ગુજરાતના પંચાયત, નાણાં, આરોગ્યના કર્મચારીઓમાં ગ્રેડ પે, પગાર વધારાને મુદ્દે ભભૂકતો રોષ, દિવાળી પછી રણશિંગું ફૂંકશે

પંચાયત, નાણાં, આરોગ્યના કર્મચારીઓમાં ગ્રેડ પે, પગાર વધારાને મુદ્દે ભભૂકતો રોષ
સચિવો-ઉચ્ચ અધિકારીઓેની નીરસતાથી કંટાળેલા કર્મચારીઓ દિવાળી પછી આંદોલનના કરે તેવા એંધાણ
બઢતી અને પગાર વધારાની ફાઈલો રાતે ૧૨ વાગે સાઈન કરવા મુખ્યમંત્રી તૈયાર, છતાં ‘બાબુશાહીદ ટસથી મસ થતી નથી
ગુજરાત સરકારમાં રેવન્યુ વિભાગના કર્મચારીઓએ પગાર વધારાની માગણી સાથે ચલાવેલા આંદોલનમાં સરકાર વાટાઘાટોના ટેબલ પર આવી સહમત થઈ તે પછી સચિવાલયના પંચાયત, રાજ્યવેરા-જીએસટી, નાણાં, આરોગ્ય અને આઈટીઆઈ સહિતના વિભાગના કર્મચારીઓ તેમની પ્રમોશન અને પગાર વધારાની માગણી સાથે સરકાર સામે બાથ ભીડવાની તૈયારી કરી રહ્યા છે.
કોઈ અધિકારીની પ્રમોશન કે હકની ફાઇલ વહીવટી આંટીઘૂંટીમાં અટકી પડી હોય તો તે સીધી મારી પાસે મોકલી આપો. તમારા પ્રમોશનની ફાઈલ પર હું રાત્રે ૧૨ વાગે પણ સહી કરી આપીશ, જેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું તે પછીય સરકારી બાબુઓ ફાઈલો દબાવીને બેઠાં હોવાથી કર્મચારીઓનો ઉકળાટ વધી રહ્યો છે. ટસના મસ ન થતાં આઈ.એ.એસ. અફસરો અને સચિવોની નીરસતાને કારણે કર્મચારીઓના પ્રમોશન, બદલી, ગ્રેડ પે અને કાર્યબોઝના પ્રશ્નો ઉકેલાવાને બદલે લટકી રહ્યા છે. આ આક્રોશને અભિવ્યક્તિ આપવા ગુજરાતના જુદાં જુદાં વિભાગના કર્મચારીઓનું એક સ્નેહમિલન દિવાળી પછી યોજવામાં આવ્યું છે. સ્નેહમિલનમાં સરકાર સામે લડત છેડવાનો વ્યૂહ નક્કી કરવામાં આવશે.
રેવન્યુ વિભાગના કર્મચારીઓની હડતાલને પરિણામે તંત્ર ઠપ થયા બાદ આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને રાખીને મુખ્યમંત્રીએ તમામ વિભાગોના સચિવો અને વડાઓને કર્મચારીઓના પડતર પ્રશ્નો તાત્કાલિક ઉકેલવાના મૌખિક આદેશો આપ્યા હતા. પરંતુ મુખ્યમંત્રીની આ ઉદારતા પર સચિવાલયના ‘બાબુઓદ પાણી ફેરવી રહ્યા છે. કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવતા જ નથી.
ગુજરાત રાજ્ય વેરા વિભાગ-જીએસટીના ૪૦૦ થી વધુ અધિકારીઓને ‘ડીમ્ડ ડેટથી આસિસ્ટન્ટ કમિશનર (સહાયક કમિશનર) પદ પર બઢતી આપવાનો મુદ્દો વર્ષોથી લટકે છે. સતત રજૂઆતો અને કાર્યબોઝ છતાં સચિવોની નીરસતાથી કંટાળેલા આ ૪૦૦ અધિકારીઓ હવે આંદોલનનું હથિયાર ઉગામવા મજબૂર બન્યા છે. આઈ.ટી.આઈ. અને તાલીમ-રોજગાર વિભાગના કર્મચારીઓના ગ્રેડ પેના મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ નિકાલ આવ્યો નથી. લેન્ડ રેકોર્ડ અને નોંધણી વિભાગથ વિભાગીય પ્રશ્નો અંગે સરકાર કે સચિવો તરફથી કોઈ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. હિસાબી અને તિજોરી વિભાગમાં ગુજરાતના તમામ નાણાકીય હિસાબી કામગીરી સંભાળતા કર્મચારીઓ વર્ષોથી પ્રમોશનથી વંચિત છે. પંચાયત, હેલ્થ અને એસ.ટી., ટ્રાન્સપોર્ટ વિભાગના કર્મચારીઓ પણ પોતાના પડતર મુદ્દાઓ સાથે આ લડાઈમાં જોડાવા તૈયારી કરી રહ્યા છે.
જૂની પેન્શન યોજના અને ફિક્સ પગારનો મુદ્દો દિલ્હી સુધી ગુંજશે!
કર્મચારીઓમાં વ્યાપેલા આ રોષ વચ્ચે ‘ફિક્સ પગાર, જૂની પેન્શન યોજના અને ગ્રેડ પે જેવા સળગતા મુદ્દાઓ આંદોલનને વેગ આપશે. દેશભરમાં જૂની પેન્શન યોજના માટે લડત ચલાવતું રાષ્ટ્રીય સંગઠન પણ આગામી દિવસોમાં દેશની રાજધાની દિલ્હી ખાતે આંદોલન કરવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર માટે પણ ઓપીએસનો આ મુદ્દો મોટો માથાનો દુખાવો બનશે તે નક્કી છે. આમ ગુજરાત સરકાર દિવાળી પહેલા આ સચિવો અને વિભાગીય વડાઓન ેકર્મચારીઓના પ્રમોશન અને ગ્રેડ પેના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે, તો દિવાળી પછી સમગ્ર ગુજરાતમાં સરકારી કામકાજ ઠપ થઈ જાય તેવા એંધાણ વરતાઈ રહ્યા છે.
