• 23 November, 2025 - 3:51 AM

GSTના અધિકારીઓને નાણાં મંત્રીઓની ચેતવણી : GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ

નવરાત્રિથી દિવાળીના તહેવારોમાં રૂ. 5.4 લાખ કરોડના મૂલ્યની ચીજ વસ્તુઓનું વેચાણ થયું

ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ગરબડ કરનારા અધિકારીઓને ચેતવણી આપતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રસ્તુત ચેતવણી આપી છે. તેમની સામે વાજબી તપાસ પણ ચાલુ કરી દેવાની ચિમકી આપી છે. આ સાથે જ બનાવટી ઇન્વોઈસ બનાવનારા અને ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ જનારા વેપારીઓ કે ગરબડિયાઓને પણ નિર્મલા સીતારમણે ચેતવણી આપી છે. જીએસટીમાં સક્રિય કાળાં મેંઢાં અધિકારીઓની ઇમેજ તોડી રહ્યા છે. આ વલણને જરાય સાખી લેવામાં આવશે નહિ.

પહેલી નવેમ્બરથી જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ કરવાની જાહેરાત કરવાની સાથે જ તેમણે જણાવ્યું હતું કે બે કેટેગરીમાં આવતા વેપારીઓના જીએસટીના રજિસ્ટ્રેશન સરળ બનાવી દેવામાં આવશે. પબ્લિક સેક્ટરની કંપનીઓ, ઓછા જોખમી બિઝનેસ કરનારાઓ અને નાના વેપારીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ કરી દેવામાં આવશે. જીએસટી રજિસ્ટ્રેશન માટેની અરજી કર્યા પછી તેમને માત્ર કામકાજના ત્રણ જ દિવસમાં રજિસ્ટ્રેશન આપી દેવામાં આવશે.

જીએસટીમાં સરકાર નવા સુધારાઓ અમલમાં મૂકી રહી છે. જીએસટીના સુધારાઓની પ્રક્રિયાને વેગ આપવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસને અભિનંદન આપતા તેમણે જણાવ્યું હતું કે સીબીઆઈસીએ જીએસટીના દર ઘટાડા સહિતના નવા સુધારાઓ નવરાત્રિ સુધીમાં અમલમાં મૂકવા માટે સીબીઆઈસીના અધિકારીઓએ ખાસ્સી મહેનત કરી હતી. તેને પરિણામે નવરાત્રિ અને દિવાળી દરમિયાન બજારમાં ખાસ્સી ખરીદી જોવા મળી હતી. વર્ગીકરણમાં સ્પષ્ટતા લાવી દીધા બાદ હવે સરકાર જીએસટીની સમગ્ર પ્રક્રિયાને સરળ કરવાની તૈયારી કરી રહી છે. તેની સાથે જ ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં પણ સુધારા કરવામાં આવશે. આ સુધારાઓને આગામી સો વર્ષ સુધી યાદ કરવામાં આવશે.

જીએસટીના કાયદાના પાલનને એકદમ સરળ બનાવી દેવાની વાત પર ભાર મૂકતા નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ટેક્સ પેયરે ભાર લેવાની જરૂર નથી. તેમના પરનો બોજ ઓછો કરવા માટે સરકાર નવી ટેક્નોલોજીનો આશરો લઈ રહી છે. જીએસટી સેવા કેન્દ્રમાં અત્યારે જોવા મળતી કેટલીક ક્ષતિઓ કે ઉણપોને દૂર કરી દેવા માટે પ્રયત્નો કરવા તેમણે સીજીએસટીના અધિકારીઓને જણાવ્યું હતું. તેમ જ વેપારીઓ કે ગ્રાહકોની ફરિયાદોનું વહેલું નિવારણ આવે તે માટેની વ્યવસ્થા કરી દેવા પણ સૂચના આપવામાં આવી છે. એક જ સમસ્યા વારંવાર આવતી હોય તો તેના પર ફોકસ કરીને તેનું પદ્ધતિસર નિરાકરણ લાવવું જોઈએ.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું ચુસ્ત પાલન કરવા સૂચના આપી છે. તેમ જ વેપારીઓ કે ગ્રાહકો સાથે ડિલ કરવામાં સહાનુભૂતિ સાથે કામ કરવા અધિકારીઓને સૂચના આપી છે. તેમ જ વિનમ્રતા પૂર્ણ વહેવાર કરવા પણ અધિકારીઓને જણાવ્યું છે. વેપારીઓ સાથેના વહેવારમાં વિનમ્ર રહેવું મહત્વનું છે. હવે પછી આવનારા જીએસટીનો તેના દર કે જુદાં જુદા દરના સ્લેબ માટે યાદ કરવામાં આવશે નહિ, તેનાથી કરદાતા વેપારીઓની જીએસટી અંગેની માન્યતા જ સાવ બદલાઈ જશે અને તેને માટે જ જીએસટીના યાદ કરવામાં આવશે.

અલબત્ત અધિકારીઓની વિનમ્રતાને તેમની નબળાઈ તરીકે જોવાની ભૂલ કોઈ જ ન કરે તે પણ એટલું જ જરૂરી છે. હા બોગસ બિલિંગ કરીને ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેનાર કાળાં મેંઢા જેવા વેપારીને છોડવામાં આવશે નહિ. જોકે દરેક વેપારીઓને જીએસટી અધિકારીઓ શંકાની નજરે જોશે પણ નહિ તેવી બાંયધરી પણ તેમણે આપી છે.

દિવાળી અને નવરાત્રિ દરમિયાન દેશમાં અંદાજે 6.05 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 2022ના વર્ષના દિવાળીના સમયગાળાની તુલનાએ તેમાં 25 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ 6.05 લાખ કરોડમાંથી 5.4 લાખ કરોડ  તો ચીજવસ્તુઓની ખરીદી માટે ખર્ચવામાં આવ્યા હતા. જ્યારે બાકીની 65000 કરોડ  જુદાં જુદાં પ્રકારની સર્વિસ લેવા માટે ખર્ચવામાં આવ્યા હતા. બીજીતરફ ઇ-કોમર્સમાં પણ આ વરસે અંદાજે 24 ટકાનો વધારો જોવામ મળ્યો છે. દિવાળીના અરસામાં થયેલા રૂ. 5.4 લાખકરોડની વસ્તુઓના વેચાણમાંથી 87 ટકા વસ્તુઓ ભારતીય બનાવટની જ હતી. પરિણામે નવી રોજગારી પણ ખાસ્સી નિર્માણ થઈ છે.

Read Previous

જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય, તો તરત જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બંધ કરો, નહીં તો આવશે પસ્તાવાનો વારો

Read Next

બાબા વેંગાની આગાહી: આવતા વર્ષે સોનાના ભાવ નવી ઊંચાઈએ પહોંચશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular