• 9 October, 2025 - 1:00 AM

ઉદ્યોગપતિઓને નફાની બે ટકા રકમ સ્કીલ ડેવલપમેન્ટ માટે ખર્ચવાની ફરજ પાડશે

ગુજરાત સરકારની તૈયાર થઈ રહેલી નવી ઉદ્યોગ નીતિ

  • કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં ફાળવવામાં આવતા નફાના બે ટકાની રકમના 10થી 20 ટકા નાણાં પણ કામદારોની કુશળતા માટે ખર્ચવાની કંપનીઝ એક્ટમાં જોગવાઈ

અમદાવાદઃ ગુજરાત સરકારની નવી તૈયાર થઈ રહેલી ઉદ્યોગ નીતિ(New industrial polic of Gujarat)માં ઉદ્યોગોને કાર્યકુશળ માનવ બળની પડતી અછત દૂર કરવા માટે ઉદ્યોગોને તેમના કુલ નફાની બે ટકા રકમ(Two percent of profit) સ્કીલ ડેવલપમેન્ટ માટે કરવાની ફરજ પાડવામાં આવશે. તેમની ફેક્ટરીમાં કામ કરતાં કર્મચારીઓની સ્કીલ-કુશળતાને અપગ્રેડ કરવા માટે પણ તેમણે આ નાણાંનો ઉપયોગ કરવો પડશે.

દરેક સેક્ટર માટે સ્કીલ્ડ એટલે કે કાર્યકુશળ માનવ બળ નિર્માણ(Skilled manpower) કરવા માટે જે તે સેક્ટરને એકમોને વિશેષ પ્રોત્સાહનો પણ આપવામાં આવશે. ઉદ્યોગ અને ખાણખનિજ ખાતાના સહયોગમાં શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાતમાં ઉદ્યોગોને સરળતાથી કાર્યકુશળ માનવ બળ મળી રહે તે માટે નવતર આયોજન પણ કરી રહ્યું છે.

ગુજરાત રાજ્ય ભાવિ ઉદ્યોગ માટે પોતાને સજ્જ કરવાનું કામ પણ આ આયોજનના માધ્યમથી કરી રહ્યું છે. ભવિષ્યમાં નવા ઉદ્યોગો માટે વધુ કાર્યકુશળ માનવબળની જરૂર ઊભી થશે. 2030 સુધીમાં ગુજરાતમાં નવા એક કરોડ કાર્યકુશળ કામદારોની જરૂર ઊભી થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. (sector wise skill development)તેઓ અત્યાર કાર્ય કુશળ કારીગરીનો ફૂજ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેને માટે સક્રિય ઉદ્યોગોનો સહકાર પણ મેળવવાની ગણતરી રાખી રહ્યા છે.

તેથી હવે સરકારની દરેક ઉદ્યોગ નીતિમાં દરેક ક્ષેત્રના ઉદ્યોગમાં સ્કીલ ડેવલપમેન્ટ પર જ ફોકસ કરવામાં આવશે. સ્કીલ ડેવલપમેન્ટના ખર્ચને પ્રોજેક્ટ કોસ્ટનો જ હિસ્સો ગણવામાં આવશે. રૂ. 1000 કરોડથી વધુનું મૂડીરોકાણ કરનારા ઉદ્યોગો સાથે સમજૂતી કરાર કરવામાં આવશે તો તેની તાશેજ તેમની પ્રોજેક્ટ કોસ્ટના 1થી 2 ટકા રકમ કાર્યકુશળ માનવ બળ તૈયાર કરવા માટેની માળખાકીય સુવિધા ઊભી કરવા માટે ખર્ચવાની શરત મૂકવામાં આવશે. ગુજરાતના ઉદ્યોગો આગામી પાંચેક વર્ષમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરવા માગે છે. નફો કરતી કંપનીઓએ તેમના નફાની રકમના 2 ટકા રકમ સીએસઆર તરીકે ખર્ચવાની છે. આ રકમનો કારીગરોની કુશળતા અપગ્રેડ કરવા એટલે કે સુધારવા માટે પણ ખર્ચ  કરી શકાશે.

વરસોથી કુશળ માનવ બળ તૈયાર કરવાનું સર્જન ફાઉન્ડેશન-અમિરગઢ(Sarjan Foundayion-Amirgarh)ના ટ્રસ્ટી શૈલેશ પટવારીનું કહેવું છે કે સરકાર કાર્યકુશળ માનવ બળ તૈયાર કરવા માટે ઉદ્યોગો પાસેથી અલગ ભંડોળ કરાવે તે આવકાર્ય છે. પરંતુ આ ભંડોળ ખરેખર તો નિષ્ઠાવાન ટ્રસ્ટને સોંપવું જોઈએ. કંપનીઓએ તે જ ટ્રસ્ટને ભંડોળ આપીને પોતાના અભ્યાસક્રમ આપવા જોઈએ. તેમના અભ્યાસક્રમ પ્રમાણે ટ્રસ્ટો માનવ બળ તૈયાર કરી રહ્યા છે કે નહિ તેની સતત મોનિટરિંગ ભંડોળ આપનારી કંપનીએ ખુદ જ કરવું જોઈએ. દર પખવાડિયે કે મહિને તેનું મોનિટરિંગ કરીને માનવ બળ તૈયાર થાય તેવા તેને તેમની કંપનીમાં નોકરી પણ આપી દેવી જોઈએ. આમ કંપનીને જોઈતું કાર્યકુશળ માનવ બળ આપો આપ જ મળી રહેશે. નાણાં વેડફાશે નહિ. કાર્યકુશળ માનવ બળ માટે ફાળવેલો પૈસો ઉગી નીકળશે.

કંપનીઝ એક્ટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના કુલ ભંડોળમાંથી 10થી 20 ટકા રકમ તો કામદારોની કાર્યકુશળતા વધારવા માટે ખર્ચ કરવો જરૂરી છે. કારીગરોની કુશળતા વધારવાનું કામ કરતી શિક્ષણ સંસ્થાઓના સહયોગમાં પણ ઉદ્યોગો આ કામ કરે તેવી શક્યતા રહેલી છે. વિશેષ કાર્યકુશળતા ધરાવતા કારીગરો તૈયાર કરવા માટે ગુજરાત સેક્ટર સ્કીલ ટાસ્કફોર્સની રચના પણ કરવામાં આવશે.

Read Previous

130 એકરમાં ફેલાયેલી સહારા સિટીને સીલ કરી દેવાઈ, વસાહતના બદલે ઉભી કરી દેવાઈ હતી આલિશાન હવેલી

Read Next

ગુજરાત સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ, કર્મચારીઓને 7 હજારની મર્યાદામાં બોનસ ચુકવાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular