અનલિસ્ટેડ શેરમાર્કેટ પર નજર રાખવા SEBI સક્રિય

- લિસ્ટિંગ ન ધરાવતી કંપનીઓના શેર્સના ભાવ નક્કી કરવામાં રોકાણકારાનો હિતનું જોખમ વધારે છે.
- રોકાણકારોને એક સાથે કે સમાન રીતે કંપનીને લગતી માહિતી ન મળતી હોવાથી પણ કેટલાક શેરધારકોનું હિત જોખમાય તેવી સંભાવના
અમદાવાદ: ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI-Securities Exchange Board of India) અનલિસ્ટેડ શેર માર્કેટને નિયમન હેઠળ લાવવાની શક્યતા અંગે વિચાર કરી રહ્યું છે. આ માર્કેટ હાલ મોટેભાગે SEBIની સીધી દેખરેખથી બહાર કાર્ય કરે છે.
SEBIના ચેરમેન તુહિન કાંતા પાંડે એ ગુરુવારે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (AIBI)ના વાર્ષિક સંમેલન દરમિયાન મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે SEBI આ મુદ્દે કોર્પોરેટ અફેર્સ મંત્રાલય સાથે ચર્ચા કરી રહ્યું છે. અનલિસ્ટેડ કંપનીઓ પર દેખરેખ રાખવાની કાયદાકીય સત્તા SEBI પાસે છે કે નહીં અને જો હોય તો તેનો વિસ્તાર કેટલો હોઈ શકે, તે બાબતનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. SEBIને સૌપ્રથમ આ તપાસવાની જરૂર છે કે સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ ન હોય એટલે કે લિસ્ટેડ ન હોય તેવી કંપનીઓને નિયમન કરવાની કાયદાકીય સત્તા સેબી પાસે છે કે નહીં. આ સત્તા કેટલીહદ સુધી લાગુ પડી શકે છે.
અનલિસ્ટેડ શેર માર્કેટમાં એવા શેર્સની લે-વેચ થાય છે કે જેનું માન્યતા પ્રાપ્ત શેરબજારમાં એટલકે બીએસઈ અને એનએસઈ પર ટ્રેડિંગ થતું જ નથી. આમ અનલિસ્ટેડ કંપનીઓના શેર્સમાં રોકાણકારો સામાન્ય રીતે ખાનગી સોદા કરીને કે પછી કર્મચારી સ્ટોક ઓપ્શન યોજના (ESOP)ના માધ્યમથી અથવા તો પછી મધ્યસ્થીઓ-વચેટિયાઓના માધ્યમથી શેર ખરીદે છે. સૂચિબદ્ધ ન હોવાને કારણે આ કંપનીઓ પર સતત ખુલાસા (ડિસ્ક્લોઝર)ના નિયમો લાગુ પડતા નથી, જેના પરિણામે રોકાણકારોને નાણાકીય કામગીરી અને વ્યાપારિક જોખમોની માહિતી મર્યાદિત પ્રમાણમાં કે પછી બહુ જ મોડેથી અથવા તો પછી કોઈકને વધારે કે કોઈને ઓછી માહિતી અસમાન રીતે મળે છે. પરિણામે દરેક શેરહોલ્ડરને સમાન લાભ મળતા નથી.
શેર્સના મૂલ્યાંકન અંગે ચિંતા
નિયમનકર્તા માટે મહત્વની ચિંતા એ છે કે અનલિસ્ટેડ માર્કેટમાં નક્કી થતી કિંમતો અને કંપની જ્યારે IPO દ્વારા જાહેર બજારમાં આવે ત્યારે મળતું મૂલ્યાંકન બંને વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. ખાનગી સોદામાં નક્કી થતી કિંમતો અને IPO બુક-બિલ્ડિંગ પ્રક્રિયામાં બહાર આવતી કિંમતો ઘણી વખત એકબીજા સાથે મેળ ખાતી જ નથી. પરિણામે રોકાણકારોમાં ગૂંચવણ અને જોખમ ઊભું થાય છે.
પરંપરાગત રીતે, SEBIની નિયમનકારી ભૂમિકા ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ કંપની પોતાના શેર સૂચિબદ્ધ કરવાની-લિસ્ટિંગની તૈયારી કરે છે. અનલિસ્ટેડ માર્કેટને નિયમન હેઠળ લાવવું એક મહત્વપૂર્ણ બદલાવ સાબિત થઈ શકે છે. ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રી-IPO અને અનલિસ્ટેડ શેરોમાં રોકાણકારોની રુચિ નોંધપાત્ર રીતે વધી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના લાંબા સમયથી બાકી IPO અંગે બોલતા તુહિનકાન્ત પાંડે એ જણાવ્યું હતુ કે SEBI હાલમાં એક્સચેન્જની સેટલમેન્ટ અરજીની તપાસ કરી રહ્યું છે. સિદ્ધાંતરૂપે સેટલમેન્ટ સાથે સંમત છીએ કે નહિ તે નક્કી કરી શકાશે. સેબીનો આ પ્રસ્તાવ આંતરિક સમિતિઓ દ્વારા સમીક્ષા કરવામાં આવશે.
IPO બૂમ અને ભવિષ્યની દિશા
AIBI સંમેલનમાં પોતાના ભાષણમાં પાંડે એ જણાવ્યું હતુ કે કે ભારતના કેપિટલ માર્કેટ્સના આગામી વિકાસ તબક્કામાં ડીપ-ટેક, બાયોટેકનોલોજી અને ક્લીન એનર્જી ક્ષેત્ર માટે ધીરજવાળા (patient) મૂડીરોકાણની જરૂર પડશે. SEBI માહિતીની સરળ ઉપલબ્ધતા અને રોકાણકારોની સમજ વધારવા પર ભાર મૂકશે અને ખોટી રજૂઆત અથવા નિયમભંગના કેસમાં કડક કાર્યવાહી કરશે. બજારો આર્થિક વિકાસ માટે નાણાં એકત્ર કરવામાં કેન્દ્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. ઇક્વિટી અને દેવું-ડેટ બંનેમાં મોટે પાયે મૂડી એકત્રિત થઈ રહી છે. IPOની મજબૂત પાઈપલાઈન યથાવત છે. SEBIએ પ્રક્રિયાઓ ઝડપી બનાવવા અને અવરોધો ઘટાડવા માટે અનેક પગલાં લીધા છે. આ પગલાંમાં IPO લિસ્ટિંગનો સમય ઘટાડવો, રાઇટ્સ ઈશ્યુઝ ઝડપી કરવી, મોટા ઇશ્યુઅર્સ માટે લિસ્ટિંગ નિયમો સરળ બનાવવું અને એન્કર રોકાણકાર ફ્રેમવર્ક મજબૂત કરવાની બાબતનો સમાવેશ થાય છે.
આ સાથે જ તેમણે ઓફર દસ્તાવેજોમાં રહેલી ખુલાસાની ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમાંય ખાસ કરીને જોખમી ઘટકો, મૂલ્યાંકનના કારણો અને ફંડના ઉપયોગ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યારે મર્ચન્ટ બેન્કર્સે કડક અને સ્વતંત્ર ડ્યુ ડિલિજન્સ કરવાની જવાબદારી નિભાવવાની આવે છે. આ અંગે કરવામાં આવતા નબળા ખુલાસા રોકાણકારોના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે. તેમ જ નિયમનકારી પ્રશ્નોના કારણે ફંડ રેઇઝિંગમાં વિલંબ સર્જે છે.
ડેટ માર્કેટ-દેવું બજાર અંગે વાત કરતાં તુહિન કાન્ત પાંડે એ જણાવ્યું હતું કે SEBI કોર્પોરેટ બોન્ડ માર્કેટને ઊંડું બનાવવા, રિટેલ ભાગીદારી વધારવા અને પ્રવાહિતા સુધારવા માટે પ્રયાસો ચાલુ રાખશે, જેમાં સમગ્ર ભારત માટે જાગૃતિ કાર્યક્રમનો પણ સમાવેશ થાય છે.


