ભારતમાં કેવું હશે ક્રિપ્ટો કરન્સીનું ફ્યુચર?
ક્રિપ્ટો કરન્સી બિલને કેમ વારંવાર પાછળ ઠેલી રહી છે સરકાર?
તગડા નફાની લાલચ જતી કરવી કે પછી કૂદી પડવું? રોકાણકારોએ શું કરવું જોઈએ?

શું તમે જાણો છો કે વિશ્વમાં મહત્તમ 21 મિલિયન બિટકોઈન જ જનરેટ થઈ શકે તેમ છે? રસપ્રદ વાત એ છે કે આ ક્ષમતામાંથી 90 ટકા બિટકોઈનનનું માઈનિંગ થઈ ગયું છે. હવે 10 જ ટકા બિટકોઈન બાકી છે. ત્યાર બાદ કોઈપણ વધારે બિટકોઈન જનરેટ કરી શકશે નહિ. ક્રિપ્ટો કરન્સી ક્ષેત્રના નિષ્ણાંતોનું માનીએ તો આખા વિશ્વમાં ફક્ત 21 મિલિયન બિટકોઈન જ અસ્તિત્વ ધરાવતા હોવાથી તેના ભાવ આસમાનને આંબશે. ટ્રેડર્સ અને માઈનર્સ બંનેના ગણિતો અને રિવોર્ડ બદલાઈ જશે.
ક્રિપ્ટો કરન્સી એ રોકાણ ક્ષેત્રે સાવ નવો એવન્યુ છે અને તેને લગતી ઘણી આંટીઘૂંટીઓ હજુ રોકાણકારો સમજી શક્યા નથી. તેના ભાવ કેવી રીતે વધે છે, ઘટે છે, તે હજુ ઈન્વેસ્ટર્સને સમજાતું નથી. આ જ કારણ છે કે ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટ કરતા રોકાણકારો ખચકાય છે. બિટકોઈન એ સૌથી જૂની અને ભરોસાપાત્ર ક્રિપ્ટો કરન્સી છે. તેના ભાવ વધ-ઘટની બાકીની ક્રિપ્ટો કરન્સી પર અસર પડે છે. જે રીતે ક્રિપ્ટોમાં રોકાણકારોની સંખ્યા વધી રહી છે તે જોતા બાકીના 10 ટકા બિટકોઈન કન્ઝ્યુમ થવામાં હવે વધુ સમય નહિ લાગે.
ભારત સરકાર ક્રિપ્ટો કરન્સી અંગે કોઈ અંતિમ નિર્ણય પર ન પહોંચી શકી હોવાથી ક્રિપ્ટોમાં રોકાણ કરવા આતુર ઈન્વેસ્ટર્સ પણ અવઢવમાં મૂકાઈ ગયા છે. સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થઈ ગયું છે પરંતુ તેના પર ક્રિપ્ટો કરન્સી બિલ 2021 અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. હવે મામલો 2022ના બજેટ સત્ર પર ધકેલાય તેવું લાગે છે. એક સમયમાં પ્રાઈમ ક્રિપ્ટો કરન્સી 100 ટકા માઈનિંગની દિશામાં આગળ વધી રહી છે અને બીજી તરફ દેશમાં ક્રિપ્ટો કરન્સીના ફ્યુચર પર પ્રશ્નાર્થ છે- આવામાં રોકાણકારોએ કરવું શું? વાઈબ્રન્ટ ઉદ્યોગે નિષ્ણાંતો સાથે વાત કરીને તેનો ઉત્તર મેળવવાની કોશિશ કરી હતી.
બે વાર ક્રિપ્ટો કરન્સી બિલને પાછું ઠેલી ચૂકી છે સરકારઃ
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ 2020માં ક્રિપ્ટો કરન્સી ઉપરથી પ્રતિબંધ ઊઠાવી લીધો હતો. ત્યાર પછી ભારતમાં ક્રિપ્ટોના ટ્રાન્ઝેક્શનમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. 2021માં ક્રિપ્ટો એક્સચેન્જ માટે બેઝ તરીકે કામ કરતા વઝીરેક્સના યુઝર્સની સંખ્યા 10 મિલિયનને વટાવી ગઈ હતી અને તેના પરથી $43 બિલિયનના ટ્રાન્ઝેક્શન થયા હતા. આખા વિશ્વમાં વિયેટનામ ક્રિપ્ટોનું સૌથી વધુ એક્સચેન્જ ભારતમાં થાય છે. બીજું, 2021માં ટોચની ક્રિપ્ટો કરન્સી ગણાતા બિટકોઈનના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે.

ભારતમાં ‘ખાનગી’ ક્રિપ્ટો કરન્સીને બેન કરવાની વાત ફેબ્રુઆરી 2021ના બજેટ સેશનમાં પણ કરવામાં આવી હતી. 2019થી ડ્રાફ્ટ થઈ રહેલું ક્રિપ્ટોકરન્સી બિલ 2021ના બજેટ સેશનમાં પાસ થઈ શક્યું નહતું. આથી અપેક્ષા હતી કે શિયાળુ સત્રમાં તેના પર ચર્ચા થશે. જો કે આ સત્રમાં પણ તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. હવે રોકાણકારોની નજર 2022ના બજેટ સત્ર પર છે.
રોકાણકારોનો રસ ખૂબ જ વધી રહ્યો છે તેવી ક્રિપ્ટો કરન્સી અંગે સ્પષ્ટતા કરવાનું સરકાર કેમ ટાળી રહી છે તે નિષ્ણાંતોને પણ સમજાઈ રહ્યું નથી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા મુજબ ક્રિપ્ટો બિલમાં રિસ્ક મેનેજમેન્ટ અને ઈન્વેસ્ટરના હિતોની રક્ષા માટે જોગવાઈઓ છે.
ભારતમાં વધી રહ્યું છે ક્રિપ્ટોટેક ઈન્ડસ્ટ્રીનું કદઃ
દેશમાં ક્રિપ્ટોકરન્સી કાયદેસર રહેશે કે નહિ તે અંગે હજુ અસ્પષ્ટતા છે પણ નાસકોમના એક અભ્યાસ મુજબ ભારતમાં 230થી વધુ સ્ટાર્ટઅપ્સે ક્રિપ્ટો ટેક સ્પેસમાં કામ શરૂ કરી દીધું છે. આ ઈન્ડસ્ટ્રીને 1.5 કરોડથી વધુ રિટેલ ઈન્વેસ્ટર્સનો સપોર્ટ મળી રહ્યો છે. આ અભ્યાસ મુજબ ભારતમાં ક્રિપ્ટો માર્કેટ 2030 સુધીમાં $241 મિલિયનને આંબી જવાની શક્યતા છે. આ ઉપરાંત તે ભારતીય અર્થતંત્રમાં કોસ્ટ સેવિંગ અને રોકાણ થકી $184 બિલિયનનું યોગદાન આપે તેવી શક્યતા છે.
2022માં શું અપેક્ષા રાખી શકાય?
બ્લોકચેઈન ટેક્નોલોજી એ ભવિષ્ય છે એ વાતમાં શંકાને સ્થાન નથી. ડિસેન્ટ્રલાઈઝ થયેલી બ્લોકચેઈન સસ્તી છે, વધુ ઝડપી છે, તેનું કદ વધવાની અને તે ટકી રહેવાની વધુ શક્યતા છે. આ જોતા બિટકોઈનનું વર્ચસ્વ ઘટે અને સામે ઈથિરિયમ, સોલાના વગેરે કરન્સી મજબૂત બને તેવી શક્યતા નકારી શકાય નહિ. આવામાં જો સરકાર તેમાં રોકાણ અંગે નિયમો અને સ્પષ્ટતા લાવશે તો ક્રિપ્ટો તરફ વધુ રોકાણકારો આકર્ષાશે.

ક્રિપ્ટો કરન્સી બિલમાં કેવી જોગવાઈ હોઈ શકે?
ભારત સરકાર દૃઢપણે માને છે કે ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કાળા નાણાંની હેરફેર માટે અને ગેરકાયદેસર કામ માટે થઈ શકે છે. આથી ક્રિપ્ટો કરન્સી બિલમાં ક્રિપ્ટોના ટ્રાન્ઝેક્શન, તેમાંથી થતો નફો ટ્રેક થઈ શકે તેવી જોગવાઈઓ સરકાર લાવે તેવી શક્યતા છે. વાત એવી પણ છે કે ક્રિપ્ટોકરન્સી બિલમાં યુઝર્સે પોતાનો KYC ડેટા જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે સરકારની નિયંત્રક એજન્સીઓ સાથે શેર કરવો પડે તેવો નિયમ આવી શકે છે. આનાથી SEBI, RBI, ઈન્કમ ટેક્સ વિભાગ ક્રિપ્ટો કરન્સીના એક્સચેન્જ પર નજર રાખી શકશે. રોકાણકારોએ ક્રિપ્ટો એક્સચેન્જમાંથી થતી આવક પર તગડો કેપિટલ ગેઈન ટેક્સ ભરવાની તૈયારી રાખવી પડશે.
મોટાભાગની બેન્કો હાલ ક્રિપ્ટો એક્સચેન્જની સુવિધા પૂરી પાડતી નથી. આ કારણે ક્રિપ્ટોના ટ્રાન્ઝેક્શન અલગ રીતે થાય છે. આથી તેના પર નજર રાખવા માટે સરકારે પરંપરાગત માળખા કરતા જુદી વ્યવસ્થા ઊભી કરવી પડશે. સરકારી વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ આવનારા બજેટમાં કલમ 26એ મુજબ કરદાતાઓને ભારત અને વિદેશમાં કરેલા ક્રિપ્ટો કરન્સીના ઈન્વેસ્ટમેન્ટને જાહેર કરવાની ફરજ પાડવામાં આવી શકે છે.

કરન્સી નહિ, મૂડી તરીકે ચાલશે ક્રિપ્ટો કરન્સી?
નિષ્ણાંતોનો એક વર્ગ એવું પણ માને છે કે ક્રિપ્ટો કરન્સીને ભારત સરકાર કરન્સી તરીકે એટલે કે વસ્તુની લેવડ દેવડ માટે ક્યારેય માન્યતા નહિ આપે. પરંતુ જેમ સોના-ચાંદી કે કિંમતી ધાતુમાં મૂડી તરીકે રોકાણ થાય છે તેમ ક્રિપ્ટોમાં રોકાણ કરી શકાશે.
હાલમાં ભારતનું ક્રિપ્ટો એક્સચેન્જ યુનોકોઈન યુઝર્સને બિટકોઈનના ઉપયોગથી ફાસ્ટેગ એકાઉન્ટ રિચાર્જ કરાવવાની અને ઓનલાઈન શોપિંગ કરવાની સુવિધા આપે છે.
આમ ક્રિપ્ટો કરન્સીને લઈને દરેક તબક્કે વિસંગતતા છે. આવામાં રોકાણકારોએ શું કરવું? એક વખત ક્રિપ્ટો કરન્સી બિલ લોકસભામાં પસાર થશે ત્યાર પછી જ તેના લીગલ સ્ટેટસ અંગે સ્પષ્ટતા થશે.
RBI ક્રિપ્ટો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માંગે છે પણ….
વિશ્વની સૌથી પ્રથમ ક્રિપ્ટો કરન્સી બિટકોઈન લોન્ચ થઈ તેના ચાર વર્ષ પછી ડિસેમ્બર 2013માં રિઝર્વ બેન્કે ભારતીયોને ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલા આર્થિક, કાયદાકીય અને સિક્યોરિટી રિસ્ક અંગે સચેત રહેવા સૂચના જારી કરી હતી. આજે પણ રિઝર્વ બેન્ક ક્રિપ્ટોનો વિરોધ જ કરી રહી છે. ડિસેમ્બર 2021માં રિઝર્વ બેન્ક એમ પણ જણાવી ચૂકી છે કે ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ જ મૂકવો જોઈએ, અડધા અધૂરા નિયંત્રણોથી કામ નહિ ચાલે. 2018માં રિઝર્વ બેન્કે દેશની તમામ બેન્કોને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનથી અળગા રહેવાની સૂચના આપીને તેના પર અસરકારક રીતે પ્રતિબંધ મૂક્યો જ હતો. જો કે સુપ્રીમ કોર્ટે માર્ચ 2020માં આપેલા ચુકાદાથી રિઝર્વ બેન્કે ક્રિપ્ટો પર મૂકેલો પ્રતિબંધ હટી ગયો હતો.
રિઝર્વ બેન્ક ક્રિપ્ટોને લઈને ચિંતાતુર છે કારણ કે જો ક્રિપ્ટો છૂટથી એક્સચેન્જ થશે તો રિઝર્વ બેન્કની નાણાંકીય પોલિસીઓ અસરકારક રીતે કામ નહિ કરે. ટ્રાન્ઝેક્શન ટ્રેક કરવામાં મુશ્કેલી પડશે અને ચીજવસ્તુઓના ભાવમાં ભારે ચડઉતર થશે. રિઝર્વ બેન્કને ચિંતા છે કે ડોલરને બદલે ડિજિટલ કરન્સીના રૂપમાં વિદેશી ફંડ ભારતમાં આવશે તો તેને મેનેજ કરવામાં મુશ્કેલી પડશે.

જો રિઝર્વ બેન્ક પાસે ક્રિપ્ટો બેન કરવા માટે આટલા મજબૂત કારણો છે તો સરકાર તેના પર સંપૂર્ણ પ્રતિબંધ શા માટે નથી મૂકતી? નિષ્ણાંતોનું માનવું છે કે ટોચના વર્તુળમાં એક વર્ગ એવો છે જે માને છે કે ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂકવાથી ભારત વિશ્વથી અળગું થઈ જશે. તેની ગણતરી ચીન જેવા દેશોમાં થવા માંડશે જેણે 2021માં ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
કાયદાના નિષ્ણાંતોનું માનવું છે કે હવે ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂકવા માટે ખૂબ મોડું થઈ ગયું છે. સરકારે એવો રસ્તો કાઢવો જોઈએ જેનાથી રોકાણકારોને નુકસાન ન થાય અને દેશના ફોરેક્સ કે અર્થતંત્ર પર તેની અસર પણ ન પડે. આ માટે સરકારે ક્રિપ્ટોકરન્સીને ઈન્વેસ્ટમેન્ટના માધ્યમ તરીકે જોઈને તેને નિયંત્રિત કરવાનું આયોજન કરવું જોઈએ. એટલે કે તેના પર કેપિટલ ગેઈન ટેક્સ GST, TDS વગેરે અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ.
FEMA અંતર્ગત સ્પષ્ટતા પણ આવશ્યકઃ
ભારમાં યુ.કે જેવું ફ્રી માર્કેટ નથી. ભારતના અર્થતંત્રમાં ફોરેક્સ નિયંત્રિત છે અને પરવાનગી વિના તે દેશની બહાર લઈ જઈ શકાતું નથી. ભારતીયો ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી વિદેશમાં પેમેન્ટ કરે તો તેને નિયંત્રિત કરવું સરકાર માટે મુશ્કેલ પડશે. FEMA અંતર્ગત સરહદ પાર માલ કે સેવા આપો તેને ઈમ્પોર્ટ કે એક્સપોર્ટ ગણવામાં આવે છે. હવે ક્રિપ્ટો ટોકનને ‘માલ’ ગણાય કે નહિ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
રોકાણકારો માટે ક્રિપ્ટો કરન્સી હાઈ રિસ્ક ઝોન છેઃ કરીમ લાખાણી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણી રોકાણકારોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી દૂર જ રહેવાની સલાહ આપે છે. તેઓ જણાવે છે, “બ્લોકચેઈન અને ડિજિટલ કરન્સી એ ભવિષ્ય છે એ વાત 100 ટકા સાચી પરંતુ વિશ્વની બધી જ સરકારો, ભારત સરકાર તરફથી માન્યતા ન મળે ત્યાં સુધી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું વાજબી નથી. ક્રિપ્ટોમાં પૈસા રોકીને તમે ખૂબ જ હાઈ રિસ્ક ઝોનમાં ખેડાણ કરી રહ્યા છો. તમે જો ગયા ખાતે ગણીને રૂપિયા ઈન્વેસ્ટ કરવા માંગતા હોવ તો ઠીક છે, બાકી મહેનતથી કમાયેલા રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકવાની ભૂલ ન કરાય.”

તેઓ જણાવે છે ક્રિપ્ટોના એક્સચેન્જ, વોલેટની કોઈ ગેરન્ટી નથી. અગાઉ સ્ટોક બ્રોકર્સ ઊઠી જતા ત્યારે તેમની પાસે શેર્સ રાખનારા ખેલાડીઓને પણ ભારે નુકસાન થતું હતું. એટલે જ સરકાર CDSL અને NSDL લઈને આવી, જેથી તમારો સ્ટોક બ્રોકર ગમે તે હોય, પણ શેર્સ તો તમારા સરકાર માન્ય ડિમેટ એકાઉન્ટમાં જ જમા થાય. એ જ રીતે, તમે જે ક્રિપ્ટો એક્સચેન્જ કે વોલેટમાં રૂપિયા નાંખો છો, એ કાલે ઊઠીને તમારી કરન્સી વેચીને ઊઠી જાય તો તેની સામે તમે કોઈ કાયદાકીય પગલા ભરી શકો તેમ નથી. વોલેટ કોઈપણ ઓનલાઈન ઊભું કરી શકે છે, તેની કોઈ વિશ્વસનીયતા નથી. બીજું, ક્રિપ્ટો કરન્સી અને તેના એક્સચેન્જ પ્લેટફોર્મને લઈને કોઈ પ્રકારની પારદર્શિતા નથી. તે ક્યાંથી આવે છે તેનો સોર્સ કોઈને ખબર નથી. આવામાં તેમાં પૈસા રોકવામાં ખૂબ જ જોખમ છે.
સી.એ કરીમ લાખાણી તગડા નફાની લાલચ જતી કરીને પણ ક્રિપ્ટોમાં રોકાણ કરવાથી દૂર જ રહેવાની સલાહ આપે છે. તેઓ કહે છે, “ક્રિપ્ટો એક્સચેન્જ તો ગામડામાં ગૃહ ઉદ્યોગ જેવું થઈ ગયું છે. એકનું જોઈને બીજા લોકો પણ તેમાં રોકાણ કરે છે. મલ્ટી લેવલ માર્કેટિંગની જેમ આમાં લોકોને ઈઝી મની કમાવવાનો રસ્તો દેખાઈ રહ્યો છે. આવામાં જો તેનો ફૂગ્ગો ફૂટે તો ઘણા લોકોને રાતાપાણીએ રડવાનો વારો આવશે. ધારો કે, ભારત સરકાર કાલે તેના પર પ્રતિબંધ મૂકી દે તો તમે ક્રિપ્ટો ખરીદી ન શકો, વેચી પણ ન શકો. આવામાં તમારી મોટી મૂડી એમાં અટવાઈ શકે તેમ છે. હાલના તબક્કે ક્રિપ્ટોમાં રોકાણ સંપૂર્ણપણે આંધળૂકિયા છે. તેનાથી યુવા પેઢીને ખોટો મેસેજ મળી રહ્યો છે. રોકાણકારોએ મહેનતથી કમાયેલા રૂપિયા ક્રિપ્ટોમાં ઝોકવાની ભૂલ કરવાથી દૂર જ રહેવું જોઈએ.”
સરકાર પોતે પણ ક્રિપ્ટોમાંથી કમાણીનો રસ્તો શોધી રહી છેઃ વિવેક સુરાની
ઈન્વેસ્ટમેન્ટ સેક્ટરના એક્સપર્ટ વિવેક સુરાની દૃઢપણે માને છે કે ક્રિપ્ટો કરન્સી એ ભવિષ્ય છે અને ભારત તેનો ઈન્કાર કરી ન શકે. તેઓ જણાવે છે, “બિટકોઈનનો જન્મ જ એટલે થયો હતો કે તેને ટ્રેસ ન કરી શકાય. જેને ટ્રેસ ન કરી શકાય, તેને બેન કરવાનો તો કોઈ સવાલ જ નથી ઊભો થતો. સરકાર જો ક્રિપ્ટો કરન્સીને બેન જ કરવા માંગતી હોય તો નોટબંધીની જેમ એકઝાટકે તેના પર પ્રતિબંધ લાદી શકે છે. પરંતુ સરકાર આવું નથી કરી રહી. તેનું કારણ એ છે કે સરકાર પોતે પણ ક્રિપ્ટોમાંથી કમાણીનો રસ્તો શોધી રહી છે. દાખલા તરીકે, માસ્ટર અને વિઝા કાર્ડ હોવા છતાં સરકાર પોતાનું રૂપે કાર્ડ લઈને આવી. એ જ રીતે Paytm, Gpay હોવા છતાં સરકારે BHIM એપ લોન્ચ કરી. હવે રિઝર્વ બેન્ક પોતાની ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરે તેવી ચર્ચા ચાલી રહી છે. ક્રિપ્ટોમાં કરોડોના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. સ્પષ્ટ છે કે સરકાર તેમાંથી લાભ મેળવવા માંગે છે.”
ઉદાહરણ આપતા તેઓ જણાવે છે કે, “પહેલા એક જ ઈન્શ્યોરન્સ કંપની હતી LIC. પછી જેમ જેમ ઈન્શ્યોરન્સ કંપનીઓ વધતી ગઈ તેમ તેને રેગ્યુલેટર કરવા સરકારે IRDA બનાવી. એ જ રીતે ટેલિકોમ કંપનીઓને રેગ્યુલેટ કરવા સરકારે TRAIને જન્મ આપ્યો. આ જ રીતે ક્રિપ્ટો કરન્સીને રેગ્યુલેટ કરવા સરકાર કોઈ સંસ્થા બનાવી શકે છે.”

તેઓ ભારપૂર્વક જણાવે છે કે બ્લોકચેઈન ગેરકાયદેસર કે નુકસાનકારક નથી. વિવેક સુરાની જણાવે છે, “સરકાર પોતે બ્લોકચેઈનને પ્રમોટ કરે છે. સરકારની blockchain.gov.in વેબસાઈટ પણ છે અને સરકાર પોતાનો ડેટા ધીરે ધીરે બ્લોકચેઈન પર લાવવા માંગે છે. જો બ્લોકચેઈન ટેક્નોલોજી નુકસાનકારક હોય તો સરકાર આવું શા માટે કરે? બ્લોકચેઈન ક્રિએટ કરવાની મહત્તમ મર્યાદા છે. તેનાથી વધુ કોઈન ક્રિએટ નહિ થઈ શકે. ત્યાર પછી ક્રિપ્ટોના ભાવમાં અધધ વધારો થશે એ નિશ્ચિત છે.”
તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે ક્રિપ્ટો કરન્સીમાં પણ હવે મ્યુચ્યુઅલ ફંડની જેમ રોકાણ કરી શકાય છે અને તેનાથી તગડી કમાણીના રસ્તા ખોલી શકાય છે. ક્રિપ્ટો કરન્સીમાં સોફ્ટવેર મારફતે રોકાણ કરી શકાય છે. તમે સેટિંગ કરો તે મુજબ તે જુદી જુદી ક્રિપ્ટોમાં ખરીદ-વેચ કર્યા જ કરે છે. ક્રિપ્ટો એ ગ્લોબલ કરન્સી હોવાથી તેમાં ચોવીસ કલાક વધ-ઘટ ચાલે છે. રોબોની જેમ સોફ્ટવેર તમારી પ્રાથમિકતા મુજબ ખરીદ વેચાણ કર્યા કરે છે. સુરાનીનું કહેવું છે કે આનાથી ઘણા રોકાણકારો ખૂબ સારું વળતર મેળવી રહ્યા છે.