ઝેન્સાર ટેક લિમિટેડનો AI આધારિત વિકાસ, શેર માટે ખરીદીની ભલામણ
ઝેનસર લિમિટેડના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત કામકાજમાં વધારો થવાની મજબૂત શક્યતા
ઝેન્સાર ટેક લિમિટેડ (ZENT) એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-કૃત્રિમ બુદ્ધિમત્તા(AI) આધારિત વ્યૂહરચનાના કારણે પોતાના વ્યાપારમાં ઝડપી પ્રગતિ કરી રહી કંપનીના તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે કુલ કરાર મૂલ્ય (Total Contract Value-TCV) થકી કંપનીને થતી કુલ આવકમાંથી 20 ટકા આવક તો માત્ર ને માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI આધારિત સેવાઓના માધ્યમથી જ થાય છે. કુલ આવકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી થતી આવકનો હિસ્સો 30 ટકાની આસપાસનો છે.
2025-26ના નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે જૂન 2025ના અંતે કંપનીનું TCV 11.7 ટકા વધીને 172 મિલિયન ડોલર-17.20 કરોડ ડૉલર નોંધાયું. ટેલિકોમ, BFSI (બેન્કિંગ-ફાઇનાન્સ-ઇન્શ્યોરન્સ) અને હેલ્થકેર ક્ષેત્રે કંપનીના કામકાજમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે.. જો કે MCS વિભાગની કામગીરીમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત કંપનીને વિશ્વાસ છે કે બીજા ત્રિમાસિકથી તેમાં પુનઃઉછાળો આવશે. યુરોપ અને આફ્રિકા માર્કેટમાંથી પણ નવેસરથી કામકાજ ચાલુ થવાના સંકેત મળી રહ્યા છે.
કંપની પાસે હાલ 315.7 મિલિયન એટલે કે 31.57 કરોડ અમેરિકી ડોલરનું રોકડ અનામત ભંડોળ છે, આ ભંડોળ ભવિષ્યમાં મર્જર-વિલીનીકરણ અને અક્વિઝિશન-હસ્તાંતરણ (Merger and acquisition-M&A)માં મદદરૂપ બનશે. છેલ્લા ત્રિમાસિકમાં EBITDAM 15.2 ટકા રહ્યો છે. તેની સામે ખર્ચનું દબાણ હોવા છતાં કંપની મધ્યમ સ્તરની માર્જિન જાળવવા મક્કમ છે.
હવે પછી શું થઈ શકે?
FY26 ના પ્રથમ અર્ધવર્ષમાં ટેરિફ દબાણના કારણે MCS ટેક્નોલોજી ખર્ચમાં થોડો ઘટાડો આવી શકે છે. પરંતુ વર્ષના બીજા છ માસિક ગાળામાં આર્થિક પરિસ્થિતિમાં રાહત થતી જોવા મળી શકે છે. પરિણામે ટેકનિકલ કોન્ટ્રાક્ટ વેલ્યુમાં મજબૂત પરિવર્તન જોવા મળી શકે છે. તેમ જ AI આધારિત નવીન ડીલ્સ પર કંપનીનો ફોકસ વધશે. કંપનીનો આ વ્યૂહ કંપનીને માર્કેટમાંના કંપનીના હરીફો-સ્પર્ધકો કરતાં ખાસ્સી આગળ લઈ જશે.
શેરનો ભાવ રૂ. 1130ના મથાળે પહોંચી શકે
ઝેન્સાર ટેક લિમિટેડના નાણાકીય પરફોર્મન્સના વિશ્લેષકોનું માનવું છે કે નાણાંકીય વર્ષ -FY28 સુધીમાં કંપનીનો સરેરાશ ઈપીએસ-શેરદીઠ કમાઈ (EPS) ₹40.3ની સપાટીને આંબી જશે. તેમ જ સુધારેલા PE રેશિયો 28 ગણો થવાની ધારણા છે. તમામ પરિબળોને ધ્યાનમાં લેતા અને તેને આધારે ત્રિરાશી માંડીને ઝેન્સાર લિમિટેડના શેરનો ભાવ ₹1,130ની સપાટીને વળોટી જાય તેવી ધારણા મૂકવામાં આવી રહી છે. પરિણામે રોકાણકારો આ કંપનીના શેર્સમાં લેવાલી કરી શકે છે. લાંબા ગાળાનું એક મજબૂત રોકાણ સાબિત થવાની સંભાવના છે. 9મી સપ્ટેમ્બરે બજારમાં કંપનીના શેરનો બંધ ભાવ રૂ. 773.25નો આવ્યો છે.
પાંચ વર્ષમાં કંપનીના નાણાંકીય પરફોર્મન્સની શક્યતા
ગયા વરસે એટલે કે 2024માં કંપનીની વાર્ષિક આવક રૂ.4900 કરોડની થઈ છે. 2025માં આવક વધીને રૂ. 5280 કરોડ, 2026માં રૂ. 5630 કરોડ, 2027માં રા. 6180 કરોડ અને 2028માં વધીને રૂ. 6920 કરોડને વળોટી જાય તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે.
વાર્ષિક આવકમાં વૃદ્ધિ
આમ વાર્ષિક ધોરણે કંપનીની આવકમાં અનુક્રમે 1.1 ટકા, 7.7 ટકા, 6.6 ટકા, 9.8 ટકા અને 11.4 ટકાનો વધારો 2028-29 સુધીમાં થવાની ધારણા બાંધવામાં આવી રહી છે. તેમ જ વેરા પછીનો કંપનીનો નફો 2024થી 2028ના નાણાંકીય વર્ષ દરમિયાન અનુક્રમે 6.7 ટકા, 6.5 ટકા, 7.2 ટકા, 8.5 ટકા અને 10.1 ટકાના દરે વધવાની ધારણા બાંધવામાં આવી રહી છે.
EPSમાં વધારો જોવા મળશે
આ જ રીતે શેરદીઠ કમાણીમાં પણ આ વરસો દરમિયાન અનુક્રમે 102 ટકા, 2.4 ટકા, 10.6 ટકા, 17.6 ટકા અને 18.4 ટકાનો વધારો થવાની ગણતરીઓ મૂકવામાં આવી રહી છે. આ ગાળામાં કંપનીનું રિટર્ન ઓન ઇક્વિટી-આરઓઈ 18.7 ટકા, 16 ટકા, 15.8 ટકા, 16.7 ટકા અને 18.4 ટકાનું રહેવાનો અંદાજ છે.
R0CE પણ સુધરશે
તેમ જ કંપનીમાં લગાડવામાં આવતી મૂડી પર મળતું વળતર-આરઓસીઈ 20.7 ટકા, 17.6 ટકા, 16.5 ટકા, 17.4 ટકા અને 18.4 ટકાનું રહેવાનો અંદાજ છે. આ ગાળામાં કંપનીનો પ્રાઈસ અર્નિગં રેશિયો અનુક્રમે 16.6 ગણો, 25.5 ગણો, 24.8 ગણો, 21 ગણો અને 17.8 ગણો રહેવાની ગણતરી મૂકવામાં આવી રહી છે.