બે મેગાવોટથી વધુના સોલાર પાવર પ્લાન્ટના વીજ ઉત્પાદકો પાસે સસ્તી વીજળીની ઓછી ખરીદી કરી રહેલી ગુજરાત સરકાર

બે મેગાવોટથી વધુના સોલાર પાવર પ્લાન્ટના વીજ ઉત્પાદકો પાસે સસ્તી વીજળીની ઓછી ખરીદી કરી રહેલી સરકાર
સોલાર પાવરનું ઉત્પાદન ઘટાડી ન શકાય છતાં વીજ ઉત્પાદન ૩૦ ટકાથી ૮૦ ટકા જ કરવાની સરકારની સૂચનાઃ ખાનગી કંપનીઓ પાસે મોંઘા ભાવે વીજળીની ખરીદતી સરકાર
સોલાર પાવરનો વીજળીનો સંગ્રહ ન થઈ શકતો હોવા છતાં ઉત્પાદકોને વીજ ઉત્પાદનમાં કાપ મૂકવા સરકારની સૂચના
વીજળીની અછતને કારણએ વીજકટોકટી તરફ ધકેલાઈ રહેલા ગુજરાતની સરકાર આશ્ચર્યજનક રીતે સૌર ઉર્જાથી વીજળી પેદા કરનારાઓને ૨૦ ટકાથી માંડીને ૭૦ ટકા ઓછી વીજળી પેદા કરવાની ફરજ પાડી રહી છે. આઘાતજનક બાબત તો એ છેકે પ્રદુષણ વિના જ પેદા થતી અને સૂરજ તપતો હોય ત્યારે વીજ ઉત્પાદન અટકાવી ન શકાતુ ંહોવા છતાંય ગુજરાત સરકાર તરફથી બે મેગાવોટથી વધુ વીજળી પેદા કરવાની ક્ષમતા ધરાવતા ઉત્પાદકોને તેમની કુલ ઉત્પાદન ક્ષમતાના ૭૦ ટકાથી માંડીને ૨૦ ટકા જેટલી ઓછી વીજળી પેદા કરવાની ફરજ પાડી રહ્યા છે. સૌર ઉર્જાથી વીજળી પેદા કરનારાઓ પાસે ઓછી વીજળી પેદા કરવાનો કોઈ રસ્તો નથી અને સ્ટોરેજ કરવાનો પણ કોઈ રસ્તો ન હોવા છતાંય ગુજરાત સરકારની વીજ કંપનીઓ તેમને ઇ-મેઈલ પાઠવીને માત્ર ૩૦, ૪૦, ૫૦ ટકા ૮૦ ટકા વીજળીનું જ ઉત્પાદન કરવા જણઆવી રહી છે.
બીજીતરફ ગુજરાતના ઉદ્યોગો અને રહેઠાણના વીજવપરાશકારોને યુનિટદીઠ રૃા. ૮ના ભાવની વીજળીના ખર્ચનો બોજ વેંઢારવો પડી રહ્યો છે. બે મેગાવોટથી વધુની ઉત્પાદન ક્ષમતા ધરાવતા ગુજરાતના ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા સૌર ઉર્જા ઉત્પાદકો સરકારી વીજ પુરવઠા કંપનીઓને યુનિટદીઠ માત્ર રૃા. ૨.૭૬થી ૨.૯૫ના ભાવે વીજળી આપી રહ્યા હોવા છતાંય અને તેમની વીજળી ખરીદી લેવાના સરકારે કરાર કર્યા હોવા છતાંય ખાનગી વીજ કંપનીઓને ઘી કેળાં કરાવવા માટે સૌર ઉર્જાથી વીજળી પેદા કરનારાઓને ઓછી વીજળીનું ઉત્પાદન કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. હજી ૧૮મી ઓક્ટોબરે જ તેમને તેમની કુલ ક્ષમતાથી ૨૦ ટકા ઓછી વીજળી પેદા કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ અગાઉ તો તેમને કુલ ક્ષમતાના ૭૦ ટકાથી માંડીને ૫૦ ટકા ઓછું ઉત્પાદન કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. બીજીતરફ તેમની વીજળીનો સંગ્રહ ન થઈ શકતો હોવાથી વેડફાઈ રહી છે. ૧૫૦૦થી ૨૦૦૦ એકમોનો મળીને રોજના અંદાજે ૧ કરોડ યુનિટ વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે.
૨૩મી સપ્ટેમ્બરે અંદાજે ૧૫૦૦થી ૨૫૦૦ જેટલા સોલાર પાવર જનરેટર્સને મેઈલ પાઠવીને તેમની સોલાર વીજળીના ઉત્પાદનનો સપ્લાય ૫૦ ટકા ઓછો કરી દેવા જણાવ્યું છે. ગુજરાતની વીજ કંપનીઓને વડોદરાથી સ્ટેટ લેવલ ડિસ્પેચ સેન્ટરે કરેલા મેઈલને વાંચતા સ્પષ્ટ થાય છે કે ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૬ પહેલા આ વીજ સપ્લાયમાં ૭૦ ટકા કાપ મૂકવાનો મેસજે આપ્યો હતો. આ ૭૦ ટકા વીજ સપ્લાય કટમાંથી હવે ૫૦ ટકા વીજ સપ્લાય કટ કરવાની સૂચના છે. વિન્ડ પાવરનો સપ્લાય પર પણ ૫૦ ટકાનો કાપ હતો તે ઘટાડીને ૩૦ ટકા કાપ મૂકવાની સૂચના આપવામાં આવી છે. આજ મેસેજ ભાવનગરમાં અને વડનગરની નજીક આવેલા ખેરાળુના સોલાર પાવરના ઉત્પાદકોને પણ મોકલવામાં આવ્યો છે. સમયે સમયે લૉડ શેડિગની ટકાવારી બદલાતી રહેતી હોવાનું સોલાર પાવર પ્લાન્ટ નાખનારાઓનું કહેવું છે.
સોલાર પાવરના બે મેગાવોટના પ્લાન્ટ નાખવા માટે અંદાજે રૃ. ૯ કરોડનો ખર્ચ થાય છે. તેના માટે લોન લેનારાઓનએ મહિને અંદાજે રુ. ૧૧ લાખની આસપાસનો હપ્તો ભરવો પડે છે. આ સ્થિતિમાં ૫૦થી ૭૦ ટકાનો કાપ મૂકી દેવામાં આવે તો સોલારના બે મેગાવોટના પાવરપ્લાન્ટ નાખનારાઓ તેમનો બેન્ક લોનનો હપ્તો પણ ચૂકવી શકતા નથી. કારણ કે રુ. ૩.૭૫ના ભાવે રોજની સોલાર વીજળી ખરીદે તો ૭૦ ટકા કાપ પછી તેમની માસિક આવક માત્ર રૃા. ૧૦ લાખની આસપાસની જ થાય છે. પરિણામે પાંચથી સાત વર્ષે મૂડી રોકાણ પાછું મળી જવાના અને ત્યારબાદ મેઈન્ટેનન્સ ખર્ચ કરીને આવક રળવાના તમામ ગણિતોને ગુજરાત સરકારનું એનર્જી ડિપાર્ટમેન્ટ ખોરવી રહ્યું છે.
