• 21 October, 2026 - 4:05 PM

મ્યુચ્યુઅલ ફંડ SIPમાં ડાયરેક્ટ પ્લાનનો વધતો ક્રેઝ અને રેગ્યુલર પ્લાનનો પણ દબદબો

મ્યુચ્યુઅલ ફંડ SIPમાં ડાયરેક્ટ પ્લાનનો વધતો ક્રેઝ અને રેગ્યુલર પ્લાનનો પણ દબદબો
ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ના માધ્યમથી રોકાણ કરવાનો ટ્રેન્ડ સતત મજબૂત થઈ રહ્યો છે. પાંચ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં ડાયરેક્ટ પ્લાન્સનો હિસ્સો સપ્ટેમ્બર ૨૦૨૧ માં માત્ર ૬.૯% હતો, જે સપ્ટેમ્બર ૨૦૨૬ માં વધીને ૧૬.૬ ટકા (બે ગણાથી પણ વધુ) થઈ ગયો છે.
આમ છતાં, લાંબા ગાળાના SIP રોકાણમાં હજુ પણ રેગ્યુલર પ્લાન્સનું પ્રભુત્વ જળવાઈ રહ્યું છે. હાલમાં કુલ રૂ.૫.૭૩ ટ્રિલિયન (રૂ.૫.૭૩ લાખ કરોડ)ના SIP એસેટ્સમાંથી રૂ. ૪.૭૭ ટ્રિલિયન (રૂ૪.૭૭ લાખ કરોડ) નો હિસ્સો રેગ્યુલર પ્લાન્સ ધરાવે છે.

ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાન વચ્ચેનો તફાવત

ડાયરેક્ટ પ્લાન:
આમાં રોકાણકાર કોઈ મધ્યસ્થી (બ્રોકર કે એજન્ટ) વગર સીધું જ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અથવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા રોકાણ કરે છે.
આ પ્લાનનો એક્સપેન્સ રેશિયો-વિસ્તરણનું પ્રમાણ ઓછું હોય છે, જેથી લાંબા ગાળે રોકાણકારને વધુ વળતર મળે છે. જોકે તેને માટે મ્યુચ્યુઅલ ફંડનીજુદી જુદી સ્કીમના પરફોર્મન્સ પર લાંબા સમય સુધી નજર રાખવી જરૂરી છે. 
રેગ્યુલર પ્લાન:
આ પ્લાનમાં રોકાણ ઈન્ડિવિઝ્યુઅલ એજન્ટ્સ, બેંકો અથવા વેલ્થ મેનેજર્સ દ્વારા કરવામાં આવે છે. આમાં કમિશન સામેલ હોવાથી એક્સપેન્સ રેશિયો થોડો વધુ હોય છે, પરંતુ રોકાણકારને પ્રોફેશનલ માર્ગદર્શન મળે છે. 

સમયગાળા મુજબ ડાયરેક્ટ પ્લાન્સનો વધતો હિસ્સો

મ્યુચ્યુઅલ ફંડ ડેટા દર્શાવે છે કે દરેક સમયગાળામાં ડાયરેક્ટ પ્લાન્સની લોકપ્રિયતા વધી રહી છે:
SIP નો સમયગાળો ડાયરેક્ટ પ્લાનનો હિસ્સો (સપ્ટેમ્બર ૨૦૨૫) ડાયરેક્ટ પ્લાનનો હિસ્સો (સપ્ટેમ્બર ૨૦૨૬)
૧ વર્ષથી ઓછો સમય ૩૦.૭ ટકા ૩૨.૩ ટકા
૧ થી ૨ વર્ષ ૨૭.૦ ટકા ૩૦.૯ ટકા
૪ થી ૫ વર્ષ ૧૨.૫ ટકા ૨૩.૭ ટકા
૫ વર્ષથી વધુ સમય ૧૪.૩ ટકા ૧૬.૬% (૨૦૨૧ માં ૬.૯ ટકા હતું)
(સોર્સ: AMFI ડેટા પૃથ્થકરણ, સપ્ટેમ્બર ૨૦૨૬)

ડાયરેક્ટ પ્લાન તરફ ઝુકાવ વધવાના મુખ્ય કારણો

  • ડિજિટલ પ્લેટફોર્મ્સનો વિકાસ: છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ફાઇનાન્શિયલ એપ્લિકેશન્સ અને ડિજિટલ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ આવવાથી યુવા અને ટેક-સેવી રોકાણકારો માટે સીધું રોકાણ કરવું ખૂબ આસાન બન્યું છે.
  • રોકાણકારોની પરિપક્વતા : રોકાણકારો હવે એક્સપેન્સ રેશિયો અને કમ્પાઉન્ડિંગની તાકાત સમજી રહ્યા છે.
  • ઐતિહાસિક પૃષ્ઠભૂમિ: ડાયરેક્ટ પ્લાન્સ વર્ષ ૨૦૧૩ માં શરૂ કરવામાં આવ્યા હતા. આ પદ્ધતિ પ્રમાણમાં નવી હોવાથી ૫ વર્ષ કે તેથી વધુ જૂની SIPs માં તેનો હિસ્સો શરૂઆતમાં ઓછો હતો, પરંતુ હવે તે ઝડપથી સ્કેલ-અપ થઈ રહ્યો છે.

રોકાણકારો માટે માર્ગદર્શન

  • જૂના અને અનુભવી રોકાણકારો માટે: જો તમે ફંડની પસંદગી, રી-બેલેન્સિંગ અને માર્કેટ વોલેટિલિટીને પોતે સમજી શકતા હો, તો ડાયરેક્ટ પ્લાન દ્વારા રોકાણ કરવું વધુ ફાયદાકારક છે કારણ કે એક્સપેન્સ રેશિયોમાં ૦.૫% થી ૧.૫% નો તફાવત ૨૦-૨૫ વર્ષમાં મોટું ફંડ ઊભું કરી શકે છે.
  • નવા અને બિન-અનુભવી રોકાણકારો માટે: જો તમને માર્કેટ નોલેજ નથી અને ફંડ સિલેક્શનમાં મદદ જોઈએ છે, તો રેગ્યુલર પ્લાન ઉત્તમ વિકલ્પ છે. મધ્યસ્થીનું માર્ગદર્શન તમને બજારના ઘટાડા વખતે પેનિક સેલિંગ (ઘભરાટમાં વેચાણ)થી પણ તમને બચાવી શકે છે.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

આજે નિફ્ટી સ્પોટમાં શું કરી શકાય?

Most Popular