• 8 October, 2025 - 7:47 PM

સુરેન્દ્રનગર-બાવળાની કંપનીને ખાંસીની સિરપની બેચ પાછી ખેંચવા ગુજરાત સરકારનો આદેશ

 

ગુજરાત સરકારે મંગળવાર સાતમી ઓક્ટોબરના અમદાવાદની એક અને સુરેન્દ્રનગરની એક મળીને ગુજરાતની બે કંપનીઓને તેમણે બજારમાં મુકેલી ખાંસીની સિરપનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સિરપ યોગ્ય ગુણવત્તા વાળી ન હોવાથી એટલે કે નૉટ ઑફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી-(Not of standard-NSQ) હોવાથી સિરપ પાછી ખેંચી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રસ્તુત જાહેરાત કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલી રેડનેક્સ ફાર્માસ્યુટિકલ પ્રા. લિ.(Rednex pharmaceuticals private Limited)ની રેસ્પિફ્રેશ ખાંસીની સિરપ અને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીમાં આવેલી શેપ ફાર્મા પ્રા. લિ.ની (Shape pharma private Limited)રિલાઇફ કફ સિરપના નમૂનાઓ “NSQ” જાહેર થયા હતા. તેથી બંને કંપનીઓની રિસ્ક આધારિત સંયુક્ત તપાસ 3થી 5 ઑક્ટોબર દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન(CDSCO)ના દવા નિરીક્ષકો દ્વારા કરવામાં આવી હતી.આ સંયુક્ત તપાસમાં આવેલી વિવિધ ખામીઓના આધારે, તપાસ ટીમે શેપ ફાર્મા પ્રા. લિ. અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.ને તાત્કાલિક દવાનો ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અલબત્ત તપાસ દરમિયાન બંને કંપનીઓના એકમો પર અન્ય કોઈ પણ NSQ એટલે કે નબળી ગુણવત્તાવાળી દવાઓ મળી આવી ન હતી.

નબળી ગુણવત્તાની દવાઓ મળી

તપાસ ટીમે બંને કંપનીઓને એનએસક્યુ દવાઓની માત્રા તાત્કાલિક બજારમાંથી પાછી ખેંચી લેવાનો આદેશ આપ્યો છે. તેમાં રેસ્પિફ્રેશ સિરપની બેચ નંબર R01GL2523 અને રિલાઇફ સિરપની બેચ નંબર LSL25160નો સમાવેશ થાય છે. આ બંને બ્રાન્ડની બેચ “NSQ” કેવી રીતે મળી તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. FDCAના ઇન-ચાર્જ કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચરણ અને સંયુક્ત કમિશનર હિતેશ રાવતની પણ આ સૂચના હોવાનું માનવામાં આવે છે. તમામ સહાયક કમિશનરોને તેમના અધિકારક્ષેત્રની તમામ ઓરલ લિક્વિડ અથવા ખાંસીની સિરપ બનાવતી કંપનીઓની સંપૂર્ણ અને કડક તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં બીજા ત્રણ નમૂના લેવાયા

તપાસ દરમિયાન સાવચેતીના ભાગરૂપે, શેપ ફાર્મા પ્રા. લિ.ની અન્ય ખાંસીની ત્રણ સિરપના અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.ની અન્ય 11 ખાંસીની સિરપના નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ 14 નમૂનાઓ સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. કંપનીઓએ ઉપયોગમાં લીધેલા પાણીની ગુણવત્તા, કાચા માલનું સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ પદ્ધતિ અને અન્ય મહત્વપૂર્ણ બાબતોની વિગતવાર તપાસ કરવામાં આવશે. તપાસ અધિકારીઓને ઓછામાં ઓછા પાંચ અલગ અલગ બ્રાન્ડની ઓરલ લિક્વિડ અથવા ખાંસીની સિરપના નમૂનાઓ લેવા અને વડોદરા લેબોરેટરીમાં તાત્કાલિક પરીક્ષણ માટે મોકલવા પણ સૂચના આપવામાં આવી છે. તેમ જ અસુરક્ષિત બેચ બજારમાં ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવશે.

ગુજરાતમાં કુલ 624 લાઇસન્સ ધરાવતી ઓરલ લિક્વિડ દવા ઉત્પાદક કંપનીઓ છે, જે પોતાની દવાઓ રાજ્યની અંદર તેમજ બહાર અધિકૃત વિતરકો મારફતે સપ્લાય કરે છે. તેના પ્રોડક્ટ્સની ગુણવતાત પર પણ નજર રાખવામાં આવે તેવી સંભાવના છે.

દેશમાં કફ સિરપના કારણે અત્યાર સુધીમાં 21 બાળકોના મોત થયા હોવાથી ગુજરાતથી લઈને MP-UPમાં લાગ્યો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ લેવાથી અનેક બાળકોના મૃત્યુ બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવાની સલાહ આપતી એક એડવાઇઝરી પણ જાહેર કરી છે. બીજી તરફ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કફ સિરપના કારણે 21 બાળકોના મોત થયા છે, જેમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં થયા છે. મધ્ય પ્રદેશના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે આ પાછળનું કારણ ગુજરાતમાં બનેલી બે કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલ(DEG)નું પ્રમાણ મર્યાદા કરતાં અનેકગણું વધારે હોવાનું છે.

માનવ અધિકાર પંચે રાજ્ય સરકારોને નોટિસ આપી

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની સરકારોને નોટિસ પાઠવી છે, જેમાં તેમને દૂષિત કફ સિરપથી બાળકોના મૃત્યુના આરોપોની તપાસ કરવા અને નકલી દવાઓના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. કફ સિરપથી બાળકોના મૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની દેખરેખ હેઠળ દવાઓના ઉત્પાદન, પરીક્ષણ અને વિતરણની તપાસની માગ કરી છે. આ સાથે બાળકોના મૃત્યુની તપાસ CBIને સોંપવાની પણ માગ કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે જારી કરી ચેતવણી

મહારાષ્ટ્ર FDA એ જાહેર ચેતવણી જારી કરી છે કે Respifresh TR અને Relife કફ સિરપમાં સલામત મર્યાદાથી વધુ ઝેરી ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) હોય છે. તેમનું વેચાણ, વિતરણ અથવા ઉપયોગ પ્રતિબંધિત છે અને લાઇસન્સધારકોએ તાત્કાલિક કોઈપણ સ્ટોકની જાણ કરવી પડશે.

પંજાબમાં કોલ્ડરિફ કફ સિરપ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં થયેલા મૃત્યુને ધ્યાનમાં રાખીને પંજાબના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટરે આ નિર્ણય લીધો છે.  કેરળે પણ કોલ્ડરિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના આરોગ્યમંત્રી વીના જ્યોર્જે મંગળવારે (7 ઓક્ટોબર, 2025) જણાવ્યું હતું કે કફ સિરપના સંચાલન અંગે રિપોર્ટ રજૂ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

Read Previous

હવે UPI પર ચહેરા, ફિંગરપ્રિન્ટ કે શરીર પર પહેરેલી કોઈપણ વસ્તુથી ઓળખ આપી પેમેન્ટ કરી શકાશે

Read Next

ઓરિયેન્ટ ટેક- ORIENT TECH અને RBL BANK – આરબીએલ બેન્કના શેરમાં કમાણી થઈ શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular