• 24 November, 2025 - 10:26 AM

ભારતની નવી કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ માટે ભાવની સ્થિરતાનું મિકેનિઝમ લાવવું જરૂરી

  • કાર્બન ક્રેડિટના બજાર ભાવમાં સતત થયા કરતી વધઘટને કારણે બજારના વિકાસમા અવરોધ આવી રહ્યો છે
  • કાર્બન ક્રેડિટ અંગેની માર્ગદર્શિકા-ગઈડલાઈન્સ અને દંડને લગતી અનિશ્ચિતતાઓને કારણે કાર્બન ક્રેડિટના બજારમાં પ્રવાહિતા ઓછી જોવા મળે છે.
  • ભારત સરકારના કાર્બન ક્રેડિટના મિકેનિઝમમાં ઔદ્યોગિક વિકાસને અસર ન થાય અને ઉદ્યોગોને દંડ કર્યા વગર આધુનિકીકરણને પ્રોત્સાહન મળે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે

કાર્બન ક્રેડિટ આજે વેપાર ઉદ્યોગ માટે મહત્વની જરૂરિયાત બની ચૂકી છે. પ્રદુષણને નિયંત્રણમાં લાવીને કાર્બન ઉત્સર્જન કરવાનું ટાર્ગેટ ભારત સરકારે નક્કી કરી લીધું છે.  વિશ્વના મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2070ની સાલ સુધીમાં ભારતને ઝીરો કાર્બન એમિશનના સ્ટેટસમાં લાવી દેવાની ખાતરી આપી છે. 2030ની સાલ સુધીમાં કાર્બન એમિશન-ઉત્સર્જનમાં 45 ટકા સુધીનો ઘટાડો કરી દેવાની ખાતરી પ્રધાનમંત્રીએ આપી છે. તેને માટે ફોસિલ્સ ફ્યુઅલનો ઉપયોગ કર્યા વિના જ વીજળી પેદા કરવાનું લક્ષ્યાંક 2030ની સાલ સુધીમાં 500 ગીગા વૉટનું રાખ્યું છે.

પરિણામે અઢીથી ત્રણ અબજ ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. તેથી જ 2030ની સાલ સુધીમાં ભારતે તેની વીજળીની કુલ જરૂરિયાતના 5 ટકા વીજળી સોલાર, વિન્ડ અને જળ વિદ્યુત જેવા સ્રોતોથી કરવાનું ટાર્ગેટ નક્કી કરી લીધું છે. તેને માટ જંગલ વિસ્તારમાં વૃક્ષની સંખ્યા વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે જ નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન પણ ચાલુ કરવામાં આવ્યું છે. 2030ની સાલથી દર વર્ષે 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજન પેદા કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. તેથી જ ઇલેક્ટ્રિકલ વેહિકલનો વપરાશ વધે તે માટેના પ્રયાસો ભારત સરકાર છેલ્લા પાંચથી સાત વર્ષથી કરી રહી છે. આ ધ્યેય સાથે જ 2022ની સાલમાં કાર્બનનું માર્કેટ ચાલુ કરવામાં આવ્યું છે. તેના પર શેરબજારની માફક ઓનલાઈન ટ્રેડિંગની વ્યવસ્થા ગોઠવી દીધી છે.

ભાવની અસ્થિરતાની સમસ્યા

કાર્બન ટ્રેડિંગની આ વ્યવસ્થામાં ભાવની અસ્થિરતાની એક મોટી સમસ્યા નડી રહી છે. કાર્બન ટ્રેડિંગમાં ભાવ સ્થિર રહે તે જરૂરી બની ગયું છે. આમ તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એનર્જી ટ્રાંઝિશનને આગળ ધપાવવા માટે પ્રયત્નશીલ છે. એનર્જી ટ્રાંઝિશન એટલો કે ફોસિલ્સ ફ્યુઅલને બદલે સોલાર, વિન્ડ અને જળવિદ્યુતના વિકલ્પને અપનાવવામાં આવતા અર્થતંત્ર, ઉદ્યોગો અને વૈશ્વિક મુદ્દાઓને કેવી રીતે અસર કરે છે તે શોધી કાઢીને તેનું નિયમન કરવાના અભિગમને અપનાવવા માંડ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની માફક ભારત સરકાર પણ નવી કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ લાવીની કાર્બન ક્રેડિટના વેપારને વધુ સ્થિરતા આપવાનો પ્રયાસ કરી રહી છે. આ નવી સ્કીમ કાર્બન ઉત્સર્જનના ભાવ નક્કી કરે છે.

કાર્બન ઉત્સર્જન પર નિયમન કરવાની વ્યવસ્થાનો અમલ 2026થી શરૂ થઈ રહ્યો છે. તેનો અમલ ચાલુ થાય તે પહેલા ભારત સરકારે આંતરરાષ્ટ્રીય અનુભવમાંથી બધું જ જાણી અને સમજી લઈને કાર્બન ક્રેડિટના ભાવના બજારમાં સ્થિરતા લાવવા અને તેમાં અત્યાર સુધી થતી ભૂલો આગામી મહિનાઓમાં ન થાય તે માટેના આયોજન કરી લેવા જરૂરી બની ગયા છે. વિશ્વના અન્ય દેશોમાં કોમ્પ્લાયન્સ કાર્બન માર્કેટમાં તે જોવા મળી રહ્યું છે. આમ કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ માત્ર એક વહીવટી ફ્રેમવર્ક ન રહે, પરંતુ ઉર્જાના ઉત્પાદનમાં સંક્રમણની થઈ રહેલી શરૂઆતના તબક્કામાં કાર્બન ક્રેડિટનું માર્કેટ ઇન્વેસ્ટમેન્ટનું એક સાધન બની રહે તે માટે સ્થિતિ સ્થાપક બજાર શિસ્તબદ્ધ રીતે ચાલતું થાય તથા સ્થિતિસ્થાપકતા અને શિસ્ત વચ્ચે વ્યવસ્થિત સંતુલન જળવાય તે જોવાની જવાબદારી ભારત સરકારની છે.

કાર્બન ક્રેડિટના વર્તમાન બજારની સ્થિતિ

ભારતનું કાર્બન ક્રેડિટ બજાર હજુ પૂરું વિકસેલું નથી. ઘણી કંપનીઓ પોતાનું ઉત્સર્જન કેટલું છે તે સાચી રીતે માપતી જ નથી. પરિણામે કાર્બન ક્રેડિટની મદદથી વાતાવરણમાં કાર્બનના પ્રમાણમાં થયેલા વાસ્તવિક ઘટાડાનું સાચું પ્રતિબિંબ પડતું જોવા મળતું નથી. બીજી ખામી એ છે કે બજારમાં ઘણી વખત વધારે ક્રેડિટ આવી જાય છે. તેથી કાર્બન ક્રેડિટના ભાવ ઘટી જાય છે પરિણામે કંપનીઓને કાર્બન ક્રેડિટ બનાવવાનો વાસ્તવિક કે પૂરતો લાભ મળતો જ નથી. સરકારી નિયમો અને દંડ પ્રક્રિયા પણ હજુ સ્પષ્ટ નથી, જેથી પાલન ન કરનાર કંપનીઓ સામે કડક પગલાં લેવાતા નથી. તદુપરાંત બજારમાં કાર્બન ક્રેડિટની મોટે પાયે ખરીદી કરનારા અને વિશ્વસનીય ખરીદદારો ઓછા હોવાથી કાર્બન ક્રેડિટની બજારમાં લિક્વિડિટી પણ ઓછી હોય છે. આ તમામ કારણોથી ભારતનું કાર્બન ક્રેડિટ બજાર પૂરી રીતે મજબૂત અને વિશ્વાસપાત્ર બની શક્યું નથી.

ભારતમાં કાર્બન ક્રેડિટ માર્કેટ સામાન્ય રીતે ઉદ્યોગો માટે બેઝલાઈન-એન્ડ-ક્રેડિટ મોડેલ પર કામ કરે છે: પ્રતિ ઉત્પન્ન એકમ ઉત્સર્જન દર નિર્ધારિત થાય છે અને તેનાથી કાર્બન ઉત્સર્જનમાં થયેલા ઘટાડાની ક્રેડિટ આપવામાં આવે છે. આ કાર્બન ક્રેડિટના કંપનીઓ પોતે વાપરી કે પછી જરૂર પડ્યે વેચી પણ શકે છે. ભારતના કાર્બન ક્રેડિટના માર્કેટમાં ખામીઓ પણ ઘણી જ છે. કાર્બન ક્રેડિટ અંગેનો ડેટા અધૂરો છે. સાર્વત્રિક અને ઓડિટેબલ ઉત્સર્જન ડેટાબેઝ મજબુત નથી, પરિણામે એક બેન્ચમાર્ક નક્કી કરવાની સમસ્યા ઊભી થાય છે. કાર્બન ક્રેડિટની હરાજી કે ઓક્શનમાં આવક અથવા ડાયનામિક સપ્લાય એડજસ્ટમેન્ટ મિકૅનિઝમની ગેરહાજરી હોવાથી બજાર દબાણ સામે નબળું બને છે. કાર્બન ક્રેડિટ અંગેની માર્ગદર્શિકા-ગઈડલાઈન્સ અને દંડને લગતી અનિશ્ચિતતાઓને કારણે કાર્બન ક્રેડિટના બજારમાં પ્રવાહિતા ઓછી જોવા મળે છે. તેમ જ બજારને દોરનાર પરિબળો અંગે સ્પષ્ટતા ન હોવાથી ભારતનું કાર્બન ક્રેડિટનું માર્કેટ નાણાકીય રોકાણ માટેની વિશ્વસનીયતા ઊભું કરી શકતું નથી. ભારતમાં કાર્બન ક્રેડિટ માર્કેટનો મુખ્ય ઉદ્દેશ ઓછું પ્રદુષણ કરતી કંપનીઓ કાર્બન ઉત્સર્જન ઘટાડે તો તેને કાર્બન ક્રેડિટ મળે છે. આ કાર્બન ક્રેડિટ મેળવનારી કંપનીઓ બીજી કંપનીઓને કે  બીજા ઉદ્યોગોને વેચી શકે છે. આમ બજાર પ્રદૂષણ ઘટાડવા પ્રોત્સાહિત કરે છે.

કાર્બન ક્રેડિટના નીચા ભાવ પણ બજાર ન વિકસવા માટે જવાબદાર છે. વિશ્વસ્તરની રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે આપેલી માહિતી મુજબ ચોથી એપ્રિલ 2025ના  યુરોપિયન યુનિયન કાર્બન એલાવન્સ એક ટન કાર્બન એમિશનના 63.10 યુરો થઈ ગયા હતા. ક અઠવાડિયા પહેલાના ભાવની તુલનાએ તેમાં 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ જ રીતે 21મી ફેબ્રુઆરી 2025ના 6 ટકા ગગડીને 73.95 યુરો થઈ ગયો હતો. 25મી માર્ચ 2025ના દિને તે ત્રણ ટકા ઘટીને 73.04 યુરો પર આવી ગયો હતો. કુદરતી ગેસના માર્કેટમાં થયેલી વધઘટ અને ભૌગોલિક વિસ્તારને કારણે ઊભા થતાં જોખમોને પરિણામે કાર્બન એમિશનના ટનદીઠ ભાવમાં પ્રસ્તુત પરિવર્તન જોવા મળ્યા હતા. કાર્બન એમિશનના ટનદીઠ ભાવમાં આવેલો આ ઘટાડો બજાર કેટલું સંવેદનશીલ બની ગયું છે. તે દર્શાવે છે કે ડિમાન્ડ અને સપ્લાયમાં મોટી અસમતુલા ઊભી થઈ ગઈ છે. આ પ્રકારની વધઘટને પરિણામે બજાર સ્થિર રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી બની જાય છે.

ભારતના બજારમાં પણ આ સ્થિતિ નિર્માણ થાય છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર ગ્લોબલે આપેલા દ્રષ્ટાંત પ્રમાણે ઓક્ટોબર 2025 દરમિયાન કાર્બન ક્રેડિટના બજારમાં મંદી જોવા મળી હતી. ભારતની રિન્યુએબલ એનર્જીને કારણે જનરેટ થતી કાર્બન ક્રેડિટ્સનું 31મી ઓક્ટોબર 2025ના કરવામાં આવેલા અવલોકન દરમિયાન ભારતના કાર્બન ક્રેડિટના માર્કેટમાં મેટ્રિક ટનદીટ કાર્બન ક્રેડિટનો ભાવ 65 સેન્ટ એટલે કે માત્ર રૂ. 55ની આસપાસનો થઈ ગયો હતો. ઓક્ટોબરમાં કાર્બન ક્રેડિટનો પુરવટો વધતા ભાવ ગગડી ગયા હતા. કાર્બન ક્રેડિટની ખરીદી કરનારા ન હોવાથી પણ તેના ભાવ ગગડી રહ્યા છે.

કાર્બન ક્રેડિટના બજાર માટે ભારત સરકારે અપનાવેલી સિસ્ટમ

ભારત સરકારે બેઝલાઈન-એન્ડ-ક્રેડિટ સિસ્ટમ અપનાવી છે. આ સિસ્ટમ કાર્બન ઉત્સર્જનની તીવ્રતા આધારિત કાર્બન બજારનું નિર્માણ કરે છે. પરિણામે આર્થિક વિકાસની ગતિ જાળવી રાખવાની સાથે સાથે જ ક્લાઈમેટ ચેન્જ અટકાવવા માટે નક્કી કરેલા લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. ભારત સરકારનું આ મોડેલ ખાસ કરીને આરંભિક ડીકાર્બનાઈઝેશન માટે યોગ્ય છે. આ મોડેલમાં ઉત્પાદનની સાથે સાથે જ કાર્બનના પ્રતિ યુનિટ ઉત્સર્જન ટારગેટ નક્કી કરવામાં આવે છે. આમ ઔદ્યોગિક વિકાસને અસર ન થાય અને ઉદ્યોગોને દંડ કર્યા વગર આધુનિકીકરણને પ્રોત્સાહન મળે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. હા, તેને માટે ખૂબ સચોટ કેલિબ્રેશન જરૂરી છે, કારણ કે ક્રેડિટ સપ્લાઈ સીધા ઉત્પાદન અને તેના થકી કાર્બન ઉત્સર્જન થવામાં આવતા ઘટાડાની સ્થિતિ પર આધારિત છે. પ્રાથમિક તીવ્રતા વચ્ચે નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંકની મદદથી કાર્બન ઉત્સર્જનમાં સરેરાશ માત્ર 3 ટકાનો ઘટાડો લાવી શકાય છે. આ સ્થિતિમાં કાર્બન માર્કેટના ભાવમા સ્થિરતા લાવવી જરૂરી છે.

ભારતીય બજારની વિશ્વસનિયતા ઘટાડતી ડિઝાઇનની ખામીઓ

ભારતની કાર્બન ક્રેડિટના માર્કેટિંગની યોજનાની સમગ્ર વ્યવસ્થામાં અનિયમિત એટલે કે indefinite બેન્કિંગની વ્યવસ્થા બજારની સ્થિરતા સામે જોખમ ઉભું કરી શકે છે. બેન્કિંગ કંપનીઓને સ્થિતિસ્થાપકતા-લવચીકતા પૂરી પાડે છે. તેને પરિણામે નિર્ધારિત સમયગાળા દરમિયાન પાલન ખર્ચનું સંચાલન કરી શકે છે. પરંતુ નરમ પ્રારંભિક ટાર્ગેટ્સ સાથે જોડાય ત્યારે મોટા પ્રમાણમાં વધારાના ક્રેડિટ્સ ઊભા થઈ શકે છે. આ વ્યવસ્થા ભવિષ્યમાં પણ કોમ્પ્લાયન્સ પૂરા કરવાની તક પૂરી પાડે છે અને ભાવમાં ઘટાડો લાવી શકે છે. આ નરમ ટાર્ગેટ્સ સામર્થ્યના અભાવને કારણે નહીં, પરંતુ વ્યવહારુ અનિશ્ચિતતાઓને કારણે થાય છે. તેનું બીજું એક કારણ એ છે કે બજારના નિયમનકારો ઈચ્છે છે કે શરૂઆતમાં સરળતા રહેવી જરૂરી છે.

ભારત માટે PSAMના ત્રણ મહત્વના ભાગ

એક કેન્દ્રિય પારદર્શક પ્લેટફોર્મ  બનાવવું જોઈએ. આ પ્લેટફોર્મ પર મેળવવામાં આવેલી કાર્બન  ક્રેડિટનો એક ભાગ ઓક્શન માટે મૂકવો જોઈએ. તેમ કરવાથી માર્કેટ પર નિયંત્રણ રાખનાર કે નિયમનકાર પાસે સપ્લાઈ એડજસ્ટ કરવાનો સીધો કંટ્રોલ આવી જાય છે. બીજું, કાર્બન ક્રેડિટના નિયમો જે વર્ષની કાર્બન ક્રેડિટ હોય તે પ્રમાણેના હોવા જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો કાર્બન ક્રેડિટને તેના ઇશ્યૂ વર્ષ પ્રમાણે ટેગ કરવી જોઈએ. જૂના ક્રેડિટની ઉપયોગ ક્ષમતા મર્યાદિત કરી દેવી જોઈએ. જૂના ક્રેડિટનો ઓછો ભાવ બજારમાં ભવિષ્યમાં અછત ઊભી થવાની સંભાવનાનો સંકેત આપે છે. કાર્બન ક્રેડિટના ભાવ તળિયાની સપાટીએ પહોંચે કે પછી ટોચ પર પહોંચે તે પહેલા જ પરિસ્થિતિને સુધારી લેવા માટેના પગલાં લેવા જરૂરી છે. કાર્બન ક્રેડિટનો ઓછો ભાવ હોય ત્યારે બજારમાં ઓછા કાર્બન ક્રેડિટને તરતાં મૂકવા જોઈએ. કાર્બન ક્રેડિટના ભાવ બજારમાં વધારે ત્યારે બજારમાં ફરતાં કાર્બન ક્રેડિટની સંખ્યામાં ઘટાડો કરી દો. હૂંડિયામણ બજારમાં ભારતીય રૂપિયાના મૂલ્યને જાળવી રાખવા માટે રિઝર્વ બેન્ક જે રીતે દરમિયાનગીરી કરે છે તે જ રીતે કાર્બન ક્રેડિટના માર્કેટમાં પણ દરમિયાનગીરી થવી જરૂરી છે. તેને માટે શરૂઆતમાં નરમ બેન્ચમાર્ક્સ રાખવામાં આવે છે, તેમ કરવાથી સમગ્ર માળખામાં સપ્લાય ડિમાન્ડ કરતાં વધી જાય છે.

સમગ્રતયા વિચાર કરવામાં આવે તો સારી રીતે ચાલતી કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા મજબૂત કરશે.  યુરોપીયન CBAM જેવા વૈશ્વિક ટ્રેડ નિયમો સાથે સંગત બનશે. તેમ જ ભારતને ઉદયમાન અર્થતંત્રોમાં કાર્બન ક્રેડિટની માર્કેટની સંગીન ડિઝાઈન તૈયાર કરવામાં સૌથી કાબેલ દેશ તરીકેનું સ્થાન અપાવી શકે છે.

 

Read Previous

આ ત્રણ સરકારી માલિકીની વીમા કંપનીઓનું વિલિનીકરણ કરાશે, સરકારે કર્યું છે 17,450 કરોડનું મૂડી રોકાણ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular