તમારી ગેરહયાતીમાં ક્રિપ્ટો એસેટ્સ કોને મળશે? પૂર્વ આયોજન કરવું જરૂરી છે
ધ્યાન નહિ રાખો તો ક્રિપ્ટોમાં કરેલા ઈન્વેસ્ટમેન્ટનો એક રૂપિયો પણ તમારા પરિવારના હાથમાં નહિ લાગે

આમ તો મૃત્યુ એ ચર્ચા માટે સારો વિષય ન જ ગણાય, પરંતુ જ્યારે ઈન્વેસ્ટમેન્ટની વાત આવે ત્યારે દરેક પાસા અંગે વિચાર કરવો ખૂબ જરૂરી છે. આપણે સમાન્ય રીતે બેન્ક કે ડિમેટ એકાઉન્ટ ખોલાવીએ, કે અન્ય રોકાણ કરીએ તો તેમાં નોમિની તરીકે આપણા અંગત પરિવારજનનું નામ રાખીએ છીએ. અરે, રિયલ એસ્ટેટમાં પણ આપણે નોમિની રાખીએ છીએ જેથી આપણી ગેરહયાતીમાં આપણા પરિવારને તે રોકાણનું પૂરેપૂરું મૂલ્ય મળે.
છેલ્લા થોડા વર્ષોમાં ક્રિપ્ટોકરન્સી અને NFTમાં રોકાણનું ચલણ ખાસ્સું વધી ગયું છે. પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે તમારી ગેરહયાતીમાં તમારા ડિજિટલ વોલેટનું શું થશે? બેન્ક, રિયલ એસ્ટેટ કે ઈન્શ્યોરન્સની જેમ તેમાં તો નોમિની રાખવાની કોઈ વ્યવસ્થા નથી. આવા સંજોગોમાં જો આકસ્મિક અવસાન થાય તો ક્રિપ્ટોમાં કરેલું બધું જ રોકાણ ધોવાઈ શકે છે.
જો તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા હોવ તો એ જાણવું જરૂરી છે કે ક્રિપ્ટો કરન્સીમાં એસેટ્સ ગુમાવવાનું રિસ્ક પરંપરાગત રોકાણ પદ્ધતિઓ કરતા અનેકગણું વધારે છે.
ક્રિપ્ટો એસેટ્સની ‘ચાવી’ કોની પાસે છે?
તમને જાણીને નવાઈ લાગશે કે 40 લાખ જેટલા બિટકોઈન હંમેશા માટે સરક્યુલેશનમાંથી બહાર થઈ ગયા છે. કારણ છે પ્રાઈવેટ કી કોઈની સાથે શેર ન કરવાનું વલણ. આવામાં આકસ્મિક અવસાન થાય તો કોઈના હાથમાં ક્રિપ્ટોકરન્સી આવતી નથી.
પ્રાઈવેટ કી એક પાસવર્ડ સમાન હોય છે. તેનાથી તમે તમારી બધી જ ક્રિપ્ટો કરન્સી કે NFT ધરાવતા ક્રિપ્ટો વોલેટને એક્સેસ કરી શકો છો. આ પાસવર્ડ શેર ન કરવાને કારણે આજે અબજો ડોલરની ક્રિપ્ટોકરન્સી નધણિયાતી પડી છે.

2018માં $1 અબજના XRP ધરાવતા રોકાણકાર મેથ્યુ મેલનનું 54 વર્ષની વયે આકસ્મિક અવસાન થતા આ કરન્સી કાયમ માટે ગુમ થઈ ગઈ હતી. આવા બીજા પણ કિસ્સા છે. જેમ કે, 2019માં કેનેડામાં ક્રિપ્ટો એક્સચેન્જ ચલાવનાર અને ક્રિપ્ટો કિંગ ગણાતા ગેરાલ્ડ કોટનનું અવસાન થતા તેમની $190 મિલિયનના ઈથિરિયમ ક્રિપ્ટોની અટપટી દુનિયામાં ક્યાંક ગાયબ થઈ ગયા છે.
આ બંને કિસ્સામાંથી શીખવાનું એ છે કે તેમના ક્રિપ્ટો વોલેટનો એક્સેસ બીજા કોઈની પાસે ન હોવાથી તેમના પરિવારને મોટું નુકસાન ખમવાનો વારો આવ્યો હતો.
ક્રિપ્ટો વોલેટને હેક કરવા નામુમકિનઃ
ક્રિપ્ટોકરન્સી ક્રિપ્ટો વોલેટમાં સચવાય છે. પરંતુ આ વોલેટ બ્લોકચેઈન ટેક્નોલોજી પર બને છે અને તેમાં ક્રિપ્ટોગ્રાફિક રીતે તમારી ડિજિટલ એસેટ સચવાય છે. આ કારણે તમારી પ્રાઈવેટ કી વિના તેને હેક કરવા લગભગ અશક્ય છે.
આ પ્રાઈવેટ કી વિના તમે ક્રિપ્ટો એસેટ્સ પર માલિકી હક જતાવી શકતા નથી. જો પ્રાઈવેટ કી ન હોય તો કોર્ટ ઓર્ડર કે બીજા કોઈપણ કાયદાકીય દસ્તાવેજ તમને ક્રિપ્ટો એસેટ પાછી મેળવવામાં મદદ કરી શકતા નથી.
તમે ક્રિપ્ટોમાં રોકાણ કરો ત્યારે તમારે આયોજન કરવું જોઈએ કે આ ડિજિટલ વોલેટનો એક્સેસ કોને આપશો.
યાદ રાખો, ક્રિપ્ટો વોલેટનો એક્સેસ એવી જ વ્યક્તિને આપો જેના પર તમે ખૂબ ભરોસો કરતા હોવ અને તે વ્યક્તિ એટલી ટેક્નોલોજીથી પરિચિત હોય કે તમારા વોલેટમાંથી કરન્સી ઉપાડી શકે. જો તમે એવા વ્યક્તિને એક્સેસ આપશો જેને ક્રિપ્ટો વોલેટ ઓપરેટ કરતા જ નથી આવડતું, તો શક્યતા છે કે તમારા ગયા પછી તેમની આ અણઆવડતનો લાભ કોઈ બીજો લઈ જાય.
તમે જેને પ્રાઈવેટ કીનો એક્સેસ આપો તે વ્યક્તિ ખૂબ ભરોસાપાત્ર હોવી જરૂરી છે. ઘણા કિસ્સામાં
ઓળખીતી વ્યક્તિ પણ ક્રિપ્ટો વોલેટમાંથી બધી જ કરન્સી ટ્રાન્સફર કરીને વિશ્વાસઘાત કરે છે.
એક કરતા વધુ વ્યક્તિ સાથે ક્રિપ્ટો વોલેટની વિગતો શેર કરવી પણ જોખમકારક પુરવાર થઈ શકે છે. જાણ્યે અજાણ્યે તે ક્રિપ્ટો ખોટા એડ્રેસ પર મોકલી દે, એસેટ વિથડ્રો કરી દે અથવા તો ખોટી વિગતો નાંખવા પર વોલેટ લોક થઈ જાય તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.

વિલમાં પણ ઉલ્લેખ કરોઃ
વિલ બનાવતા પહેલા તમારે ક્રિપ્ટો એસેટ હાર્ડવેર વોલેટમાં ટ્રાન્સફર કરી દેવી જોઈએ. ઓનલાઈન વોલેટ બનાવવા અને વાપરવા સરળ છે પરંતુ તેમાં સાઈબર એટેકની શક્યતા રહેલી છે. આથી તમે હાર્ડવેર વોલેટમાં તમારી ક્રિપ્ટો એસેટ્સ સાચવી શકો છો. હાર્ડવેર વોલેટમાં કોમ્પ્યુટર વાઈરસ પણ નથી આવતા, તેને કારણે હેકર્સ માટે કોઈન ચોરવા મુશ્કેલ બની જાય છે.
હાર્ડ વોલેટની મદદથી તમારા સગાવહાલા માટે તમારી ક્રિપ્ટો એસેટનો એક્સેસ મેળવવો સરળ બની જશે. તમે તમારી કી હાર્ડ વોલેટમાં પણ સેવ કરી શકો છો. આનાથી તે ખોટા હાથમાં જવાની શક્યતા ઘટી જશે.
તમે ક્રિપ્ટો કી અંગે સૂચનો લખતા હોવ ત્યારે એવું જ ધારી લો કે તે વાંચનારને ક્રિપ્ટો કરન્સી અંગે 0 જ્ઞાન છે. એટલે કે, નાનામાં નાની વિગતો પણ સ્પષ્ટ રીતે લખો. દાખલા તરીકે,
-કયા એક્સચેન્જ પર તમારું ક્રિપ્ટો વોલેટ છે. જેમ કે, વઝીરેક્સ, બાયનાન્સ વગેરે.
-કેવી રીતે લોગ-ઈન કરી શકાય? લોગ ઈન નામ તથા પાસવર્ડ
-વોલેટ માટે પ્રાઈવેટ કી શું છે?
-એકાઉન્ટ રિકવરી માટે 12 અથવા 24 શબ્દનો સિક્રેટ સીડ ફ્રેઝ શું સેટ કર્યો છે?
-2 ફેક્ટર ઓથેન્ટિકેશન સ્વિચ ઓન કર્યું હોય તો પરવાનગી આપનારની ડિવાઈસનું લોકેશન અને પાસવર્ડ અવશ્ય શેર કરો.
-જો તમારા એકાઉન્ટમાં ઓટીપી મોકલવાની વ્યવસ્થા હોય તો તે ઓટીપી કયા ફોન પર જાય છે તેનો લોકેશન અને પાસવર્ડ.
-તમારી હાર્ડ ડિસ્કનો પાસવર્ડ અને પિન નંબર પણ શેર કરો.
-લિસ્ટ તૈયાર થઈ જાય પછી ફરી એક વાર સૂચનો પર નજર નાંખી લો. એ વાતની ખાતરી કરો કે તમારા ક્રિપ્ટો વોલેટના એક્સેસ માટે જરૂરી બધી જ માહિતી તમારા વોલેટમાં છે.
-તમારા વકીલ પાસે વિલ બનાવડાવો અને તેમાં તમારી ક્રિપ્ટો એસેટ્સની વહેંચણી કેવી રીતે કરવી છે તે સ્પષ્ટ લખાવી લો.
જો તમે ક્રિપ્ટો કરન્સીનો ઉલ્લેખ તમારા વિલમાં નહિ કરો તો તે ‘રેસિડ્યુ’ એટલે કે બાકી વધેલી એસેટ્સના લિસ્ટમાં ગણાશે. આ લિસ્ટમાં તમે જેનો વિલમાં ઉલ્લેખ ન કર્યો હોય તેવી એસેટ્સનો સમાવેશ થાય છે.
કોરોના જેવી અણધારી આફત આવી પડે તેવા સંજોગોમાં ભલભલા વ્યક્તિના ગણિતો ખોરવાઈ જતા હોય છે. આવામાં તમે તમારા પરિવારને સમૃદ્ધિની દિશામાં લઈ જવાના આશયથી જે જે રોકાણ કર્યા હોય તેનો લાભ તમારા પરિવારજનોને મળે તેની તમારે ખાતરી કરવી જ જોઈએ. આથી તમે ક્રિપ્ટો કરન્સીમાં ઈન્વેસ્ટમેન્ટ કરતા હોવ તો તમારે તમારી ગેરહયાતીમાં તેનું શું થશે તેનો નિર્ણય લઈ જ લેવો જોઈએ.

ક્રિપ્ટો હાર્ડવેર વોલેટ શું છે?
હાર્ડવેર વોલેટ એ બ્લોકચેઈન સિસ્ટમનો એક અગત્યનો ભાગ છે. તમે જે કોમ્પ્યુટર વાપરો છો તે સુરક્ષિત ન હોય તો પણ હાર્ડવેર વોલેટ તમારી એસેટ્સને સુરક્ષિત રાખે છે. તે તમને સાઈબર એટેક, ફિશિંગ વેબસાઈટ્સ અને માલવેર સામે પણ સુરક્ષા આપે છે. આ હાર્ડવેર વોલેટમાં તમે જુદી જુદી બ્લોક ચેઈનની એસેટ્સને સેવ કરી શકો છો. જેમ કે, તમે એક જ વોલેટમાં બિટકોઈન, ઈથિરિયમ, અલ્ટ કોઈન, લ્યુમેન્સ વગેરે બધું જ સેવ કરી શકો છો. આ તમામ એસેટનો એક્સેસ તમે રિકવરી ફ્રેઝ નાંખીને મેળવી શકો છો.
હાર્ડવેર વોલેટ યુએસબી એટલે કે પેન ડ્રાઈવ કે હાર્ડ ડ્રાઈવના સ્વરૂપમાં હોઈ શકે છે. ક્રિપ્ટો કરન્સી હાર્ડવેર વોલેટમાં નથી સચવાતી, તે બ્લોકચેઈન પર જ જળવાય છે. પરંતુ હાર્ડવેર વોલેટ તે ક્રિપ્ટો કરન્સી એક્સેસ કરવાની કી સાચવે છે. એ કી એટલે કે ચાવી વિના ક્રિપ્ટોને એક્સેસ કરવી અશક્ય છે.
આ હાર્ડવેર વોલેટનો એક્સેસ કરવાની પણ જુદી જુદી રીત છે. તમે બાયોમેટ્રિક્સની મદદથી, પાસવર્ડ સેટ કરીને, ફ્રેઝ રિમાઈન્ડર વગેરેથી તેને એક્સેસ કરવાની વ્યવસ્થા ગોઠવી શકો છો.