• 22 November, 2025 - 9:10 PM

અનિલ અંબાણી ગ્રુપનો રૂ. 17000 કરોડના બેન્ક ફ્રોડ

  • પહેલી બેન્કની લોનને એનપીએ થતી અટકાવવા બીજી બેન્કમાંથી લોન લીધી, ફંડ ડાયવર્ઝનના નિયમનો ભંગ કરવામાં આવ્યો
  • ફ્રોડના આ કેસમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCOM), રિલાયન્સ હોમ ફાઈનાન્સ (RHFL), રિલાયન્સ કમર્શિયલ ફાઈનાન્સ (RCFL), રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (R-Infra) અને રિલાયન્સ પાવર લિમિટેડની સંડોવણી

₹17,000 કરોડના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફરી એકવાર રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી (ADA) ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીને તેડું મોકલ્યું છે. અનિલ અંબાણી સામે બેન્કમાંથી લીધેલા ધિરાણના નાણાં અન્યત્ર ઉપયોગ કરવાનો ફંડ ડાયવર્ઝન-Fund Diversion અને ખરાબ લોન-Bad loanનe ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. છાસઠ વર્ષના અનિલ અંબાણીને 14 નવેમ્બર, 2025ના રોજ પૂછપરછ માટે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલાં પણ ઑગસ્ટ 2025માં તેમને ED સમક્ષ હાજર થવાનું ફરમાન કર વામાં આવ્યું હતું.

ફ્રોડના આ કેસમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCOM), રિલાયન્સ હોમ ફાઈનાન્સ (RHFL), રિલાયન્સ કમર્શિયલ ફાઈનાન્સ (RCFL), રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (R-Infra) અને રિલાયન્સ પાવર લિમિટેડ જેવી અનિલ અંબાણીની વિવિધ કંપનીઓ સંડોવાયેલી હોવાનું જણાય છે.
EDના અધિકારીઓએ જણાવ્યું કે આ તમામ કંપનીઓએ સરકારી તેમજ ખાનગી બેંકોમાંથી ભારે રકમની લોન લીધી હતી અને ત્યારબાદ તે પૈસાનો નિયમ વિરુદ્ધ ઉપયોગ કર્યો હતો, એમ મની લાઈફ ડોટ ઇનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ED-એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સમગ્ર તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધવામાં આવેલી FIR-ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટને આધારે શરૂ થઈ હતી. આ FIRમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120-B (ગુનાહિત ષડયંત્ર), 406 (વિશ્વાસભંગ), અને 420 (ઠગાઈ) તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવી હતી. એફઆઈઆરમાં RCOM, અનિલ અંબાણી અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નામ આરોપી તરીકે મૂકવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં જાણવા મળ્યું છે કે 2010 થી 2012 દરમ્યાન આ ગ્રુપે ભારત અને વિદેશની બેંકોમાંથી મોટા પાયે લોન લીધી હતી. આ લોન પેટે રૂ. 40,000 કરોડથી વધુ ચૂકવવાના બાકી રહ્યા છે. CBI અને ED બંનેએ જણાવ્યું કે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) સહિત પાંચ બેંકોએ રિલાયન્સ ADA ગ્રુપની લોન એકાઉન્ટ્સને ફ્રોડ તરીકે જાહેર કર્યા છે. મોટાભાગની લોનની રકમનો ખોટો ઉપયોગ થયો હતો. એક કંપનીએ લીધી લોન બીજી સંબંધિત કંપનીના લોનની ચુકવણીમાં કે અન્ય સંબંધિત પક્ષોને ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ રીતે બેંકિંગ નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓનું કહેવું છે કે લગભગ ₹13,600 કરોડ ‘એવરગ્રીનિંગ’ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવરગ્રીનિંગમાં એક લોનના ડિફોલ્ટર બનાવીની તૈયારીમાં હોય તેવા સમયે બીજી નવી લોન લઈને ડિફોલ્ટર થવાથી બચી જવાની કવાયત છે. આ રીતે રૂ. 12,600 કરોડ સંબંધિત પક્ષો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તેમ જ રૂ. 1,800 કરોડ ફિક્સ્ડ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યા બાદ પાછા ગ્રુપ કંપનીઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

EDએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ અત્યાર સુધીમાં રૂ.7,500 કરોડથી વધુની સંપત્તિ તાત્કાલિક જપ્ત કરી લીધી છે. ઇડી દ્વારા જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં નવી મુંબઈમાં આવેલી ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી (DAKC)ની 132 એકર જમીનનો સમાવેશ થાય છે. તેની કિંમત લગભગ રૂ. 4,462.81 કરોડ થાય છે. RCOM, RCFL અને RHFL સાથે જોડાયેલી અન્ય 42 મિલકતોને પણ જપ્ત કરવામાં આવી છે. આ તમામ મિલકતોની કુલ કિંમત ₹3,083 કરોડની થવા જાય છે. આમ EDના રેકોર્ડ મુજબ અનિલ ધીરુભાઈ અંબાણીની કુલ જપ્ત સંપત્તિનું મૂલ્ય હવે ₹7,545 કરોડથી વધુ થઈ ગયું છે.

અનિલ અંબાણીને આપવામાં આવેલું તેડું-સમન્સ એ ફંડના અંતિમ લાભાર્થીઓ શોધવા અને કોર્પોરેટ તથા વ્યક્તિગત ખાતાઓનો ઉપયોગ કાયદેસર કે ગેરકાયદેસર રીતે થયો છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે છે. બેંકો દ્વારા મોટા પાયે ડિફૉલ્ટ અને લોનના ખોટા ઉપયોગ અંગે ફરિયાદો નોંધાવવામાં આવી ત્યારે આ કેસની તપાસની શરૂઆત થઈ હતી. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)એ માત્ર RCOM સાથેના જ સંબંધિત કેસમાં ₹2,929 કરોડનું નુકસાન દર્શાવ્યું હતું. 2018 સુધીમાં RCOMની કુલ બાકી રકમ રૂ.40,000 કરોડથી વધુ થઈ ગઈ હતી. રિલાયન્સ ADA ગ્રુપની અનેક કંપનીઓમાં આ પ્રકારે નાણાંની કરવામાં આવેલી હેરફેર અને ખોટા વ્યવહારોને કારણે આ કેસને દેશના સૌથી મોટા કોર્પોરેટ ફ્રોડ અને મની લોન્ડરિંગ તપાસના કેસ તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે.

કાર્યવાહી અને તપાસની પ્રગતિ

તાજેતરમાં, EDએ ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી (DAKC) ખાતે આવેલી 132 એકરથી વધુ જમીન તાત્કાલિક રીતે જપ્ત કરી છે. તેની કિંમત રૂ. 4,462 કરોડથી વધુ થાય છે. આ કાર્યવાહી રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCOM)ના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલી છે.
આ કાર્યવાહી મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ, 2002 (PMLA) હેઠળ કરવામાં આવી છે.

આ જ તપાસ કરવા માટે EDના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ CBI દ્વારા દાખલ કરાયેલા FIRની વિગતોનો આધાર લેવામાં આવ્યો હતો. આ FIRમાં RCOM, તેના પ્રમોટર અનિલ અંબાણી, અને અન્ય અધિકારીઓ સામે ગુનાહિત સાંઠગાંઠ (IPC કલમ 120-B), વિશ્વાસઘાત (કલમ 406), ઠગાઈ (કલમ 420) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1989ની કલમ 13(2) અને 13(1)(d) હેઠળ કેસ નોંધાયો હતો. 2010થી 2012 દરમિયાન RCOM અને તેની સંબંધિત કંપનીઓએ કુલ ₹40,185 કરોડની લોન ઘરેલુ અને વિદેશી બેંકોમાંથી લીધી હતી. તેમાંથી ઓછામાં ઓછી પાંચ બેંકોએ આ લોન એકાઉન્ટને ફ્રોડ તરીકે જાહેર કર્યા છે. આ રકમનો વિશાળ સ્તરે ખોટો ઉપયોગ અને ફંડ ડાયવર્ઝન કરવામાં આવ્યો હતો.
એક બેંકમાંથી લેવાયેલી લોનનો ઉપયોગ બીજી બેંકની લોન ચૂકવવા, અથવા સંબંધિત કંપનીઓમાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો. તેનાથી સ્પષ્ટ રીતે લોનના નિયમોનો ભંગ થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જણાવ્યા મુજબ રૂ. 13,600 કરોડ લોન એવરગ્રીનિંગ માટે એટલે કે જૂની લોન ચૂકવવા નવી લોન લેવામાં આવી હતી. લોનની રકમમાંથી રૂ. 12,600 કરોડ સંબંધિત પક્ષોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમ જ રૂ. 1,800 કરોડ ફિક્સ્ડ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાયા, પછી તે પૈસા લિક્વિડેટ કરીને ફરી અનિલ અંબાણીના ગ્રુપની કંપનીઓમાં ફેરવવામાં આવ્યા હતા.

સંપત્તિ જપ્તી સાથે આગળ વધેલી તપાસ

ઑક્ટોબર 2025ના રોજ, EDએ રિલાયન્સ ADA ગ્રુપની ₹3,083 કરોડથી વધુ કિંમતની 42 સંપત્તિઓ તાત્કાલિક રીતે જપ્ત કરી હતી. આ સંપત્તિઓમાં Reliance Infrastructure Ltd, Adhar Property Consultancy Pvt Ltd, Mohanbir Hi-Tech Build Pvt Ltd, Gamesa Investment Management Pvt Ltd, Vihaan43 Realty Pvt Ltd (પૂર્વે Kunjbihari Developers Pvt Ltd), અને Campion Properties Ltd.નો કંપનીઓની મિલકતોનો સમાવેશ થાય છે: તેની સાથે સાથે જ મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલા અનિલ અંબાણીના નિવાસસ્થાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં મહારાજા રણજીતસિંહ માર્ગ પર આવેલ રિલાયન્સ સેન્ટર, તેમજ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નાઈ, કાંચીપુરમ અને ઈસ્ટ ગોદાવરીમાં આવેલી વ્યાપારિક અને રહેણાંક મિલકતોનો સમાવેશ થાય છે.

આ ઑક્ટોબર 2025ની કાર્યવાહી RCOM, Reliance Commercial Finance Ltd (RCFL) અને Reliance Home Finance Ltd (RHFL) દ્વારા લેવામાં આવેલી લોનમાં થયેલી બેંક ઠગાઈ અને ગેરરીતિઓને લગતી તપાસનો ભાગ હતી. તેમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) અને YES બેંકની લોનની ગેરવપરાશના આક્ષેપોનો સમાવેશ થાય છે. આ નવી કાર્યવાહી કોઈ એક ઉદ્યોગસમૂહ સામે EDની સૌથી મોટી સંપત્તિ જપ્તીમાંથી એક માનવામાં આવે છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) હાલ ગ્રુપની અન્ય કંપનીઓ અને સંબંધિત વ્યક્તિઓના નામે રહેલી મિલકતોની ઓળખ કરી રહી છે. જે મિલકતોમાં બેંકની રકમના ધોવાણમાં ઉપયોગ થયો હોય તેવી સંપત્તિઓને પણ સામેલ કરવામાં આવેલી હોઈ શકે છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-EDના અધિકારીઓ કહે છે કે, અપરાધથી મેળવાયેલા નાણાં (proceeds of crime), વિવિધ કોર્પોરેટ સ્ટ્રક્ચર્સ અને શેલ કંપનીઓ મારફતે છુપાવવામાં આવ્યા છે. આ નાણાં રિકવર કરીને છેતરપિંડીનો ભોગ બનેલી નાણાકીય સંસ્થાઓને પરત આપવામાં આવશે.  તાજેતરના જપ્તી પગલાં પહેલાં, 24 જુલાઈ 2025ના રોજ EDએ 50 કંપનીઓ અને 25 વ્યક્તિઓ સાથે જોડાયેલા 35 સ્થળોએ દરોડા પાડીને તપાસ કરી હતી. આ 50 સ્થળ અનિલ અંબાણીના ગ્રુપ સાથે સંકળાયેલા હતા. આ દરોડામાં Reliance Home Finance Ltd અને અન્ય સંબંધિત સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓના નિવાસસ્થાનોને તથા કચેરીઓને આવરી લેવામાં આવી હતી.

ઑગસ્ટ 2025માં, અનિલ અંબાણીની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મુખ્યત્વે નાણાંના પ્રવાહ (fund flow), કોર્પોરેટ લોન વચ્ચેના ટ્રાન્સફર, અને વિભિન્ન ગ્રુપ કંપનીઓ વચ્ચેના જોડાણો વિશે પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ અંબાણીના નિવેદનોને ED દ્વારા જપ્ત કરાયેલા નાણાકીય દસ્તાવેજો સાથે ક્રોસ-વેરિફાય કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા હજીય ચાલુ જ છે. આ તપાસ કરવાથી બેન્ક લોન ફ્રોડની સંપૂર્ણ રકમના પ્રવાહ અને તેના ઉપયોગનું ચોક્કસ પગેરું મળી શકે છે.

આર્થિક ગેરરીતિઓનો વ્યાપ

EDના અંદાજ મુજબ, રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓમાં થયેલી આર્થિક ગેરરીતિઓ અને ફંડ ડાયવર્ઝનની કુલ કિંમત ₹17,000 કરોડથી વધુ છે. આ તપાસમાં 2006થી 2019 વચ્ચે થયેલી અનેક લોન ટ્રાન્ઝેક્શન અને ફંડના ઉપયોગના કેસોનો સમાવેશ થાય છે. Cobrapost નામના તપાસ પોર્ટલે પર એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો ત્યારે અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો ત્યારે થયો હતા. કોબ્રા પોસ્ટના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રિલાયન્સ ADA ગ્રુપે 2006થી અત્યાર સુધીમાં ₹28,874 કરોડના બેંકિંગ ફ્રોડ કર્યો છે. બેંક લોન, પબ્લિક ઈશ્યૂ અને બોન્ડ દ્વારા ઉચકાયેલી રકમોને એક જટિલ શેલ કંપનીઓ અને લેયર્ડ ટ્રાન્ઝેક્શનોના નેટવર્ક મારફતે બહાર કાઢવામાં આવી હતી. તેથી તેને “મેસિવ બેંકિંગ ફ્રોડ-બેન્કો સાથેની વિરાટ છેતરપિંડી” તરીકે ઓળખાવવામાં આવે છે. આ અહેવાલ આવ્યા પછી રિલાયન્સ ગ્રુપે તરત જ એક નિવેદન આપ્યું હતું અને Cobrapostના આક્ષેપોને “દૂષિત, આધારહીન અને દુભાવનાપૂર્ણ” કહીને નકારી કાઢ્યા હતા. અનિલ અંબાણી ગ્રુપે કહ્યું કે તેમના બધા નાણાકીય વ્યવહારો કાયદા અને નિયમોનું પાલન કરીને પારદર્શક રીતે કરવામાં આવ્યા છે.

 

 

Read Previous

ગુજરાત-ભારતમાંથી અમેરિકામાં થઈ રહેલી કેમિકલની નિકાસ સાવ જ બંધ થઈ ગઈ

Read Next

સરકાર નાદારી કાયદામાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં, શું માલિકના સંબંધીઓ સસ્તા ભાવે કંપની ખરીદી શકશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular