શ્રમિકો માટેના ચાર નવા કાયદાનો અમલ થતાં કોને કેટલો ફાયદો થશે, અહીં વાંચો

- ભારતભરના 40 કરોડથી વધુ મજૂરો-કામદારોને મજબૂત સામાજિક સુરક્ષા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી
- શ્રમ મંત્રાલયે નિયમોનો મુસદ્દાને આખરી ઓપ આપી દઈને જાહેર પણ કરી દીધા છે. દેશના જુદાં જુદાં રાજ્યોને કેન્દ્રના નિયમો ફરીથી જાહેર કરવા માટે 45 દિવસ મળશે.
- કેન્દ્ર સરકારે શ્રમિકો માટે ચાર નવા મજૂર કાયદા લાગુ કર્યા, જૂના 29 કાયદાનું સ્થાન લેશે
અમદાવાદઃ મજૂરો માટે નવા ચાર કાયદાઓ લાગુ કરી દેવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના ઐતિહાસિક પગલાથી કામદારોને સમયસર ન્યૂનત્તમ વેતન મળશે. તેની સાથે સાથે જ તેમને એપોઈન્ટમેન્ટ લેટર-નિમણૂક પત્ર પણ મળશે. તદુપરાંત મહિલા શ્રમિકોને પુરુષ શ્રમિકો જેટલો જ પગાર એટલે કે સમાન વેતન મળશે. આ સાથે જ ફિક્સ્ડ-ટર્મના કર્મચારીઓને ગ્રેચ્યુટી મળે તેવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે નવા કાયદા હેઠળ 40 વર્ષથી ઉપરની વયના તમામ કામદારો માટે મફત વાર્ષિક હેલ્થ ચેકઅપ અને ઓવરટાઇમ માટે ડબલ વેતન જેવી સુવિધાઓ મળે તેવી જોગવાઈ પણ કાયદામાં કરી છે.
પાંચ વર્ષ પહેલાં સંસદે જૂના 29 કેન્દ્રીય મજૂર કાયદાઓને બદલીને ચાર નવા કોડ પસાર કર્યા હતા. હવે કેન્દ્ર સરકારે તેમની રાષ્ટ્રીય સ્તરે અમલવારીની જાહેરાત કરી અને તેને દરેક કામદારની ઇજ્જત મળી રહે તેવો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત શ્રમ મંત્રી મંત્રી મનસુખ મંડવિયાએ 21મી નવેમ્બરે જાહેર કર્યું હતું. આ સાથે જ જોખમી ક્ષેત્રોના કર્મચારીઓને સો ટકા આરોગ્ય સુરક્ષાનું કવચ પૂરું પાડવામાં આવશે. આમ દેશના 40 કરોડ કામદારો મજબૂત સામાજિક સુરક્ષા માળખામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શ્રમિકોના કાયદામાં કરવામાં આવેલા આ સુધારા સામાન્ય સુધારા નથી, પરંતુ 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને ગતિ આપનારા મોટા પગલાં છે. મજૂર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે નવા મજૂર કાયદાઓના અમલીકરણ માટે સામાજિક સુરક્ષાને લગતી સંહિતા-કોડને લગતા નિયમો પણ તૈયાર થઈ ગયા છે. ટૂંક સમયમાં આ નિયમોને ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. મજૂરને લગતી બાબતો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કાર્યક્ષેત્રમાં આવતા હોવાથી દેશના જુદા જુદાં રાજ્યોએ તેમની જરૂરિયાત મુજબના નિયમો જાહેર કરવાના રહેશે. શ્રમ મંત્રાલયે તો નિયમોનો મુસદ્દાને આખરી ઓપર આપી દઈને તેને જાહેર પણ કરી દીધા છે. રાજ્યોને કેન્દ્રના નિયમો ફરીથી જાહેર કરવા માટે 45 દિવસ મળશે.
જોકે કામદાર યુનિયનોએ ચાર નવા શ્રમિક કાયદાઓનો સખત વિરોધ કર્યો છે. કેન્દ્રના ટ્રેડ યુનિયનો આ કોડનો વિરોધ કરતાં જણાવે છે કે નવા કાયદા કામદારોના હક્કોને નબળા કરે છે અને ટ્રેડ યુનિયન મૂવમેન્ટને કમજોર બનાવી શકે છે. ચાર નવા કાયદામાં ખાસ કરીને એક મોટો મતભેદ Industrial Relations (IR) Code પર છે, જેમાં કોઈ યુનિયનને ‘એકમાત્ર વાટાઘાટ યુનિયન’ તરીકે માન્ય થવા માટે 51% સમર્થન જરૂરી છે. યુનિયોનોનું કહેવું છે કે આ નાનાં યુનિયનોને આ રીતે એક કોરાણે ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિણામે સામુહિક વાટાઘાટો કરવાની યુનિયનોની તાકાત ઓછી થઈ જશે.
હડતાલ માટેના નિયમો
નવા કાયદામાં હડતાલ અંગેના કેટલાક નિયમો વિવાદાસ્પદ છે. હડતાળ નિયમો છે. IR કોડ મુજબ જો 50% કરતા વધુ કામદારો એકસાથે કેઝ્યુઅલ લીવ લે તો તેને હડતાળ ગણાશે. હડતાળ માટે લાંબી નોટિસ પિરિયડને કારણે યુનિયનો કહે છે કે ઔદ્યોગિક આંદોલન લગભગ અશક્ય બની જશે. કોડમાં 100 કામદારોથી વધારીને 300 કામદાર સુધી લેઓફ, રીટ્રેન્ચમેન્ટ અને બંધ માટે સરકારની મંજૂરીની જરૂરિયાત નક્કી કરવામાં આવી છે. આ કાયદાકીય જોગવાઈને કારણે હાયર-એન્ડ-ફાયર” સરળ બનશે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો શ્રમિકોને ગમે ત્યારે રાખીને ગમે ત્યારે છૂટા પણ કરી શકાશે.
જૂના મજૂર કાયદાઓનો અંત
ભારતના મોટા ભાગના મજૂર કાયદા 1930–1950 વચ્ચેના છે, જ્યારે અર્થવ્યવસ્થા અને કામકાજની દુનિયા સંપૂર્ણપણે જુદી હતી. આજે દુનિયાના મોટા દેશોએ સમયસર પોતાના શ્રમ કાયદામાં સુધારા કરી દીધા છે. છતાંય ભારતમાં 29 કાયદાઓનો અમલ ચાલુ છે. આમ ભારતના શ્રમિક કાયદાની વ્યવસ્થા વિખરાયેલી છે. તેને સર્વગ્રાહી અને એકરૂપ કરી દેવામાં આવી છે. શ્રમ મંત્રાલયે જણાવ્યું કે નવી પરિસ્થિતિઓ સાથે મેળ ન ખાતાં જૂના કાયદાઓ કામદારો તથા ઉદ્યોગ બંને માટે અસમાનતા અને જટિલતા ઊભી કરતા હતા. ચાર શ્રમ કોડના અમલથી સંખ્યાબંધ સમસ્યાનો અંત આવી જશે. દેશને આધુનિક વૈશ્વિક પ્રવૃત્તિઓ સાથે સુસંગત બનાવશે.
શ્રમિકો માટેના નવા ચાર કાયદાથી શું લાભ મળશે
- મજૂરોને સમયસર ન્યૂનત્તમ વેતન
- કંપનીમાં નિયુક્ત થનારા તમામ નવા કર્મચારીઓને નિમણૂક પત્ર
- મહિલાઓને સમાન કામ માટે સમાન વેતન
- એક વર્ષ બાદ ફિક્સ્ડ-ટર્મ કર્મચારીઓને ગ્રેચ્યુટી
- 40 વર્ષથી વધુ ઉમરના કામદારોને મફત હેલ્થ ચેકઅપ
- ઓવરટાઇમ માટે ડબલ વેતન
જૂના કાયદામાં શું હતું અને નવા ચાર કાયદામાં શું આવ્યું
1. જૂના કાયદામાં એપોઈન્ટમેન્ટ લેટર આપવો ફરજિયાત નહોતો.
નવા કાયદામાં દરેક કામદાર કે મજૂરને નિમણૂક પત્ર આપવો ફરજિયાત છે. મજૂર તેમને ત્યાં કામ કરતાં હોવાનો લેખિત પુરાવો પારદર્શક તા લાવશે. નોકરીની સલામતી વધારશે અને રોજગારીને નિશ્ચિત કરશે
2. જૂના કાયદામાં સામાજિક સુરક્ષાની મર્યાદિત જોગવાઈઓ હતી.
નવા કાયદામાં કામચલાઉ કામગીરી કરતાં અને માલિક-નોકરિયાતના સંબંધની વ્યાખ્યામાં ન આવતા કર્મચારીઓને (પ્લેટફોર્મ વર્કર)કે પછી ટૂંકા ગાળા માટે, જે સોંપે તે કામ કરી આપવાની જબાબદારી લેતા(ગિગ વર્કર)ને પણ ચાર નવા કાયદા હેઠળ સામાજિક સુરક્ષાની સુવિધા પૂરી પાડવામાં આવશે. બીજું, તમામ કામદારને પ્રોવિડન્ટ ફંડ, ઈએસઆઈસી-એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હેઠળ મળતા આરોગ્ય સુવિધાના લાભ મળતા થશે. તદુપરાંત સામાજિક સુરક્ષાના અન્ય લાભ કર્મચારીઓને મળતાં થશે.
3. જૂના કાયદામાં માત્ર શિડ્યૂલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ એ્ન્ડ રેગ્યુલેશન એક્ટ-1951 હેઠળ આવરી લેવામાં આવેલા ઉદ્યોગોના કામદારોને જ લઘુતમ વેતનના લાભ આપવામાં આવતા હતા. પરિણામે કામદારોનો મોટો વર્ગ લઘુતમ વેતનના લાભથી વંચિત રહી જતો હતો.
નવા કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ તમામ કામદારોને લઘુતમ વેતન મળવું ફરજિયાત છે. લઘુતમ વેતન આપવાની સાથોસાથ તેમણે સમયસર પગાર પણ આપવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.
4. જૂના કાયદામાં પ્રીવેન્ટિવ હેલ્થકેર-બીમારી ન લાગુ પડે તે માટે આરોગ્ય સુવિધા અગાઉથી આપવામાં આવતી નહોતી. તેમના વાર્ષિક હેલ્થ ચેકઅપના લાભ આપવામાં આવતા નહોતા.
નવા કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ 40 વર્ષથી મોટી વયના દરેક કામદારને દરેક સંસ્થા, કંપની કે ફેક્ટરીના માલિકોએ વાર્ષિક હેલ્થ ચેક અપની સુવિધા પૂરી પાડવી જ પડશે. આમ દરેક કંપની કે ફેક્ટરીએ તેમના કર્મચારીઓને સમયસર પ્રીવેન્ટિવ હેલ્થકેરની સુવિધા આપવી પડશે.
5. જૂના મજૂર કાયદામાં પગાર સમયસર ચૂકવવાને લગતી કોઈ જ જોગવાઈ નહોતી. તેની સામે
નવા શ્રમિક કાયદામાં મજૂરોને સમયસર પગાર ચૂકવવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. પરિણામે શ્રમિકોની નાણાકીય સ્થિરતા વધી જશે. તેમ જ કામકાજના સ્થળ પરની તેમની માનસિક તાણ ઓછી થઈ જશે. નવા કાયદામાં કરવામાં આવેલી જોગવાઈને પરિણામે મજૂરોનો નૈતિક જૂસ્સો વધી જશે.
6. જૂના કાયદામાં મહિલાઓને નાઈટ શિફ્ટમાં નોકરી પર ન બોલાવવાની જોગવાઈ હતી. તેમાંય ખાસ કરીને ચોક્કસ પ્રકારના કામકાજ કરતી કંપનીઓ કે ફેક્ટરીઓએ મહિલાઓને રાત પાળીમાં કામકાજ માટે ન બોલાવવી તેવી જોગવાઈ હતી.
નવા કાયદામાં મહિલાઓને રાતપાળીમાં કામ કરવાની છૂટ આપવામાં આવી છે. દરેક પ્રકારના કામકાજ માટે મહિલાઓ રાતપાળી કરી શકશે. હા, તેમાં મહિલા કર્મચારીની સહમતી હોવી જરૂરી છે. સહમતી ન હોય તો મહિલા કામદારને રાતપાળીમાં બોલાવી શકાશે નહિ. તેમ જ રાતપાળીમાં આવતી દરેક મહિલાઓની સલામતીની જવાબદારી કંપની કે ફેક્ટરી માલિકોની રહેશે.
નવા કાયદામાં મહિલાઓને પણ પુરુષની માફક જ સમામ વેતન આપવામાં આવશે. એક સમાન કામ માટે મહિલા અને પુરુષને એક સમાન વેતન આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પરિણામે પુરુષની માફક જ વધારે પગાર મેળવવાનો મહિલાઓને નવા કાયદામાં અધિકાર આપવામાં આવ્યો છે.
7. જૂના કાયદામાં સરકારે નોટિફાય કરેલા ક્ષેત્રમાં નોકરી કરનારાઓને જ એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન-ઈએસઆઈસીના લાભ આપવામાં આવતા હતા. કંપનીમાં દસ કર્મચારીથી ઓછા હોય તો તેમને આ સુવિધાથી વંચિત રાખવામાં આવતા હતા.તેમ જ જોખમી પ્રક્રિયા થતી હોય તેવા ઔદ્યોગિક એકમોમાં પણ ફરજિયાત ઈએસઆઈસીનો લાભ આપવામાં આવતો નહોતો
નવા કાયદામાં સમગ્ર ભારતના દરેક મજૂર કે કામદારને ઈએસઆઈસીની સુવિધાનો લાભ આપવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જોખમી પ્રક્રિયા થતી હોય તેવી કંપની કે ફેક્ટરીમાં એક જ કર્મચારી કામ કરતો હોય તો તેને પણ ઈએસઆઈસીના લાભ આપવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. બીજું દરેક કર્મચારીને સામાજિક સુરક્ષાનું કવચ પૂરું પાડવુ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
8. જૂના કાયદામાં જુદાં જુદાં કાયદાઓ હેઠળ એક કરતાં વધુ રજિસ્ટ્રેશન લેવા પડતા હતા. એકથી વદુ લાઈસન્સ લેવા પડતા હતા. એકથી વધુ રિટર્ન ફાઈલ કરવા પડતા હતા.
નવા કાયદામાં સમગ્ર ભારતમાં કામ કરવા માટે એક જ લાઈસન્સ લેવાની જરૂર પડશે. તેમણે સમગ્ર ભારતના એકમો માટે એક જ રિટર્ન ફાઈલ કરવું પડશે. આમ નવા કાયદામાં સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવી દેવામાં આવી છે. તેમ જ નિયમોનું પાલન કરવાનો કંપનીઓ કે ફેક્ટરીઓના માલિકો પરનો બોજો હળવો કરી દેવામાં આવ્યો છે.



