• 23 November, 2025 - 1:23 AM

કમોસમી વરસાદની તોફાની બેટીંગ, સુરતનાં ઓલપાડમાં ડાંગરનો પાક પાણીમાં, કેરીના પાકનું ચિત્ર ધૂંધળું, જિનિંગ ઉદ્યોગકારો પણ તકલીફમાં

અરબ સાગરમાં ઉદ્દભવેલી સિસ્ટમ ઓમાન તરફ ફંટાવાની શકયતા, ગુજરાતમાં હજુ વરસશે વરસાદ ગુજરાતમાં નવું વર્ષ શરૂ થઇ ચૂક્યું છે પરંતુ અત્યારે રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. જો કે, અરબ સાગરમાં ઉદ્ભવેલી સિસ્ટમ જે ગુજરાત પર પસાર થઇ રહી હતી તેને હવે પશ્ચિમ તરફ વળાંક લેતા તે સિસ્ટમ ઓમાન તરફ ફંટાય તેવી શકયતા જોવાઇ રહી છે. જો કે આ સિસ્ટમની હજુ પણ અસર ગુજરાત પર વર્તાશે. આ સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઇ રહી છે.

સુરતનાં ઓલપાડમાં ડાંગરનો પાક પર પાણીમાં

સુરતની વાત કરીએ તો સુરતનાં ઓલપાડ રોડ પર ખેડુતોએ ડાંગરનાં પાકને સૂકવવા માટે રસ્તા પર મૂક્યો હતો પરંતુ કમોસમી વરસાદનો મારે સતત ચાલુ રહેતા સમગ્ર પાક પાણીમાં જતું રહ્યું હતું. આ ઉપરાંત ખેતરમાં તૈયાર ડાંગરના પાકને પણ મોટું નુકશાન થતાં ખેડુતોની ચિંતામાં વધારો થયો છે.

જિનિંગ ઉદ્યોગકારો પણ તકલીફમાં

સફેદ હાથી સમો જિનિંગ ઉદ્યોગ એક સમયે તળાજામાં ચરમસીમાએ હતો. એકી સાથે 32 જેટલી ફેકટરીઓ અહીં ધમધમતી હતી. અહીંના ઉદ્યોગકારો સો દોઢસો કિમિ દૂર કપાસ ખરીદી માટે જતા હતા. આ ઉદ્યોગને પણ હવે લૂણો લાગ્યો છે. અનેક ફેક્ટરીઓ બંધ પડી છે, અનેક વેચાઈ ગઈ છે, અનેક માથે બેન્ક લોન છે. જિનિંગ ઉદ્યોગકારો નવરાત્રિ સમયગાળામાં નવો કપાસ ખરીદીને ફેક્ટરીઓ શરૂ કરી દેતા.

દિવાળીએ બે પાળીમાં કામ થતું. તળાજાની બજારમાં કપાસના કરોડો રૂપિયા ફરવા લાગતા હતા. આ વખતે દશા જુદી છે. જાનિંગ ઉધોગ સાથે સંકળાયેલા વિક્રમભાઈ ચૌહાણ(સરતાનપર)એ જણાવ્યું હતું કે આજે લાભ પાંચમે મુહૂર્ત કરવાનું હતું ત્યાં વરસાદી માહોલને લઈ ફેકટરી શરૂ કરી શકાય નહીં. માત્ર મુહૂર્ત સાચવીશું.

કેરીના પાકનું ચિત્ર ધૂંધળું

તાલાલા પંથકમાં છેલ્લા 20 કલાકથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેત ઉત્પાદનને અકલ્પનીય નુકસાન ઉપરાંત કેસર કેરીના પાકનું ચિત્ર ધૂંધળું કરી નાખ્યું છે. કમોસમી વરસાદ પહેલાં નવેમ્બર માસમાં આંબામાં મોર આવે તેવી સ્થિતિ કેસર કેરીના ઉત્પાદક કિસાનો નિહાળી રહ્યાં હતાં. પરંતુ માવઠાનાં વરસાદે કેરીના પાકની સ્થિતિ અનિશ્ચિત કરી નાખી હોય તેવી ભિતી ઉભી થઇ છે.

વરસાદની તોફાની બેટીંગ

અરબ સાગરમાં ઉદ્દભવેલી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હજુ પણ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ છૂટછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના આંકલન મુજબ, 27 અને 28 ઓક્ટોબર 2 દિવસ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે. આ સિસ્ટમ ઓમાન તરફ વળાંક લઇને નીચે તરફ જતી રહેશે તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે. જો કે આ સિસ્ટમના કારણે આગામી આખું સપ્તાહ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને ક્યાંક ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ વરસતો રહેશે.

બીજી તરફ, જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠું)ને લઈને ચિંતાજનક આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, 30 ઓક્ટોબર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, 2 નવેમ્બર સુધી સામાન્ય વરસાદના ઝાપટાં પડવાની પણ સંભાવના છે. વધુમાં જણાવ્યું કે નવેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક નવી ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે અને તેની અસર રૂપે 18 નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છવાઈ શકે છે.

Read Previous

માવઠાથી ખેડૂતોની માઠી દશા: કસોમસમી વરસાદથી મગફળી-સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ, ખેડૂતોને મોટું નુકસાન

Read Next

સેબીનો મોટો પ્રસ્તાવ: બોન્ડમાં રોકાણ વધારવાની તૈયારી, રોકાણકારોને થઈ શકે છે ફાયદો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular