ઈ-રૂપી શું છે? તે કેવી રીતે કામ કરશે? જાણો ઈ-રૂપી વિષે બધું જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓગસ્ટના રોજ ભારતની પ્રથમ ડિજિટલ કરન્સી ઈ-રૂપીનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી જ ઈ-રૂપી લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આ કરન્સી કેવી રીતે કામ કરશે, તે પે-ટીએમ કે ગૂગલ પે જેવી પેમેન્ટ સિસ્ટમ કરતા કેવી રીતે અલગ છે, કે પછી ક્રેડિટ-ડેબિટ કાર્ડ કરતા કેવી રીતે જુદી પડે છે, તે અંગે લોકોમાં ખાસ્સી જિજ્ઞાસા અને કન્ફ્યુઝન છે. અહીં અમે સાવ સરળ ભાષામાં ઈ-રૂપી કેવી રીતે કામ કરશે, ભવિષ્યમાં તે અર્થવ્યવસ્થા પર કેવી રીતે અસર કરશે તે સમજાવવાની કોશિશ કરી છે.
ઈ-રૂપીને વાઉચરની જેમ જુઓઃ
ઈ-રૂપીને ડિજિટલ કરન્સી તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે. આ કારણે લોકોમાં કન્ફ્યુઝન ઊભું થયું છે. તેને તમે ડિજિટલ વાઉચર તરીકે જોશો તો તેને સમજવામાં સરળતા પડશે. દાખલા તરીકે, તમે એમેઝોન યુઝ કરતા હશો તો તમને એ ખ્યાલ જ હશે કે તમે એમેઝોનના વાઉચર કોઈને ગિફ્ટ કરી શકો છો. તમે તમારા મિત્રને એમેઝોનનું રૂ. 500નું વાઉચર ગિફ્ટ કરો તો તમારો મિત્ર એમેઝોનની સાઈટ પર ખરીદી કરે ત્યારે ટોટલ પેમેન્ટમાં આ વાઉચરનો ઉપયોગ કરીને રૂ. 500 ઓછા કરાવી શકે છે. આમ, એમેઝોનનું ગિફ્ટ વાઉચર એ સીધા રૂપિયા નથી પરંતુ કામ રૂપિયા જેવું જ કરે છે. એ તમારા બેન્ક એકાઉન્ટમાં નથી જમા થતા, તમને કેશ રૂપે પણ નથી મળતા પણ રૂ. 500 સુધીની વસ્તુ ખરીદવામાં કે તમારી ટોટલ ખરીદીના બિલમાંથી રૂ. 500 ઓછા કરવામાં એ તમને મદદ ચોક્કસ કરે છે. ઈ-રૂપી પણ આવું જ ડિજિટલ વાઉચર છે. ધારો કે, કોઈ વ્યક્તિ તમને રૂ. 1000નું ઈ-રૂપી વાઉચર આપે તો તમે તેને એસએમએસ કે ક્યુ આર કોડની મદદથી જે-તે જગ્યાએ રીડીમ કરાવી શકો છો. અર્થાત્ કેશને બદલે વાઉચરના માધ્યમથી તમે કોઈની પાસેથી રૂ. 1000 મેળવી શકો છો. આ વાઉચરને તમે કેશમાં કન્વર્ટ કરાવી શકશો નહિ.
ઈ-રૂપી લોન્ચ કરવા પાછળ સરકારનો આશય શું છે? સરકાર છેલ્લા ઘણા સમયથી લાભાર્થીઓને સીધા તેમના બેન્ક એકાઉન્ટમાં સબસિડીના રૂપિયા જમા આપે છે. આ કારણે ભ્રષ્ટાચાર ઘટ્યો છે અને જેને રૂપિયા પહોંચવા જોઈએ, તેને પહોંચતા થયા છે. પરંતુ એક વખત બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા થાય પછી તેનો ઉપયોગ ક્યાં થાય છે તે ટ્રેક કરવાનો સરકાર પાસે કોઈ રસ્તો નથી. ઉદાહરણ આપીને વાત કરીએ તો સરકાર ખેડૂતને બિયારણ કે ખાતર માટે સબસિડી આપે, અથવા તો કોઈ સરકારી સ્કીમ અંતર્ગત ખેડૂતના ખાતામાં રૂપિયા જમા કરાવે પણ ખેડૂત એ રૂપિયા પુત્રના લગ્નમાં ખર્ચી નાંખે, અથવા તો એને કોઈ બિનાઉત્પાદકીય પ્રવૃત્તિમાં ખર્ચ કરે તો તે અંગે સરકારને કોઈ જાણ રહેતી નથી. એ જ રીતે, સરકાર મેડિકલ સારવાર માટે પણ ઘણા લાભાર્થીઓના ખાતામાં રૂપિયા જમા કરાવતી હોય છે. પણ શું આ બધા જ રૂપિયા સારવાર માટે જ વપરાય છે, તેની ખાતરી કરવાની કોઈ સિસ્ટમ સરકાર પાસે નથી. ઈ-રૂપી એ ઈલેક્ટ્રોનિક વાઉચર-આધારિત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે. આ પ્લેટફોર્મ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ), ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્શિયલ સર્વિસિસ, મિનિસ્ટ્રી ઑફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તથા નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા સાથે મળીને વિકસાવાઈ છે. ઈ-રૂપીનો ઉપયોગ એક ખાસ આશયથી કરી શકાશે. જેમ કે, કંપની તેના કર્મચારીઓને કોવિડ-19 વેક્સિન લેવા માટે રૂ. 500ની સહાય કરતી હોય તો તે આ રૂપિયા ખાતામાં જમા આપવાને બદલે કે રોકડ આપવાને બદલે ઈ-રૂપી વાઉચર ઈશ્યુ કરી શકશે. આ રૂ. 500નું ઈ-રૂપી વાઉચર પછી ફક્ત કોવિડના રસીકરણ કેન્દ્રો પર જ વાપરી શકાશે. આથી ઈ-રૂપીને કારણે તમે જે આશય માટે રૂપિયા આપો છો, તે જ હેતુ માટે રૂપિયા ખર્ચાય છે તેની ખાતરી કરી શકાશે. ભવિષ્યમાં જેમ આ કરન્સીનો વ્યાપ વધશે એમ સામાન્ય લોકો અને ધંધાર્થીઓ પણ તેનો ઉપયોગ કરી શકશે. દાખલા તરીકે, તમારા ઘરે ઘરઘાટી પરિવારજન બીમાર હોવાના નામે તમારી પાસે રૂ. 2000 માંગે છે, તો તમે તેને રોકડ આપવાના બદલે ઈ-રૂપી આપી શકો છો. આ વાઉચર તે કોઈ હોસ્પિટલ કે દવાખાને જ વાપરી શકાશે. આમ ખોટા બહાના કાઢીને રૂપિયા માંગવાનું ચલણ ઘટશે, અને જે આશયથી રૂપિયા અપાયા છે, તેના માટે જ તેનો ઉપયોગ થાય તેની ખાતરી કરી શકાશે. યુ.એસમાં સ્કૂલ માટે એજ્યુકેશન વાઉચર આપવાની પ્રથા છે. તેમાં વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા અપાતુ ફંડિંગ વાઉચરના રૂપમાં આપવામાં આવે છે. આ સબસિડીનો ઉપયોગ વાલી ફક્ત તેમના બાળકોના એજ્યુકેશન માટે જ કરી શકે છે. યુ.એસની આ સિસ્ટમ કોલમ્બિયા, ચીલી, સ્વીડન, હોંગ કોંગ જેવા દેશોમાં પણ લાગુ પડાઈ છે. હવે ઈ-વાઉચર આપવાની દિશામાં ભારત સરકારે પણ એક કદમ આગળ વધાર્યું છે. સરકાર હાલ ઈ-રૂપી વાઉચરનો ઉપયોગ માતા અને બાળકો માટેની આરોગ્ય યોજનાઓ, ટીબી નાબૂદ કરવાના પ્રોગ્રામ, આયુષ્માન ભારત તથા પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સ્કીમ માટે, ખાતર ઉપર સબસિડી આપવા માટે વગેરે હેતુથી કરવા માંગે છે. લોન્ચ કરતી વખતે વડાપ્રધાને સ્પષ્ટપણે કહ્યું છે કે પ્રાઈવેટ સેક્ટર તેમના કર્મચારીઓના વેલ્ફેર માટે તથા કોર્પોરેટ સિક્યોરિટી પ્રોગ્રામ માટે ઈ-રૂપી વાઉચરનો ઉપયોગ કરી શકશે.
અન્ય ડિજિટલ કરન્સી કરતા કેવી રીતે જુદી પડે છે ઈ-રૂપી કરન્સી?
હાલમાં ભારતમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં પે-ટીએમ, ગૂગલ પે જેવા ઈ-વોલેટ્સ અને ક્રેડિટ તથા ડેબિટ કાર્ડ વધારે લોકપ્રિય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંકિતા પટેલ જણાવે છે, “પે-ટીએમ, ગૂગલ પે જેવા વોલેટ્સની એક મર્યાદા એ છે કે તેના માટે ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. ઈ-રૂપી વાપરવા માટે તમારે ઈન્ટરનેટ કનેક્શનની જરૂર નથી. તમે ક્યુઆર કોડ સ્કેન કરો તો તેનાથી તમે ઈ-રૂપી વટાવી શકો છો. તમારો ફોન સાવ સાદો હોય, તેમાં કેમેરા પણ ન હોય તો તમે એસએમએસમાં આવેલા વાઉચર કોડની મદદથી પણ ઈ-રૂપી વટાવી શકો છો.” અર્થાત્, ઈ-રૂપી માટે કોઈ ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. તેનાથી ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનો ખર્ચ અનેક ગણો ઘટી જાય છે. ઈ-રૂપીની આ જ ખાસિયતને કારણે દેશના અંતરિયાળ ગામડાઓમાં પણ ઈ-રૂપીથી પેમેન્ટ સાવ આસાનીથી શક્ય બનાવી શકાશે.
બેન્ક એકાઉન્ટની પણ જરૂર નથીઃ
ઈ-રૂપીની ખાસિયત એ છે કે તેને વટાવવા માટે લાભાર્થી પાસે બેન્ક ખાતુ હોવુ જરૂરી નથી. તે 2 ફેઝ પ્રોસેસમાં સરળ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરવામાં મદદ કરે છે. ઈ-રૂપી માટે તમારે પર્સનલ એકાઉન્ટની ડિટેઈલ શેર કરવાની જરૂર નથી. જે લોકો પાસે બેન્ક એકાઉન્ટ નથી કે સ્માર્ટફોન નથી કે પછી જ્યાં ઈન્ટરનેટ કનેક્શન નબળું છે ત્યાં પણ ઈ-રૂપીનો આસાનીથી ઉપયોગ થઈ શકશે. આ કારણે ઈ-રૂપીના વપરાશમાં ડિજિટલ છેતરપિંડી કે બેન્ક એકાઉન્ટ ડિટેઈલ્સનો દુરૂપયોગ થવાની શક્યતા પણ નહિવત્ થઈ જાય છે.
આ વાઉચર કેવી રીતે ઈશ્યુ થશે?
આ સિસ્ટમ એનપીસીઆઈએ યુપીઆઈ પ્લેટફોર્મ પર વિકસાવી છે. તેમાં બેન્કો નિશ્ચિત કરવામાં આવી છે જેને ઈ-રૂપી ઈશ્યુ કરવાની સત્તા હશે. લાભાર્થીનો મોબાઈલ નંબર આપીને તેને સીધું વાઉચર એલોકેટ કરી શકાશે. ધારો કે, કંપની તરફથી તમારે તમારા કર્મચારીને કોઈ મેડિકલ કારણસર રૂપિયા આપવા છે તો તમે બેન્કની એપ દ્વારા કર્મચારીનો મોબાઈલ નંબર આપીને તેમને વાઉચર ઈશ્યુ કરાવી શકો છો. આ માટે તમારે વાઉચર જેને આપવાનું છે તેની વિશેષ વિગતો આપવાની જરૂર નથી. ભારત સરકારે ઈ-રૂપી વાઉચર ઈશ્યુ કરવા માટે કેટલીક પાર્ટનર બેન્ક્સની પસંદગી કરી છે. તમે નીચેની બેન્કોની મોબાઈલ એપ કે પછી બેન્કમાં જઈને ઈ-રૂપી વાઉચર જનરેટ કરાવી શકો છો. એક્સિસ બેન્ક બેન્ક ઑફ બરોડા કેનેરા બેન્ક એચડીએફસી બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્ક ઈન્ડસઈન્ડ બેન્ક પંજાબ નેશનલ બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા
રોકડ વહેવાર ઓછા થશેઃ
ભારતમાં હજુ પણ કરોડો લોકો એવા છે જેમની પાસે બેન્ક એકાઉન્ટ નથી. તેમના તમામ વહેવાર રોકડમાં જ થાય છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ 2020-21માં કેશ ટુ જીડીપીનો આંક 14.6 ટકાની સર્વોચ્ચ સપાટી સુધી પહોંચી ગયો હતો. નોટબંધી પહેલા આ આંક 12 ટકા જેટલો હતો. આ દર્શાવે છે કે ઈકોનોમીમાં રોકડ વધારે ફરી રહી છે, જેનું મોનિટરિંગ કરવું સરકાર માટે મુશ્કેલ છે. ઈ-રૂપીને કારણે રોકડ વહેવાર પર મહદંશે કાપ મૂકી શકાશે, જેનો લાંબા ગાળે ફાયદો દેશના અર્થતંત્રને થશે.
ક્રિપ્ટો કરન્સીથી કઈ રીતે જુદી પડે છે ઈ-રૂપી કરન્સી
હવે તો ક્રિપ્ટો કરન્સી એટલી મેઈન સ્ટ્રીમ થઈ ગઈ છે કે તેનો ઉપયોગ માલ કે સેવાઓ ખરીદવા માટે પણ થઈ રહ્યો છે. જો કે ઈ-રૂપી ક્રિપ્ટો કરન્સ કરતા જુદી છે. આ પ્રિપેડ વાઉચર સિસ્ટમ છે અને તેની ટેક્નોલોજીમાં બ્લોકચેઈનનો ઉપયોગ થતો નથી. ઈ-રૂપી યુપીઆઈ સિસ્ટમ આધારિત છે. તે ગિફ્ટ વાઉચર સમાન છે જેનો ઉપયોગ ખાસ હેતુ માટે થઈ શકે છે. દુનિયામાં ક્રિપ્ટો કરન્સીનું ચલણ વધી રહ્યું છે પણ તેના પર અંકુશ રાખવો કોઈ પણ સરકાર માટે મુશ્કેલ છે. એવામાં ઈ-રૂપી ડિજિટલ કરન્સી સરકારને ભારતીયોના આર્થિક વહેવારો પર નજર રાખવામાં અને પૈસાને ટ્રેક કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. ઉપરાંત, જેમ રોકાણકારો પૈસા કમાવવા માટે ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરે છે એ રીતે ઈ-રૂપીનો ઉપયોગ કોઈ રોકાણના આશય માટે કરી શકાશે નહિ.
ઉધારીનું વલણ ઘટશે, ધંધામાં વિશ્વાસ સ્થપાશેઃ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંકિતા પટેલ ઈ-રૂપીના ફાયદા અંગે વાત કરતા જણાવે છે, “જો તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા પડ્યા હોવ તો તમે તરત જ સામેવાળાને ઈ-રૂપી વાઉચર ઈશ્યુ કરી શકો છો. આનાથી ધંધો કરનારાઓને ફાયદો એ થશે કે ઉધારી ઘટશે. સામી પાર્ટી સીધું જ વાઉચર રૂપમાં પેમેન્ટ કરી શકશે જેનાથી વિશ્વાસનો માહોલ ઊભો થશે. વળી, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં બેન્કની વિગતો લીક થવાની બીક પણ વેપારીઓને રહેશે નહિ.” જો કે અંકિતાએ વધુમાં જણાવ્યું કે આ વાઉચર ઈશ્યુ કેવી રીતે કરી શકાય તે અંગે સરકાર દ્વારા વધુ સ્પષ્ટતા થવી જરૂરી છે.