ચીનમાંથી ભારતના બજારમાં ડમ્પ કરાતા પોલીએસ્ટર ટેક્સચર્ડ યાન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લગાડવાની માગણી

ચીનની કંપનીઓ દ્વારા ભારતમાં પોલીયેસ્ટર ટેક્સચર્ડ યાર્નનું ડમ્પિંગ કરવાના વલણ સામે ભારત સરકારે તપાસ શરૂ કરી છે. આ તપાસ બે સ્થાનિક કંપનીઓ એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને વેલનોન પોલીયેસ્ટર દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને આધારે કરવામાં આવી છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR)એ જણાવ્યું છે કે રિલાયન્સ અને વેલનોન પોલીયેસ્ટરે તેમના અરજીઓમાં દાવો કર્યો છે કે ચીનમાંથી આ યાર્ન સસ્તા ભાવે ભારતમાં મોકલવામાં આવી રહ્યું હોવાથી સ્થાનિક ઉદ્યોગને નુકસાન પહોંચાડી રહ્યો છે અને તેથી પર ડમ્પિંગ ડ્યૂટી એટલે કે તેમના ઉત્પાદન ખર્ચ કરતાં નીચા ભાવથી ભારતના બજારમાં વેચીને ભારતના ઉત્પાદકોને ફટકો મારવાની નીતિરીતિ અપનાવવા બદલ Antidumping Duty લગાવવા વિનંતી કરવામાં આવી છે.
ભારતમાંથી ફરિયાદ કરનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વેલનોન પોલીયેસ્ટર જેવા અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ પૂરતા છે. તેથી તેમણે કરેલા ડમ્પિંગના દાવા અંગ સંતોષ થતાં DGTRએ જાહેરાત કરી છે કે તેઓ એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાદવી કે નહિ તે અંગે તપાસ શરૂ કરી રહ્યા છે.
જો તપાસમાં સાબિત થાય છે કે સસ્તી આયાત સ્થાનિક ઉત્પાદકોને વાસ્તવિક નુકસાન પહોંચાડી રહી છે, તો DGTR આ આયાત પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની ભલામણ કરશે. આ ડ્યૂટી-શુલ્ક લગાવવાનો અંતિમ નિર્ણય ભારત સરકારનું નાણાં મંત્રાલય લે છે.
એન્ટી-ડમ્પિંગ તપાસો સામાન્ય રીતે એ જાણવા માટે કરવામાં આવે છે કે શું સસ્તા આયાતના વધારા કારણે સ્થાનિક ઉદ્યોગને નુકસાન થયું છે કે નહિ. આ પ્રકારના કિસ્સાઓમાં વિશ્વ વેપાર સંગઠન (WTO)ના બહુપક્ષીય નિયમો હેઠળ દેશો એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી-શુલ્ક લાગુ કરે છે. જેથી ન્યાયસંગત વેપાર જાળવી શકાય અને સ્થાનિક ઉત્પાદકોને વિદેશી ઉત્પાદકો સામે સમાન તક મળી રહે તેવી સંભાવના છે. ભારત પહેલેથી જ ચીન સહિતના અનેક દેશોથી આવતાં સસ્તા ઉત્પાદનો પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લગાવી ચૂક્યું છે.
ભારત અને ચીન બંને WTOના સભ્ય છે. ચીન ભારતનો બીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. 2024-25માં બંને દેશો વચ્ચેનું વેપારી ખાધ 100 અબજ ડોલર સુધી પહોંચી જતા ભારત ઘણી વખત આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે.


