરિક ન હોય તેવા વ્યક્તિ માટે પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરાવવું ફરજિયાતન નથી. NRI (Non-Resident Indians માટે પણ પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરાવવું ફરજિયાત નથી.  ગયા નાણાકીય વર્ષ દરમિયાન 80 વર્ષથી વધુ ઉંમરના થઈ ગયેલા વરિષ્ઠ નાગરિકો માટે પણ પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરવું ફરજિયાત નથી.  આસામ, મેઘાલય અથવા જમ્મુ-કાશ્મીરમાં રહેવાસી વ્યક્તિઓને માટે પણ આધારકાર્ડ અને પાનકાર્ડને લિન્ક કરાવવું ફરજિયાત નથી.

PAN–આધાર કેવી રીતે લિંક કરશો?

  1. આવકવેરા વિભાગની અધિકૃત e-filing વેબસાઇટ પર જાવ.
  2. “Quick Links” હેઠળ “Link Aadhaar” વિકલ્પ પસંદ કરો.
  3. UIDAI સાથે આધાર વિગતો ચકાસવા સંમતિ આપો અને CAPTCHA અથવા OTP દાખલ કરો.
  4. PAN નંબર, નામ, જન્મ તારીખ વગેરે વિગતો ભરો
  5. પ્રક્રિયા પૂર્ણ થયા પછી 4–7 કાર્યદિવસમાં લિંકિંગ અપડેટ થઈ જશે

તમે “Link Aadhaar Status” વિકલ્પ દ્વારા PAN અને આધાર નંબર દાખલ કરીને સ્થિતિ ચકાસી શકો છો.

PAN ફરી સક્રિય (Reactivate) કેવી રીતે કરશો?

જો PAN પહેલેથી જ નિષ્ક્રિય બની ગયો હોય, તો:

  • e-filing પોર્ટલ પર ₹1,000 (નૉન-રિફંડેબલ ફી) ભરીને
  • PAN–આધાર લિંકિંગ પૂર્ણ કર્યા પછી PAN ફરી સક્રિય થઈ શકે છે

 

Read Previous

2026માં વૈશ્વિક આયર્ન ઓરનાં ભાવ થોડા ઘટી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular