• 15 January, 2026 - 10:15 PM

ભારતનું હર્બલ અને આયુર્વેદ ક્ષેત્ર વિશ્વાસ મજબૂત કરવા પારદર્શિતા અને ક્લીન લેબલિંગને પ્રાથમિકતા આપે છે

  • રોગપ્રતિકારક શક્તિ વધારતા, માનસિક આરોગ્ય, મેટાબોલિક હેલ્થ અને અન્ય પૂરક આહારની વધતી માંગ હર્બલ ને આયુર્વેદ ક્ષેત્રના પ્રસારને વધારી રહી છે

ભારતનું હર્બલ અને આયુર્વેદ ક્ષેત્ર હવે ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત કરવા માટે પારદર્શિતા અને ક્લીન લેબલિંગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પ્રોડક્ટની સુરક્ષા, અસલિયત અને ટકાઉપણાં અંગે વધતી જાગૃતિને પગલે કંપનીઓ હવે ઘટકોની સ્પષ્ટ માહિતી, નૈતિક રીતે કાચા માલની ખરીદી અને કડક ગુણવત્તા ધોરણો અપનાવી રહી છે. આ પરિવર્તન ગ્રાહકોને હર્બલ ઉપચારની શુદ્ધતા અંગે વિશ્વાસ અપાવે છે તેમજ ક્ષેત્રની જવાબદાર અને ટકાઉ કામગીરી પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે.

બોટાનિક હેલ્થકેરના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક વેલનેસ ઉદ્યોગમાં મોટો ફેરફાર આવ્યો છે. હર્બલ અને આયુર્વેદિક ન્યુટ્રાસ્યુટિકલ્સ હવે પ્રિવેન્ટિવ હેલ્થના ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રાકૃતિક અને પ્લાન્ટ-બેઝ્ડ ઉકેલો-સોલ્યુશન્સ હવે માત્ર વિશેષ માર્કેટ સુધી સીમિત રહ્યા નથી, પરંતુ આધુનિક વૈજ્ઞાનિક સંશોધન અને સર્વાંગ સંપૂર્ણ તન્દુરસ્તી એટલે કે હોલિસ્ટિક વેલનેસ પ્રત્યે વધતા રસને કારણે મુખ્ય પ્રવાહમાં આવી ગયા છે. તેનો વપરાશ કરનારા સતત વધી રહ્યા છે.

આયુર્વેદ સદીઓથી વપરાતી આવેલી ઔષધિઓ, બોટાનિકલ્સ અને આરોગ્ય સિદ્ધાંતો પર આધારિત રહ્યો છે. આજકાલ વૈશ્વિક ન્યુટ્રાસ્યુટિકલ ઉદ્યોગ ઝડપી ગતિએ વિકસી રહ્યો છે અને 2020માં 413 અબજ ડોલરથી વધીને 2030 સુધીમાં 650.5 અબજ ડોલર સુધી પહોંચવાની આગાહી છે, જેનો વાર્ષિક સંયુક્ત વૃદ્ધિ દર (CAGR) 3.9 ટકા છે. રોગપ્રતિકારક શક્તિ વધારતા, માનસિક આરોગ્ય, મેટાબોલિક હેલ્થ અને અન્ય પૂરક આહારની વધતી માંગ આ વૃદ્ધિને આગળ ધપાવી રહી છે, ખાસ કરીને અમેરિકા, દક્ષિણ કોરિયા અને જર્મની જેવા દેશોમાં, જ્યાં કુદરતી ઉપચાર પ્રત્યે વધુ ઝુકાવ જોવા મળે છે. વૈકલ્પિક ચિકિત્સા હવે મુખ્ય પ્રવાહમાં આવી ચૂકી છે. પ્રાચીન જ્ઞાન અને વૈજ્ઞાનિક પ્રમાણિકતા વચ્ચેની સુમેળભરી જોડાણ આ પરિવર્તનનું મૂળ છે. આજે અશ્વગંધા, હળદર અને બ્રાહ્મી જેવા આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ્સ માનસિક આરોગ્ય, રોગપ્રતિકારક શક્તિ અને ઊર્જા વધારવામાં લાભદાયક હોવાનું ક્લિનિકલ પુરાવાઓ દ્વારા સાબિત થયું છે.

આયુર્વેદિક ન્યુટ્રાસ્યુટિકલ્સનો વિકાસ પ્રાચીન ઉપયોગો અને આધુનિક વિજ્ઞાનનું સંયોજન છે, જે તેની અસરકારકતાને પ્રમાણિત કરે છે. ડેટા એનાલિસિસ અને પ્લાન્ટ એક્સ્ટ્રેક્શન ટેક્નોલોજીમાં AIની પ્રગતિને કારણે ન્યુટ્રાસ્યુટિકલ ઉદ્યોગમાં નવી શક્યતાઓ ઊભી થઈ છે. હવે બાયોએક્ટિવિટીનું વધુ ચોક્કસ અનુમાન લગાવી શકાય છે અને વધુ અસરકારક ફોર્મ્યુલેશન્સ તૈયાર કરી શકાય છે. આ વૈજ્ઞાનિક આધાર ઉત્પાદનોની વિશ્વસનીયતા અને સુરક્ષાને વધારતો હોવાથી વૈશ્વિક સ્તરે હેલ્થ-અવેર- આરોગ્ય અંગે જાગૃત ગ્રાહકોને વધુ આકર્ષે છે.

હર્બલ અને આયુર્વેદિક ન્યુટ્રાસ્યુટિકલ્સની વૃદ્ધિ ત્રણ મુખ્ય પ્રવૃત્તિઓથી પ્રેરિત છે. પ્રથમ છે પ્રિવેન્ટિવ હેલ્થ અને પર્સનલાઇઝ્ડ વેલનેસ, જેમાં ગ્રાહકો હવે રોગ થયા પછી સારવાર કરવાને બદલે પહેલેથી જ સ્વાસ્થ્ય જાળવવા તરફ આગળ વધી રહ્યા છે. ભવિષ્યનું વેલનેસ વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર તૈયાર કરાયેલા ફોર્મ્યુલેશન્સ પર આધારિત રહેશે. બીજું છે ક્લીન લેબલ અને પારદર્શિતા લાવવાને લગતું પગલું છે. ગ્રાહકો હવે ઓછા અથવા બિલકુલ ન હોવા જેટલા કૃત્રિમ એડિટિવ્સ અને પ્રિઝર્વેટિવ્સ ધરાવતા પ્રોડક્ટ્સ પસંદ કરી રહ્યા છે. આ આયુર્વેદના શુદ્ધતા અને ટકાઉપણાંના સિદ્ધાંતો સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.

ત્રીજું મહત્વનું પાસું માનસિક આરોગ્ય અને રોગપ્રતિકારક શક્તિ છે. અશ્વગંધા (તણાવ ઘટાડવા માટે) અને તુલસી (રોગપ્રતિકારક શક્તિ માટે) જેવી આયુર્વેદિક ઔષધિઓ હવે વધુ લોકપ્રિય બની રહી છે, કારણ કે માનસિક સ્થિરતા અને રોગપ્રતિકારક શક્તિ માટે કુદરતી ઉકેલોની માંગ સતત વધી રહી છે. ભારત પાસે વૈવિધ્યસભર જૈવિક સંસાધનો અને સમૃદ્ધ આયુર્વેદિક પરંપરા હોવાથી વૈશ્વિક હર્બલ ન્યુટ્રાસ્યુટિકલ ક્ષેત્રમાં અગ્રણી બનવાને સમર્થ છે. આ ક્ષમતાનો સંપૂર્ણ લાભ લેવા માટે નવીનતા, સ્ટાન્ડર્ડાઇઝેશન અને ક્લિનિકલ સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે, જેથી આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને નિયમન ધોરણો સાથે સુસંગતતા સાધી શકાશે. .

હર્બલ અને આયુર્વેદિક ન્યુટ્રાસ્યુટિકલ્સનો ઉદય વૈશ્વિક વેલનેસ ચળવળમાં મહત્વપૂર્ણ વળાંક દર્શાવે છે. વૈજ્ઞાનિક આધાર, પ્રાચીન જ્ઞાન અને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે, આ કુદરતી ઉપચાર ટકાઉ, અસરકારક અને પ્રકૃતિ આધારિત આરોગ્યના ભવિષ્યની દિશા નિર્ધારિત કરી રહ્યા છે.

 

Read Previous

ડીસીજીઆઈએ કેન્સરના દરદીઓ માટેની 77 મેડિકલ ડિવાઇસનું વર્ગીકરણ જાહેર કર્યું

Read Next

રોજની રૂ. 100ની બચત કરીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે તો 30 વર્ષ પછી રૂ. 50 લાખ મળી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular