• 22 October, 2026 - 9:47 AM

અસ્થિરતા અને અનિશ્ચિતતાના વંટોળમાં અટવાયેલો ભારત-અમેરિકા વેપાર કરારઃ ભારત શું કરી શકે તે જાણો

અસ્થિરતા અને અનિશ્ચિતતાના વંટોળમાં અટવાયેલો ભારત-અમેરિકા વેપાર કરારઃ ભારત શું કરી શકે તે જાણો

ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર હાલ અનિશ્ચિતતા અને જટિલ પડકારોના માર્ગેથી પસાર થઈ રહ્યો છે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન અને અમેરિકાના જેમીસન ગ્રીરના તાજેતરના નિવેદનો સ્પષ્ટ કરે છે કે બંને દેશો વચ્ચેની વાટાઘાટો હાલ એક એવા તબક્કે પહોંચી ગઈ છે જ્યાં વધુ છૂટછાટો આપવી બંને પક્ષો માટે “અત્યંત મુશ્કેલ” બની રહી છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પ્રથમ તબક્કાના કરારની શક્યતા દર્શાવી હોવા છતાં, સ્પષ્ટ કર્યું છે કે ભારત સ્પર્ધક દેશો સામે પોતાનો લાભ જાળવી રાખીને અને બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ આગળ વધશે. આ કરારને હાલના તબક્કે આખરી ઓપ આપવા સામે ત્રણ મુખ્ય વૈશ્વિક અને કાનૂની પરિબળો મોટો અવરોધ બનીને ઊભા છે, જેનું ઊંડું વિશ્લેષણ કરવું ભારત માટે અનિવાર્ય છે.

અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીઓ અને રાજકીય ચિત્ર

આગામી ૩ નવેમ્બરે અમેરિકામાં યોજાનારી મિડ-ટર્મ ચૂંટણીઓ કરારની દિશા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવશે. ઓપિનિયન પોલ્સ અનુસાર, ૬૫ ટકા અમેરિકનો દેશમાં વધતી જતી મોંઘવારી માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિઓ અને ઇરાન સાથેના સતત સંઘર્ષને જવાબદાર માને છે. જો રિપબ્લિકન પાર્ટી કૉંગ્રેસના એક કે બંને ગૃહોમાં બહુમતી ગુમાવે છે, તો ભલે ટ્રમ્પ પ્રશાસનની ટેરિફ લાદવાની ક્ષમતા તરત જ ખતમ ન થાય, પરંતુ તેમની નીતિઓ અને કાયદાકીય ગણતરીઓ પર મોટું રાજકીય દબાણ ઊભું થશે. તેથી જ ભારતે ૧૫ દિવસથી પણ ઓછા સમયમાં આવનારા આ પરિણામોની રાહ જોવી ડહાપણભરી નીતિ ગણાશે.

‘સેક્શન ૩૦૧’ ની તપાસ અને કમ્પોનન્ટ્સ પર ટેરિફનું જોખમ

અમેરિકાના યુએસટીઆર દ્વારા ‘સેક્શન ૩૦૧’ હેઠળ બે અલગ-અલગ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ભારત બંનેમાં સામેલ છે. ખાસ કરીને સ્ટીલ, પેટ્રોકેમિકલ્સ, સોલાર મોડ્યુલ્સ, ટેક્સટાઇલ અને લેધર જેવા ક્ષેત્રોમાં ઉત્પાદનની વધારાની ક્ષમતા (Excess Capacity) અંગે બીજી તપાસ ચાલી રહી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેનું ઉત્પાદન તેની મોટી વસ્તી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતો મુજબ છે, ન કે માત્ર નિકાસ આધારિત. આ તપાસ અહેવાલ રજૂ કરવાની સમયમર્યાદા ૧૧ માર્ચ, ૨૦૨૭ સુધીની છે. જો આ રિપોર્ટમાં વધારાની ક્ષેત્રીય ટેરિફ લાદવાની ભલામણ કરાશે, તો દ્વિપક્ષીય વાટાઘાટોના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જશે.

અમેરિકાના પ્રમુખના ટેરિફ માટેના અધિકારો સામે કાનૂની પડકારો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પ દ્વારા વ્યાપક ટેરિફ લાદવાના અધિકારો સામે કાનૂની ક્ષેત્રે મોટા સવાલો ઊભા થયા છે:

  • ૨૦ ફેબ્રુઆરીના રોજ યુએસ સુપ્રીમ કોર્ટે International Economic Emergency Powers Act હેઠળ લાદવામાં આવેલા ‘રેસિપ્રોકલ ટેરિફ’ રદ કર્યા હતા.

  • ત્યારબાદ Section 122 હેઠળ લાદવામાં આવેલા ૧૦% ઈમ્પોર્ટ સરચાર્જને પણ ૭ મેના રોજ કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડે અસંવૈધાનિક ગણાવ્યો હતો, જે હાલ ફેડરલ સર્કિટમાં અપીલમાં છે.

  • તાજેતરમાં ‘બળજબરીપૂર્વકની મજૂરી’ (Forced Labour) ના આધારે સેક્શન ૩૦૧ હેઠળ લાદવામાં આવેલા ટેરિફ સામે ૨૫ ડેમોક્રેટ શાસિત રાજ્યો અને વેપારી સંગઠનોએ કોર્ટમાં પડકાર ફેંક્યો છે, જેના ચુકાદાની રાહ જોવાઈ રહી છે. જો અદાલતો આ ટેરિફ રદ કરે, તો ટ્રમ્પ પ્રશાસન માટે વર્તમાન માળખું જાળવી રાખવું મુશ્કેલ બનશે.

ભારત માટે આગળનો માર્ગ: ‘વોચ-એન્ડ-વેઇટ’ નીતિ

વર્તમાન સંજોગોમાં ભારત પર લાગુ પડેલો ૧૦% વધારાનો ટેરિફ અગાઉના ટેરિફ કરતાં ઓછો નુકસાનકારક છે, તેમજ રશિયન ઓઇલ ખરીદી પર અમેરિકા દ્વારા અપાયેલી મુક્તિથી તાત્કાલિક દબાણ ઘટ્યું છે. તેથી, ભારતે કોઈપણ ઉતાવળ કે અયોગ્ય શરતો સ્વીકાર્યા વગર ‘જુઓ અને રાહ જુઓ’ (Watch-and-Wait) ની વ્યૂહરચના અપનાવવી જોઈએ.

આ ઉપરાંત, ભારતે ડિસેમ્બર માસમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા દરમિયાન યુરોપિયન યુનિયન (EU) સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અને કેનેડા સાથેના એફટીએને ઝડપથી આખરી ઓપ આપવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વેપાર ભાગીદારીનું આ વૈવિધ્યીકરણ (Diversification) ડિસેમ્બરમાં માયામી ખાતે જી-૨૦ સમિટ દરમિયાન મોદી અને ટ્રમ્પ વચ્ચેની સંભવિત બેઠકમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવશે.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

આજે સ્પોટ માર્કેટમાં શું કરી શકાય?

Most Popular