• 9 October, 2025 - 12:59 AM

યુરિયાના ભાવ તબક્કાવાર વધારવાની કૃષિ ખર્ચ ભાવ આયોગે ભલામણ કરી


– પોષક તત્વોના અસંતુલિત ઉપયોગને અટકાવવા માટે પોટેશિયમ અને ફોસ્ફરસ(P & K)ના ભાવમાં વધારો કરવો જોઈએ.
અમદાવાદઃ ભારતના કમિશન ફોર એગ્રીકલ્ચરલ કૉસ્ટ્સ એન્ડ પ્રાઇસિસ (CACP) એ યુરિયાનો ભાવ તબક્કાવાર રીતે વધારવાની ભલામણ કરી છે. પોષક તત્વોના અસંતુલિત ઉપયોગને અટકાવવા માટે પોટેશિયમ અને ફોસ્ફરસ(P & K)ના ભાવમાં વધારો કરવો જોઈએ.
રવી માર્કેટિંગ સિઝન 2026-27 માટેના ભાવ અંગેના અહેવાલમાં CACPએ જણાવ્યું કે સરકારે લીધેલા પગલાંને કારણે ભારત હવે યુરિયામાં આત્મનિર્ભરતા તરફ વધી રહ્યું છે. છતાં હાલની સબસિડીની વ્યવસ્થાને કારણે ખેડૂતો દ્વારા યુરિયા ખાતરના વપરાશમાં ખાસ્સો વધારો થઈ ગયો છે. પરિણામે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ-NPKનું સંતુલન બગડી રહ્યું છે. યુરિયાના ભાવમાં વધારો કરીને જે સબસિડી બચત થશે, તેનો ઉપયોગ ખેડુતોને ફોસ્ફેટ (P) અને પોટાશ (K) ખાતરો પર વધારાની સબસિડી આપવા માટે કરવો જોઈએ જેથી પોષક તત્વોનe વપરાશમાં અસમાનતા દૂર કરી શકાશે.
યુરિયાનું હાલનું ભાવે
હાલમાં સરકાર ખેડુતોને યુરિયા 45 કિલો બેગ દીઠ રૂ. 242 (નીમ કોટિંગ અને ટેક્સ સિવાય)ના કાયદેસર નક્કી થયેલા દરે પૂરી પાડે છે. તેના પરની ભારે સબસિડીના કારણે અનેક જિલ્લાઓમાં પ્રતિ હેક્ટર 500 કિલોથી વધુ યુરિયાનો ઉપયોગ થતો જોવા મળ્યો છે. ખાસ કરીને આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં અતિરેક વપરાશને કારણે જમીનની ઉર્વરતા અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે.
આયાતથી આત્મનિર્ભરતા તરફ
ભારતની 30 ટકા ખાતરની માંગ આયાતથી પૂરી થાય છે. પરંતુ છેલ્લા દાયકામાં દેશી ઉત્પાદન વધી ગયું છે. યુરિયા ઉત્પાદન 2015-16માં 245 લાખ ટનથી વધી 2023-24માં 314 લાખ ટન સુધી પહોંચ્યું હતું, જોકે 2024-25માં થોડું ઘટીને 306 લાખ ટન થયું છે. યુરિયાની આયાતમાં આ ગાળા દરમિયાન પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે – 2015-16ના 85 લાખ ટનથી ઘટીને 2024-25માં 56 લાખ ટન થયું હતું. આયાતનો હિસ્સો કુલ વપરાશમાં 27.7 ટકાથી ઘટીને 14.6 ટકા રહ્યો છે.
જમીનની સમસ્યાઓ
CACPએ ચેતવણી આપી છે કે માઇક્રો-ન્યુટ્રિઅન્ટની ઉણપ, કાર્બન ઘટતો સ્તર, ખાતરના અતિશય વપરાશ અને વધી રહેલી સબસિડી કૃષિ માટે પડકાર બની રહ્યા છે. આ માટે માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ અને બાયો-ફર્ટિલાઇઝર્સના ઉપયોગ અંગે દેશવ્યાપી જાગૃતિ અભિયાન ચલાવવાની ભલામણ થઈ છે.
પ્રાકૃતિક ખેતી તરફ વળો
રાસાયણિક ખાતરના ઉપયોગને પરિણામે માનવને ડાયાબિટીસ, કેન્સર સહિતના અનેક રોગ થઈ રહ્યા છે. આ સંજોગોમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવું વધારે હિતાવહ છે. પ્રાકૃતિક ખેતી કરવામાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો વપરાશ બંધ થઈ જતો હોવાથી ખેતી કરવાનો ખર્ચ ઓછો આવે છે. તેમ જ રસાયણ મુક્ત ઉપજોનું ગોપકા પાસેથી સર્ટિફિકેશન મેળવવામાં આવે તો તેને પરિણામે ખેતઉપજના નોર્મલ ઉપજ કરતાં બજારમાં દોઢા ભાવ મળી શકે છે. તેમાં ગાયના છાણ અને ગોમૂત્રનો તથા વનસ્પતિમાંથી બનાવવામાં આવતા જંતુનાશકોનો જ ઉપયોગ થતો હોવાની માનવ આરોગ્યને રક્ષણ આપે છે. તેથી તેનો વપરાશ કરનારાઓનો વર્ગ સતત વધી રહ્યો છે.
સરકારના પ્રયાસો
સરકારે પહેલેથી જ અનેક યોજનાઓ શરૂ કરી છે – PM-PRANAM, ગોબરધાન, નાનો ખાતર તથા બાયો ખાતરનો પ્રચાર – જેનાથી જમીનની તંદુરસ્તી અને સંતુલિત ખાતર વપરાશ પ્રોત્સાહન મળે છે. આયોગે સલાહ આપી છે કે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીઓ મજબૂત બનાવવી, આધુનિક સાધનો લગાવવા અને કર્મચારીઓને તાલીમ આપવી જોઈએ જેથી ખેડુતોને રિયલ ટાઇમ સલાહ મળી રહે.
હાલની પરિસ્થિતિ
આ ચાલી રહેલા ખરીફ સિઝનમાં અનેક રાજ્યોમાં યુરિયાની અછતનો અનુભવ થઈ રહ્યો છે. આ વરસે સામાન્ય કરતાં સારુ ચોમાસું રહેવાને કારણે અતિશય વધુ રાયાણિક ખાતરનો વપરાશ થવાની શક્યતા છે. તેમ જ ચીન દ્વારા નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ અને ભૂભૌગોલિક તંગદિલીથી વધેલા ભાવ પણ તેને માટે જવાબદાર ગણાય છે.

Read Previous

જીએસટીના દર ઘટયા પણ કાચા માલ પરના જીએસટીના દર વધી જતાં નોટબુકના ભાવ ઘટાડવામાં મુશ્કેલી

Read Next

ED ચાર્જશીટ: ભાજપના ધારાસભ્યના સંબંધીએ કરી કોમોડિટીઝ છેતરપિંડી, 95.66 કરોડ રૂપિયાની ઉચાપત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular