• 23 November, 2025 - 8:30 AM

રિઝર્વ બેન્કે ક્લેઈમ ન કરાયેલી થાપણો સ્વજનો સુધી પહોંચાડવા ગેટ વે લોન્ચ કર્યો

તમારા સ્વજનના પૈસા બેન્કમાં પડી રહ્યા છે, તમને તેની ખબર નથી? બેન્ક એકાઉન્ટમાં અંદાજે રૂ. 75000 કરોડ અન્ય સંસ્થાઓમાં મળીને રૂ. 1.84 લાખ કરોડ ક્લેઈમ કર્યા વિના પડ્યા રહ્યા છે.

 

અમદાવાદ: રિઝર્વ બેન્ક, સેબી-સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને ઇરડાઈ-ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી સાથે મળીને બેન્ક ખાતામાં, શેરબજારમાં કે પછી વીમા કંપનીઓના ક્લેઈમના પડી રહેલા પૈસા લોકોને પાછા મળે તે માટે  ઑનલાઇન પ્લેટફોર્મો બનાવી રહી છે. ત્રણેય સંસ્થાઓએ મળીને અનક્લેઈમ્ડ ડિપોઝિટ્સ ગેટવે (UDAAP – Unclaimed Deposits Gateway) લોન્ચ કર્યો છે. કોઈ વ્યક્તિનું નામ, જન્મ તારીખ અને બેંકનું નામ દાખલ કરીને તપાસી શકો છો કે તેના નામે કોઈ ક્લેઈમ કર્યા વિનાની રકમ પડી છે કે નહિ. મૃત સ્વજનના ખાતામાં પૈસા પડ્યા હશે તો તેની માહિતી તમને ઓનલાઈન ચકાસણી કરવાથી મળી જશે. ત્યારબાદ તે રકમનો ક્લેઈમ કરી શકાશે.

કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે દાવો ન કર્યો હોવાથી બેન્કમાં કે અન્ય સંસ્થાઓમાં પડી રહેલા નાણાં લોકોને પરત અપાવવા માટે આપકી પૂંજી આપકા અધિકારના નામથી એક અભિયાન પણ ચાલુ કર્યું છે. બેન્ક ઉપરાંત વીમા કંપની, શેરબજાર સાથે સંકળાયેલી કંપનીઓની વાત કરીએ તો ક્લેઈમ કર્યા વિના પડી રહેલા કુલ નાણાં 1.84 લાખ કરોડ છે. ઈન્શ્યોરન્સ સેક્ટરમાં રૂ. ૧૪,૦૦૦ કરોડથી વધુ, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રૂ. ,૦૦૦ કરોડથી વધુ, તેમ જ ક્લેઈમ ન કરેલા ડિવિડન્ડના રૂ.,૦૦૦ કરોડ અને આશરે રૂ. 19000 કરોડના અંદાજિત મૂલ્યના ૧૭૨ કરોડ શેરો ક્લેઈમ કર્યા વિના જ પડ્યા રહ્યા છે. RBIનું UDGAM પોર્ટલ (https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login) 30 બેંકોની અનક્લેઈમ્ડ ડિપોઝિટ પરત મેળવવા માટે તપાસ કરવાની સુવિધા આપે છે. RBI એ Scheme for Facilitating Accelerated Payout of Inoperative Accounts and Unclaimed Deposits શરૂ કરી છે. આ યોજના ઓક્ટોબર 2025થી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. અનક્લેઈમ ડિપોઝિટના એકાઉન્ટને ફરીથી સક્રિય કરનારી બેન્કોને ઇનામ આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ભારત સરકારના આંકડાં મુજબ 2023માં કરેલી ગણતરી મુજબ ભારતીય બેન્કોમાં ક્લેઈમ કર્યા વિનાના રૂ. 75,000 કરોડ પડ્યા છે. આ નાણાં ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે મૂકેલા કે પછી કરન્ટ એકાઉન્ટમાં રહી ગયેલા નાણાં છે. સેવિગ્સ એકાઉન્ટમાં પડી રહેલા જોવા મળ્યા છે. રોકાણ કરીને પરિવારને જાણ ન કરનારાઓના ભારતીય બેન્કોમાં, વીમા કંપનીઓની પોલીસીના, શેર બજારની કંપનીઓમાં રોકેલા નાણાં ક્લેઈમ કર્યા વિના પડ્યા રહ્યા છે. પરિણામે આજે ઘણાં પરિવારજનો ઘરના મોભીની ચિરવિદાય પછી આર્થિક ભીંસમાં જીવતા હોવા છતાંય તેમના હકના નાણાં પરિવારના મોભીની ભૂલને કારણે તેમના સુધી પહોંચતા જ નથી. હવે આ નાણાં તેમના સુધી પહોંચવાનો માર્ગ ખૂલ્યો છે.

સામાન્ય રીતે બેન્ક એકાઉન્ટમાં દસ વર્ષ સુધી કોઈ જ વહેવાર ન થાય તો તેને નિષ્ક્રિય એકાઉન્ટ ગણી લેવામાં આવે છે. તેમાં પડેલા નાણાં રિઝર્વ બેન્કમાં જમા થઈ જાય છે. આ જ રીતે વીમાના સેક્ટરમાં પોલિસીધારકના મૃત્યુ પછી તેના નૉમિનીઓએ તેમના વીમાની રકમ માટે દાવો ન કર્યો હોય તેવી રકમ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ્સશેર ડિવિડન્ડ, અને સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં પણ લાખો ખાતાઓમાં રકમ પડી રહી છે. આ નાણાંનો કોઈ ક્લેઈમ ન કરે તો તેનો ઉપયોગ ડિપોઝિટર્સ એજ્યુકેશન અને અવેરનેસ માટે ઉપયોગ કરવામાં આવે છે.

તમે ક્લેઈમ કરતાં પહેલા પોર્ટલ પર ચકાસણી કરી શકો

લોન્ચ કરવામાં આવેલા પોર્ટલ https://udaap.rbi.org.in પર જઈને  ગ્રાહક નામ પૂરું નામ અથવા આંશિક નામ, જન્મ તારીખ, ખબર હોય તો PAN નંબર, બેંક નામ, કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે.

તમે શોધ કરો તેના પરિણામરૂપે જો કોઈ ખાતું હશે તો તે સંબંધિત બેંક નામ અને શાખાની વિગતો ઉપર આવી જશે. આ વિગતોની પ્રિન્ટ કાઢીને કે સ્ક્રિન શોટ લઈને બેન્કનો સીધો સંપર્ક કરી શકો છો અને દાવો કરવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો.

દાવો કરવા માટે જરૂરી દસ્તાવેજો

જો તમારા મૃત સ્વજનને નામે ખાતું હોય તો કે પછી તમારી એક શહેરમાંથી બીજા શહેરમાં બદલી થઈ હોય અને તમે તે શહેરના ખાતામાં પડેલી રકમ ઉપાડવાનું ભૂલી ગયા હોવ અને અચાનક તમને યાદ આવે તો તે તમે ઉપરોક્ત પોર્ટલ પર શોધી શકો છો. આ રીતે ખાતેદારનું નામ-ઠામ શોધી લીધા પછી તેમાં પડેલી રકમનો ક્લેઈમ કરવા માટે પાનકાર્ડ કે આધારકાર્ડ જેવા માન્યતા ધરાવતા સરકારી ઓળખપત્રો, જૂની પાસબુક, ફિક્સ્ડ ડિપોઝિટની રિસીપ્ટ, બેન્ક ખાતાનો ઉતારા સહિતની વિગતો આપવી જરૂરી છે. મૃત વ્યક્તિના વારસદારો કે નોમિની પૈસા માટે દાવો કરે તો તેમણે સરનામાનો પુરાવો, મૃત્યુનું પ્રમાણપત્ર, નૉમિનેશન ડોક્યુમેન્ટ અથવા કાયદેસરના વારસદાર હોવાના પુરાવાઓ રજૂ કરવાના હોય છે. બેંક આ દસ્તાવેજો તપાસીને તમે દાવો કરેલ રકમ અથવા FD ટ્રાન્સફર કરે છે. જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી બેંક RBI ના DEAF ફંડમાંથી તે રકમ તમને ફરી અપાવે છે.

 

બેન્કે ખાતેદારના સ્વજનોને ચાર ટકા વધુ વ્યાજ ચૂકવવું પડશે

RBIના નવા Settlement of Claims Directions, 2025 મુજબ, જો બેંક 15 દિવસથી વધુ સમય સુધી ડિપોઝિટ દાવો ચૂકવવામાં વિલંબ કરે, તો તે સમયગાળા માટે બેંકને બેંક રેટ કરતાં ઓછામાં ઓછા 4% વધારાનું વ્યાજ ચૂકવવું પડશે. બેન્ક લોકર ધરાવનારનું અવસાન થાય કે પછી કોઈ નોમિની-nominee (નામાંકિત) નોંધાયેલો ન હોય, ત્રણ વર્ષથી લોકર ભાડું (rent) ચૂકવાયેલું ન હોય અથવા લોકરની ચાવી ગુમ થઈ ગઈ હોય તેવા કિસ્સામાં લોકર નિષ્ક્રિય પડી રહે છે. આવા કિસ્સામાં બેંકો પૂર્વ સૂચના આપીને લોકર ડ્રિલ કરી શકે છે, તેની સામગ્રી સીલ કરીને સુરક્ષિત કસ્ટડીમાં રાખી શકે છે, જ્યાં સુધી યોગ્ય દાવેદાર આગળ ન આવે ત્યાં સુધી તે વસ્તુઓ બેન્કના કબજામાં જ રહે છે. આ પ્રકારે બહુ જ મોટા મૂલ્યની કિંમતી વસ્તુઓ ક્લેઈમ કર્યા વિનાની પડી છે. જો કોઈ nominee નોંધાયેલ ન હોય, તો કાનૂની વારસદારોને succession certificateprobate અથવા કોર્ટ ઓર્ડર સાથે સંબંધનો પુરાવો રજૂ કરવો પડે છે. યોગ્ય ચકાસણી બાદ જ બેંક સામગ્રી સોંપે છે.

 

ઇન્શ્યોરન્સ પોલિસીઓ (Insurance Policies)

ઘણાં કિસ્સાઓમાં  ઇન્શ્યોરન્સ પેઆઉટની રકમ પણ ક્લેઈમ ન કરાતી હોવાનું જોવા મળે છે. પોલિસી પાકે ત્યારે મળવાપાત્ર રકમ ગ્રાહક ઉપાડતો નથી કે ઉપાડવાનું ભૂલી જાય છે. તેમ જ વીમા પોલીસી ધારકનો મૃત્યુ દાવો (death claim) ક્યારેય દાખલ થતો નથી, અથવા સર્વાઇવલ લાભ (survival benefit) પાછો આવી જાય છે. તેનું એક કારણ એ પણ છે કે પોલિસી સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ નિષ્ક્રિય થઈ ગયું છે. આ પ્રકારની બાકી રકમો 10 વર્ષ સુધી ઇન્શ્યોરન્સ કંપની પાસે રહે છે અને ત્યારબાદ તેને Senior Citizens’ Welfare Fund (SCWF) માં ટ્રાન્સફર કરવામાં આવે છે.
પરંતુ, આ ટ્રાન્સફર પછી પણ દાવો કરનાર વ્યક્તિ અથવા વારસદાર સંબંધિત ઇન્શ્યોરન્સ કંપની મારફતે રકમ મેળવવા પાત્ર રહે છે. IRDAI (Insurance Regulatory and Development Authority of Indiaના નિયમો મુજબ, દરેક ઇન્શ્યોરન્સ કંપનીએ તેમની વેબસાઇટ પર એક ઓનલાઇન શોધ સુવિધા પ્રદાન કરવી ફરજિયાત છે,

તેના કાયદેસરના લાભાર્થી વીમા ધારકનું નામ, જન્મ તારીખ, PAN નંબર, આધાર નંબર, પોલિસી નંબર, ઉપરાંત, IRDAIનું બીમા ભરોસા પોર્ટલ”  (https://bimabharosa.irdai.gov.in/Home/UnclaimedAmount) શોધી શકે છે. તેના પર દરેક વીમા કંપનીની લિન્ક મળી જાય છે. તેના પરથી વિગતો શોધીને વીમાધારકના સ્વજનો ઓળખનો પુરાવો (ID proof), પોલિસી બોન્ડ, બેંક ખાતાની વિગતો, મૃત્યુ દાવા માટે: મૃત્યુ પ્રમાણપત્ર અને તેમની સાથેના સંબંધ અથવા નામાંકનનો કે નોમિનેશનનો પુરાવો મૂકી રકમ ક્લેઈમ કરી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રિડેમ્પશન પેઆઉટ અથવા ડિવિડન્ડ અનક્લેઈમ્ડ રહે છે. કેટલાક કિસ્સામાં ડિવિડંડની ચુકવણીની રકમ પાછી આવી જાય છે. બેંક એકાઉન્ટ બંધ હોવાને કારણે અથવા સરનામું કે પછી KYC વિગતો જૂની હોવાને કારણે ડિલિવરી નિષ્ફળ જાય છે. કેટલાક કિસ્સામાં, રોકાણકારો અથવા તેમના વારસદારો ફોલિયો (folio) ભૂલી જાય છે. પરિણામે તેમના ખાતાઓ વર્ષો સુધી અક્રિય (inactive) રહે છે.

આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે, SEBI (Securities and Exchange Board of India) એ 12 ફેબ્રુઆરી 2025ના રોજ એક સર્ક્યુલર બહાર પાડ્યો છે જેમાં Mutual Fund Investment Tracing and Retrieval Assistant (MITRA) શરૂ કરવામાં આવ્યું છે. MITRA, CAMS અને KFintech દ્વારા વિકસાવાયેલ એક ઉદ્યોગવ્યાપી (industry-wide) તપાસ કરવા માટેનું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર તમામ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની અનક્લેઈમ્ડ રકમના નિષ્ક્રિય થઈ ગયેલા ફોલિયોની માહિતી મળી જાય છે.

તેને એક્સેસ કરવા MF Central (https://app.mfcentral.com/links/inactive-folios) પર સર્ચ કરી શકાય છે. દાવેદારે AMC (Asset Management Company) અથવા RTA (Registrar & Transfer Agent) પાસે નીચેના દસ્તાવેજો સાથે અરજી કરવી જોઈએ. આ દસ્તાવેજોમાં ફોલિયો નંબર અને વિગત, PAN અને આધાર નંબર, બેંક ખાતાનો પુરાવો, મૃત્યુ પામેલી વ્યક્તિના પૈસા ક્લેઈમ કરવા માટે મૃત્યુનું પ્રમાણપત્ર અને nominee/વારસદાર દસ્તાવેજો રજૂ કરવાના હોય છે. આ દસ્તાવેજોની અને ખાતેદારની વિગતોની ચકાસણી કરીને પછી જ રકમ ચૂકવવામાં આવે છે.

શેર, ડિવિડન્ડ અને પેન્શન યોજનાઓ

જો કોઈ વ્યક્તિએ શેર ખરીદ્યા હોય અને લાંબા સમય સુધી ડિવિડન્ડ, બોનસ અથવા સ્પ્લિટ શેર નો દાવો ન કર્યો હોય તો તેવી રકમ પણ તેમના જીવિત સ્વજનો કરી શકે છે. અનપેક્ષિત ડિવિડન્ડ, શેર વેચાણની બાકી રકમ, ડિપોઝિટ અથવા ડેબેન્ચર પર વ્યાજ, રિફંડ ન મેળવેલી એપ્લિકેશન રકમ માટે દાવો કરી શકાય છે. રોકાણકાર સાત વર્ષ સુધી આ રકમનો દાવો ન કરે, તો તે સ્વચાલિત રીતે IEPF માં જતી રહે છે. પરંતુ, યોગ્ય દસ્તાવેજો સાથે તમે તે રકમ અને શેર બંને પાછા મેળવી શકો છો. અનક્લેઈમ્ડ એમાઉન્ટ ક્લેઈમ કરવા માટે https://www.iepf.gov.in/IEPFA/refund.htmlમાં જઈને રોકાણકારનું નામ,  કંપનીનું નામ, શેર કે ડિવિડન્ડ આપ્યાનું વર્ષની વિગતો ભરતાં અનક્લેઈમ્ડ એમાઉન્ટની વિગતો મળશે. આ વિગતો મળે એટલે તમે “Form IEPF-5” ઑનલાઇન ભરવાનું રહેશે અને સંબંધિત કંપનીને જરૂરી દસ્તાવેજો સાથે મોકલવાનું રહેશે. તેની સાથે ઓળખ અને સરનામાનો પુરાવો, PAN અને Aadhaar કાર્ડ, શેર સર્ટિફિકેટ અથવા ડીમેટ એકાઉન્ટ સ્ટેટમેન્ટ, રિફંડ મેળવવા રદ ચેક, નૉમિનેશન કે વારસદાર હોવાનું પુરવાર કરતો દસ્તાવેજ રજૂ કરવો પડે છે. આ વિગતો મળ્યા પછી કંપની આ અરજીની તપાસ કરીને તે માહિતી IEPF ઓથોરિટી સુધી મોકલે છે, જે પછી તમારો ક્લેઇમ મંજૂર થાય છે અને રકમ અથવા શેર તમારા ખાતામાં જમા થાય છે.

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ (EPF/NPS)

હજારો કર્મચારીઓ નિવૃત્તિ પછી પોતાના Employees’ Provident Fund (EPF) અથવા **National Pension System (NPS)**ના બાકી ફંડનો દાવો કરવાનું ચૂકી જાય છે. ક્યારેક જાણ ન હોવાને કારણે, તો ક્યારેક નોકરી બદલ્યા પછી જૂનો ખાતો છૂટી જવાથી ક્લેઈમ કરવાનું રહી જાય છે. ક્લેઈમ કરવા માટે  https://www.epfindia.gov.in પર જવું પડે છે. Member Passbook અથવા “Claim Status” વિભાગમાં તમારા UAN નંબર અને પાસવર્ડ દાખલ કરો. જો કોઈ બાકી રકમ છે, તો તમે “Form 19” (EPF Final Settlement) અથવા “Form 31” (Partial Withdrawal) ઑનલાઇન સબમિટ કરી શકો છો. જો ખાતાધારકનું અવસાન થયું હોય, તો નૉમિની અથવા વારસદારે નીચેના દસ્તાવેજો સાથે દાવો કરી શકે છે: તેને માટે મૃત્યુ પ્રમાણપત્ર, નૉમિનેશન ડીટેઇલ્સ, કાયદેસરના વારસ હોવાનું પ્રમાણપત્ર, નોમિનીના કેવાયસી અને બેન્ક ખાતાનો પુરાવોરજૂ કરવાન હોય છે. ત્યારબાદ કરેલો દાવો EPFO સામાન્ય રીતે 20 દિવસમાં પૂર્ણ કરે છે. NPS (National Pension System) માટે https://cra-nsdl.com પર જઈને તપાસ કરી શકે છે. તેની સાથે PRAN (Permanent Retirement Account Number.PAN કે Aadhaar નંબર, નૉમિનીની ઓળખ અને સરનામાનો પુરાવો રજૂ કરવાના હોય છે. PFRDA નિયમ મુજબ, યોગ્ય દસ્તાવેજો રજૂ કર્યા પછી ફંડની રકમ અથવા પેન્શન હિસ્સો નૉમિનીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

સ્મોલ સેવિંગ્સ અને પોસ્ટ ઓફિસ સ્કીમ્સ

(A) સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ

ભારતમાં લોકો સ્મોલ સેવિંગ્સ અને પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં નાણાં જમા કરે છે. આ યોજનાઓમાં NSC (National Savings Certificate), PPF (Public Provident Fund), MIS (Monthly Income Scheme). RD (Recurring Deposit)નો સમાવેશ થાય છે. આ ખાતાઓ પણ ઘણીવાર નિષ્ક્રિય થઈ જાય છે. નોકરીનું શહેર કે સ્થળ બદલાય ત્યારે આવું બની જાય છે. આ ખાતામાં 10 વર્ષ સુધી કોઈ વહેવાર ન તયો હોય તો આ રકમ Senior Citizens’ Welfare Fund માં ટ્રાન્સફર થાય છે. પરંતુ, વારસદાર અથવા નૉમિની હજુ પણ દાવો કરી શકે છે. તેને માટે નજીકના પોસ્ટ ઓફિસમાં જઈને ઓળખ અને સંબંધનો પુરાવો રજૂ કરવો પડે છે. પોસ્ટ ઓફિસ સંબંધિત રકમ પાછી આપે છે. www.indiapost.gov.in પર જઈને આ ખાતાની તપાસ કરી શકાય છે.

 

Read Previous

મધ્યપ્રદેશના ખેડૂતે માટી વગર બટાકા ઉગાડ્યા, પીએમ મોદી આશ્ચર્યચકિત, જૈન બટાકાની વિશેષતાઓ જાણો,જૂઓ વીડિયો

Read Next

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એક અદ્યતન સર્વાંગી ન્યુરો -પુનર્વસન સેન્ટર શરૂ કર્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular