ન્યુક્લોથ માર્કેટને નવો ચહેરો આપનાર પ્રમુખ, ગૌરાંગ ભગત

અમદાવાદની 114 વર્ષ જૂના અને દેશદેશાવરમાં ખ્યાતિ પામેલા મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુક્લોથ માર્કેટ નવો ચહેરો આપ્યો છે તેના વર્તમાન પ્રમુખ ગૌરાંગ ભગતે. જોકે 1906થી1932 સુધી મસ્કતી કાપડ માર્કેટ મહાજનને દબદબો અપાવનાર શેઠશ્રી માણેકલાલ પ્રેમચંદ, તેમજ 1932થી 1953 સુધી બજારના પ્રમુખ તરીકે સેવા આપી પ્રભાવ પાડનાર શેઠશ્રી ભોગીલાલ છોટાલાલ સુતરિયાની વાત જ નોખી છે. આ હરોળમાં આવતા અન્ય મહારથીઓમાં કાપડ પરનો સેલ્સ ટેક્સ નાબૂદ કરાવનાર શેઠશ્રી ચંદુભાઈ ભીખાભાઈ સતીયા (1953થી 1962), નૂતન નાગરિક બેન્કના સ્થાપક શેઠશ્રી આત્મારામ ભોગીલાલ સુતરિયા અને બહુમુખી પ્રતિભા ધરાવતા અને મહાજનની પ્રગતિના આધારસ્તંભ તરીકે ઓળખાયેલા શેઠશ્રી હીરાલાલ હરિલાલ ભગવતીએ પણ નવ વર્ષના કાર્યકાળમાં મસ્કતી કાપડ માર્કેટ મહાજનને નોખી જ આભા આપી હતી. મસ્કતી કાપડ માર્કેટ મહાજનનો પ્રભાવ પાથરવામાં શેઠશ્રી ગિરીશ ભગવત પ્રસાદ, શેઠશ્રી જશવંતલાલ પોપટલાલ શાહ, શેઠશ્રી નવનીતભાઈ ગોરધનદાસ ચોકસી, શેઠશ્રી જયેન્દ્ર શાંતિલાલ શાહ, શેઠશ્રી ધીરજલાલ ચંપકલાલ શાહે આપેલા ફાળાની પણ અવગણના કરી શકાય તેમ નથી જ નથી. કાપડ માર્કેટના શતાબ્દી વર્ષની ઉજવણી કરીને ભારતભરમાં બજારને નામના અપાવનાર શેઠશ્રી જતીનભાઈ કસ્તુરભાઈ શાહને પણ યાદ કરવા પડે. માર્કેટના વેપારીઓના હિત જળવાય તે માટે સંગીન બંધારણ તૈયાર કરવામાં આ તમામ મોભીઓનો ફાળો મોટો હતો. માર્કેટમાં થતી ગેરરીતિઓને લાદવા માટે લવાદ પ્રથા તો દાયકાઓ જૂની હતી. પરંતુ તેનો ચુસ્ત અમલ કરાવડાવ્યો જોમવંતા અને ડેશિંગ પ્રમુખ ગૌરાંગ ભગતે. કાપડ બજારમાં ફ્રોડ થવાની અને પાર્ટીઓ ઊઠી જઈને અનેક લોકોને નવડાવી નાખનારાઓની ફોજ એકત્રિત થઈ ગઈ હતી. વેપારીઓ આ ફ્રોડ કરનારાઓથી પરેશાન હતા. પુરુષોત્તમ મિલ કમ્પાઉન્ડની જમીન ખરીદીને 1906માં સ્થાપવામાં આવેલા ન્યુક્લોથ માર્કેટની વેપારીઆલમને તેમાંથી બહાર કાઢવાનું અને બજારની શાખ વધે તે માટેની કામગીરીને વેગથી આગળ ગૌરાંગ ભગતે વધારી છે.અનેક નવા નિર્ણયો લઈને ગૌરાંગ ભગતે પ્રમુખ તરીકે વર્ષો બાદ આગવી ઇમેજ ઊભી કરી છે. આમ તો તેઓ મસ્કતી કાપડ માર્કેટ મહાજનની મેનેજિગ કમિટીમાં 21 વર્ષથી હતા, પરંતુ 2013ની સાલમાં તેમને તેમના સંપર્કો અને દરેક વેપારીઓની સમસ્યાઓ ઉકેલવા માટે દરેક સત્તાવાળાઓ સુધી દોડી જવાની ધગશને કારણે તેમને માર્કેટના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 2013-2020 સુધીના કાર્યકાળમાં તેમણે ફ્રોડના કેસમાં લવાદની પ્રક્રિયાનો ચુસ્ત અમલ કરાવ્યો હતો. તેમની લવાદની આ પ્રક્રિયાને માત્ર અમદાવાદ જ નહિ, પરંતુ કોલકાતા, મુંબઈ, દિલ્હી, લુધિયાણા, ઇન્દોર, સુરત, ઇચલકરંજી, ચેન્નઈ ઉપરાંત અનેક નાના શહેરના એસોસિયેશનો અને મહાજનોએ પણ માન્ય રાખી હતી. કોઈ વેપારીએ પેમેન્ટ ન કરીને અમદાવાદ, સુરત કે ગુજરાતના વેપારી સાથે ઠગાઈ કરી હોવાની જાણ કરતો ગૌરાંગ ભગતનો એક પત્ર જાય તો તે વેપારીને સ્થાનિક એસોસિયેશનો બહિષ્કાર કરી દેવા સુધીના પગલાં લેવા તૈયાર થઈ જાય છે. આ છે તેમના કાર્યનો પ્રભાવ. વાત અહીં પૂરી થતી નથી. કાપડ બજારમાં કાચી પડેલી પાર્ટીઓ પાસેના બાકી લેણા મેળવી આપવામાં પણ અનેક વેપારીઓને તેમને સહાય કરી છે. આ પાર્ટીઓ વચ્ચે રહીને સમાધાન કરાવી આપવાની કામગીરી તેમણે કરી છે. એક જ કેસની વાત કરવામાં આવે તો અતુલ ફેબ્રિક્સના રૂા. 1.83 કરોડ, સાંવરિયા ફેશન્સના બાકી રૂા. 29.39 લાખ, તિરૂપતિ ફેબ્રિક્સનારૂા. 25.95 કરોડ દર્શન બોઘરાના રૂા. 15.94 લાખ, વિરૂ ટેક્સટાઈલના રૂા. 91.63 લાખ, સપના ઇમ્પેક્સના રૂા. 5.72 લાખ ઉપરાંત બીજા ત્રણ વેપારીઓના નાણાં સમાધાન કરાવીને કઢાવી આપવાની સફળ કામગીરી તેમણે કરી છે. આ પ્રકારના અનેક કેસો તેમણે સુલઝાવ્યા છે. બાકી લેણા ન ચૂકવનાર ફ્રોડ ન કરી શકે તે માટે તેમની પાસે આ સમાધાનના સોગંદનામા પર કાપડ બજારમાં ફરીથી વેપાર ન કરવાની શરત પણ મૂકીને ગૌરાંગ ભગતે ફ્રોડ અટકાવવામાં મોટો ફાળો આપ્યો છે. ફ્રોડ કરનારને ઝડપી લેવા માટે પણ તેઓ તેમના રાજકીય અને પોલીસ સંપર્કોને વેપારીઓના હિતમાં ઉદારતાથી ઉપયોગ કરી રહ્યા છે. તેમની આ પરગજુ વૃત્તિને કારણે પણ રાજકીય વર્તુળમાં અને તે પણ પાછી પ્રધાનમંત્રીના સ્તર સુધીના વર્તુળમાં તેમને સહુ આવકારતા હોવાનું જોવા મળે છે. તેમની જનહિતની આ ભાવનાને પરિણામે પ્રધાનમંત્રીની કચેરીમાં પણ તેમને આવકાર મળી રહે છે.

તેમની આ પરગજુ ભાવનાનો વ્યાપ માત્ર વેપારીઓ સુધી જ નથી. તેમના બજારમાં કામ કરતાં બ્રોકરોના કે શ્રમજીવીઓના કમિશન, બોનસ કે પછી ભાડાંની તકરારના મુદ્દાએ તેમણે સુમેળ પૂર્વક ઉકેલી આપ્યા છે. કેટલાક કેસોમાં સપ્લાયરનો માલ વચેટિયા વેપારી સુધી પહોંચ્યા દેવા વિના જ બારોબાર રિટેઈલર સુધી પહોંચાડી દઈને ગોટાળા કરવાની પ્રવૃત્તિ પર પણ તેમણે પડદો પાડી દેવાના સતત પ્રયાસ કરીને ખાસ્સી સફળતા હાંસલ કરી છે. પહેલા દર મહિને અને વર્ષે મોટી સંખ્યામાં આ પ્રકારની ફરિયાદો મહાજન સમક્ષ આવતી હતી, આજે માંડ 5-15 ફરિયાદ વર્ષે મળી રહી છે. પ્રમુખ તરીકે તમામ વેપારીઓ માટે બને તેટલું કરી છૂટવું અને પોતાના ધંધાના કામને ભોગે પણ બીજાને મદદરૂપ થવાનો સદગુણ એ જ ગૌરાંગ ભગતની મોટી મૂડી છે. તેથી જ તેઓ કાપડ બજારમાં લોકપ્રિયતાની ટોચ પર બિરાજમાન છે. બજારના નાનામાં નાના માણસ માટે પણ તેમનું હૃદય ધબકે છે. આવલીમાં 34 વર્ષ સુધી લારીવાળા તરીકે સેવા આપ્યા પછી નિવૃત્ત થયેલા શ્રમિક અરજણભાઈ ઠાકોરને તેમણે ગ્રેચ્યુઈટી અને અન્ય વળતરને નામે રૂા. 5.85 લાખનું અધધધ…. વળતર અપાવીને તેમના નિવૃત્તિ કાળને સુખ અને સંતોષના દિવસમાં પલટી આપવાની ઉદારતા દાખવી છે. નાના માણસોને મદદરૂપ થવાની તેમની ભાવના નિરંતર છે. તેમના બાળકોના શિક્ષણ મળે તે માટે 55 ટકાથી વધુ માર્ક્સ લાવનાર બાળકના શ્રમિક પિતા અરજી કરે તો તેમની સ્કૂલ ફી ચૂકવી આપવાની વ્યવસ્થા પણ મહાજન મારફતે અપાવવાની પ્રથાને તેમણે આગળ વધારી છે. શ્રમિકજન માંદો પડે અને હોસ્પિટલ કે દવાનો મોટો ખર્ચ આવી જાય તો તેમને દવાના ખર્ચના બિલને આધારે તેમને રોકડ સહાય કરવાની પ્રથાને પણ તેમણે આગળ ધપાવી છે. દિવાળીમાં દરેક ગુમાસ્તાને રૂા. 1100ની ઘરવપરાશની ચીજવસ્તુઓ મળતી રહે તેની તકેદારી તેમણે રાખી જ છે. ટેક્સટાઈલ ઉદ્યોગના ઝડપી અને જંગી વિકાસ માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ટેક્સટાાઈલ પોલીસીમાં કેવી જોગવાઈઓ લાવવાથી વેપારને વિકાસના પથ પર લઈ જઈ શકાય છે તે માટેના સૂચનો પણ નિયમિત મોકલવામાં તેઓ અગ્રેસર રહ્યા છે. કાપડ પર જીએસટી લગાડવામાં આવ્યો ત્યારે સામાન્ય એસોસિયેશનથી ઉપર ઊઠીને તેમણે સરકારનો વિરોધ કરવાનિ હિમ્મત પણ દાખવી હતી. આમ વેપારીના હિત માટે સરકાર સમક્ષ મક્કમ રજૂઆત કરવાની તાકાત ગૌરાંગ ભગત ધરાવે છે. કાપડ બજારનું કદ સતત વધતુ રહે તે માટે તેમણે નવા 800 સભ્યનો ઉમેરો તેમના કાર્યકાળ દરમિયાન કર્યો છે. આ કાપડ બજારમાં આવતા 400થી વધુ દલાલો ને કમિશન એજન્ટો અને દેશાવરના વેપારીઓને ઉપરાંત કાપડ બજારના 1625 સભ્યો તથા એસોસિયેશ સભ્યોને ભોજન લેવાની સુવિધા મળી રહે તે માટે તેમણે ડાઇનિંગ હોલ તૈયાર કરીને કરી આપી છે. માર્કેટની દરેક લેનમાં મોડે સુધી કામ કરનારા વેપારીને અંધારુ ન લાગે તે માટે તેમણે વ્યવસ્થિત સ્ટ્રીટ લાઈટ પણ કરાવી આપી છે. તેમણે વોટર રિચાર્જિંગનું પણ ધ્યાન રાખ્યું છે. ભૂગર્ભ જળના તળ નીચે ન જાય તે માટે તેમણે ન્યુક્લોથ માર્કેટના દરેક ગેટ પાસે રિચાર્જ બોર બનાવડાવ્યો છે. જનસમુદાયના હિતમાં મસ્કતી કાપડ માર્કેટ મહાજન દર વર્ષે ડિસેમ્બરમાં બ્લડ કેમ્પ યોજીને દર્દીઓના લાભાર્થે 200થી 600 બોટલ બ્લડ રેડક્રોસ સોસાયટીને માટે એકત્રિત કરે છે. તેમ જ દેશ પર કુદરતી આફત આવે ત્યારે બજારમાંથી તેઓ ફાળો એકત્રિત કરીને પ્રાઈમિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર ફંડમાં યોગ્ય ફાળો પણ આપે જ છે. માર્કેટમાં મંદિર અને દેરાસર બનાવડાવીને તેમણે વેપારીઓની ધાર્મિક ભાવનાની પણ કદર કરી બતાવી છે. તેથી જ સમગ્ર કાપડ બજારે તેમની કદર કરીને તેમને જીવે ત્યાં સુધી પ્રમુખપદે-લાઈફ ટાઈમ પ્રેસિડન્ટ તરીકે રાખવાનો નિર્ણય કરી લીધો છે.