આવકવેરા ખાતું હવે AIથી બેન્ક ખાતાં પર નજર રાખશે

કરદાતાની માસિક આવકના 30થી 40 ટકા જેટલો ખર્ચ માટે ઉપાડ ન થતો હોય તો તેવા સંજોગમાં તેમના ખાતાં પર નજર રાખવાનું આવકવેરા ખાતું ચાલુ કરે છે
ખાતાના વહેવારોને મોનિટર કર્યા પછી લાગે કે સંબંધિત કરદાતા રોકડમાં થતી આવક છુપાડી રહ્યો છે તો ડિમાન્ડ નોટિસ આપે છે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
અમદાવાદઃ આયકર વિભાગની AIની મદદ લઈને હવે બેંક ખાતાઓ પર નજર રાખી રહી છે. બેન્કના બચત ખાતામાં અસામાન્ય રીતે ઊંચું બેલેન્સ જોવા મળશે તો પણ કરદાતાની પૂછપરછ કરે તેવી સંભાવના છે. જો તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં ખર્ચ ઓછો હોવા છતાં વધારે સિલક-બેલેન્સ દેખાય તો પણ આવકવેરા વિભાગ (Income Tax Department) તમારા નાણાંના સ્રોત(Source of money) અંગે સ્પષ્ટતા માંગે તેવી શક્યતા છે. AI-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટ્રેકિંગથી વિભાગે ઘણા કિસ્સાઓ શોધી કાઢ્યા છે જેમાં વ્યક્તિઓએ અજાણ્યા સ્રોતમાંથી મળેલા નાણાં વાપર્યા હોવાનું બહાર આવ્યું છે.
જો તમારા ખર્ચા ઓછા છે પણ તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં ઊંચો બેલેન્સ છે, તો આવકવેરા વિભાગ તમારા નાણાં ક્યાંથી આવ્યા તેની પૂછપરછ કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અનેક કિસ્સાઓ પકડી આવકવેરા વિભાગને પકડી પાડવામાં સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પ્રકારના કિસ્સાઓમાં વ્યક્તિઓએ મોટી રકમ બેન્કમાં જમા કરી હતી, પણ ખર્ચ માટે ખૂબ જ ઓછા નાણાંનો ઉપાડ કર્યો હતો.
ડેટા વિશ્લેષણ બાદ મોટો ખુલાસો
આવકવેરા વિભાગે તપાસ અને ડેટા એનાલિસિસ-Data analysis કર્યું તેના પરથી જાણવા મળ્યું છે કે ઘણા ખાતાધારકો વર્ષોથી માત્ર નાની રકમ જ ઉપાડતા હતા. જ્યારે નોટિસ મોકલવામાં આવી, ત્યારે ઘણા લોકોએ રોજિંદા ખર્ચ, બાળકોની ફી અને અન્ય જરૂરિયાતો માટે પૈસા ક્યાંથી આવતાં તે સમજાવી શક્યા ન હતા. બેન્કના રેકોર્ડ મુજબ આવા ખાતાઓમાંથી(Less withdrawal from bank account) રોકડ ઉપાડ ખૂબ ઓછો હતો. પરિણામે આવકવેરા અધિકારીઓએ માની લીધું હતું કે આ પ્રકારના કરદાતાઓ ગુપ્ત કે અઘોષિત આવકનો ઉપયોગ રોજિંદા ખર્ચ કરવા માટે કરી રહ્યા હતા. આ નાણાં તેમની આવકમાં બતાવતા જ નહોતા. આમ તેઓ જાહેર ન કરેલી આવકના નાણાંનો એટલે કે બ્લેક મની(Cash income- unaccounted money)નો ઉપયોગ કરી રહ્યા હતા. આવકવેરા વિભાગે આવા કિસ્સાઓમાં કરચોરીની સંભાવના માનીને નોટિસો મોકલવા માંડી છે.
વ્યાપારીઓ જ નહીં, હવે તો પગારદારો પણ રડારમાં
આવકવેરાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પહેલેથી આ પ્રકારની કરચોરીની પદ્ધતિ વેપારી વર્ગમાં વધુ જોવા મળતી હતી. તેમાં વ્યક્તિગત ખર્ચને કંપનીના ખર્ચ તરીકે બતાવવામાં આવતો હતો. પરંતુ હવે આ રીતરસમો પગારદાર કરદાતાઓ પણ અપનાવી રહ્યા હોવાનું (Tax evasion by salaried class)જોવા મળી રહ્યું છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો એક કરદાતા મહિનાનો પગાર મેળવે છે. તેની સાથે ભાડે આપેલા ઘરના ભાડાંની આવક પણ ધરાવે છે. આ કરદાતા ભાડું રોકડેથી લઈને તેના આવકવેરાના રિટર્નમાં ભાડાંની આવક બતાવતો (Not showing rent income)જ નથી. આવકવેરાના કાયદા હેઠળ ભાડાંની આવક જાહેર કરવી ફરજિયાત છે.
હવે મોનિટરિંગ AI કરી આપે છે
આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે કે આવકવેરા વિભાગ હવે આવા સેવિંગ્સ એકાઉન્ટ્સ પર નજર રાખવા માટે Artificial Intelligence (AI) નો ઉપયોગ કરી રહ્યો છે. AI સિસ્ટમ PAN કાર્ડ સાથે જોડાયેલા વર્ષભરના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરે જ છે. આ વિશ્લેષણ કરીને એવા ખાતાઓ શોધે છે, જેમાં જમા રકમ ઉપાડ કરતા ઘણી વધારે હોય છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે વ્યક્તિ પોતાની આવકના 30–40% જેટલો ભાગ જીવન જરૂરિયાતો માટે ખર્ચે છે. જો કરદાતા બેન્કના ખાતામાંથી ઉપાડ ઓછો કરતા હોય તો તે ખાતાને તપાસ માટે પસંદ કરવામાં આવે છે. AI આધારિત દેખરેખથી આવકવેરા વિભાગ હવે જાહેર કરેલી આવક અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત સરળતાથી શોધી શકે છે. આ ટેકનોલોજીકલ પહેલનો ઉદ્દેશ નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનો અને જાહેર ન કરેલી રોકડની આવક ઉપયોગને ઘટાડવાનો છે.



