ચેતતા રહેજો, AIS તમારી કરચોરી પકડાવી દેશે! જાણો કઈ રીતે
IT રિટર્નમાં ભાડા, શેરબજાર, FDના વ્યાજ સહિતની બધી જ આવક નહિ દર્શાવી હોય તો થોડા મહિનામાં નોટિસ આવી શકે છે
ક્રેડિટ કાર્ડથી ધડાધડ શોપિંગ કરો છો? ક્રેડિટ પોઈન્ટ્સ લેવા માટે બીજાને પણ તમારુ ક્રેડિટ કાર્ડ યુઝ કરવા દો છો? તાત્કાલિક ચેતી જાવ

કેસઃ 1
અમદાવાદના વકીલ મનહર મણિયાર (નામ બદલ્યું છે)એ તેમના આવકવેરાનું રિટર્ન ફાઈલ કર્યું. પગારદાર હોવાથી કંપનીએ આપેલા પગાર પ્રમાણેના ફોર્મ 16 પ્રમાણે આવક અને રોકાણ દર્શાવીને રિટર્ન ફાઈલ કરી દીધા પછી તેમણે ઇન્કમટેક્સ ભરી દીધો તેમ માનીને તેમણે સંતોષ માની લીધો. તેમણે વાર્ષિક આવક 10 લાખની બતાવી રોકાણ બાદ લઈને ભરવાપાત્ર વેરા સાથે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરી દીધું. આ ઉપરાંત તેમની બીજી અનેક આવક હતી જે તેમણે રિટર્નમાં દર્શાવી જ નહતી. જેમ કે, તેમણે તેમની પાસેના વધારાના ફ્લેટની ભાડાંની રૂ. 1.50 લાખની આવક બતાવી નહોતી. શેરબજારમાં કરેલા રોકાણ અને એફ એન્ડ ઓમાં કરેલા સોદા થકી થયેલી રૂ. 1 લાખની આવક પણ બતાવી નહોતી. ડિલીવરીના શેર્સના રોકાણ થકી થયેલી ડિવિડંડની આવક બતાવી નહોતી. પોતાની માલિકીનું એક મકાન વેચ્યુ તેના થકી થયેલા રૂ. 5 લાખના લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનની આવક પણ તેમણે રિટર્નમાં દર્શાવી નહતી. તેમના બેન્ક બચત ખાતામાં અને ફિક્સ ડિપોઝિટના વ્યાજની અંદાજે રૂ.70,000ની આવકનો ઉલ્લેખ રિટર્નમાં ક્યાંય નહતો. પરિણામે રિટર્ન ફાઈલ કર્યાના થોડા મહિનામાં જ તેમને નોટિસ આવી. તેમને માથે મોટી રકમના વધારાના ટેક્સની જવાબદારી ઊભી કરવામાં આવી.
કેસ:2
સમર્થ શાહ (નામ બદલ્યું છે.) તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને દરેકને ઘરમાં વસાવવાની ચીજવસ્તુ લઈ આપતો હતો. તેની પાછળનો આશય ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ પર વધુને વધુ પોઈન્ટ્સ મેળવવાનો હતો. પરંતુ તેના 10 લાખના પગાર સામે તેના ક્રેડિટ કાર્ડના વહેવારો 15થી 18 લાખના થઈ ગયા. આ બધાની નોંધ તેના ITR-1માં આવી ગઈ. આ તમામ વહેવારો કોને માટે કર્યા હતા તેનો રેકોર્ડ સમર્થ શાહે રાખ્યો નહોતો. પરિણામે તેની માથે આવકવેરાની મોટી જવાબદારી આવી ગઈ. કારણ કે સ્પેસિફાઈડ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હેઠળ તેના દરેક વહેવારોની નોંધ લેવાઈ ગઈ હતી. ચોંકી ઊઠેલા સમર્થ શાહે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેશ છાજેડનો સંપર્ક કરતાં તેમણે તેને કહ્યું કે તેં વર્ષ દરમિયાન કોને માટે કઈ વસતુ ખરીદી તેનો રેકોર્ડ તૈયાર કરીને આવ. સમર્થ શાહે વર્ષ દરમિયાન ક્રેડિટ કાર્ડથી કરેલા દરેક વહેવારોને એક ડાયરીમાં નોંધ્યા. કોને માટે તે ખરીદી કરી હતી તે બતાવ્યા. ત્યારબાદ મહેશ છાજેડે તેના દરેક વહેવારો અને તેના નાણાંના સ્રોત(સોર્સ)ની વિગતો તેના આવકવેરાના રિટર્નમાં દર્શાવી. આમ ભારે જહેમતને અંતે તે આવકવેરાની મોટી જવાબદારીમાંથી ઉગરી ગયો. મહેશ છાજેડ કહે છે, “આ પ્રકારના કેસમાં કરદાતા તેની આવક ઉપરાંત બીજા નાણાંના વહેવારો કોને કોને માટે કર્યા અને તેની પાસેથી કઈ રીતે નાણાં લીધા તે બતાવી શકે તો જ તે વેરાની જવાબદારીમાંથી બચી શકે છે. આ વિગતો આપ્યા પછી તેનું ક્રોસ વેરિફિકેશન પણ થાય જ છે. તેથી તેમાં ભૂલ થાય કે ગફલત થાય તો પણ ટેક્સની જવાબદારી આવી પડે છે. નાનો લાભ લેવા માટે મોટા નુકસાનને આમંત્રણ આપવા જેવી આ કવાયત છે.”
અડસટ્ટે રિટર્ન ફાઈલ કરશો તો નહિ ચાલેઃ
ઉપરના બે ઉદાહરણો પરથી તમે સમજી શકો છો કે SFTનું મહત્વ કેટલું છે. એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) તમારી આવકવેરાની મોટાભાગની ચોરીને પકડી પાડવા સમર્થ છે. વાત એવી છે કે હવે પહેલાની જેમ તમે ફક્ત ફોર્મ 16 આધારે કે એક મૂળ આવક દર્શાવીને અડસટ્ટે રિટર્ન ભરી દેશો તે બિલકુલ નહિ ચાલે. સ્પેસિફાઈડ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન(SFT)ના માધ્યમથી પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અને આધાર (UIDAI) નંબર થકી થયેલા દરેક ટ્રાન્ઝેક્શનની વિગતો તૈયાર થાય છે. આ તમામ વિગતોનું વિશ્લેષણ કરીને આવકવેરા વિભાગના અધિકારીઓ જે તે પાનકાર્ડ ધારક કે આધાર ધારકના ITR-1માં દર્શાવી દે છે. પરંતુ ઉપરના કેસમાં આપણા કરદાતાએ જાણતા કે અજાણતા SFTની અવગણના કરી. પરિણામે આવકવેરા વિભાગની નોટિસ મળી.
સરકારની આવક માટે ગેમ ચેન્જર છે SFT:

હવે આવકવેરા ખાતાથી આવક અને આર્થિક વહેવારોને લગતી માહિતી છુપાવવી કઠિન બની રહી છે. તેથી જે વહેવારો પર કરદાતાઓ છેલ્લા ઘણાં વર્ષોથી કર ભરતાં જ નહોતા. તેમણે હવે તે બધાં વહેવારોને દર્શાવવા પડશે. કરદાતા તેનો પાનકાર્ડ કે આધારકાર્ડ નંબર નાખે કે તરત જ તેના રિટર્નમાં તેણે અત્યાર ન દર્શાવેલા વહેવારોને કારણે તેને થયેલી આવક અને તે આવક પર તેણે ભરવાનો થતો વેરો જોવા મળે છે. આમ કરચોરી કરવાના રસ્તાઓ ઘટી રહ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણી કહે છે, “એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ સરકારની આવકવેરાની આવક માટે ગેમચેન્જર બની શકે છે. અત્યાર સુધી હજારો લાખો કરદાતાઓ જે ઇન્કમ નહોતા બતાવતા તે આવક બતાવવાની તેમને ફરજ પડશે અને તેના પરનો વેરો ભરવાની પણ ફરજ પડશે. તેનાથી સરકારની આવકમાં જંગી વધારો કરશે.”
AIS કેવી રીતે ચેક કરી શકાય?
1 નવેમ્બર 2021થી એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ ઇન્કમટેક્સના પોર્ટલમાં કરદાતાના આર્થિક વહેવારોને લગતી બધી જ માહિતી દર્શાવતું થઈ ગયું છે. તમે વર્ષ દરમિયાન આર્થિક લેવડદેવડ કરો છો તેનો ઉલ્લેખ તમારા આવકવેરાના રિટર્નમાં ન કરતાં હોવ તો અત્યારે જ ચેતી જજો. તમે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અને આધારકાર્ડ નંબર આપીને કરેલા તમામ વહેવારો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે લોન્ચ કરેલા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં નોંધાય છે. આ રકમમાંથી કરવામાં આવેલી કરકપાત (TDS) અને (TCS)ની રકમનો રેકોર્ડ બન્યા જ કરે છે. કારણ કે ટીસીએસ કે ટીડીએસ કરનારે તે રકમનો ઉલ્લેખ કરીને સરકારી તિજોરીમાં જમા કરાવી દેવી પડે છે. તમે તમારા રિટર્નમાં તેનો ઉલ્લેખ ન કરો તો તેના રિટર્નમાંથી તે વહેવાર પકડાઈ શકે છે. આ છે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS)ની કરામત. તમે જાતે પણ ANNUAL INFORMATION STATMENT (AIS) ચેક કરી શકો છોઃ


ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેશ છાજેડ કહે છે, “નવા જાહેર કરવામાં આવેલા AISમાં 26ASની તુલનાએ અધધધ કહેવાય તેટલી વધારે માહિતી આપવામાં આવે છે. કરદાતા કોઈ વહેવારો છુપાવવા માગતા હોય તો પણ તે છુપાવવા મુશ્કેલ બની જશે.” 26ASમાં TDS, TCL, બેન્ક ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ કાર્ડની વિગતો આવતી હતી. હવે તેના કરતાં અનેક ગણી વિગતો આવે છે. એઆઈએસમાં વ્યાજની આવક, ડિવિડંડની આવક, સિક્યુરીટીઝમાં કરેલા વહેવારો, મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણો, વિદેશી હૂંડિયામણના બજારમાં કરેલી લેવડદેવડ બધું જ આવી જાય છે. તેને આધારે ટેક્સપેયર્સ ઇન્ફોર્મેશન સમરી (TIS) તૈયાર કરીને કરદાતાના આવકવેરાના રિટર્નના ફોર્મમાં પહેલેથી જ ભરી દેવામાં આવે છે.
AISમાં કઈ કઈ વિગતો હોય છે?
AISમાં પાન નંબર, આધારનંબર, કરદાતાનું નામ, જન્મતારીખ, મોબાઈલ નંબર, ઈમેઈલ એડ્રેસ અને ઘરનું સરનામું આપેલું હોય છે. જ્યારે પાર્ટ (બી)માં ટીડીએસ-ટીસીએસની માહિતી આપેલી હોય છે. ટીડીએસ ટીસીએસનો ઇન્ફોર્મેશન કોડ આપેલો હોય છે. તેમાં સ્ટેટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થકી મેળવેલી માહિતી અપલોડ કરવામાં આવે છે. એડવાન્સ ટેક્સની રકમ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સની રકમ દર્શાવવામાં આવે છે. તેમ જ કરદાતા સામેની ટેક્સની ડિમાન્ડ અને તેને મળવાપાત્ર રિફંડની વિગતો પણ તેમાં આપવામાં આવેલી હોય છે. પગારની આવક, રિફંડ પર વ્યાજની થયેલી આવક, વિદેશી હૂંડિયામણ દેશબહાર મોકલ્યું હોય તો તેની તથા વિદેશી હૂંડિયામણ ખરીદ્યું હોય તો તેની માહિતી પણ તેમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમ કોઈને કરચોરી કરવા દેતું નથી. હવે આવનારા સમયમાં તો આ વિગતો તમે તમારો પાનકાર્ડ નંબર નાખીને ઇન્કમેટ્કસ રિટર્ન ફાઈલ કરવા માટેનું ફોર્મ ખોલશો ત્યારે તેમાં પહેલેથી જ સરકારી વિભાગ દ્વારા ભરેલી જોવા મળશે. ત્યારબાદ તમે તેમાં પોતાની રીતે ખૂટતા આંકડાઓ ભરીને તમારું રિટર્ન ફાઈલ કરી શકશો.
પ્રોફેશનલ પાસે રિટર્ન ફાઈલ કરાવવું જરૂરી છેઃ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણી કહે છે, “એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS)ની અવગણના કરીને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરનાર મુસીબતને નોતરી રહ્યો છે. દરેક વ્યક્તિએ તેનું પોતાનું રિટર્ન ફાઈલ કરતાં પહેલા તેનું એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) ચેક કરી જ લેવું જોઈએ.” સંખ્યાબંધ કરદાતાઓ રિટર્ન ફાઈલ કરવાના ખર્ચ બચાવવા માટે અનક્વોલિફાઈડ વ્યક્તિના માધ્યમથી રૂ. 200-500માં રિટર્ન ફાઈલ કરાવી લે છે. આ રીતે રિટર્ન ફાઈલ કરનારા તમામ બાબતોનું ધ્યાન રાખતા નથી. તેથી કરદાતાને માથે ગમે ત્યારે નોટિસ આવી પડવાનું જોખમ રહે છે.
ફક્ત ફોર્મ-16થી કામ નહિ પતેઃ
પગારદારને કંપની તરફથી ફોર્મ 16 આપવામાં આવે છે. તેમાં તેના વાર્ષિક પગાર, ભથ્થા ઉપરાંત તેમને આપવામાં આવેલી અન્ય સવલતોના મૂલ્યનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. તેમાં તેણે કંપનીને બતાવેલા તેના ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ પર બાદ મળતો વેરો અને છેલ્લે ભરવાપાત્ર વેરાનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. કરદાતા પાસે વધારાની મિલકત હોય તો તેના ભાડાંની આવકનો પણ તેના એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS)માં ઉલ્લેખ થઈ જાય છે. કારણ કે ભાડું આપનાર તેની આવકમાંથી તે ભાડાંની રકમને ખર્ચ તરીકે દર્શાવતો જ હોય છે. તેવી જ રીતે તમને બેન્કમાં કે અન્ય સંસ્થામાં કરેલા રોકાણ સાથે તમારો પાનકાર્ડ કે આધારકાર્ડ આપ્યો હોય તો તે રોકાણ થકી તમને થયેલી વ્યાજની આવક પણ સંસ્થા તેના ખર્ચમાં દર્શાવીને બાદ લેતી હોવાથી એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) મારફતે ખબર પડી જાય છે. શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણ થકી થયેલી આવકની નોંધ પણ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) મારફતે મળી જ રહે છે. કરદાતા પાસે ક્રેડિટ કાર્ડ હોય તો તેના થકી પણ કરદાતાએ કરેલા દરેક વહેવારની નોંધ સરકારી ચોપડે થઈ જાય છે.

GSTના વહેવારોની પણ નોંધ લેવાય છેઃ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ખરીદી કરવાના અને વેચાણ કરવાના દરેક વહેવારો રિટર્ન મારફતે તેમના એઆઈએસ-એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં આવી જ જાય છે. ડિજિટલ પેમેન્ટને પણ આ સિસ્ટમ ટ્રેક કરી જ લે છે. તેમ જ જુદાં જુદા ઇન્વેસ્ટમેન્ટ ટુલમાં તેણે કરેલા રોકાણો પાન અને આધારકાર્ડ નંબર હોવાથી ટ્રેક કરી લેવામાં તેમને સરળતા રહે છે. હવે તો બેન્કમાં આધારકાર્ડ અને પાનકાર્ડ ન હોય તો ફોર્મ 60 અને 61માં ડિક્લેરેશન લઈને ખાતું ખોલી આપવામાં આવે છે. આ ખાતામાં થતાં દરેક વહેવારો પર પણ સરકાર નજર રાખી શકે છે. તેના વહેવારોની વિગતો પણ AISમાં રિફ્લેક્ટ થાય જ છે.
80Cની વિગતો ટ્રેક કરે છે AIS:
AIS અને ફોર્મ 26AS દરેક કરદાતા માટે અત્યંત મહત્વના છે. આવકવેરા ધારા 1961ની કલમ 80C હેઠળ બેન્ક ડિપોઝીટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, વીમા પ્રીમિયમ, ટ્યૂશન ફી, ઇક્વિટી લિન્ક સેવિંગ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં કરેલા રોકાણો અને તેના થકી થતી આવકોનો ઉલ્લેખ પણ AISમાંથી મળી રહે છે. બેન્ક ખાતા સાથે પાનકાર્ડ અને આધારકાર્ડને લિન્ક કરાવીને તેના થકી થયેલા દરેક નાના મોટા વહેવારોનો ઉલ્લેખ મળી જ રહે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે કરદાતાએ વર્ષ દરમિયાન જમા કરાવેલા એડવાન્સ ટેક્સ, કરકપાત, ટીસીએસને લગતી તમામ માહિતી ફોર્મ 26એએસના માધ્યમથી આપી દેવામાં આવે છે. આ જ ફોર્મ 26ASને હવે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) તરીકે ઓળખાવવામાં આવે છે. થર્ડ પાર્ટી પાસેથી આ માહિતી સરકાર મેળવીને તમારા આવકવેરાના રિટર્નના ફોર્મમાં પહેલાથી જ ભરીને મૂકી દે છે. આથી જ કરદાતા માટે તેની અવગણના કરવી યોગ્ય નથી. સરકારે ધીરે ધીરે કરદાતાઓના તમામ વહેવાર ટ્રેક કરવા માટે આયોજન કર્યું છે. પહેલા તો સરકારે PAN અને આધાર લિન્ક કરાવી દીધું છે. બીજું, બધા જ આર્થિક વ્યવહારો માટે આ નંબર આપવા ફરજિયાત છે. આથી મ્યુચ્યુઅલ ફંડના રોકાણો, શેર્સમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટ્સ, પગારની આવક, વ્યાજની આવક, ડિવિડન્ડની આવક, મિલકતની ખરીદી કે વેચાણની વિગતો, ભાડાંની આવક, ડિમેટ એકાઉન્ટમાં કરવામાં આવતા વહેવારો, વિદેશી હુંડિયામણના વહેવારો જેવા દરેક વહેવારોની વિગતો સરકારી કચેરી સુધી પહોંચ્યા જ કરે છે.
કરદાતાના વહેવારો પકડવા IT વિભાગે શું કર્યું છે?
આવકવેરા ખાતાએ પ્રોજેક્ટ ઇન્સાઈટ ચાલુ કર્યો છે. આ પ્રોજેક્ટ પાછળનો મૂળભૂત હેતુ કરદાતાઓ સ્વેચ્છાએ કરવેરો ભરતા થાય તે જોવાનો અને કરચોરી ઘટાડવાનો છે. દરેક કરદાતા ભરવાપાત્ર યોગ્ય વેરો ભરી દે તેવી સ્થિતિ નિર્માણ કરવી તેનો ઉદ્દેશ છે. આ સાથે જ વાજબી અને ન્યાયપૂર્ણ વેરા વ્યવસ્થાના યુગનો આરંભ કરવાનો પણ તેનો ઇરાદો છે. આ માટે તેમણે ઇન્ટકમ ટેક્સ ટ્રાન્ઝેક્શન એનાલિસિસ સેન્ટર (INTRAC) અને કોમ્પ્લાયન્સ મેનેજમેન્ટ સેન્ટ્રલાઈઝ પ્રોસેસિંગ સેન્ટર (CMCPC)ચાલુ કર્યા છે. INTRAC પ્રોજેક્ટ ઇન્સાઈટ હેઠળ ચાલુ કરવામાં આવેલો એક વિભાગ છે. તે કરદાતાના દરેક વહેવારને પાન કાર્ડ અને આધાર કાર્ડના નંબર આધારે શોધી કાઢીને એક ઠેકાણે લાવીને મૂકવાની કામગીરી કરે છે. કરદાતા અંગે ડિટેઈલ રિસર્ચ પણ તે કરી શકે છે. તેના આર્થિક વહેવારોને શોધી શોધીને લાવે છે. તેનું વિશ્લેષણ કરે છે. તેમ જ જરૂર જણાય તો એલર્ટ (ચેતવણી) પણ જનરેટ કરે છે. તેવો જ એક બીજો વિભાગ છે કોમ્પ્લાયન્સ મેનેજમેન્ટ સેન્ટ્રલાઈઝ પ્રોસેસિંગ સેન્ટર (CMCPC). આવકવેરા વિભાગનું આ ત્રીજું સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર છે. કરદાતા સ્વેચ્છાએ તેના વેરાની જવાબદારી અદા કરે તે માટ તેને ઇ-મેઈલ, એસએમએસ, રિમાન્ડર્સ મોકલવાનું અને જરૂર જણાય તો ફોન કરવાની કામગીરી પણ આ વિભાગ કરે છે. તેમના મેસેજ પછી કેટલા કોમ્પ્લાયન્સ કરે છે તેનું મોનિટરિંગ પણ તે કરે જ છે.

કરદાતાના કયા કયા વહેવારો પર સરકાર નજર રાખી શકે છે
– ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી કરાયેલા વહેવારો
– વિદેશ પ્રવાસ
– વિદેશી હૂંડિયામણની લેવડદેવડ
– રોકડની ચૂકવણી, ભાડાંની ચૂકવણી
– રોકડમાં જમા અને રોકડમાં ઉપાડ
– ઓફ માર્કેટ વહેવારોમાં ધંધાકીય આવકો અને ખર્ચાઓ
– પગારની આવક, ભાડાંની આવક
– શેર્સના રોકાણ પર મળેલું ડિવિડન્ડ
– બચત ખાતાનું વ્યાજ
– ડિપોઝિટ પરનું વ્યાજ, વ્યાજની અન્ય આવક
– ઇન્કમટેક્સમાં મળેલા રિફંડ પર થયેલી વ્યાજની આવક
– પ્લાન્ટ મશીનરીનું ભાડું
– બોન્ડ અને સરકારી જામીનગીરીમાં કરેલા રોકાણનું વ્યાજ
– વીમાનું કમિશન, જીવન રક્ષા પોલીસીની મળેલી રકમ
– જમીન, મકાનું વેચાણ, વાહનની ખરીદી કે વેચાણ
– શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડની ખરીદી કે વેચાણ
રૂ. 100ની ટેકસ ચોરી પર રૂ. 110ની ટેક્સ પેનલ્ટી ભરવી પડશેઃ
આવકવેરાના રિફંડમાં સરકાર તરફથી આપવામાં આવેલા વ્યાજની આવક પણ તેમાં દર્શાવવી ફરજિયાત છે. આ વ્યાજની આવક બીજા રિટર્નમાં ન દર્શાવવામાં આવે તો તે કરદાતાનો કાન પણ અધિકારી આમળી શકશે. દરેક મોટી ખરીદીના એટલે કે ફ્લેટની ખરીદી કરી હોય તો તેને માટે રૂ. 1 કરોડનું ભંડોળ જે તે કરદાતાએ કેવી રીતે ઊભું કર્યું તે દર્શાવવું પડે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા રોકડથી ઉપાડ કરે તો રોકડના ઉપાડ તરીકે તેની એન્ટ્રી તેના ક્રેડિટ કાર્ડના વહેવારોમાં જોવા મળશે. આ જ રીતે તેણે રોકડથી જે રકમ જમા આપી હશે તો તે રકમ રોકડથી જમા કરાવી હોવાનો રેકોર્ડ બતાવશે. તેથી રોકડના વહેવારો પણ ધ્યાનમાં આવી જાય છે. આ રોકડ રકમ ક્યાંથી લાવ્યા તેનો સોર્સ તે કરદાતાએ બતાવવો પડશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેશ છાજેડ કહે છે કે “કરદાતા આ વહેવારો ન બતાવે તો તેના રિટર્નની સ્ક્રૂટિની થઈ શકે છે. તેના રિટર્નની આવકનું એનાલિસિસ થાય છે. સેક્શન 115 (બીબીઈ), સેક્શન 68 હેઠળ બિનહિસાબી આવકના ખર્ચાઓ, સેક્શન 69 અને 69 એ, બી, સી હેઠળ અનએકાઉન્ટેડ એક્સપેન્ડિચર અને ઇન્કમ હેઠળ 78 ટકા ટેક્સ વત્તા વ્યાજ વત્તા બેઝિક ટેક્સના 6 ટકા મળીને 84 ટકા વત્તા વાર્ષિક 12 ટકા વ્યાજ વત્તા પેનલ્ટી મળીને 100 ટકાથી વધુ ટેક્સ ભરવાની નોબત આવશે. આમ રૂ. 100ની કરચોરી કરનારને રૂ. 110નો ટેક્સ પેનલ્ટીની જવાબદારી આવી શકે છે.”
જ્વેલર્સ મિસ રિપોર્ટિંગ કરશે તો દંડ ભોગવવો પડશેઃ
જ્વેલર્સ રોકડેથી સોનાની ખરીદનારા અંગે ખોટી માહિતી આપે તો તેને માટે દંડ ભોગવવાની નોબત આવી શકે છે. સોનાની ખરીદી રૂ. 2 લાખથી વધુની કરવામાં આવે તો તેનો પાનકાર્ડ અને આધારકાર્ડ આપવો ફરજિયાત છે. પરંતુ તે ન આપવો પડે તે માટે જ્વેલર્સ બે લાખથી ઓછી રકમના પાંચ જુદાં જુદાં બિલ બનાવી આપે છે. તેને પરિણામે તેઓ રોકડથી સોનું ખરીદીને પણ છટકી જતાં હોય છે. આ રીતે કરચોરી કરાવવામાં સાથ આપનારા સોનીઓ સામે પગલાં આવી શકે છે. કલમ 285 હેઠળ તેઓ આ માટે જવાબદાર બને છે. જ્વેલર્સ 1.90 લાખ કે 1.95 લાખના બિલ બનાવી આપે અન તે પણ જુદી જુદી વ્યક્તિના નામના બિલ બનાવી આપે તો તેવા સંજોગોમાં તેના પર રોકડની જેટલી આવક કરી હોય તેટલી જ રકમનો દંડ આવી જાય છે. આ બિલ એક જ વ્યક્તિના હોવાનું અને રોકડથી વહેવાર કરી શકે તે માટે બનાવી આપવામાં આવ્યા હોવાનું પ્રસ્થાપિત થાય તો તેવા સંજોગોમાં જેટલી રકમની રોકડથી જ્વેલર્સે આવક કરી હોય તેટલી જ રકમનો દંડ તેને થઈ શકે છે. આ ઉપરાંત કલમ 271 (બીએ) હેઠળ પેનલ્ટી થઈ શકે છે.