15થી 20 વર્ષ જૂની આવકવેરાની ડિમાન્ડ કાઢી કરદાતાઓને ઓનલાઈન નોટિસ મોકલાતા ફફડાટ

- વ્યાજ અને વ્યાજનું વ્યાજ ચઢાવી દેવાતા વેરાની ડિમાન્ડ કરતાંય વધુ રકમ થઈ જતાં કરદાતાઓમાં મૂંઝવણ
- કરદાતાઓને મુખ્ય સવાલ એ છે કે ડિમાન્ડ કયા આધારે કાઢવામાં આવી તે અંગે પણ ફોડ પાડવામાં આવ્યો નથી
અમદાવાદઃ આવકવેરા ખાતાના પોર્ટલ પર કરદાતાઓને નામે પંદરથી વીસ વર્ષ જૂની ડિમાન્ડની નોટિસો દેખાવા માંડી હોવાથી ગુજરાત અને ભારતભરના કરદાતાઓની મૂંઝવણમાં વધારો થઈ ગયો છે. આ ડિમાન્ડ એકાએક શેના માટે કાઢીને નોટિસ મૂકવામાં આવી છે તે અંગે કરદાતાઓમાં કોઈ જ સ્પષ્ટતા જોવા મળતી નથી.
આવકવેરાના પોર્ટલ પર પંદરથી વીસ વર્ષ પહેલાની ટેક્સ ડિમાન્ડ ઉપરાંત તેના પર વ્યાજ અને વ્યાજનું વ્યાજ ઉમેરીને નોટિસમાં રકમ દર્શાવવામાં આવી હોવાથી કરદાતાઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. પરિણામે ટેક્સની ડિમાન્ડ કરતાંય વધારે વ્યાજ અને વ્યાજના વ્યાજની રકમ થઈ ગઈ હોવાના કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે.દસથી પંદર વર્ષ જૂનો રેકોર્ડ કાઢવા ક્યાંથી તે પણ કરદાતાઓ માટે મોટી સમસ્યા બની ગઈ છે. આ નોટિસ કરદાતાઓને અગાઉ ક્યારેય આપવામાં જ આવેલી નથી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી શોધી કાઢવામાં આવેલી આ ડિમાન્ડ હોવાનું જણાય છે. 2005થી 2011ના ગાળાની આ ડિમાન્ડ હોવાનું જાણવા મળી રહ્યું છે. નોટિસને પરિણામે કરદાતાઓ આઘાત પામ્યા છે. કરદાતાઓને જે તે વર્ષમાં થયેલા આકારણીના ઓર્ડરની પણ કોઈ જ જાણકારી ન હોવાથી તેમની મૂઝવણ ઓર વધી ગઈ છે. વ્યાજના વ્યાજ ચઢાવવામાં આવ્યા હોવાથી સંખ્યાબંધ કરદાતાઓની ટેક્સ ડિમાન્ડ ખાસ્સી વધી ગઈ છે.
આવકવેરા ખાતામાં ડિજિટલ સ્વરૂપમાં ગમે ત્યાં વિખરાયેલા પડી રહેલા રેકોર્ડને વ્યવસ્થિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી તેને પરિણામે જૂની પેન્ડિંગ ડિમાન્ડ તેમના ધ્યાનમાં આવી છે. તેમને હાથ લાગેલા આકારણીના ઓર્ડર અને તેના અનુસંધાનમાં જે તે સમયે ઊભી કરવામાં આવેલી ટેક્સ ડિમાન્ડ અને તેના પરના વ્યાજની વિગતો સાથેની નોટિસો આવકવેરાના પોર્ટલ પર અપલોડ કરવા માંડી છે. તેમાં દર્શાવવામાં આવેલી વેરાની રકમ કરદાતાઓ આવકવેરા કચેરીમાં જમા કરાવી દે તેવી અપેક્ષા આવકવેરા ખાતા દ્વારા રાખવામાં આવી રહી છે. કરદાતાઓના વરસો જૂના ઓર્ડર કોઈ ભળતા જ સરનામે ગયા હોવાની પણ સંભાવના છે.
વેરા ડિમાન્ડ કરતાંય કરદાતાને સૌથી વધુ સતાવી રહેલી બાબત તો તેના પરનું વ્યાજ છે. કારણ કે સંખ્યાબંધ કિસ્સાઓમાં વ્યાજની રકમ ટેક્સની ડિમાન્ડ કરતાં વધારે છે. કરદાતાઓની એવી દલીલ છ કે તેમને સમયસર આકારણીનો ઓર્ડર મળી ગયો હોત તો તેમણે વેરા પર વ્યાજ અને વ્યાજનું પણ વ્યાજ ચૂકવવું ન પડ્યું હોત. વ્યાજનો બોજ ન આવે તે માટે આકારણી ઓર્ડર સામે તેઓ અપીલમાં પણ જઈ શક્યા હોત.
2009-10ના વર્ષ માટે રૂ. 1 લાખથી વધુ રકમની ઇન્કમટેક્સની ડિમાન્ડ હોય તે તેની નોટિસ આપવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2017ની હતી. તેમ જ આકારણી ઓર્ડર મોકલવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર 2017ની હતી. સા્માન્ય રીતે આકારણી થઈ ગયા બાદ ડિમાન્ડ નોટિસ તત્કાળ જ મોકલી આપવામાં આવે છે. નોટિસ મળ્યાના 30 દિવસની અંદર કરદાતાને અપીલમાં જવાની કાયદેસરનો હક્ક મળેલો છે. તેમને નોટિસ જ ન મળી હોવાથી તેઓ તેમના આ અધિકારનો ઉપયોગ જ કરી શક્યા નથી. તેથી વ્યાજ પર વ્યાજનો ધરખમ બોજો આવી ગયો છે.
આ સ્થિતિએ આવકવેરા ખાતાના અધિકારીઓ માટે પણ કપરી સ્થિતિ નિર્માણ કરી દીધી છે. ડિમાન્ડ નોટિસ યોગ્ય સરનામે મોકલવામાં આવી હોવાનું પુરવાર કરવું આવકવેરા અધિકારીઓ માટે પણ અત્યારે મુશ્કેલ જ છે. તેમ જ કરદાતાઓને નોટિસ તે વખતે મળી હોય તો પણ અત્યાર સુધી તે સચવાઈ રહી હોવાની સંભાવના બહુ જ ઓછી છે. આ નોટિસ મળી હોવાની બાબત પરથી બીજી એક વાત એ પણ સ્પષ્ટ થાય છે કે આવકવેરા ખાતું જૂના પેન્ડિંગ કેસો સમેટી લેવાનો ઇરાદો ધરાવે છે.



