નોકરિયાતે આવકવેરા રિટર્નમાં તમામ વિગતો જાહેર કરી હોવા છતાં ITની નોટિસ

- ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ, ડિવિડંડ, જૂની નોકરી દરમિયાનની આવક જેવી બાબતો પર કરદાતાએ ધ્યાન ન આપ્યું હોય તો તેને કારણે પણ આવકવેરા ખાતાની નોટિસ મળી શકે છે.
અમદાવાદઃ નોકરિયાતોએ આવકવેરાનું રિટર્ન ફાઈલ કરીને તમામ વિગતો આપી દીધી હોવા છતાં મિસમેચની સમસ્યાને કારણે તેમને આવકવેરા ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસો મળવા માંડી છે. જોકે આવકવેરા ડિપાર્મેન્ટની આ નોટિસનો જવાબ આપીને સમસ્યાને ટાળી શકાય છે. આ નોટિસથી નોકરિયાત કરદાતાએ ગભરાઈ જવાની જરૂર નથી.
આવકવેરાના નિષ્ણાતોનું કહેવું છે કે નોકરિયાતોના આ રિટર્નમાં ફોર્મ 26-એએસ અને રિટર્નમાં આપેલી વિગતોમાં એકરૂપતાનો અભાવ હોવાની વધુ સંભાવના છે. તેમ જ કરદાતાઓએ આપેલી માહિતીમાં કેટલીક ભૂલ પણ હોઈ શકે છે. ઇન્કમટેક્સ વિભાગે પોતાની ટેક્નોલોજી સતત અપગ્રેડ કરી રહ્યું છે. તેથી નાનામાં નાની ભૂલ તેમની નજરમાં આવી રહી છે અને તેને પરિણામે જ નોકરિયાત કરદાતાઓને પણ આવકવેરા ખાતાંની નોટિસ મળવા માંડી છે.
વેરા નિષ્ણાતોનું કહેવું છે કે ફોર્મ 26-એએસ, એન્યુઅલ ઇન્ફોર્મશન સ્ટેટમેન્ટ, ટેક્સ પેયર્સ ઇન્ફોર્મેશન સમરીમાં વાર્ષિક આવક, બેન્કમાં જમા થતાં વ્યાજ, ડિવિડંડની આવક, મિલકતની ખરીદી, વિદેશમાં નાણાં મોકલવાને લગતી માહિત આપવમં ભૂલ થઈ હોવની સંભાવના રહેલી છે. આ જ રીતે નોકરિયાત કરદાતાએ ક્રેડિટ કાર્ડથી કરેલા ઊંચા મૂલ્યના આર્થિક વહેવારો અંગે સ્પષ્ટતા ન થઈ હોય તો તેવા કિસ્સામાં પણ તેમને નોટિસ મળી હોવાની સંભાવના રહેલી છે.
હવે આવકવેરાના રિટર્નની ચકાસણી કરવાની સિસ્ટમ એટલી જડબેસલાક અને કોમ્પ્યુટર સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત થઈ ગઈ છે કે કરદાતાએ જાહેર કરેલી આવક અને ટેક્સ વિભાગમાં નોંધાયેલી માહિતીમાં જરા સરખો તફાવત હોય તો પણ આપોઆપ જ નોટિસ ઇશ્યૂ થઈ જાયે.જ્યારે આ ઍટોમેરીટેડ સિસ્ટમમાં આપની જાહેરાતિત આવક અને ટેક્સ વિભાગની નોંધાયેલ માહિતી (જેમ Form 26AS) વચ્ચે ગડબડ થાય છે, તો નોટિસ જારી થાય છે.
આવકવેરા ખાતા દ્વારા ઇશ્યૂ કરવામાં આવતી નોટિસ એ હંમેશા કરદાતાએ કોઈ છેતરપિંડી કરી હોવાનો નિર્દેશ આપતી નથી. તેને આધારે નોટિસ ઇશ્યૂ કરીને આવકવેરા ખાતું તેમની પાસે માત્ર સ્પષ્ટતા જ માગે છે. તેથી કરચોર ગણી લીધો હોવાના ભયથી ફફડી જવાની જરૂર નથી. નોટિસ મળવાને માટે જવાબદાર ગણાતી સામાન્ય ભૂલમાં રિટર્નમાં જાહેર કરેલી આવક અને સંબંધિત માહિતી વચ્ચે સુમેળ ન હોવાની બાબતનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ, ડિવિડંડ, જૂની નોકરી દરમિયાનની આવક જેવી બાબતો પર કરદાતાએ ધ્યાન ન આપ્યું હોય તો તેને કારણે પણ આવકવેરા ખાતાની નોટિસ મળી શકે છે.
આ જ રીતે ખોટા રીતે કલમ 80-સી, 80-ડી, 80-ટીટીએનો લાભ લીધો હોય તો પણ નોટિસ મળે છે. હાઉસ રેન્ટ એલાવન્સ, લીવ ટ્રાવેલ એલાવન્સના ક્લેઈમ પણ અજુગતા લાગે તેવા સંજોગોમાં આવકવેરા ખાતા તરફથી નોટિસ મળી શકે છે. તેને લગતા પુરાવાઓ પૂરતા ન હોય તો પણ નોટિસ મળે છે. ટીડીએસનો આવકવેરા ખાતા પાસેનો રેકોર્ડ અને કરદાતાએ રિટર્નમાં દર્શાવેલી વિગતોમાં ગરબડ હોય તો પણ આવકવેરા ખાતા તરફથી નોટિસ મોકલી દેવામાં આવે છે.
કરદાતાઓ મોટી રકમના વહેવારો કર્યા હોય અને તેની જાહેરાત રિટર્નમાં ન કરી હોય તો પણ નોટિસ મળી શકે છે. મોટી કિંમતનાં આર્થિક વ્યવહારો જાહેર ન કરવાને પરિણામે પણ આવકવેરા ખાતા તરફથી નોટિસ આપવામાં આવે છે. નોટિસ મળ્યા પછી તેની કાયદેસરતાની તપાસ કરી લેવી જરૂરી છે. નોટિસ INcometax.gov.inની વેબપોર્ટલ મળી છે કે નહિ તેની ચકાસણી તમારા ટેક્સ કન્સલ્ટન્ટ પાસે કરાવી શકો છો. તમને પોતાને ચકાસણી કરતા આવડતી હોય તો પણ તમે તેની ચકાસણી કરી શકો છો. નોટિસ સાચી છે કે બનાવટી છે તેની ખબર પડી જશે. સ્કેમર્સ પણ આ પ્રકારની નોટિસ મોકલીને કરદાતાઓને છેતરવાનું કામ કરે છે. એડવાન્સ ટેક્સ ભરવામાં થયેલી ભૂલ માટે પણ નોટિસ મળતી હોય છે. તેમ જ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જમા ન કરાવ્યો હોય તો પણ નોટિસ મોકલી દેવામાં આવે છે.
આવકવેરાની નોટિસ મળી હોય તો શું કરશો?
નોટિસનો જવાબ આપતા પહેલા ફોર્મ-16, પગાર સ્લિપ્સની વિગતો, બેંક સ્ટેટમેન્ટ, રોકાણ-પ્રમાણપત્રો, ફોર્મૃ-26AS, AIS તમામની ચકાસણી કરી લઈને પછી જ નોટિસનો જવાબ આપવો જોઈએ. રિટર્ન સાથે મૂકેલા દસ્તાવેજો એક સરખાં છે કે નહિ તેની ચકાસણી કરી લેવી જોઈએ. નોટિસ સાચી જણાય અને ટેક્સ ભરવાને પાત્ર બનતો હોય તો આવકવેરાની રકમ સૂચના પ્રમાણેના આવકવેરા ખાતાંના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દો.નોટિસમાં ઊભી કરેલી જવાબદારી સાથે તમે સહમત ન હોવ તો તેવા સંજોગોમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર વિગતો અપલોડ કરી દો. વિગતો સાથે જરૂરી પુરાવાઓ અપલોડ કરવાનું ભૂલશો નહિ. નોટિસની કોપી, કરદાતા તરીકે તમે આપેલો જવાબ, ઓનલાઈન અપલોડ કરેલી વિગતોની એન્કનોલેજમેન્ટ રિસિપ્ટ સહિતના તમામ પુરાવાઓ જેમના તેમ સાચવી રાખવાના રહેશે. કરદાતા દર વખતે ફોર્મ 16, ફોર્મ 26-એએસ, ટીડીએસ-ટીસીએસની વિગતો બરાબર ચકાસીને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરે તો ભવિષ્યમાં આ પ્રકારની નોટિસ મળવાની શક્યતા નાબૂદ થઈ શકાય છે.



