• 9 October, 2025 - 3:28 AM

શેરબજારના રોકાણમાંથી પ્રાપ્ત થતા લોકપ્રિય અને કરમુક્ત ડિવિડન્ડ પર ચાલુ વર્ષથી ટેક્સ અને ટીડીએસ લાગશે

ree

અત્યાર સુધી ઘણા લોકો શેરબજારમાં રોકાણ એટલે કરતા હતા કે એમાંથી મળતું ડિવિડન્ડ કરમુક્ત હતું. જોકે આકારણી વર્ષ 2017-2018થી આવકવેરાની નવી કલમ 115BBDA હેઠળ કંપની અને ટ્રસ્ટ સિવાયના કરદાતાઓની ડિવિડન્ડની આવક ૧૦ લાખથી વધુ હોય તો વધારાની ડિવિડન્ડની રકમ ઊપર ૧૦ ટકાના દરે ઇન્કમટેક્ષ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ ૧૦ લાખ સુધીની ડિવિડન્ડ આવક કરમુક્ત હોવાથી આ જોગવાઇ સામાન્ય કરદાતાઓને અસર કરતી નહતી.પરંતુ ૨૦૨૦ના નાણાંકીય બિલમાં, ૧ એપ્રિલ ૨૦૨૦થી જાહેર કરાતા કોઇપણ કંપનીના શેર અથવા મ્યુચ્યુઅલ ફંડના યુનિટ ઉપર જાહેર કરાતા ડિવિડન્ડની આવક શેરહોલડરની “Income Form other Sources” શીર્ષક હેઠળ કરને પાત્ર ગણાશે. શેર હોલ્ડરના કરમુક્તિના લાભોની કલમ ૧૦(૩૪) તેમજ ૧૦(૩૫) રદ કરવામાં આવી છે. આ સાથે જ કંપનીઓ તેમજ મ્યુચ્યુઅલ ફંડોને ચૂકવવો પડતો DDT (Dividend Distribution Tax)ને નાબૂદ કરવામાં આવ્યો છે જે ૨૦.૫૫ ટકા હતો. આમ કંપનીઓનું ભારણ ઓછું કરી શેરહોલ્ડરને માથે ટેક્ષ ભરવાની જવાબદારી નાખવામાં આવી. આપણા દેશમાં આશરે ૩૦થી ૪૦ કરોડ શેરહોલ્ડર છે. અને આ તમામ શેરહોલ્ડરો અત્યાર સુધી કરમુક્તિનો આનંદ લેતા હતા અને અચાનક તેમના ઉપર આ કરભારણ આવી ગયું છે. એટલું જ નહીં શેરહોલ્ડરોના માથે ટેક્ષની જવાબદારી ન હોવાથી આવક વેરાનું રિટર્ન ભરતી વખતે ડિવિડન્ડની પૂરી ગણતરી પણ કરતા નહતા કારણ કે ડિવિડન્ડની આવક સીધી જ બેંક ખાતામાં ઇસીએસ દ્વારા જમા થઇ જતી હતી. કેટલાક કરદાતા તો ડિવિડન્ડની આવક તેમના રિટર્નમાં આશરે લખાવતા હતા. હવે આ ડિવિડન્ડની આવક કરપાત્ર બની છે. એટલું જ નહીં, આવકવેરાની કલમ ૧૯૪ હેઠળ ઇક્વીટી તેમજ પ્રેફરન્સ શેરના ડિવિડન્ડની આવક ૫૦૦૦થી વધે તો કંપનીઓ ૧૦ ટકા લેખે ટીડીએસ કરીને પછી ડિવિડન્ડની ચૂકવણી કરશે. એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડો દ્વારા તેના યુનિટ હોલ્ડરોને ચૂકવાતા ડિવિડન્ડમાંથી પણ આવકવેરાની કલમ ૧૯૪-K હેઠળ ડિવિડન્ડની રકમ જો ૫૦૦૦ કરતાં વધુ હોય તો મ્યુચ્યુઅલ ફંડો પણ ૧૦ ટકાનો ટીડીએસ કરીને જ ડિવિડન્ડની ચૂકવણી કરશે. આમ કલમ ૧૯૪ તેમ ૧૯૪-K હેઠળની ઉપરની જોગવાઇ મુજબ ૫૦૦૦ કરતાં વધુ ડિવિડન્ડની આવકમાંથી ટીડીએસ કપાયા બાદ જ ડિવિડન્ડ શેરહોલ્ડરના ખાતામાં ઇસીએસથી જમા થશે. એટલું જ નહીં, કરદાતાના ૨૬AS ફોર્મમાં પણ તમામ કંપનીઓ દ્વારા ચૂકવાતા ડિવિડન્ડની તેમજ મ્યુચ્યુઅલ ફંડોના ડિવિડન્ડની આવક અને ટીડીએસની રકમ જોવામાં આવશે. આથી કરદાતાઓ હવે ડિવિડન્ડની આવક છૂપાવી પણ શકશે નહી. આથી ઘણા નાના શેરહોલ્ડરો કે જેમને ૫ કે ૧૦ હજારની ડિવિડન્ડની આવક છે અને કરને પાત્ર આવક નથી તો તેમણે પણ ડિવિડન્ડમાંથી થયેલ ટીડીએસનું રીફંડ લેવા આવકવેરાનું રિટર્ન ભરવુ જરૂરી બની જશે.. અલબત્ત કલમ ૧૯૭ A(1A) હેઠળ કરેલ જોગવાઇ મુજબ કંપની કે ભાગીદારી પેઢી સિવાયના કરદાતાઓ (સિનિયર સીટીઝન સિવાય) જો તેમની આવક કરીને પાત્ર ન હોય એટલે કે ૨,૫૦,૦૦૦થી ઓછી હોય તો Form NO 15Gનું ડેકલેરેશન ફાઇલ કરી ટીડીએસની મુક્તિ મેળવી શકશે. એવી જ રીતે સીનીયર સીટીઝન કરદાતાએ તેમના કેસમાં જો તેમની આવક 500000થી નીચે થતી હોય તો (કારણ કે 15Hમાં Rebateનો લાભ આપે છે) તો Form NO 15Gનું ડેકલેરેશન ફાઇલ કરી ટીડીએસની કરમુક્તિનો લાભ લઇ શકશે. હવે આ ડિવિડન્ડની આવક માટે કરવા પડતા કોઇ ખર્ચાઓ મજરે આપવામાં આવશે નહીં. ફક્ત જો આવી ડિવિડન્ડની આવક મેળવવા માટે લોન લીધેલ હોય અને વ્યાજની ચૂકવણી કરેલ હોય તો આવું વ્યાજ ડિવિડન્ડ આવકના ૨૦ ટકા સુધી જ મજરે મળશે. આ જોગવાઇથી એનઆરઆઇને કેટલેક અંશે ફાયદો થશે કારણ કે અત્યાર સુધી ભારતમાં ડિવિડન્ડની આવક ટેક્ષ ફ્રી હતી અને NRI આ આવક તેમના દેશમાં બતાવે તો કોઇ (Double taxation avoidance agreement) DDT હેઠળ રીબેટ મળતું નહતું. કંપનીઓએ ભરેલ ૨૦ ટકા ડીડીટી કંપનીઓ ભરતી હોવાથી તે રિબેટ મળતું નહતું પરંતુ હવે ભારતમાં તેઓ ટેક્ષ ભરશે તો તેનું ડીટીએ ક્લેઇમ કરી શકશે અને રિબેટ મેળવી શકશે.

Read Previous

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદોઃ પ્લોટની ખરીદી પર GST નહિ લાગે

Read Next

ભારતમાં કેવું હશે ક્રિપ્ટો કરન્સીનું ફ્યુચર?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular